CAA - NRC : શું અમિત શાહ કૉંગ્રેસના ગૃહ મંત્રી ચિદમ્બરમના પથ પર ચાલી રહ્યા છે?

  • નવીન નેગી
  • બીબીસી સંવાદદાતા
અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

સંસદના બંને ગૃહોએ નાગરિકતા સુધારા ખરડો પસાર કર્યો અને તે કાયદો બન્યો તે પછી દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થવા લાગ્યા છે. આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવવામાં આવી રહ્યો છે.

તેની સાથે જ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલે કે એનઆરસી લાગુ પાડવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરીને તેની સામે પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

આ વચ્ચે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે એનપીઆરને પ્રધાનમંડળ તરફથી મંજૂરી મળી તે પછી વિરોધ પ્રદર્શનો વધ્યા હતા. એવી શંકા વ્યક્ત થવા લાગી કે એનસીઆર લાગુ કરવા માટે એનપીઆર પ્રથમ પગલું છે.

દેશભરમાં ઘણી જગ્યાએ સરઘસો કાઢવામાં આવ્યા. ઘણી જગ્યાએ તોફાનો પણ થયા. આ વિરોધ પ્રદર્શનોમાં કેટલીક જગ્યાએ રાજકીય પક્ષો પણ સામેલ થઈ રહ્યા છે, તો કેટલીક જગ્યાએ સિવિલ સોસાયટીના સભ્યો પણ બહાર આવીને વિરોધ કરવા લાગ્યા છે.

જોકે ભાજપ વારંવાર એ વાત કહી રહ્યો છે કે તે કોઈ નવો કાયદો લઈને નથી આવ્યો. આ બધા જ ખરડા કૉંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર લાવી હતી,

એક મુલાકાતમાં ગૃહ પ્રધાન અમિત શાહને એવું કહેતા સાંભળી શકાય છે કે, ''એનઆરસી કોણ લઈને આવ્યું? આજે જે લોકો વિરોધ કરી રહ્યા છે એ લોકો જ. હું કૉંગ્રેસના અધ્યક્ષ અને બીજા નેતાઓને પૂછવા માગું છું કે એનઆરસી કોણ લાવ્યું હતું?''

અમિત શાહ કૉંગ્રસને એવો પણ સવાલ કરે છે, ''શું તમે આ કાયદા શો-કેસમાં રાખવા માટે બનાવ્યા હતા?''

ચિદંબરમ અને અમિત શાહના કયા કયા નિર્ણયો એકસમાન?

ઇમેજ સ્રોત, Getty Images

હકીકતમાં યુપીએ સરકાર વખતે ચિદંબરમ દેશના ગૃહ પ્રધાન હતા ત્યારે પણ એનઆરસી અને એનપીઆરનો મુદ્દો ચર્ચામાં આવ્યો. પણ શું તે વખતે મુદ્દો આટલો ચગ્યો હતો ખરો?

સિનિયર પત્રકાર પ્રદીપ સિંહ કહે છે કે દેશની સુરક્ષાને લગતા મુદ્દાઓ હોય તે લગભગ દરેક સરકાર ઉઠાવતી હોય છે. તેમાં એનસીઆર અને એનપીઆરના મુદ્દાનો પણ સમાવેશ થઈ જાય છે.

કૉંગ્રેસે પોતાના વખતમાં આ મુદ્દા ઉઠાવ્યા ત્યારે તેનો એટલો વિરોધ થયો નહોતો.

તેઓ કહે છે, ''કારગિલ યુદ્ધ પછી નાગરિકોનું રજિસ્ટર હોય તેવી વાત થઈ હતી. તે વખતે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી.

''ત્યારબાદ 2004માં મનમોહન સિંહ વડા પ્રધાન બન્યા ત્યારે પણ નાગરિકોનું રજિસ્ટર બનાવવાની વાત આવી હતી. સાથે જ નાગરિકતા સુધારા ખરડામાં કલમ 14A ઉમેરવામાં આવી હતી.''

કૉંગ્રેસની સરકાર બીજી મુદત માટે સત્તામાં આવી ત્યારે પણ આના પર કામ ચાલતું રહ્યું હતું. તે વખતે પી. ચિદંબરમ ગૃહ પ્રધાન હતા અને કેટલીક જગ્યાએ આ માટે પાઇલટ પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવ્યો હતો.

2009થી 2012 દરમિયાન કેટલીક જગ્યાએ એનપીઆર હેઠળ ઓળખપત્રો પણ આપવામાં આવ્યા હતા. 2012માં પી. ચિદંબરમે તે વખતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને સૌપ્રથમ ઓળખપત્ર એનાયત કર્યું હતું.

અમિત શાહ હવે દેશમાં જે એનઆરસી લાગુ કરવાની વાત કરી રહ્યા છે, તેની શરૂઆત પણ કૉંગ્રેસના કાર્યકાળમાં જ થઈ હતી તેવું જણાવવામાં આવી રહ્યું છે.

ભાજપની દાનતના કારણે વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસના શાસનમાં સહમતી અને હવે એ જ મુદ્દા પર વિરોધના સવાલ પર સિનિયર પત્રકાર નીરજા ચૌધરી કહે છે કે આ વિરોધ ખરેખર ભાજપની દાનત પરની શંકાને કારણે થઈ રહ્યો છે.

નીરજા ચૌધરી કહે છે, ''આ સરકારના કાર્યકાળમાં મૉબ લિન્ચિંગના ઘણા બધા કિસ્સા સામે આવ્યા, આવા અપરાધના ગુનેગારોનું સન્માન થયું હોવાના સમાચાર પણ આવ્યા.''

''તે પછી ટ્રિપલ તલાક ખરડો આવ્યો. ત્યારબાદ મુસ્લિમ બહુમતી ધરાવતા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો હઠાવી દેવાયો.''

''આ બધા કાર્યોને એક જ કડીમાં જોડવામાં આવે તો તે પછી નાગરિકતા સુધારા કાયદો આવ્યો. એનસીઆર અને એનપીઆર લાવવાની વાત ભાજપની દાનત પર સવાલ ઉઠાવે છે. તે જ વિરોધ થવા પાછળનું કારણ છે.''

તેની સામે પ્રદીપ સિંહ કહે છે કે હકીકતમાં મોદી સરકાર વિશે લોકોના મનમાં કેટલીક ધારણાઓ બંધાયેલી છે. તેના કારણે જ વિરોધ થઈ રહ્યો છે.

''વિરોધ પક્ષો પાસે સરકારનો વિરોધ કરવા માટેના નક્કર મુદ્દા નથી તેથી આ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે'' એમ તેઓ કહે છે.

તેઓ કહે છે કે એનઆરસી નવી વાત નથી અને કૉંગ્રેસ વખતે તેનું નામ નેશનલ રજિસ્ટર ઑફ ઇન્ડિયન સિટીઝન્સ (એનઆરઆઈસી) હતું.

પી ચિદંબરમ તે વખતે તેમણે લીધેલા નિર્ણયનો બચાવ કરતા કહે છે કે હાલમાં મોદી સરકાર જે નિર્ણયો કરી રહી છે તે જુદા પ્રકારના છે.

પી ચિદંબરમે આ વિશે ઘણા ટ્વીટ કર્યા અને જણાવ્યું કે, ''ભાજપની આગેવાની હેઠળની સરકારનો એક મોટો અને વધારે ખતરનાક ઍજન્ડા છે.

તેના કારણે જ સરકારે નક્કી કરેલો એનપીઆર માત્ર શબ્દોમાં નહીં, ભાવનામાં પણ 2010ના એનપીઆર કરતાં ઘણો જુદો અને ખતરનાક છે.''

ગૃહ પ્રધાન તરીકે ચિદંબરમે એનપીઆરની વાત કરી હતી તેનો વીડિયો પણ ભાજપે જાહેર કર્યો છે.

તેના વિશે ચિદંબરમે જણાવ્યું કે તેઓ વીડિયોમાં માત્ર સામાન્ય રહેવાસીઓની વસતિગણતરી કરવાની જ વાત કરી રહ્યા છે. તેમનો ભાર રેસિડન્સી પર હતો, નાગરિકતા પર નહીં.

'સમય પ્રમાણે પરિવર્તન'

ઇમેજ સ્રોત, Getty Images

વર્તમાન સરકારની ટીકા કરનારાઓનું કહેવું છે કે સરકાર એનપીઆરના ડેટાના આધારે એનસીઆર તરફ એક કદમ આગળ વધશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે યુપીએ સરકારના પીએનઆરમાં સામાન્ય વિગતો જ માગવામાં આવી હતી, જ્યારે આ વખતે માતાપિતાના જન્મસ્થાન જેવી જાણકારી પણ માગવામાં આવશે.

આ વિશે પ્રદીપ સિંહ કહે છે કે, આ કોઈ બહુ મોટો તર્ક નથી, કેમ કે સમય સાથે સરકારે ડેટા એપડેટ કરવા માટે માહિતીઓ પણ બદલવી પડે.

તેઓ કહે છે કે, જ્યારે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે મોબાઇલ ફોન નહોતો. બાદમાં મોબાઇલ ફોન આવ્યા તો લોકો પાસે તે માગવામાં આવી રહ્યા છે. તેથી નવા સવાલો જોડવામાં આવ્યા છે તેવી વાત કરવી પાયાવિહોણી છે.

બીજી બાજુ નીરજા ચૌધરી કહે છે કે આ સમગ્ર મામલે વર્તમાન સરકારે એક પ્રકારની અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કર્યું છે.

તેઓ કહે છે, ''વડા પ્રધાન જાહેરસભામાં એવું કહે કે એનસીઆર પર કોઈ ચર્ચા જ નથી થઈ, જ્યારે ગૃહ પ્રધાને સંસદમાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં એનસીઆર આવશે. ગૃહ પ્રધાન તેનો ઘટનાક્રમ પણ પણ સમજાવ્યો હતો.''

''પછી કહેવાયું કે એનપીઆર એ એનઆરસીથી અલગ છે, જ્યારે સરકારી દસ્તાવેજોમાં તેને એનસીઆરનું જ એક કદમ બતાવવામાં આવ્યું છે. તેના કારણે જ આ બધા મુદ્દાને એકબીજા સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે.''

માઓવાદી સામેની ઝુંબેશ

ઇમેજ સ્રોત, Getty Images

એનપીઆર, એનઆરસી અને નાગરિકતા સુધારા કાયદા સિવાય બીજા પણ ઘણા મુદ્દા છે, જેના અંગે પી. ચિદંબરમ અને અમિત શાહની કાર્યશૈલી મળતી આવે છે.

જેમ કે માઓવાદી અને નક્સલી વિસ્તારોમાં કાર્યવાહી કરવી અને માનવાધિકાર કાર્યકરો સાથેનો વ્યવહાર.

પી. ચિદંબરમ ગૃહ પ્રધાન હતા ત્યારે નક્સલી વિસ્તારોમાં મોટા પાયે ઑપરેશન ગ્રીન હન્ટ ચલાવવામાં આવ્યું હતું.

સરકારે તેની પાછળનો ઉદ્દેશ નક્સલી હુમલા રોકવાનો અને તેમને મુખ્યધારામાં જોડવા માટેનો જણાવ્યો હતો.

તે વખતે પણ એવા અહેવાલો આવ્યા હતા કે આ ઑપરેશન વખતે સામાન્ય ગામજનોને પણ નિશાન બનાવામાં આવી રહ્યા છે. જાણીતા લેખિકા અરુંધતિ રૉયે આઉટલુક મૅગેઝિનમાં 2009માં એક લેખ લખીને ઑપરેશન ગ્રીન હન્ટ સામે ઘણા સવાલો ઊઠાવ્યા હતા.

તેમણે લેખમાં સવાલો ઊઠાવ્યા હતા કે ઑપરેશન ગ્રીન હન્ટ દરમિયાન માર્યા ગયેલા લોકો ખરેખર માઓવાદી હતા તે કેવી રીતે નક્કી કરવું?

તે વખતે છત્તીસગઢમાં માનવાધિકાર કાર્યકર્તા બિનાયક સેનની ધરપકડ કરવામાં આવી તેની પણ બહુ ચર્ચા થઈ હતી. જોકે તેમની ધરપકડ થઈ ત્યારે છત્તીસગઢમાં ભાજપની રાજ્ય સરકાર હતી અને મુખ્ય પ્રધાન રમણસિંહ હતા.

કેન્દ્રમાં યુપીએની સરકાર હતી અને ગૃહ પ્રધાન તરીકે પી. ચિદંબરમ જ હતા.

બિનાયક સેન પર દેશદ્રોહનો આરોપ લગાવાયો હતો અને તેમને આજીવન કારાવાસની સજા થઈ હતી. તે વખતે સિવિલ સોસાયટીએ છત્તીસગઢની ભાજપ સરકાર ઉપરાંત કેન્દ્રની કૉંગ્રેસ સરકાર સામે પણ સવાલો ઊઠાવ્યા હતા.

લગભગ તે જ રીતે ભાજપ સરકાર પર અત્યારે આરોપ લાગી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવના તોફાનોના મામલે ઘણા બધા માનવાધિકાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે.

ઑગસ્ટ 2018માં પૂણે પોલીસે ગૌતમ નવલખા, સુધા ભારદ્વાજ, વરવરા રાવ, અરુણ ફરેરા અને વનૉન ગોન્ઝાલ્વિસની ધરપકડ કરી હતી. આ બધા જ લોકો જાણીતા સામાજિક અને માનવાધિકાર કાર્યકરો છે.

આ ધરપકડો થઈ ત્યારે ચિદંબરમે ટ્વીટ કરીને તેનો વિરોધ કર્યો હતો.

આ ટ્વીટના જવાબમાં ડાબેરી નેતા કવિતા કૃષ્ણને ટ્વીટ કર્યું હતું કે, ''શું તમે હવે બિનાયક સેન, સોની સૂરી અને બસ્તરમાં કેટલાય આદિવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી તે બાબતમાં માફી માગશો ખરા? જો હા તો તેની વાત પણ કરવી જોઈએ. જવાબદારી વિનાના આવા વિચારો યોગ્ય નથી.''

'ભાજપના વિરોધમાં થઈ રહ્યા છે દેખાવો'

ઇમેજ સ્રોત, Getty Images

ચિદંબરમ ગૃહ પ્રધાન હતા તે વખતે લેવાયેલા નિર્ણયોને જ અમિત શાહ આગળ વધારી રહ્યા હોય તો પછી તેનો આટલો વિરોધ કેમ?

આ વિશે પ્રદીપ સિંહ કહે છે, ''હકીકતમાં આ બધું ભાજપના વિરોધમાં થઈ રહ્યું છે. વિપક્ષને એક મુદ્દો જોઈતો હતો, જેના પર તેઓ રસ્તા પર ઉતરી શકે.''

''તેઓ તીન તલાક અને કલમ 370 જેવા મુદ્દા પર આવો માહોલ ઊભો કરી શક્યા નહોતા, પરંતુ આ વખતે તેમને લાગે છે કે આ કાયદાઓનો વિરોધ કરીને તેઓ સરકારને ઘેરી શકશે.''

પ્રદીપ સિંહ કહે છે કે અગાઉ તમારા જ પક્ષની સરકાર હોય એટલે તમારી પાસે વિરોધ કરવા માટે બહુ તક હોતી નથી. તેથી કૉંગ્રેસ પાસે પણ આ બધા મુદ્દાઓનો વિરોધ કરવાનો કોઈ અધિકાર રહ્યો નથી.

નીરજા ચૌધરી માને છે કે ચિદંબરમે ગૃહ પ્રધાન હતા ત્યારે આ બધા મુદ્દા આવ્યા હતા. તે વખતે મીડિયા જગતમાં ચિદંબરમને 'ન્યૂઝ એડિટર ઑફ મેની ચેનલ્સ' કહેવામાં આવતા હતા, કેમ કે તેઓ સમાચારોની બાબતમાં દખલગીરી કરતા હતા.

આમ છતાં આ બધી બાબતો વચ્ચે નીરજા ચૌધરી કહે છે કે તે વખતે આ મુદ્દાઓ પર વિરોધ ના થયો, તેથી અત્યારે પણ ના થવો જોઈએ એ કોઈ તર્ક નથી.

તેઓ કહે છે, ''તે વખતે મુખ્ય વિપક્ષ તરીકે ભાજપ જ હતો. તેના પર સવાલ એ ઊભો થાય છે કે તે વખતે શા માટે વિરોધ નહોતો કર્યો. આ વખતના વિરોધમાં માત્ર કોઈ રાજકીય પક્ષ કે મુસ્લિમ સમુદાય જ સામેલ હોય તેવું નથી.''

''તેમાં કૉલેજના વિદ્યાર્થીઓ અને યુવાનો સામેલ થઈ રહ્યા છે, જેમણે 2014 અને 2019માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવ્યા હતા.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો