TOP NEWS: 'RSS મુસ્લિમોનો નરસંહાર કરે તે પહેલા જગતે જાગી જવું જોઈએ' - ઇમરાન ખાન

ઇમરાન ખાન Image copyright Getty Images

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફરી એક વખત શાબ્દિક હુમલો કર્યો છે.

ભારતમાં હાલ ભાજપની સરકાર છે. ભાજપ અને સંઘ બંને જોડાયેલા છે અને બંનેની વિચારધારા એક છે.

આ પહેલાં ગુરુવારના રોજ તેલંગણામાં RSSએ માર્ચ કાઢી હતી.

સુચિત્ર વિજયન નામની એક વ્યક્તિએ RSSની એ માર્ચની વીડિયો-ક્લિપ ટ્વિટર પર શૅર કરી હતી.

ઇમરાન ખાને સુચિત્ર વિજયનના ટ્વીટને રિ-ટ્વીટ કરતાં લખ્યું, "RSSના કારણે મુસ્લિમોનો નરસંહાર થાય તે પહેલાં આંતરરાષ્ટ્રીય જગતે જાગી જવું જોઈએ."

"મુસ્લિમોના નરસંહાર સામે દુનિયાના બીજા નરસંહાર ખૂબ નાના સાબિત થશે. કોઈ ધર્મ વિશેષથી નફરતના આધારે જ્યારે હિટલરના બ્રાઉન શર્ટ્સ કે RSS જેવા સંગઠન બને છે, તેમનો અંત હંમેશાં નરસંહાર પર થાય છે."

આ પહેલાં પણ ઇમરાન ખાને RSS પર ઘણી વખત પ્રહારો કર્યો છે.

ઇમરાન ખાન જ્યારે પણ ભારતની નરેન્દ્ર મોદી સરકાર પર વાત કરે છે, તેમાં RSSનો ઉલ્લેખ ચોક્કસપણે હોય છે. સાથે જ તેઓ ભારતની ભાજપ સરકારની સરખામણી જર્મનીની નાઝી સરકાર સાથે કરે છે.


14 નવેમ્બરને બદલે 27 ડિસેમ્બરે 'બાળદિવસ' મનાવવાની માગ

Image copyright Getty Images

દિલ્હીથી ભાજપના સાંસદ મનોજ તિવારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે.

ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પત્રમાં તેમણે અનુરોધ કર્યો છે કે બાળદિવસ 14 નવેમ્બરે નહીં પણ 27 ડિસેમ્બરે ઊજવવામાં આવે.

તેનું કારણ આપતા તેમણે કહ્યું છે કે 27 ડિસેમ્બરે બાળદિવસ મનાવી ગુરુ ગોવિંદ સિંહના સગીર પુત્રોના શહાદતદિવસને યાદ કરવામાં આવે.

પત્રમાં તિવારીએ લખ્યું છે, "શીખોના દસમા અને અંતિમ ગુરુના 'નાના સાહબજાદા' જોરાવર સિંહ અને ફતેહ સિંહ 1705માં ધર્મની રક્ષા કરતા પંજાબના સરહિંદમાં શહીદ થયા હતા."

"મારા મતે તેમની શહાદતવાળા દિવસે 'બાળદિવસ' મનાવી આ બહાદુર બાળકોનાં બલિદાનને યાદ કરવાથી દેશનાં બાળકો માટે પ્રેરણાસ્રોત બનશે."


મલાલા 'વિશ્વનાં સૌથી લોકપ્રિય કિશોરી'

Image copyright Getty Images

સંયુક્ત રાષ્ટ્રએ 'ડિકેટ ઇન રિવ્યૂ' રિપોર્ટમાં પાકિસ્તાનનાં સામાજિક કાર્યકર અને નોબેલ પુરસ્કાર (શાંતિ) વિજેતા મલાલા યૂસુફઝઈને 'વિશ્વનાં સૌથી લોકપ્રિય કિશોરી' ઘોષિત કર્યાં છે.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે સમીક્ષા રિપોર્ટમાં 2010ના મધ્યથી માંડીને 2013ના અંત સુધીના કાર્યક્રમોને સામેલ કરવામાં આવ્યા હતા.

તેમાં 2010માં હૈતીમાં આવેલા ભૂકંપ, 2011માં સીરિયાઈ સંઘર્ષ અને 2012માં મલાલા યૂસુફઝઈ દ્વારા છોકરીઓની શિક્ષા મામલે ચલાવવામાં આવેલા અભિયાનને સામેલ કરવામાં આવ્યાં છે.

વર્ષ 2014માં મલાલાને નોબેલ પુરસ્કાર (શાંતિ)થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. મલાલા સૌથી નાની વયે આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારી વ્યક્તિ છે.


સેના પ્રમુખના નિવેદન પર વિવાદ

Image copyright Getty Images

નાગરિકતા સંશોધન કાયદા તેમજ NRC-NPRના મુદ્દે સમગ્ર દેશમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે, તે દરમિયાન આર્મીચીફ બિપિન રાવતે આપેલા નિવેદન પર વિવાદ થઈ રહ્યો છે.

જનરલ બિપિન રાવતે કહ્યું, "નેતા એ હોય છે જે સાચી દિશામાં લોકોનું નેતૃત્વ કરે છે."

જનરલ રાવતે કહ્યું કે મોટી સંખ્યામાં યુનિવર્સિટી અને કૉલેજના વિદ્યાર્થીઓ જે રીતે વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે તેનાથી શહેરોમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ વધી રહી છે. તેમણે કહ્યું કે નેતૃત્વ આવું ન હોવું જોઈએ.

જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તેમણે દિલ્હીમાં ગુરુવારના રોજ એક કાર્યક્રમમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થઈ રહેલાં વિરોધપ્રદર્શનોની નિંદા કરી.

તેમણે કહ્યું, "નેતાની ઓળખ નેતૃત્વથી જ થાય છે. જો તમે પ્રગતિના રસ્તે લઈ જાવ છો, તો તમારી પાછળ દરેક વ્યક્તિ આવી જાય છે. નેતા એ જ છે જે લોકોને સાચી દિશા તરફ લઈ જાય."

"નેતા એ નથી જે ખોટી દિશામાં લઈ જાય. આપણે જોઈ રહ્યા છીએ કે કૉલેજ અને યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે અને આગચંપીની ઘટનાઓ ઘટી રહી છે. આ કોઈ નેતૃત્વ નથી."

આ મુદ્દે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરી કહ્યું, "પોતાની સીમાઓને ઓળખવી જ નેતૃત્વ છે. નાગરિકોની સર્વોચ્ચતા અને જે સંસ્થાના તમે પ્રમુખ છો, તે તેની અખંડતાને સંરક્ષિત કરવા મુદ્દે છે."

આ તરફ સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ સેનાપ્રમુખના નિવેદનની નિંદા કરતા ટ્વિટર પર લખ્યું, "જનરલ રાવતના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકાર દરમિયાન સ્થિતિ એટલી કથળી ગઈ છે કે સેનાના શીર્ષ પદ પર બેઠેલી વ્યક્તિ પોતાની સંસ્થાગત ભૂમિકાની સીમાઓને લાંઘી રહી છે."

"આવી સ્થિતિમાં સવાલ ઊઠવો સ્વાભાવિક છે કે ક્યાંક આપણે સેનાનું રાજકીયકરણ કરી પાકિસ્તાનના રસ્તે તો નથી ચાલી રહ્યા ને?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો