TOP NEWS : વિજય રૂપાણીએ કહ્યું, 'હું વન ડે મૅચ નહીં, 20-20 રમવા આવ્યો છું'

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ક્રિકેટનું ઉદાહરણ આપતા કહ્યું છે કે, રાજકારણમાં તેઓ 20-20 મૅચની જેમ આક્રમકતા સાથે રમે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વિજય રૂપાણીએ અમદાવાદમાં GIHED પ્રોપર્ટી શોના ઉદ્ઘાટન સમારોહ વખતે આ નિવેદન આપ્યું છે.

રુપાણીએ કહ્યું, "જ્યારે હું મુખ્ય મંત્રી બન્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે હું અહીં 20-20 મૅચ રમવા આવ્યો છું અને આજે ફરી હું એ જ કહું છું. જો 20-20 મૅચ રમવી હોય તો તમારે અર્ધી પિચ પર એટલે કે આક્રમકતાથી રમવું પડે છે અને ક્રિઝની ચિંતા કરવી ન જોઈએ અથવા તો મૅચ દરમિયાન રક્ષાત્મક ન બનવું જોઈએ."

રુપાણીએ ઉમેર્યું, "આજે સ્થિતિ એવી છે કે તમારે જલદી નિર્ણય લેવા પડે છે અને મેં મારા કાર્યકાળમાં ઝડપથી નિર્ણય લીધા છે."

વિજય રૂપાણીના આ નિવેદન પર કૉંગ્રેસે પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું, "વિજય રૂપાણીને હવે કદાચ એવું લાગે છે કે તેમની 20-20 ઇનિંગ પેટાચૂંટણીમાં હાર બાદ પૂરી થઈ રહી છે."

સરકારી બૅન્કોના એનપીએમાં હજુ વૃદ્ધિ થશે.

ઇમેજ સ્રોત, PTI

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ શુક્રવારના રોજ નાણાંકીય સ્થિરતા રિપોર્ટ જાહેર કર્યો.

તેના પ્રમાણે રિયાલ્ટી ક્ષેત્રને અપાયેલા દેવા મામલે એનપીઓનો રેશિયો જૂન 2018ના 5.74ની સરખામણીએ જૂન 2019માં 7.3 ટકા થઈ ગયો છે.

સરકારી બૅન્કોની સ્થિતિ વધારે ખરાબ છે કેમ કે આવા દેવા મામલે તેમનો એનપીએ 15%થી વધીને 18.71% થઈ ગયો છે.

રિપોર્ટ પ્રમાણે 2016માં રિયાલ્ટી ક્ષેત્ર સંબંધિત લોનમાં એનપીએનો રેશિયો કુલ બૅન્કિંગ પ્રણાલીમાં 3.90% અને સરકારી બૅન્કોમાં 7.06% હતો, જે 2017માં વધીને ક્રમશઃ 4.38 અને 9.67% પર પહોંચી ગયો.

તેમાં જણાવવામાં આવ્યું કે રિયલ્ટી ક્ષેત્રને આપવામાં આવેલી કુલ લોન લગભગ બે ગણી વધી ગઈ છે.

CAAના વિરોધમાં દુનિયાના IT ઍન્જિનિયર્સનો સરકારને ખુલ્લો પત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ગૂગલ, ઉબર, એમેઝોન અને ફેસબુક જેવી કંપનીઓમાં દેશ-વિદેશમાં કામ કરતા ભારતીય અને ભારતીય મૂળના IT ઍન્જિનિયર્સે નાગરિકતા સંશોધન કાયદા તેમજ પ્રસ્તાવિત NRC વિરુદ્ધ સરકારને ખુલ્લો પત્ર લખ્યો છે.

ધ હિંદુમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઍન્જિનિયર્સે આલ્ફાબેટના સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, ફેસબુકના માર્ક ઝકરબર્ગ અને જિયોના મુકેશ અંબાણી, ટ્વિટરના જેક ડોર્સે, ફ્લિપકાર્ટના કલ્યાણ ક્રિષ્ણમૂર્તિ જેવા ઉદ્યોગ જગતના લોકોને આ કાયદાની સાર્વજનિક રૂપે નિંદા કરવાની અપીલ કરી છે.

આ પત્ર TechAgainstFascism ના ટ્વિટર ગ્રૂપ દ્વારા લખવામાં આવ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે ટૅકનૉલૉજી સાથે સંકળાયેલી મોટી કંપનીઓ સરકાર સાથે યૂઝર્સની જાણકારી શૅર ન કરે અને સરકારના કહેવા પર ઇન્ટરનેટ પણ બંધ ન કરે.

પત્રમાં નાગરિકતા સંશોધન કાયદા અને NRCને મુસ્લિમ વિરોધી ગણાવવામાં આવ્યા છે.

'ICC દરેક ક્રિકેટ ટીમના ભારત પ્રવાસ પર રોક લગાવે'

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદે કહ્યું છે કે ICCએ વિદેશો માટે ભારતને અસુરક્ષિત દેશ જાહેર કરવો જોઈએ.

ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પાકિસ્તાનની એક ખાનગી વેબસાઇટ PakPassion.net સાથે વાતચીત દરમિયાન જાવેદ મિયાંદાદે આ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું, "ICC અને તેની સાથે જોડાયેલા દરેક સભ્ય આગળ આવે અને દુનિયાને જણાવે કે ભારતમાં મૅચ રમવાનું બંધ થવું જોઈએ કેમ કે હવે ભારત સુરક્ષિત દેશ નથી."

"અન્ય દેશો ભારત કરતા સારા છે કેમ કે અહીં તો તેઓ પોતાના જ દેશના લોકો સાથે લડી રહ્યાં છે. પરિસ્થિતિ જુઓ, ત્યાં શું ચાલી રહ્યું છે? આ અંગે કાર્યવાહી થવી જોઈએ."

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનું આ નિવેદન ભારતમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન મામલે આવ્યું છે.

મહત્ત્વનું છે કે વર્ષ 2009માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમની બસ પર ફાયરિંગની ઘટના બાદ 10 વર્ષ સુધી દુનિયાની કોઈ ટીમ પાકિસ્તાન મૅચ રમવા ગઈ ન હતી.

10 વર્ષ બાદ હાલ જ શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર થઈ હતી.

ઇસ્લામિક સ્ટેટે 11 ખ્રિસ્તી બંધકોના માથા વાઢ્યાં

ઇમેજ સ્રોત, AFP

ઇસ્લામિક સ્ટેટ સમૂહ એટલે કે ISએ એક વીડિયો જાહેર કરી નાઇજીરિયામાં 11 ખ્રિસ્તીઓની હત્યા કરી હોવાનો દાવો કર્યો છે.

આ વીડિયોમાં કેટલાક લોકોને માથા વાઢતાં દેખાડવામાં આવ્યાં છે.

56 સેકંડનો આ વીડિયો ISની સમાચાર એજન્સી અમાકે જાહેર કર્યો છે.

મૃતકોની ઓળખ મામલે કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ તેઓ તમામ પુરુષ હતા.

ISનું કહેવું છે કે તેણે આ લોકોને નાઇજીરિયાના ઉત્તર પૂર્વી બોર્નો રાજ્યથી કબ્જામાં લીધા હતા.

ઇસ્લામિક સ્ટેટનું કહેવું છે કે તેણે આ કાર્યવાહી આ વર્ષે ઑક્ટોબરમાં પોતાના નેતા અને પ્રવક્તા અબુ બકર અલ બગદાદીના મૃત્યુનો બદલો લેવાના ઇરાદાથી કરી છે.

વિશ્લેષકોનું માનવું છે કે ISએ આ વીડિયો ક્રિસમસના અવસર પર ઇરાદાપૂર્વક જાહેર કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો