CAA : "અમે મુસ્લિમ છીએ તો શું થયું? શું અમારી પાસે હિંદુસ્તાનમાં રહેવાનો કોઈ હક નથી?" ગ્રાઉન્ડ રિપોર્ટ

  • યોગિતા લિમયે
  • બીબીસી સંવાદદાતા
નફીસા પરવીન

ભારતના અલગઅલગ વિસ્તારોમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ બે અઠવાડિયાંથી વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે.

સત્તારૂઢ ભાજપનો દાવો છે કે આ કાયદા મારફતે ત્રણ પાડોશી દેશ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી બિનમુસ્લિમ ગેરકાયદે પ્રવાસીઓને ભારતનું નાગરિકત્વ આપવા માટે નિયમોમાં ઢીલ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ મામલે થયેલાં વિરોધપ્રદર્શનોમાં હિંસાને કારણે 20થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે પોલીસે કેટલાય લોકોની અટકાયત કરી છે.

ઉત્તર પ્રદેશ પોલીસ પર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ બળપ્રયોગ અને મુસ્લિમોનાં ઘરોમાં તોડફોડ કરવાનો આક્ષેપ કરાયો છે.

પોલીસે આ આક્ષેપોને ફગાવી દીધા છે પરંતુ આ અંગેના જે વીડિયો સામે આવ્યા છે તેમાં કંઈક જુદી જ કહાણી સામે આવી રહી છે.

'ગોળી મારતી પોલીસ'

કાનપુરમાં વિરોધપ્રદર્શનના એક વીડિયોમાં એક પોલીસકર્મી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરતા દેખાય છે.

ત્યારે મુઝફ્ફરનગરમાં વિરોધપ્રદર્શનના એક વીડિયોમાં પોલીસ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરતી જોવા મળે છે. આ વિડિયોમાં પોલીસકર્મી વૃદ્ધ વ્યક્તિને પણ માર મારી રહ્યા છે.

મેરઠમાં પોલીસકર્મીઓ મુસ્લિમ સમુદાયની દુકાનો પર લગાવાયેલા સીસીટીવી કૅમરા તોડતા જોઈ શકાય છે.

નવા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં થયેલાં પ્રદર્શનો દરમિયાન મુસ્લિમ સમુદાય વિરુદ્ધ રાજ્યની પોલીસના વર્તનને લઈને સવાલ થઈ રહ્યા છે.

અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં 19 લોકોનાં મૃત્યુ થયાં છે. આ લોકો સામાન્ય નાગિરકો છે. આમાંથી મોટા ભાગના લોકોનું મૃત્યુ ગોળી વાગવાથી થયું છે.

28 વર્ષીય મહમદ મોહસિનનું મૃત્યુ છાતી પર ગોળી વાગવાથી થયું છે.

તેમનાં માતા નફીસા પરવીન કહે છે, "મોહસિન વિરોધપ્રદર્શનમાં સામેલ નહોતો. તે પશુનો ચારો ખરીદવા ઘરેથી નીકળ્યો હતો પરંતુ પાછો ફર્યો નહીં."

મોહસિન એક નાનકડી બાળકીના પિતા પણ હતા.

નફીસા કહે છે, " અમને કંઈ ખબર નથી, અમને માત્ર ન્યાય જોઈએ છે. પોલીસે તેને માર્યો છે, તેના ગયા બાદ તેના બાળકનું ધ્યાન કોણ રાખશે?"

પહેલાં ઉત્તર પ્રદેશ પોલીસે કહ્યું હતું કે તેમના તરફથી કોઈ ગોળી ચલાવવામાં આવી નહોતી.

પોલીસનો દાવો હતો કે પ્રદર્શનકારીઓમાં કેટલાક લોકો પાસે બંદૂક હતી. જોકે ત્યાર બાદ ઉત્તર પ્રદેશ પોલીસે માન્યું કે તેમના તરફથી પણ ગોળી ચલાવવામાં આવી હતી.

પોલીસે લૂંટ કરી?

ઇમેજ કૅપ્શન,

હુમાયરાનાં ઘરનું દૃશ્ય

બીબીસીની ટીમ એક એવા પરિવારની મુલાકાતે પહોંચી, જેમણે પોલીસ પર અડધી રાતે ઘરમાં ઘૂસીને તોડફોડ કરવાનો આરોપ લગાવ્યો છે.

એમના ઘરની સ્થિતિ જોતાં લાગે કે જાણે અહીં કોઈ તોફાન આવ્યું હશે.

હુમાયરા પરવીન જણાવે છે કે ઘરના કબાટમાંથી દાગીના અને પૈસા હતા, જે રાતે જ લૂંટી લેવાયા.

તેઓ કહે છે, "અમારા સામાનમાં કેટલાક દાગીના હતા અને ટીનમાં પૈસા રાખ્યા હતા. એ બધુ ચોરી લેવાયું છે. તેમની સાથે સાદાં કપડાંમાં જે લોકો હતા, તેમણે અમને ઘરમાંથી બહાર જતા રહેવાનું કહ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે અમારું ઘર બહુ જલદી તેમનું થઈ જશે. તેમણે અમને કહ્યું કે દેશ છોડીને જતા રહો."

હુમાયરા પૂછે છે, "અમે મુસ્લિમ છીએ તો શું થયું? શું અમારી પાસે હિંદુસ્તાનમાં રહેવાનો કોઈ હક નથી?"

બીબીસીની ટીમે મુઝફ્ફરનગરના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના લોકો સાથે વાત કરી, લગભગ દરેક પરિવારનો આરોપ હતો કે તેમનાં ઘરમાં તોડફોડ અને લૂંટ કરાઈ.

કેટલાક લોકોનું કહેવું છે કે પોલીસનું વર્તન અને નવો કાયદો, બંને સત્તાધારી પાર્ટીના હિંદુ રાષ્ટ્રવાદી ઍજન્ડાનો ભાગ છે.

સરકારનું કહેવું છે કે નાગરિકતા સંશોધન કાયદાથી દેશમાં રહેનારા મુસ્લિમ પ્રભાવિત નહીં થાય. સરકાર પ્રદર્શનકારીઓ પર હિંસાનો આક્ષેપ મૂકે છે.

'50 હજાર લોકો એકઠા થયા હતા'

ભાજપ નેતા અને મુઝફ્ફનગરના સંસદસભ્ય સંજીવ બાલયાન કહે છે, "50 હજાર લોકો હતા. કદાચ ભારતમાં 50 હજાર ક્યાંય એકઠા નહોતા થયા. જે મોટરસાઇકલ દેખાઈ, તેને આગ ચાંપી. ભારે પથ્થરમારો કરાયો. હું ત્યાં હાજર હતો."

"ફૂટેજમાં જે લોકો ગોળીબાર કરતા સ્પષ્ટ દેખાય છે, પથ્થરમારો કરતા જોવા મળે છે, શું પોલીસ એ લોકોની ધરપકડ પણ ન કરે?"

"પોલીસ પહેલાંથી સ્પષ્ટ કરી ચૂકી છે. મેં પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રદર્શનમાં સામેલ લોકો સામે પગલાં નહીં લેવાય, પરંતુ જેમણે ગોળીબાર કર્યો, સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું, પથ્થરમારો કર્યો, ગાડીઓ સળગાવી અને જે લોકોના વીડિયો છે માત્ર તેમના વિરુદ્ધ જ પગલાં લેવામાં આવશે, એ લોકો બચી નહીં શકે."

ધ્રુવીકરણ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વિરોધપ્રદર્શન પછી જે જોવા મળ્યું એ પછી મુસ્લિમ સમુદાય દેશમાં પોતાના ભવિષ્યને લઈને ચિંતિત છે.

સરકાર કાયદા અંગેની શંકાઓ દૂર કરવાના પ્રયાસને બદલે સોશિયલ મીડિયામાં નાગરિકતા સંશોધન કાયદા સંબંધે જાણકારી આપવાના પ્રયાસો કરી રહી છે.

જોકે, કાયદાના અમલ પહેલાં જે રીતે તેનો વિરોધ થઈ રહ્યો છે અને જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, એ જોતાં જમીની સ્તરે આ કાયદાનો પ્રભાવ જોવા મળશે.

રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ભય અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.

હવે દેશમાં ધર્મને લઈને ધ્રુવીકરણ વધી રહ્યું છે. ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં ભયનો માહોલ છે અને લોકોનીં અદર આક્રોશ વધી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો