CAA-NRC : 'જિંદગી રહે કે ન રહે, બીજા દરજ્જાના નાગરિક બનવું મંજૂર નથી' - મહમૂદ મદની

મૌલાના મદની

પશ્વિમી ઉત્તર પ્રદેશના દેવબંદમાં નાગરિકતા સંશોધન કાયદાની સામે જમીયતુલ-ઉલેમા-એ-હિંદ દ્વારા હાલમાં જ થયેલાં વિરોધની ઘણી ચર્ચા થઈ રહી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિરોધ પ્રદર્શન પછી જમીયતુલ-ઉલેમા-એ-હિંદ સાથે જોડાયેલાં ત્રણસો લોકોની ધરપકડ થઈ હતી.

સાથે જ આ નવા સુધારા કાયદાને 'કાળો કાયદો' ગણાવીને એવી જાહેરાત કરી કે આ લડાઈ લાંબી ચાલશે.

જમીયતુલ-ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના મહમૂદ મદનીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર એક ધર્મના લોકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.

મદનીનું કહેવું છે કે નાગરિકતા સુધારા કાયદાની વાત કરીએ તો જ્યારે 'ઘૂસણખોર' શબ્દનો ઉપયોગ થાય છે તો આંગળી માત્ર મુસ્લિમ સામે જ કરાય છે, તેઓ આ વાતથી નારાજ છે.

પશ્વિમ ઉત્તરપ્રદેશના મુસ્લિમ આ સમયે શું વિચારી રહ્યા છે અને મદનીનું સંગઠન આ કાયદા વિશે શું કહેવા માંગે છે, તે અંગે બીબીસી સંવાદદાતા શકીલ અખ્તરે મૌલાના મહમૂદ મદની સાથે વાત કરી.

વાંચો આખો ઇન્ટરવ્યૂઃ

  • નાગરિકતા સુધારા કાયદાની સામે જે પ્રતિક્રિયા જોવા મળી છે એનું શું કારણ માનો છો?

છેલ્લા કેટલાંક સમયથી ભારતના મુસ્લિમો પોતાને હાંસિયામાં ધકેલાયેલા મહેસૂસ કરી રહ્યા છે. તમામ વિષયો છે જેની ચર્ચા છેલ્લાં કેટલાંક વર્ષોમાં થતી રહી છે. મુસ્લિમોને ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાલના સમયગાળામાં તેમનો કોઈ અવાજ નથી.

હવે આ નવો કાયદો આવી ગયો જેને અમે કાળો કાયદો કહીએ છીએ. આની સામે કેટલો ગુસ્સો છે તેનો અંદાજ તમે સ્તાઓ પર ઉતરેલાં લોકોની સંખ્યાથી લગાવી શકો છો.

પરંતુ અહીં એક વાત સારી રીતે સમજવાની છે. એ એ છે કે કોઈ પણ મુસ્લિમ આ દેશના કોઈ પણ બિન-મુસ્લિમને ભારતની નાગરિકતા આપવાની વિરુદ્ધમાં બિલકુલ નથી. સમસ્યા અમને બહાર રાખવાથી થઈ રહી છે.

મને એ વાતને માનવામાં કોઈ તકલીફ નથી કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અથવા બાંગ્લાદેશથી કોઈ મુસ્લિમ ભારત કેમ આવશે. પરંતુ આપણા દેશે આપણને એક બંધારણ આપ્યું છે અને તે બંધારણે આપણને કેટલાંક અધિકાર આપ્યા છે.

તમે આ બંધારણના પાયાની બાબતની વિરુદ્ધમાં જઈને આ કાયદાને લાવી રહ્યા છો. પછી આ સરકારમાં બેઠેલાં લોકો અને તેના સમર્થક કહી રહ્યા છે કે આ કાયદો મુસ્લિમ વિરોધી નથી.

પરંતુ જ્યારે ઘૂસણખોર શબ્દ આવે છે ત્યારે એ તમામ આંગળીઓ મુસ્લિમો તરફ ઇશારો કરવા લાગે છે. આ બાબત દેશના મુસ્લિમોને પેરશાન કરે છે.

શું લોકો નથી જાણતા કે આ દેશના મુસ્લિમોએ ખૂબ ધીરજની સાથે આનાથી પણ મોટા-મોટા ઝટકાઓને સહન કર્યા છે.

વીડિયો કૅપ્શન,

CAA-NRC : દિલ્હીમાં ઠંડીનો પારો 2.4 પહોંચ્યો પરંતુ મહિલાઓનું આંદોલન હજી ગરમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વિરોધ પ્રદર્શનની તસવીર

  • ... તો શું તમે કહી રહ્યા છો કે હદ પાર થઈ ગઈ છે?

હદ પાર નથી થઈ, પરંતુ અમે એ કહી રહ્યા છીએ કે એક લોકશાહી દેશમાં વાત કહેવાનો જે અમારો અધિકાર છે, તે અધિકાર છીનવવામાં ન આવે.

પહેલી વાત એ છે કે તમે પાયાને હલાવી નાખ્યો છે. બીજી વાત એ છે કે તમે લોકો વિરોધપ્રદર્શન કરવા દેતાં નથી. દરેક જગ્યાએ 144ની કલમ લગાવવામાં આવી રહી છે. ક્યાંય પ્રદર્શન કરવાની પરવાનગી નથી આપવામાં આવી રહી.

દરેક સ્થળે લોકો સાથે અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે. આ લોકો સમજી નથી રહ્યા કરે ધરણાં પ્રદર્શન કરવા દેવું એ અસહમતીના અવાજોને શાંત કરવાનો એક યોગ્ય રસ્તો હોય છે. પ્રજાતંત્રની આ જ ખાસિયત છે.

  • મુસ્લિમોને ક્યાંક એવું તો લાગી નથી રહ્યું કે આ પ્રદર્શનની છેલ્લી તક છે?

હું કહીશ કે સામાન્ય મુસ્લિમોને આ અહેસાસ છે અને તે ખોટો નથી. જ્યારે તમે બોલવાનો હક લઈ લો છો તો પછી શું રહી જશે?

તમારી પોલીસ દમન કરશે. અત્યાચાર કરશે, લોકો સામે જબરજસ્તી કરશે તો યાદ રાખજો લોકોને દબાવી નહીં શકાય. એ વધારે ફેલાશે.

  • બીજેપીનું શાસન આવ્યા પછી શું બદલાયું?

જમીયતુલ-ઉલેમા-એ-હિંદ મુસ્લિમોનું એ સંગઠન છે જેણે હંમેશા 'ટૂ નેશન થિયરી'નો વિરોધ કર્યો છે.

આઝાદી પછી અમે એ વાત પર જોર આપ્યું છે કે 'મુસ્લિમ વિરુદ્ધ અન્ય' એવું કોઈ કિંમત પર થવું જોઈએ નહીં, પરંતુ અમે તો એ કહેતાં આવ્યા છીએ કે દેશનું ભલું ત્યારે જ થશે જ્યારે મુસ્લિમનું ભલું થશે અને મુસ્લિમનું ભલું ત્યારે જ થશે જ્યારે દેશનું ભલુ થશે.

આ બંને એક-બીજામાં બંધબેસે છે.

પરંતુ દુર્ભાગ્યપુર્ણ એ છે કે દેશમાં રાજકીય રીતે મુસ્લિમોને હાંસિયામાં ધકેલાયાં છે અને હવે સામાજિક રીતે મુસ્લિમોને પાછળ ધકેલવાની કોશિશ થઈ રહી છે.

અમારી બદકિસ્મતી એ છે કે અમે એવાં સમુદાયની સાથે વાત કરવા ઇચ્છીએ છીએ, પરંતુ એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ છે.

વિરોધ કરનારાઓની લોકોની સાથે ઊભા રહીએ તો લોકોને એ સમજાવવું વધારે મુશ્કેલ છે કે અમે હિંદુ અથવા અન્ય બીજાને નાગરિકત્વ આપવાની વિરુદ્ધમાં નથી.

આ કાયદાનું સમર્થન કરીએ તો એ સમજમાં નથી આવતું કે આ અત્યાચારને કેવી રીતે સહન કરીએ. એટલાં માટે અમારી પાસે કોઈ રસ્તો બચ્યો નથી.

  • એનઆરસી કેટલો મોટો પડકાર લાગે છે?

એ ખરેખર એક મોટો પડકાર છે. લોકોમાં તેનો ભય છે.

એનઆરસી સાથે પણ અમારી સૈદ્ધાંતિક લડાઈ નથી. અમે એ નથી કહી રહ્યા નથી એ ખરાબ વસ્તુ છે.

પરંતુ હાલ સરકારે આને લઈને ઘણી જાહેરાત કરી છે, જે અંદાજમાં કરી છે, તેનાથી લાગી રહ્યું છે આંગળી ફક્ત મુસ્લિમો પર છે, આ ખરેખર અમારા માટે એક પડકાર છે.

કેવી રીતે આનો મુકાબલો કરી શકાશે, એ તો સમજી વિચારીને જ કહી શકાશે પરંતુ એક વાત નક્કી છે કે અમે આનો મુકાબલો ચોક્કસ કરીશું.

દેશની આટલી મોટી વસતિને(લગભગ 18 કરોડ)ને બીજા દરજ્જાના નાગરિક બનાવવામાં આવે, તે અમને મંજૂર નથી. પછી જિંદગી રહે અથવા ન રહે.

  • મુસલમાનોની બીજા-ત્રીજા ક્રમની વસતિ ભારતમાં છે. આટલી મોટી વસતિ સાથે એક લોકશાહી દેશમાં એવું ભલા કઈ રીતે થઈ શકે?

તમે સાચું કહી રહ્યા છો. આ ખરેખર મુશ્કેલ કામ છે.

આ દેશે મુસ્લિમોને ઘણું બધું આપ્યું છે અને મુસ્લિમોએ પણ આ દેશને ઘણું બધું આપ્યું છે. બંને તરફથી છે.

અહીંનો મુસ્લિમ બાય ચાન્સ ઇન્ડિયન નથી, અમે લોકો બાય ચોઈસ ઇન્ડિયન છીએ. અમે લોકોએ આ દેશને પસંદ કર્યો છે અને આ દેશના પણ અમારા પર અનેક અહેસાન છે.

આ વાત અમે અમારા દિલમાં રાખીએ છીએ.

અમે નિરાશ નથી. બિલકુલ પણ નિરાશ નથી. ક્યારેક ક્યારેક રાત લાંબી હોય છે. એમ પણ આ ઠંડીનો મહિનો છે, રાત લાંબી હોય છે.

પરંતુ દિવસ ઉગશે, જરૂર ઉગશે. અમને ભરોસો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો