CAA: સૈન્યવડા જનરલ બિપિન રાવતનું નિવેદન સેનાના નિયમોનું ઉલ્લંઘન છે?

બિપિન રાવત

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે નવી દિલ્હીમાં ગુરુવારે એક કાર્યક્રમમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થઈ રહેલાં વિરોધપ્રદર્શનોને લઈને એક નિવેદન આપ્યું, જેની ટીકા રાજકીય દળો કરી રહ્યાં છે.

જનરલ રાવતે કહ્યું, "નેતાની ઓળખ તેનું નેતૃત્વ હોય છે. જો તમે પ્રગતિના રસ્તે લઈ જાઓ તો બધા તમારી પાછળ ચાલે. નેતા તે જ હોય જે લોકોને સાચા રસ્તે લઈ જાય. નેતા એ નથી હોતો જે ખોટા રસ્તે લઈ જાય. કૉલેજ અને યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શનોમાં હિંસા અને આગની ઘટના ઘટી રહી છે. આ કોઈ નેતૃત્વ નથી."

જનરલ રાવતના આ નિવેદનને રાજકીય અને સૈન્ય અધિકારી માટે અનુચિત ગણાવવામાં આવી રહ્યું છે.

સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ આની ટીકા કરતાં ટ્વિટર પર ચિંતા વ્યક્ત કરી કે આપણે 'સેનાનું રાજનીતિકરણ નથી કરી રહ્યા?' અને 'પાકિસ્તાનના રસ્તે તો નથી ચાલી રહ્યા?'

ત્યારે એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે 'જનરલ રાવતે પોતાના નિવેદનથી સરકારને નબળી પાડી રહ્યા છે.'

એવામાં પ્રશ્ન ઊભો થાય છે કે જનરલ રાવતનું નિવેદન રાજકીય હતું અને શું તેમણે સેનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે?

આ બાબતે બીબીસી સંવાદદાતા મહમદ શાહિદે સંરક્ષણનિષ્ણાત વરિષ્ઠ પત્રકાર અજય શુક્લા સાથે વાત કરી હતી. તેમનું વિશ્લેષણ અહીં વાંચો.

'સેનાના નિયમોનું ઉલ્લંઘન'

ઇમેજ સ્રોત, Getty Images

સેનાની કામ કરવાની રીત, નિયમ અને કાયદા પ્રમાણે 'આર્મી રૂલ બુક'ના આર્મી રૂલ 21માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રાજકીય પ્રશ્નો પર સેનાના કોઈ પણ સભ્ય તરફથી સાર્વજનિક રૂપે કોઈ નિવેદન નહીં અપાય.

નિવેદન આપવા માટે કેન્દ્ર સરકારની પરવાનગી બહુ જરૂરી છે અને નિયમોમાં લખવામાં આવ્યું છે કે 'પરવાનગી વગર કોઈ સેનાધિકારી અને સૈનિક રાજકીય બાબતો પર વાત નહીં કરી શકે'. જનરલ બિપિન રાવતે આ નિયમ વિરુદ્ધ વાત કરી છે.

તેમણે એવી રાજકીય બાબત ઉપર નિવેદન આપ્યું છે જે આજકાલ ચર્ચામાં છે. એ બાબતે લોકોનો અંગત મત હોઈ શકે પણ સેનાપ્રમુખ આ વિશે વાત કરી શકે કે નહીં.

સેનાના નિયમ અનુસાર, ખાસ કરીને રૂલ 21 હેઠળ આ નિવેદન ગેરવ્યાજબી છે.

'જનરલ રાવત સામાન્ય નાગરિક નથી'

ઇમેજ સ્રોત, Getty Images

સેનાના દરેક જુનિયર જવાનથી લઈને આર્મી ચીફ માટે મૌલિક અધિકારો આર્મી રૂલ 19 મુજબ સીમિત કરવામાં આવ્યા છે.

બંધારણ અંતર્ગત સામાન્ય નાગરિકને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા મળે છે, આર્મી રૂલ 19 અનુસાર આ અધિકારને સેના સાથે સંકળાયેલા લોકો માટે સીમિત કરવામાં આવ્યો છે.

આ કોઈ નવી વાત નથી, આર્મીની દરેક વ્યક્તિને ખબર હોય છે અને તેમને આ વાત જણાવવામાં આવે છે. દરેક વર્ષે આ વાત ફરી વાર કહેવામાં આવે છે.

તો એમ ન કહી શકાય કે આર્મી ચીફ એક નાગરિક છે અને તેમને નાગરિક હોવાને કારણે નિવેદન આપવાની સ્વતંત્રતા કેમ નથી આપવામાં આવતી?

આર્મી ચીફ એક સામાન્ય નાગરિક નથી. તેઓ સેનાના સભ્ય છે અને તેમના પર આર્મી રૂલ 19 લાગુ પડે છે.

'રાજનીતિના પ્રશ્નોથી દૂર રહેવું જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images

ભારત દેશ બહુ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો છે.

સેના સ્થિરતા ધરાવતું સંસ્થાન છે. સેનાને દેશ માટે છેલ્લા વિકલ્પ તરીકે જોવામાં આવે છે.

એટલે જ્યારે દેશ પાસે કોઈ બીજો રસ્તો ન હોય ત્યારે સેનાનો વિકલ્પ આવે છે. જ્યારે સેના રાજકીય પ્રશ્નો પર જવાબ આપવા લાગે ત્યારે તેની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા થાય છે.

હું માનું છું કે આ સારી વાત નથી. સેના અને સૈન્યવડાને રાજકીય બાબતોથી દૂર રાખવા જોઈએ.

કદાચ જનરલ રાવત વિચારી રહ્યા હશે કે તેઓ હૅલ્થ સમિટમાં બોલી રહ્યા છે પણ રાજકીય પ્રશ્નો પર નથી બોલી રહ્યો.

પરંતુ જો તેઓ બે ડગલાં પાછળ હઠીને જુએ તો સમજી શકે કે તેઓ પૂર્ણ રીતે રાજકીય બાબત પર બોલી રહ્યા હતા, અને તેમણે આવું નહોતું કરવું જોઈતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો