તીડના આક્રમણ સામે પાક બચાવવાની ગામઠી રીત કેવી હતી?
- જયનારાયણ વ્યાસ
- બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Getty Images
અત્યારે ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ તીડના આક્રમણની ઝપટમાં આવ્યો છે. આ વખતે પહેલાં ચોમાસું મોડું શરૂ થયું પછી ખાસ્સું લંબાયું અને દિવાળી પાર કરી ગયું.
ખેડૂત આ બંને ઘાતમાંથી ઊગરીને હાશ કરીને કામે લાગ્યો હતો. એરંડાના ખેતરમાં લૂમોમાં લચી પડતા એરંડા જોઈએ તો દિલ બાગ-બાગ થઈ જતું.
રાયડો હવે માથું કાઢીને વધી રહ્યો હતો. એના ઉપર નજર પહોંચે ત્યાં સુધી પીળા રંગની ઝાંય દેખાતી હતી.
બનાસકાંઠા અને વડગામ પંથકમાં બે જાતના જીરું વાવાય, એકને ઘોડા જીરું જે ઇસબગુલ તરીકે ઓળખવામાં આવે અને બીજાને ખાધા જીરું કહેવાય.
ખાધા જીરુંનું વાવેતર પ્રમાણમાં વધુ થાય છે. છેક સમીથી માંડીને બનાસકાંઠા સુધી જ્યાં નહેરોનાં પાણી પહોંચ્યાં છે ત્યાં તરસી જમીન અત્યારે એકદમ ફળી રહી છે.
આ એ સમય છે જ્યારે ઘઉંનો પાક ખેતરમાં ઊભો હોય પણ એને ઊંબી ન આવી હોય.
સમી-હારીજ વિસ્તારમાં અને બનાસકાંઠાના કેટલાક ભાગમાં ચણાનું વાવેતર થાય છે.
ચણાને હવે પોપટા બેસવાનો સમય છે. ક્યાંક ટમેટાની વેલ ને ક્યાંક ફૂલ આવવા માંડયા છે.
તો ક્યાંક કપાસમાં હવે કાલાં ફાડીને રૂ આવવા માંડ્યું છે.
બટાકાનું વાવેતર થાય એનો છોડ જમીનથી ઊંચકવા માંડે અને જેમ ઠંડી વધારે પડે તેમ ચણા, ઘઉં, બટાકા સારા પાકે.
રાયડાને મસી ના આવે. કોઈને કોઈ જગ્યાએ ગાજર અને મૂળા પણ હવે પાલો પાથરીને જમીનની નીચે ફળવા માંડ્યા છે.
ગાજરના પાલાને પલૂર કહેવાય કે જે ઢોરને નીરણ તરીકે કામ આવે, મૂળાનાં પાનની ભાજી થાય.
આ બધું અત્યારે કાચાં સોના જેવું ખેતરમાં લહેરાતું હોય. રોઝડાં પાક ના બગાડે એટલે ખેડૂત ઘરની હુંફમાં ગોદડે લપેટાઈને પડ્યો ના રહે પણ કડકડતી ટાઢમાં એ રાતે ખેતરે જાય.
કાં તો રાત જાગીને પાણત કરે. ક્યાંક ઝેરી જીવજંતુ, ક્યાંક બાવળની શૂળ કે બોયડીનો કાંટો વાગે પણ કાળી મહેનતની કમાણી કરવા માટે જગતનો તાત ખેડૂત આ બધું વેઠી અને મથ્યા કરે.
આમ છતાંય ખેડૂતોનું નસીબ કાઠું. એના માટે કહેવાય કે, "ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને બાકી રહે તો કરા કે કમોસમી વરસાદ પણ બરબાદી કરે પછીનું વધ્યું ઘટ્યું ખેડૂતના ભાગમાં આવે".
મેં ખાસો સમય કોસ હાંકયો છે. હળ જોતર્યું છે. ક્યારા વાળ્યા છે. અને ગાડું પણ જોડ્યું છે. ખેડૂતની જિંદગી એ વખતે પણ જીવ્યો અને આજે પણ ખેતી સાથે જોડાયેલો છું અને ગાયો પણ રાખું છું.
આ કારણથી મારા દિલમાં નાત-જાતના કોઈપણ ભેદભાવ વગર આટલાં જોખમો વેઠીને આપણને જમાડતા ખેડૂત માટે હંમેશાં એક અલગ સ્થાન રહ્યું છે.
મૂળ વાત પર પાછા આવીએ આ વર્ષ ખેડૂત માટે બરબાદીનું વર્ષ રહ્યું છે. જાતજાતની તકલીફો વેઠી જેમાં અનાવૃષ્ટિથી માંડી અતિવૃષ્ટિ અને અને કમોસમી વરસાદ અને કરા સુધ્ધાં આવી જાય.
મગફળીનો ઢગલો જ્યારે પાણીમાં તરતો જોવા મળે કે ઢીંચણ સમા પાણીમાં ઊભા રહીને રહ્યું-સહ્યું બચાવી લેવા કાલાં વીણતાં ખેડૂતના કુટુંબને જોઈએ ત્યારે જરાય અતિશયોક્તિ વગર કહું તો આંખમાં આંસું આવી જાય છે.
'પડ્યા પર પાટું'
આ વખતે બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના ખેડૂતોને ભગવાન જાણે કે 'પડ્યા પર પાટુ મારતો હોય' તેમ તીડનો ઉપદ્રવ થયો છે.
આ તીડ ભારત તરફ આવશે એવી આગાહી રાજસ્થાનમાં આવેલા લૉકસ્ટ મિશન અને સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (એફએઓ) એ કરી હતી.
ત્યારે ઘણા બધાને એની વિકરાળતાનો ખ્યાલ નહીં આવ્યો હોય. મારા બાળપણમાં લગભગ દર બે-ત્રણ વર્ષે તીડ આવતાં તેની સરખામણીમાં આ હુમલો ઘણો નાનો છે.
કહેવાનો મતલબ એવો જરાય નથી કે એની અસર નાની છે.
કારણકે થરાદથી માંડી વડગામ પંથક સુધી જ્યાં જ્યાં તીડ ત્રાટક્યાં હશે ત્યાં તો એમણે સત્યાનાશી કરી છે.
ખેડૂતોના માથે વજ્રાઘાત થયો છે.
અમે નાના હતા ત્યારે તીડ આવે એટલે એ માટેની કેટલીક તૈયારીઓ હાથવગી રહેતી કારણ કે તીડના હુમલા નિયમિત હતા.
એ વખતે આવું લૉકસ્ટ કંટ્રોલ મિશન કે સંયુક્ત રાષ્ટ્રસંઘની ફાઓ જેવી સંસ્થાઓ જેવી વ્યવસ્થા નહોતી. અને ખેતરમાં હુડા ટોવાના ડબ્બા તો લગભગ બધા ને ત્યાં હોય.
ડબ્બો અને તગારાં વગાડવાનું ચાલુ થઈ જાય. એથી ઉપર ખેતરના ચારે ખૂણે અને જો ખેતર ખૂબ મોટું હોય તો વધુ જગ્યાએ આળો (ખેતરના શેઢે ઉગતું અને સૂકાઈ ગયેલું ઘાસ) અથવા ઓગાટ સળગાવીએ.
એનો ધુમાડો બહુ થાય એ માટે શેઢે ઊગતી હોય એવી અરણી કે લાડુડી અથવા ડોડી જેવી લીલી વનસ્પતિ કાપીને આ ભડકામાં નાખીએ એટલે ભડકો ઘૂંઘવાવવા માંડે, ધૂમાડો ખૂબ થાય, આવા ધૂમાડાની અસરથી કંઈક અંશે તીડ ખેતરમાં ના બેસે.
દરમિયાનમાં રાત માટેની તૈયારીઓ થાય.
તીડ ભગાડવાની ગામઠી રીત
પિયત વાળું ખેતર હોય એટલે ઢાળીયાં અને નીક તો હોય જ એમાં જગ્યા-જગ્યાએ થોડા ઊંડા ખાડા કરી આળો ભરી દઈએ.
અંધારું થાય એટલે તીડ બેસી જાય પણ જેવું એ અજવાળું જુએ એટલે ખેંચાઈને એમાં ઝંપલાવે.
આમ જે તીડ બેઠા હોય એ કૂદીકૂદીને આ ભડકમાં પડે અને સ્વાહા થઈ જાય.
ખાસ્સો મોટો જથ્થો આ રીતે ઊકલી જાય. આમ ત્રણ-ચાર દિવસમાં જે તીડ આગળ જવાનાં હોય તે આગળ જાય અને બાકીનાનો લગભગ ખાતમો થઈ જાય. આવી પદ્ધતિ અમે અપનાવતા.
આજની ટેકનૉલૉજીની દૃષ્ટિએ આ ગામઠી રીત કહેવાય પણ અસરકારક ખરી.
એ જમાનામાં ડ્રોન કે હેલિકૉપ્ટર નહોતાં અને સરકાર કશું કરશે એવી બહુ આશા કે અપેક્ષા પણ નહોતી 'અપના હાથ જગન્નાથ' કરીને આખુંય ગામ સીમમાં પહોંચી જતું.
આ તીડના આક્રમણ વિશે મારા વાંચવામાં બે વર્ણનો આવ્યાં છે.
પહેલું છે શ્રી ઉશનસનાં પુસ્તક 'સદમાતાનો ખાંચો'માં સિદ્ધપુરમાં તીડ આવ્યાં હતાં એનું વર્ણન અને બીજું છે કાકાસાહેબ કાલેલકરની સ્મરણયાત્રામાં તેમના બાળપણમાં કોંકણ - મલબારમાં તીડનું આક્રમણ થયું અને જે રીતે નારીયેળી અને સોપારીનાં ઝાડનો ખાતમો બોલાવી દીધો તેનું વર્ણન. બંને એક પછી એક અહીંયાં નીચે ઉતાર્યાં છે.
સિદ્ધપુરમાં તીડનું આક્રમણ
ઇમેજ સ્રોત, Getty Images
શ્રી ઉશનસના પુસ્તક 'સદમાતાનો ખાંચો'ના પાના નં. 22-23 ઉપર એમણે પોતાના બાળપણમાં સિદ્ધપુર ઉપર થયેલ તીડનાં આક્રમણનું આબેહૂબ વર્ણન કર્યું છે.
માધુ પાવડિયે રમતાંરમતાં જોયેલી આ ઘટનાનાં સંસ્મરણો વાગોળતાં શ્રી ઉશનસ લખે છે, 'આ પાવડિયાંનાં તો કંઈ કેટલાંય સ્મરણો છે.'
'સિદ્ધપુરની અમારી જિંદગી ઘર કરતાં અહીં પાવડિયાંમાં જ વધારે વ્યતીત થઈ છે. એક વાર અમે સૌ આ પાવડિયાં નીચેના પટમાં હડિયાદોટીની કોઈ રમત રમતા હતા.'
'બપોરનો વખત હતો. માથા ઉપર ઉનાળાનો સૂર્ય સખત તપતો હતો, ત્યાં કોણ જાણે ક્યાંથી કશુંક વાદળિયું વાતાવરણ થઈ ગયું, ગ્રહણમાં થાય એમ સૂરજ ઢંકાઈ ગયો જોતજોતામાં એક વાદળિયા છાયામાં.'
'ઘડી પહેલાં તો આકાશ ચોખ્ખુંચટ્ટ હતું, ચોમાસાના દિવસો પણ નથી. તો આ શું હશે?' '
'અમને કંઈ સમજણ પડી નહીં, ને અમે રમતા જ રહ્યા; જોયું તો આ વાદળું ઉત્તર તરફથી દક્ષિણ ભણી ખસતું હતું ને ધીમે ધીમે નીચે ઊતરતું આવતું હતું.'
'વચ્ચેવચ્ચે આખા ગામની કાબરો ને કાગડા ઊડતાં હતાં.'
'પાવડિયાં ઉપરથી જ બૂમ સંભળાઈ : 'અલ્યા છોકરાંઓ, દોડતાં અહીં પાવડિયાં ઉપર આવતા રહો. આ તો તીડ આવ્યા તીડ!'
'જાણે મહાભારતનું 19મા દિવસનું યુદ્ધક્ષેત્ર'
ઇમેજ સ્રોત, Getty Images
તેઓ આગળ લખે છે, 'અમે સૌ દોટ મૂકીને પાવડિયે ચઢી ગયાં. ઉત્તરનાં રણપ્રદેશ તરફથી આ તીડનાં ટોળેટોળાં ઉમટ્યાં હતાં તેનું આ વાદળું હતું તે હવે કંઈ સમજાયું.'
'કાબર-કાગડાને આજે ભારે જ્યાફત રહી. તીડનું ટોળું ફંટાઈને પછી વહેળાપારનાં વગડા તરફ વળી ગયું ને આકાશ પાછું ચોખ્ખું થઈ ગયું.'
'પણ નીચે જોયું તો આ સૂકો પટ હવે તીડોથી છવાઈ ગયો હતો.'
'નાના નાના છોડવાઓ ઉપર પાને પાને તીડ બાઝ્યાં હતાં. કેટલાંક મરેલાં તીડ હતાં તેમના ઉપર ભૂખ્યાં કાગડા-કાબર તૂટી જ પડ્યાં હતાં.'
'જાણે મહાભારતનું 19મા દિવસનું યુદ્ધક્ષેત્ર. બસ ત્યાર પછી આવડા મોટા જથ્થામાં ક્યારેય તીડ જોયાં નથી.'
'અધધધ કેટલાં બધાં હતાં એ ! બંને હાથ વીંઝીને માથા ઉપરથી ઉડાવવા પડતાં હતાં એટલાં બધાં તે અમારી નજીક ઊડતાં હતાં !'
'પછી તો તીડો વિષે ઘણું જાણવા મળ્યું છે પણ પછીય આવું આગમન તો ક્યારેય માણવા મળ્યું નથી.'
'કાગડા-કાબર તો એમને અદ્ધર ઊડતાં જ અદ્દલ ચાંચમાં ઝડપી લેતાં હતાં એ દ્રશ્ય હજુ ભૂલ્યો નથી હું.' (સદમાતાનો ખાંચો, ઉશનસ, પાન નં. 22-23)
કાકાસાહેબ કાલેલકરની સ્મરણયાત્રામાંથી તીડનાં આક્રમણ વિષે
બાળપણમાં મેં વાંચેલી કાકાસાહેબ કાલેલકરની ઓતરાદી દીવાલો, લોકમાતાને ખોળે, સ્મરણયાત્રા જેવાં પુસ્તકોમાંથી મને ખૂબ ગમતી 'સ્મરણયાત્રા' પુસ્તકમાં પણ આદરણીય કાકાસાહેબે તીડના આક્રમણનું વર્ણન કર્યાનું મગજની મારી હાર્ડડીસ્કમાં ક્યાંક ઝબકી રહ્યું હતું.
છેવટે મારી લાઈબ્રેરીમાંથી આ પુસ્તક મંગાવી અને મૂળ 'ટોળાં' વિષય ઉપર કાકાસાહેબે વ્યક્ત કરેલ વિચારોમાં એમણે તીડના આક્રમણની વાત કરી છે જે સ્મરણયાત્રા પુસ્તકનાં પ્રકરણ 43ના પાન નં 109-110 ઉપર નીચે વર્ણવાઈ છે -
'એટલામાં ક્યાંકથી મોટાં મોટાં રાતાંપીળાં તીડ આવ્યાં.'
'એટલાં તીડ, એટલાં તીડ, કે આકાશ ભરાઈ જાય. વીજળીનો ડાઈનેમો ચાલતો હોય તેવો અવાજ આકાશમાં સંભળાય.'
'શાકપાન એમણે ખાઈ નાખ્યું. ઝાડનાં ઝાડ ખલાસ કર્યાં. તીડ એ તે જીવડાં હોય છે કે આગ? ખાતાં જાય, લીંડીઓ નાખતાં જાય.'
'સવારથી સાંજ સુધી ખાય તોય ધરાય નહીં. લોકો બાપડા શું કરે?'
'લાંબા વાંસ લઈને તીડને ઉડાડી મૂકવાનો પ્રયત્ન કર્યો. પતરાંના ડબ્બા વગાડીવગાડી એમને નસાડવાનો પ્રયત્ન કર્યો.'
'પણ ભરરર દઈને આવે અને હાથની બાંયમાં પણ ભરાય, સાંજ પડ્યે એમની પાંખો ભારે થઈ જાય, એટલે તેઓ ક્યાંક બેસી જતાં.'
'હવે લોકોએ એક રસ્તો શોધી કાઢ્યો. ખેતરોમાં ને વાડીઓમાં એક લાંબી ખાઈ ખોદી કાઢે ને રાત પડ્યે એમાં ઘાસનો દેવતા કરે.'
'તાપ જોઈને તીડ કૂદી કૂદીને અંદર પડતાં ને મરી જતાં. નાનાં છોકરાંને એ જોઈને એક નવો જ બુટ્ટો ઊઠ્યો.'
ઇમેજ સ્રોત, Getty Images
'તેઓ તીડને પકડીને એમના પગ ભાંગી નાખતાં અને પછી એમને શેકીને ખાઈ જતાં. અમને એવી ચીતરી ચડતી ! ગરીબ લોકોએ ઘરમાં તીડના કોથળા ભરી રાખ્યા.'
'તીડનો હુમલો હવે નાળિયેરીઓ પર શું થયો. લાંબી લાંબી બાદશાહી ડાળો એક દિવસમાં ઊડી જવા લાગી.'
'આઠદસ દિવસમાં નાળિયેરીનાં થડ તારના થાંભલા જેવાં ઠૂંઠાં દેખાવા લાગ્યાં. એ દેખાવ જોઈને તો રોવું જ આવે.'
'ખેડૂતો અને માળીઓ ભારે ચિંતામાં પડ્યા. તેઓ કહેવા લાગ્યાં, 'વરસાદ ન પડે તો એક વરસનો જ દુકાળ ખમવો પડે, અમારી નાળિયેરીઓ ગઈ. 'હવે તો દસ વરસ સુધી આવકનું નામ ન રહ્યું.'
'રસ્તા પર જુઓ કે આંગણામાં, ખેતરોમાં કે વાડીઓમાં, જમીન પર તીડોની લીંડીઓ પથરાયેલી હોય.'
'એક જણે કહ્યું, 'આ ખાતર બહુ જ કીમતી હોય છે.' એક ડોશીએ ચિડાઈને જવાબ વાળ્યો, 'બળ્યું તારું મોઢું. સોના જેવાં ઝાડ ગયાં અને કહે છે કે કીમતી ખાતર થાય છે!'
'આ ખાતર તારા ખેતરમાં વાપરી તો જો, અનાજ પણ બળીને રાખ થશે. આ ખાતર નથી, આગ છે.'
હજીયે તીડોનો પલટણો એક પછી એક આવ્યે જતી હતી. માઈલો સુધી તીડો ફેલાયેલાં, પણ બધાં એક દિશાએ દોડે - જાણે ક્યાંકથી હુકમ જ લઈ આવ્યાં હોય.
દરેક વસ્તુને અંત હોય છે એમ આ તીડની પીડાનો પણ એની મેળે અંત આવ્યો. એ જેવાં આવ્યાં તેવાં ગયાં.
अतिवृष्टिरनावृष्टि: शलभा मूषका: शुका:।
प्रत्यासन्नाश्च राजान: षडेता ईतय: स्मृता:।।
(स्वचक्रम परचक्रम च सप्तैता इतयह स्मृताः।। )'
આજથી 70 - 80 વર્ષ પહેલાંના આ બંને પ્રસંગો છે, તીડનું આક્રમણ એ જમાનામાં પણ વિનાશ વેરતું અને આજે પણ એટલું જ વિનાશક છે.
એક બીજી તકલીફ એ છે કે આ તીડ આવ્યાં એ તો 8-10 દિવસમાં જતાં રહેશે પણ જ્યાં પડ્યાં ત્યાં બધું સફાચટ કરીને એટલે ખેડૂતને તો રોવાનો વારો જ આવ્યો છે.
પણ એથીય વધુ ચિંતા કરાવે એવી બીજી બાબત એ છે કે આ તીડ કરોડો ઈંડાં મૂકશે અને એમાંથી જે બચ્ચાં બહાર આવશે એમનો હુમલો હજી આવવાનો બાકી છે.
આજની તારીખમાં માત્ર એટલી આશા રાખી શકીએ કે આ રાક્ષસી જીવો વહેલામાં વહેલી તકે અહીંથી વિદાય થાય.
નવાં ટોળાં ના આવે અને ખેડૂતને બેઠો કરવા માટેની સરકારમાં જે કોઈ યોજના થાય તેનો ઝડપથી અને વાસ્તવિક ભૂમિ પર અમલ થાય.
જ્યાં જ્યાં તીડ આવ્યાં છે ત્યાં ખેડૂતના મનોબળને હલબલાવી નાખે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને રાબેતા મુજબની થતાં ઘણો સમય લાગશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો