ભારતમાં શોધાયેલું એ ઇંજેક્શન જે પુરુષોને પિતા બનતા અટકાવશે

BBC
ફોટો લાઈન BBC

ભારતીય શોધકર્તાઓએ દાવો કર્યો છે કે તેઓએ વિશ્વનું પહેલું એવું ઇંજેક્શન બનાવ્યું છે, જે પુરુષોને પિતા બનતાં રોકી શકે છે.

દાવા પ્રમાણે આ ઇંજેક્શન 13 વર્ષ સુધી કૉન્ટ્રાસેપ્ટિવની જેમ કામ કરશે. શોધકર્તાઓનું કહેવું છે કે આ એક રિવર્સેવલ દવા છે, એટલે કે જરૂર જણાય ત્યારે બીજી દવાના માધ્યમથી અગાઉના ઇંજેક્શનનો પ્રભાવને ખતમ કરી શકાય છે.

આ ઇંજેક્શનને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆરે વિકસિત કર્યું છે.

આઈસીએમઆરમાં વિજ્ઞાનિક ડૉક્ટર આર. એસ. શર્માએ જણાવ્યું કે ક્લિનિકલ ટ્રાયલ માટે 25-45 વર્ષના પુરુષને પસંદ કરાયા છે. આ શોધ માટે એવા પુરુષોને પસંદ કરાયા જે સ્વસ્થ હતા અને તેમને ઓછામાં ઓછાં બે બાળકો હતાં.

તેઓ જણાવે છે કે આ એ પુરુષો હતા જે પોતાના પરિવારને આગળ વધારવા માગતા નહોતા અને નસબંધી કરાવવા માગતા હતા. આ પુરુષોની સાથેસાથે તેમનાં પત્નીઓના પર બધા ટેસ્ટ કરાયા હતા. જેમ કે હિમોગ્રામ, અલ્ટ્રાસાઉન્ડ વગેરે. આમાં 700 લોકો ક્લિનિકલ ટ્રાયલ માટે અને માત્ર 315 લોકો માનદંડો પર ખરા ઊતરી શક્યા.

ફોટો લાઈન BBC

વૈજ્ઞાનિક ડૉ. આર. એસ. શર્મા કહે છે કે આ ઇંજેક્શન માટે પાંચ રાજ્ય- દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ, પંજાબ અને રાજસ્થાનમાં લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરાઈ હતી.

ટ્રાયલ માટે આ લોકોના સમૂહને અલગઅલગ ચરણોમાં ઇંજેક્શન આપવામાં આવ્યાં. જેમ કે પહેલા ચરણમાં 2008માં એક સમૂહના લોકોને ઇંજેક્શન અપાયાં અને તેમના પર 2017 સુધી નજર રાખવામાં આવી. બીજા ચરણમાં 2012થી લઈને 2017 સુધી ટ્રાયલ થઈ, જેના પર જુલાઈ 2020 સુધી નજર રખાશે.

આઈસીએમઆરમાં વૈજ્ઞાનિક ડૉ. આર. એસ. શર્મા જણાવે છે કે આ ઇંજેક્શન માત્ર એક વાર અપાશે અને તેઓ તેને 97.3 ટકા અસરકારક ગણાવે છે.

તેઓ જણાવે છે કે પુરુષોના અંડકોષની નલિકાને બહાર કાઢીને તેની ટ્યૂબમાં પૉલિમરનું ઇંજેક્શન અપાશે અને પછી આ પૉલિમર સ્પર્મની સંખ્યાને ઓછી કરતું જશે.

આ ઇંજેક્શનની ટ્રાયલ દરમિયાન કેટલીક આડઅસર કે દુષ્પ્રભાવ પણ જોવાં મળ્યાં હતાં. જેમ કે સ્ક્રોટલમાં સોજો જોવા મળે પણ સ્ક્રોટલ સપોર્ટ આપતા એ ઠીક થઈ ગયો હતો. તો કેટલાક પુરુષોને ત્યાં ગાંઠ થઈ હતી. જોકે ધીરેધીરે એ ઓછી થતી ગઈ.

ડૉ. શર્મા કહે છે કે આ ઇંજેક્શન પર આઈસીએમઆર 1984થી કામ કરી રહ્યું છે અને આ ઇંજેક્શનમાં ઉપયોગ થનારા પૉલિમરને પ્રોફેસર એસ. કે. ગુહાએ વિકસિત કર્યું છે.

તેમનું કહેવું છે કે હવે આ પૉલિમરને લીલીઝંડી માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા કે ડીજીસીઆઈ પાસે મોકલવામાં આવ્યું છે, બાદમાં નિર્ણય લેવાશે કે તેને કઈ કંપની બનાવશે અને કેવી રીતે લોકો સુધી પહોંચશે.

Image copyright Getty Images

ભારત એ દેશોમાંનું એક હતું જેણે વર્ષ 1952માં રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમની શરૂઆત કરી હતી.

પરંતુ ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા પર નજર નાખીએ તો જન્મને નિયંત્રિત કરવા માટે ગોળીઓ, કૉન્ડોમ, નસબંધી જેવી વિધિ પરિવાર નિયોજન માટે સૌથી વધુ અપનાવવામાં આવે છે.

જો પરિવાર નિયોજન માટે અપનાવેલી વિધિ તરીકે નસબંધીની વાત કરીએ તો સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર વર્ષ 2010-2011માં 95.6 ટકા મહિલાઓએ નસબંધી કરાવી હતી અને માત્ર 4.4 ટકા પુરુષોએ નસબંધીનો વિકલ્પ પસંદ કર્યો હતો.

પરિવાર નિયોજનને લઈને અપનાવેલા વિકલ્પોની વાત કરીએ તો ડૉક્ટરોનું કહેવું છે કે પુરુષોની તુલનામાં મહિલાઓ પાસે વિકલ્પ વધુ છે.

તો સરકાર પરિવાર નિયોજનના કાર્યક્રમને વધુ મજબૂત બનાવવા માટે અંતરા અને છાયા જેવા વિકલ્પો પણ લાવી છે. અંતરા એક ઇંજેક્શન છે જે મહિલાઓએ ત્રણ મહિનામાં એક વાર લેવાનું રહેશે અને છાયા એક ગોળીનું નામ છે જે અઠવાડિયામાં એક વાર લઈ શકાય છે.

નસબંધીને લઈને સામે આવેલા આંકડા બાદ એ દલીલ પણ આપવામાં આવે છે કે આમાં કેટલા પુરુષો આ ઇંજેક્શન લેવા માટે તૈયાર થશે. જોકે ડૉક્ટરોનું માનવું છે કે નસબંધીને લઈને ફેલાયેલી ભ્રમણાઓને કારણે પુરુષો તેને અપનાવવામાં ખચકાઈ રહ્યા છે.

ફોટો લાઈન ડૉ. અપર્ણા સિંહ

અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના સ્ત્રીરોગ વિશેષજ્ઞ વિભાગનાં નિષ્ણાત ઍસોસિએટ પ્રો. ડૉ. અપર્ણા સિંહ કહે છે કે સમાજને જાગરૂક કરવાની જરૂર છે. લોકોએ સમજવું પડશે કે એ એક ઑપરેશન હતું અને આ એક ઇંજેક્શન છે.

ખોટી માહિતીને કારણે લોકો ભ્રમમાં પડે છે. આથી જરૂરી એ છે કે લોકોને સાચી માહિતી આપવામાં આવે, જે સરળતાથી મળે અને પરિવાર નિયોજનની માહિતી સ્કૂલો, કૉલેજો અને યુવાદંપતીઓને આપવી જોઈએ.

રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાએ સંસદમાં એક પ્રાઇવેટ મેમ્બર બિલ 'જનસંખ્યા વિનિયમન વિધેયક-2019' રજૂ કર્યું હતું. જે અંતર્ગત બેથી વધુ બાળકો પેદા કરનારા લોકોને દંડ કરવાનો અને બધા સરકારી લાભોથી વંચિત રાખવાનો પ્રસ્તાવ છે.

આ બિલની ટીકા પણ થઈ છે. લોકોનું કહેવું હતું કે તેનાથી ગરીબ આબાદી પર ખોટી અસર થશે, તો કેટલાકનું કહેવું હતું કે આ મુસ્લિમવિરોધી છે.

પરિવાર નિયોજન ભારતમાં હંમેશાંથી રાજકીય રીતે એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. ભારતમાં કટોકટી સમયે સંજય ગાંધીએ નસબંધીનું અભિયાન ચલાવ્યું હતું, જેની ઘણી ટીકા થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો