કાશ્મીરમાં 2019ના 'હતોત્સાહ' બાદ નવા પ્રકારનો રાષ્ટ્રવાદ ઊભરી શકે છે?

  • એમ. ઇલ્યાસ ખાન
  • બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ
પીઓકે

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલા હિમાલય પ્રદેશમાંના કાશ્મીર માટે 2019નું વર્ષ નાટકીય રાજકીય ઘટનાઓનું બની રહ્યું.

ઑગસ્ટમાં ભારત સરકારે તેના અંકુશ હેઠળના કાશ્મીરના હિસ્સાને દેશમાં ભેળવી દેવાનો સુધારો કાયદામાં કરીને વિશ્વને આંચકો આપ્યો ત્યારે, એ રાજકીય ઘટનાક્રમ તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો.

કાશ્મીર લાંબા સમયથી ઊથલપાથલભર્યો પ્રદેશ રહ્યું છે. વર્ષ 1947માં બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસનમાંથી આઝાદ થયું ત્યારથી કાશ્મીર માટે ભારત અને પાકિસ્તાન ત્રણ યુદ્ધ લડ્યાં છે.

પાકિસ્તાનનું પીઠબળ ધરાવતી ઇસ્લામી બંડખોરી છેક 1980ના દાયકાથી સમગ્ર પ્રદેશને ધમરોળતી રહી છે અને આ દરમિયાન 70,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

2019 કાશ્મીર માટે આટલું હતોત્સાહી શા માટે રહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષની શરૂઆત પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) સાથે સંકળાયેલા ઉગ્રવાદી જૂથના હુમલા સાથે થઈ હતી.

એક વર્ષ અગાઉ ગુમ થયેલા કાશ્મીરના પુલવામા જિલ્લાના 22 વર્ષના એક યુવકે વિસ્ફોટક સામગ્રી ભરેલું વાહન લશ્કરી કાફલા સાથે ફેબ્રુઆરીમાં ટકરાવ્યું હતું.

તેમાં એ યુવક અને 40થી વધારે ભારતીય સૈનિકો મૃત્યુ પામ્યાં હતાં.

જેઈએમએ તરત જ એ હુમલાની જવાબદારીનો દાવો કર્યો હતો અને બૉમ્બરનો વીડિયો ઑનલાઇન પોસ્ટ કર્યો હતો.

પુલવામા હુમલાને પગલે ભારતે પાકિસ્તાની પ્રદેશ પર, વર્ષ 1971માં બન્ને દેશ વચ્ચે લડાયેલા યુદ્ધ બાદ પહેલી વાર લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભારતીય વિમાનોએ બાલાકોટ વિસ્તારમાં હવાઈહુમલો કર્યો હતો અને જેઈએમની તાલીમ છાવણીઓને ફૂંકી મારી હતી.

એ પછીના હવાઈસંઘર્ષમાં કમસે કમ બે ભારતીય વિમાનોને તોડી પાડવામાં આવ્યાં હતાં અને ભારતના એક ફાઇટર પાયલટને પાકિસ્તાનના તાબે થવું પડ્યું હતું.

તે પાકિસ્તાન માટે ઉપકારક સાબિત થયું હતું. તેના અનુસંધાને કેટલાક આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ એવું તારણ કાઢ્યું હતું કે બાલાકોટ સંઘર્ષમાં તેનો હાથ ઉપર રહ્યો હતો.

અલબત્ત, તાબે કરવામાં આવેલા પાયલટને ઇસ્લામાબાદે 'સદભાવનાનાં પગલાં સ્વરૂપે' ભારતને પરત સોંપ્યો હતો.

વિદેશમાં અમુક વર્ગે એ પગલાને આવકારદાયક ગણાવ્યું હતું, પણ પાકિસ્તાનમાંના ઘણા લોકોએ તેને આકરો સંઘર્ષ નિવારવાનો પ્રયાસ ગણાવ્યું હતું, કારણ કે પાકિસ્તાનનું સૈન્ય આકરા સંઘર્ષ માટે તૈયાર નહોતું.

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન એક ડગલું આગળ વધ્યું હતું અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં સક્રિય ઉગ્રવાદી જૂથોની ઑફિસો બંધ કરાવી હતી.

ભારત તરફથી વધતા ખતરાને ધ્યાનમાં લઈને આંતરરાષ્ટ્રીય મતને પોતાની તરફેણમાં વાળવાનો એ પાકિસ્તાનનો દેખીતો પ્રયાસ હતો.

દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા તથા બાલાકોટ બન્ને ઘટનાનો ઉપયોગ ઘરઆંગણે ચૂંટણીમાં લોકસમર્થન મેળવવા માટે કર્યો હતો અને ત્રણ મહિના પછી યોજાયેલી ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી હતી.

કાશ્મીરનો ખાસ દરજ્જો હઠાવીને તેને ભારત સાથે જોડવાનો તેમનો ઑગસ્ટનો નિર્ણય, સંસદીય ચૂંટણીમાં મળેલા વિજય પરની વિશિષ્ટ કલગી બન્યો હતો.

જોકે પાકિસ્તાન તરફથી વધુ એક વખત તેનો કોઈ તુલનાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો. વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારે માત્ર રેલીઓ યોજી હતી અને કાશ્મીરીઓને ટેકો આપતાં ઠાલાં નિવેદનો કર્યાં હતાં.

દરમિયાન, ભારત અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની અંકુશરેખા પર ગોઠવવામાં આવેલા લશ્કરીદળોની સૈન્યના ટોચના અધિકારીઓએ લીધેલી મુલાકાતને વ્યાપક પ્રસિદ્ધિ આપવાની સાથે પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તાએ તેમના સૈનિકોનું મનોબળ મજબૂત હોવાનું જણાવ્યું હતું.

અલબત્ત, ભારતનાં પગલાં સામે લોકસમર્થન મેળવવાના રાષ્ટ્રવાદી જૂથોના પ્રયાસોને નિષ્ફળ બનાવતો નિર્ણય પાકિસ્તાન સરકારે લીધો હતો.

ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસવાનો પ્રયાસ કરતા રાષ્ટ્રવાદી પ્રદર્શનકર્તાઓને પાકિસ્તાની લશ્કરીદળોએ ઑક્ટોબરમાં અટકાવ્યા હતા.

પ્રદર્શનકર્તાઓએ એવી દલીલ કરી હતી કે સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવ હેઠળ કાશ્મીરમાં મુક્ત રીતે આવ-જા કરવાનો તેમને અધિકાર છે.

ભૂતપૂર્વ પત્રકાર અને કાશ્મીરીઓના અધિકાર માટે ઝુંબેશ ચલાવતા ઝુલ્ફીકાર અલીએ કહ્યું હતું, "આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં છીએ અને નિર્ણય લેવો અનિવાર્ય છે."

"ભારત હંમેશાંથી કાશ્મીરી લોકોનું દુશ્મન રહ્યું છે અને પાકિસ્તાને પણ કાશ્મીરીઓનું ભલું કર્યું નથી."

વિવાદ કઈ રીતે વકર્યો?

ઇમેજ સ્રોત, Getty Images

1947માં ભારતના સ્વાતંત્ર્ય પહેલાં કાશ્મીર મુસ્લિમોના બાહુલ્યવાળું રાજ્ય હતું અને એક હિંદુ મહારાજા તેના શાસક હતા.

પણ પાકિસ્તાનને મુસ્લિમ દેશ બનાવવા માટે ભારતના ભાગલા કરવામાં આવ્યા ત્યારે હિંદુ મહારાજા ભારત કે પાકિસ્તાન સાથે નહીં જોડાઈને સ્વતંત્ર રહેવા ઇચ્છતા હતા.

ટૂંક સમયમાં જ પાકિસ્તાને ઉત્તર-પશ્ચિમના તેના સશસ્ત્ર આદિવાસી મળતિયાઓને હિંદુ રાજવીને સત્તા પરથી ઊથલાવવા મોકલ્યા અને પહેલી લડાઈ થઈ, તેમાં ફસાઈ ગયેલા હિંદુ મહારાજાએ ભારત સાથે જોડાવાના કરાર કરી લીધા હતા.

એ લડાઈને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનું પ્રાદેશિક વિભાજન થયું હતું. પાકિસ્તાને તેમાંથી નાનો હિસ્સો ચીનને આપ્યો હતો.

ભારતમાં એ વખતે બિનસાંપ્રદાયિક કૉંગ્રેસ પક્ષની સરકાર હતી.

મહારાજાએ ભારતમાં જોડાવા માટે કરેલા કરારને કૉંગ્રેસ સરકારે મહત્ત્વનો ગણ્યો હતો અને જૂન 1948માં કૉંગ્રેસની સરકારે કાશ્મીરમાં જનમત યોજવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં રજૂઆત કરી હતી, જેથી કાશ્મીરી લોકો 1947માં તેમને અપાયેલા ત્રણ વિકલ્પમાંથી એકની પસંદગી કરી શકે.

જનમત યોજવા માટે ભારત અને પાકિસ્તાને અનેક મુદ્દે સહમત થવું જરૂરી હતું, પણ વિભાજનને પગલે બન્ને દેશ વચ્ચે સર્જાયેલી દુશ્મનાવટ જેવી સ્થિતિને કારણે તેઓ સહમત થઈ શક્યા નહોતા.

દરમિયાન, ભારતમાં સંસદીય લોકશાહીએ પ્રગતિ કરી હતી, જ્યારે પાકિસ્તાનમાં રાજકીય નિર્ણય લેવાની પ્રક્રિયા લશ્કરના હાથમાં ચાલી ગઈ હતી.

વર્ષ 1965માં પાકિસ્તાને ભારતવિરોધી બળવો કરવા માટે કાશ્મીરી ગ્રામજનોને ઉશ્કેરવા તેના હજારો લશ્કરી જવાનોને મોકલ્યા હતા.

તેના પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજું યુદ્ધ થયું હતું, જેમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો.

1980ના દાયકામાં પાકિસ્તાને લાંબી ત્રાસવાદી ઝુંબેશ માટે હજારો ઈસ્લામી ઉગ્રવાદીઓને કાશ્મીરમાં ધકેલ્યા હતા.

અમેરિકા પરના 9/11ના હુમલાઓને પગલે પાકિસ્તાને એ ત્રાસવાદ પર લગામ ખેંચવી પડી હતી.

નવા પ્રકારનો રાષ્ટ્રવાદ ભરશે?

ઇમેજ સ્રોત, AFP

નાના પ્રમાણમાં કે અલગ સ્વરૂપે કાશ્મીરમાં ઇસ્લામી ઉગ્રવાદની છાપ સતત જોવા મળતી રહી છે.

બ્રિટનમાં કાશ્મીરતરફી જૂથના વડા અને કાશ્મીરી વકીલ ડૉ. નાઝીર ગિલાની માને છે કે કાશ્મીર મુદ્દાના ન્યાયશાસ્ત્રને પાકિસ્તાની નેતાગીરી સમજી શકી ન હોવાથી તેણે સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવનું મહત્ત્વ ઓછું આંક્યું છે.

જોકે બીજા લોકો એવું કહે છે કે સંપૂર્ણ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવે એ એકમાત્ર ઉકેલ જ પોતાને સ્વીકાર્ય હોવાનું ઇસ્લામાબાદે લાંબા સમયથી માની લીધું છે.

અહીં કાશ્મીરીઓને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રવાદના આધારે સ્વાતંત્ર્ય માગવાની છૂટ હોવી જોઈએ એ વિચાર સાથે ઇસ્લામિક રાષ્ટ્રના પાકિસ્તાનના દૃષ્ટિકોણની ટક્કર થઈ છે.

વકીલ, રાજકારણી અને પાકિસ્તાનના સ્વતંત્ર માનવાધિકાર પંચ (એચઆરસીપી)ના ભૂતપૂર્વ વડા અફ્રાસિઆબ ખટ્ટકે કહ્યું હતું, "પાકિસ્તાને 1970ના દાયકામાં તેના હિસ્સામાંના કાશ્મીરમાં ચૂંટણીની શરૂઆત કરાવી ત્યારે ચૂંટણી લડતા ઉમેદવારો માટે પાકિસ્તાન પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા કરવાનું ફરજિયાત બનાવ્યું હતું, જે આજે પણ પ્રમાણભૂત પ્રક્રિયા છે."

એ નિયમને કારણે, ભારત અને પાકિસ્તાન બન્નેમાંથી કાશ્મીરના સ્વાતંત્ર્યને ટેકો આપતા રાષ્ટ્રવાદીઓ માટે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવાના દરવાજા બંધ થઈ ગયા છે.

ખટ્ટકે ઉમેર્યું હતું, "1980ના દાયકામાં ભારતીય શાસન સામે બળવો કરાવવા માટે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ને શરૂઆતમાં ટેકો આપ્યો હતો."

"એ ગણતરીપૂર્વકનું પગલું હતું. આ હેતુ સાધવામાં તેઓ 1965માં નિષ્ફળ ગયા હતા અને એવું માનતા રહ્યા હતા કે તેમણે કશું ગુમાવવાનું નથી."

"એ બળવો ફેલાયો ત્યારે ઇસ્લામાબાદે પુનર્વિચારણા કરી હતી અને ભારતના હિતને તથા જેકેએલએફના લોકોને પછાડવા માટે પોતાના ઇસ્લામી વિશ્વાસુઓને મોકલ્યા હતા."

સવાલ એ છે કે ભારત, પાકિસ્તાન અને કાશ્મીરીઓ માટે આગામી વર્ષમાં શું થશે?

કાશ્મીરમાં ફાટી નીકળેલો અને છેલ્લા ચાર મહિનાથી ઉગ્ર જણાતો ક્રોધાવેશ સૂચક છે.

ખટ્ટક માને છે કે જોડાણ પછી કાશ્મીરી રાષ્ટ્રવાદનો નવો તબક્કો શરૂ થઈ શકે છે. તેની સફળતાનો આધાર, કાશ્મીરી રાષ્ટ્રવાદીઓ તેમની ચળવળમાંથી જેહાદીઓને કેટલા ઝડપથી દૂર કરી શકે છે તેના પર છે.

આ વાત સાથે સહમત થતાં ઝુલ્ફીકાર અલીએ કહ્યું હતું, "સ્વાતંત્ર્ય મેળવવા માટે પોતે બહારી સત્તા પર આધાર રાખી શકે નહીં એ વાતનું ભાન કાશ્મીરીઓને થયું છે. એ માટેની ચળવણ સંપૂર્ણપણે સ્વદેશી અને અહિંસક હોવી જોઈએ એ પણ તેમને સમજાયું છે."

"મોટા ભાગના રાષ્ટ્રવાદી નેતાઓ કાં તો જેલમાં છે અથવા વિદેશમાં છે ત્યારે યુવા વર્ગમાંથી નવી નેતાગીરી ઉભરવાની શક્યતા છે. બુરહાન વાનીનું 2016માં મોત થયા પછી યુવા નેતાગીરી ઉભરતી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો