બિનસચિવાલય પરીક્ષા વિવાદ : પેપર ફોડવાનું કૌભાંડ બહાર કેવી રીતે આવ્યું?

 • ભાર્ગવ પરીખ
 • બીબીસી ગુજરાતી માટે
વિરોધ કરતાં વિદ્યાર્થીઓ
ઇમેજ કૅપ્શન,

પરીક્ષા રદ કરવાની માગ સાથે બેનર સાથે વિરોધ કરાયો હતો.

ગુજરાતમાં લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષા પહેલાંથી વિવાદમાં રહી હતી, પરીક્ષામાં ગેરરીતિ થયાના આરોપ બાદ સરકારે આ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો હતો.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ-કૉન્ફરસ કરીને કહ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પરીક્ષા રદ કરાઈ છે.

ગૌણ સેવા પસંદગી બોર્ડે ઑક્ટોબર 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની 2221 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી હતી.

બાદમાં ફરી વાર જૂન 2019માં જગ્યામાં વધારો કરીને 3053 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી.

20 ઑક્ટોબરે પરીક્ષા યોજાવાનું નક્કી હતું, પરંતુ અચાનક જ સરકારના આદેશને અનુસરીને ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી.

બાદમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા 17 નવેમ્બરે લેવાઈ હતી અને ગેરરીતિના આરોપ લાગતાં ફરી રદ કરવામાં આવી હતી.

કેવી રીતે પેપર ફૂટ્યું?

ગાંધીનગર પોલીસ અધીક્ષકની કચેરીએ જાહેર કરેલી પ્રેસ-નોટમાં પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના તલાટી-કમ-મંત્રી પ્રવીણદાન શિવદાન ગઢવી, અમદાવાદના દાણીલીમડાના ફારુક કુરેશી, અમદાવાદની એમએસ સ્કૂલના આચાર્ચ વીજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા, અમદાવાદના ફકરુદ્દીન હૈદરભાઈ ઘડિયારી (એમએસ સ્કૂલના શિક્ષક કે જેમની ભરતીપ્રક્રિયા દરમિયાન એમએસ સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે નિમણૂક હતી), દીપક જોશી, લખવિંદરસિંગ સીધુ, રામભાઈ નરેશભાઈ ગઢવીનાં નામનો ઉલ્લેખ છે.

ગાંધીનગરના પોલીસ વડા મયૂર ચાવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ પેપર ફૂટ્યાની જાણ થઈ ત્યારે અમે તપાસ દરમિયાન ભાવનગરના દીપક જોષીના મોબાઇલથી પેપરલિક થયાનું જણાયું હતું. દીપક જોષી પ્રવીણદાનના સાળા રામભાઈ ગઢવીનો ડ્રાઇવર હતો અને એને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા."

"અમે પેપરલિક થયેલા મોબાઇલ નંબરના સીડીઆરના આધારે તપાસ કરી તો જાણવા મળ્યું કે પ્રવીણદાન ગઢવીએ 16 નવેમ્બરે એમએસ પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલની મદદથી આ સ્કૂલના સંચાલક ફારુક કુરેશીનો સંપર્ક કર્યો હતો."

ચાવડા વધુમાં જણાવે છે, "ફારુક કુરેશીએ 16મીએ એમને સ્કૂલમાં બોલાવી બંડલમાંથી પેપર કાઢીને મોબાઇલથી ફોટા પાડવા દીધા હતા અને ત્યાંથી નીકળી પ્રવીણદાન ગઢવીએ આ પેપર દીપક જોષીને આપ્યું હતું"

"ફારુક કુરેશી પોતે દાણીલીમડાના કૉંગ્રેસના કાર્યકર છે અને જે સ્કૂલમાંથી પેપરલીક થયું તે કૉંગ્રેસના કૉર્પોરેટરના કાકાની છે."

કૉંગ્રેસ-ભાજપના એકબીજા પર આરોપ

પોલીસના આ નિવેદન પછી ભાજપ અને કૉંગ્રેસ નેતાઓએ એકબીજા પર આરોપ લગાવ્યા છે.

જે કૉર્પોરેટરનું નામ ચર્ચાયું છે એ ભાજપના છે કે કૉંગ્રેસના- એના પર આરોપ-પ્રતિઆરોપ થઈ રહ્યા છે. ફારુક કુરેશી કૉંગ્રેસના નહીં પરંતુ ભાજપના કાર્યકર્તા હોવાનો કૉંગ્રેસે દાવો કર્યો છે.

કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "જુલાઈ મહિનામાં ફારુક કુરેશી ભાજપના સદસ્યતા અભિયાન દરમિયાન સાંસદ કિરીટ સોલંકીની આંગળી પકડીને ભાજપમાં જોડાયા હતા અને કિરીટ સોલંકીએ એમને ભગવો ખેસ નાખી પોતાની સાથે લીધા હતા."

તો બીજી તરફ ભાજપના સાંસદ કિરીટ સોલંકી આ દાવાને ફગાવે છે.

બીબીસી સાથેની વાતમાં તેઓ કહે છે, "હું અમદાવાદના પશ્ચિમ વિસ્તારનો ત્રણ ટર્મથી ચૂંટાઈ આવેલો સાંસદ છું. હું દરેક ધર્મ અને જાતિના લોકોને મળું છું."

"અમારું સદસ્યતા અભિયાન જ્યારે ચાલતું હતું ત્યારે સંખ્યાબંધ લોકો મિસ કૉલ કરીને ભાજપમાં જોડાવા માટે મળવા આવ્યા હતા. તેમાં તમામ ધર્મ અને જાતિના લોકો હતા."

"એ સમયે કોઈ ઉત્સાહ બતાવીને અમને મળવા આવે એનો અર્થ એ નથી કે ભાજપનો સદસ્ય હોય. કૉંગ્રેસે સદસ્યતા અભિયાન દરમિયાન પેપરલિક કૌભાંડમાં પકડાયેલા આરોપીઓ સાથે મારું નામ જોડવાનો બેબુનિયાદ પ્રયાસ કર્યો છે."

ઇમેજ સ્રોત, GUJARAT CONGRESS

ઇમેજ કૅપ્શન,

ફારુક કુરેશી ભાજપ સાંસદ કિરીટ સોલંકી સાથે

ફારુક કુરેશીના તે સમયના ફોટોગ્રાફ બતાવીને જયરાજસિંહ કહે છે, "તે સમયે ફારુક કુરેશીને મુખ્ય મંત્રી સાથે મળાવવાની અને એમને ભાજપમાં મોટો હોદ્દો આપવાની પણ વાત કરી હતી."

"એટલું જ નહીં લખવિંદર એનએસયુઆઈનો કાર્યકર્તા હોવાની ખોટી વાર્તા ઘડીને ભાજપ પોતાના જ સાથીએ દ્વારા પેપરલિક કરવાના ષડયંત્ર પર ઢાંકપિછોડો કરી રહી છે."

"વાસ્તવમાં ફારુક કુરેશી ભાજપનો જ કાર્યકર્તા છે અને ભાજપે પોતાની વોટબૅન્ક બનાવવા એને પડખામાં લીધો હતો. પણ જ્યારે એમના માથે રેલો આવી રહ્યો છે ત્યારે એ બચવાની કોશિશ કરી રહ્યા છે.

કિરીટ સોલંકી કહે છે કે "કૉંગ્રેસે આવો આરોપ કરતાં પહેલાં એ ભાજપનો સદસ્ય છે કે નહીં, તેની મેમ્બરશિપની સ્લિપ જોવી જોઈએ અને બાદમાં આવા આક્ષેપો કરવા જોઈએ. કૉંગ્રેસના આ આક્ષેપો સાવ પાયાવિહોણા અને બેબુનિયાદ છે."

જયરાજસિંહે ગુજરાતની ભરતીપ્રક્રિયા અંગે કહ્યું કે, "ગુજરાતમાં ભાજપની સરકાર દ્વારા 28 જેટલી સરકારી નોકરીઓની ભરતીમાં ગોટાળા કરાયા છે ત્યારે પોતે પાક સાફ હોવા માટે કૉંગ્રેસનું નામ બદનામ કરી રહ્યા છે."

"ભાજપે અત્યાર સુધી સરકારી પરીક્ષાના ફોર્મના નામે પાંચ વર્ષમાં બેકાર યુવાનો પાસેથી ફોર્મ ફીના ઓઠા હેઠળ અંદાજે 100 કરોડની ફોર્મ ફી વસૂલી લીધી છે અને લોકોને મૂરખ બનાવ્યા છે."

બિનસચિવાલય કલાર્કની પરીક્ષાના વિવાદનો ઘટનાક્રમ

પહેલેથી જ વિવાદમાં રહેલી 20 ઑક્ટોબરે લેવાનારી બિનસચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવી હતી.

તેની પાછળનું કારણ એ આપવામાં આવ્યું હતું કે, ધોરણ 12 પાસ નહીં પણ સ્નાતક જ પરીક્ષા આપી શકશે.

ગુજરાતમાંથી દસ લાખથી વધુ લોકોએ આ પરીક્ષાના ફોર્મ ભર્યાં હતાં. જેના કારણે નારાજ થયેલા વિદ્યાર્થીઓ સામે સરકાર ઝૂકી હતી અને સરકારે જૂના નિયમો પ્રમાણે જ 17 નવેમ્બરે પરીક્ષા લીધી હતી.

 • 17 નવેમ્બરે પરીક્ષા શરૂ થતાં જ પેપર ફૂટ્યાના આક્ષેપો થયા
 • 18 નવેમ્બરે સરકારે કોઈ પ્રકારની ગેરરીતિ ન થયાનો દાવો કર્યો
 • 22 નવેમ્બરે પરીક્ષા આપનાર ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ આ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થયાના આરોપો કર્યા
 • 29 નવેમ્બરે કૉંગ્રેસે સામૂહિક રીતે આ પરીક્ષામાં ચોરી થઈ હોવાનાં સીસીટીવી ફૂટેજ જાહેર કર્યાં
 • 2 ડિસેમ્બરે પસંદગી મંડળે રજૂઆત સાંભળવાનું બંધ કરી દીધું
 • 3 ડિસેબરે, ગુજરાતભરના ઉમેદવારોએ પરીક્ષા રદ કરવાની માગણી સાથે આંદોલન કર્યું
 • 4 ડિસેમ્બરે સરકારે પેપર લીક થયું હોવાનો ઇન્કાર કર્યો
 • પરીક્ષાર્થીઓના આંદોલન પછી સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી
 • 14 ડિસેમ્બરે એફએસએલ તપાસમાં પેપર લીક થયાનું જાહેર થયું
 • 16 ડિસેમ્બરે સરકારે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી
 • 25 ડિસેમ્બરે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી અને પોલીસે આમાં કૉંગ્રેસના કોઈ નેતા હોવાની જાહેરાત કરી
 • 26 ડિસેમ્બરે કૉંગ્રેસે આ કેસના મુખ્ય સૂત્રધાર ફારુક કુરેશી ભાજપ સાથે સંકળાયેલો હોવાના આરોપ કરતાં રાજકારણ ગરમાયું

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો