લોકોને 'પાકિસ્તાન જતા રહો' કહેનાર પોલીસ અધિકારીના વીડિયો પર રાજકારણ તેજ

પોલીસ અધિકારી Image copyright ANI

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધના પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓને કથિત રૂપે પાકિસ્તાન જવાનું કહેતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીના વીડિયો ઉપર રાજકારણ થઈ રહ્યું છે.

કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આ વીડિયોમાં દેખાઈ રહેલા અધિકારીની ટીકા તો કરી જ સાથે સાથે સત્તાધારી ભાજપ પર પણ નિશાન સાધ્યું

ત્યારે ભાજપના અમુક નેતાઓએ કહ્યું કે 'આ પોલીસ અધિકારીની સ્વાભાવિક પ્રતિક્રિયા છે.'

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ વીડિયોના આધારે ભારતીય જનતા પાર્ટી ઉપર 'બંધારણીય સંસ્થાઓને સાંપ્રદાયિક બનાવી દેવા'નો આક્ષેપ કર્યો છે.

તેમણે આ વીડિયાને ટ્વીટ કરતા કહ્યું, "ભારતનું બંધારણ કોઈ પણ નાગરિક સામે આવી ભાષા વાપરવાની પરવાનગી નથી આપતું. અને જ્યારે તમે મહત્ત્વપૂર્ણ પદ પર અધિકારી હો તો તમારી જવાબદારી વધી જાય છે."

પ્રિયંકાએ લખ્યું, "ભાજપે સંસ્થાઓમાં એટલી હદે સાંપ્રદાયિક ઝેર ઘોળ્યું છે કે આજે અધિકારીઓને બંધારણના સોગંદની કોઈ દરકાર નથી."


શું છે બાબત?

હકીકતે, મેરઠના એસપી અખિલેશ નારાયણ સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ સ્થાનિકોને કથિત રૂપે કેટલાક લોકો વિશે કહી રહ્યા છે કે તેમને કહો કે "દેશમાં રહેવાનું મન ન હોય તો પાકિસ્તાન જતા રહો."

જોકે, સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આ વીડિયો વિશે અખિલેશ નારાયણ સિંહે કહ્યું, "અમને જોઈએ અમુક છોકરાઓ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવીને ભાગવા લાગ્યા."

"મેં તેમને કહ્યું કે જો પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવશો અને ભારતથી આટલી નફરત કરો છો કે પથ્થર મારી રહ્યા છો તો પાકિસ્તાન જતા રહો. અમે તેમની ઓળખ કરી લીધી છે."

Image copyright ANI
ફોટો લાઈન મેરઠના આઈજી પ્રશાન્ત કુમાર

મેરઠના આઈજી પ્રશાંત કુમારે પણ આ વીડિયોને લઈને પોતાના વિભાગના અધિકારીનો બચાવ કર્યો છે.

તેમણે કહ્યું, "પથ્થરબાજી થઈ રહી હતી, ભારતનો વિરોધ અને પાડોશી દેશના સમર્થનમાં નારેબાજી થઈ રહી હતી."

તેમણે કહ્યું, "પરિસ્થિતિ બહુ તણાવગ્રસ્ત હતી. જો પરિસ્થિતિ સામાન્ય હોત તો શબ્દ કદાચ સારા હોત."

"પરંતુ તે દિવસે પરિસ્થિતિ સંવેદનશીલ હતી. અમારા અધિકારીએ ઘણો સંયમ દાખવ્યો. પોલીસ તરફથી ફાયરિંગ નહોતું થયું."


વિપક્ષી નેતા ટીકા કરી રહ્યા છે

કૉંગ્રેસે શનિવારે તેના 135મા સ્થાપનાદિવસની ઊજવણી કરી જેમાં દેશભરમાં 'સંવિધાન બચાઓ-ભારત બચાઓ'ના સંદેશ સાથે રૅલી આયોજિત કરવામાં આવી.

આ દરમિયાન મેરઠના એસપીના વાઇરલ વીડિયોને વરિષ્ઠ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ ટ્વીટ કર્યો છે અને આપત્તિ વ્યક્ત કરી છે.

તેમણે લખ્યું છે, "મેરઠના એસપીને મુસ્લિમોને પાકિસ્તાન જવાનું કહેતા જોઈને હું હેરાન-પરેશાન છું."

"મુસ્લિમોએ પાકિસ્તાનની જગ્યાએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું કારણકે તેમણે ભારતીય બંધારણ અને મહાત્મા ગાધી, પંડિત નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને અબુલ કલામ આઝાદના નેતૃત્વ પર ભરોસો કર્યો હતો."

ત્યારે એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદના સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ આ વીડિયો ટ્વીટ કરતા કહ્યું, "મેં ભારતના મુસ્લિમો વચ્ચે કટ્ટરપંથને રોકવાની પૂરી તાકાતથી કોશિશ કરી છે. આ અધિકારી મારા પ્રયાસને બેકાર કરી રહ્યા છે."


ભાજપના નેતા બચાવમાં આવ્યા

Image copyright Getty Images

ભાજપનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ઉમા ભારતીએ એક પછી એક ટ્વીટ કરીને મેરઠના પોલીસ અધિકારીનો બચાવ કર્યો છે.

તેમણે કહ્યું કે ' પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહેલા અને પોલીસની માતા-બહેનોને ગાળો આપી રહેવા અને આગચંપી કરી રહેલા તોફાની તત્વોને પાકિસ્તાન જવા કહેવું એ સ્વાભાવિક પ્રતિક્રિયા છે.'

ઉમા ભારતીએ કહ્યું કે 'પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી 'ગંદા કાવત્રાં' હેઠળ આ બાબતને રાજનીતિક મુદ્દો બનાવી રહ્યાં છે.'

ઉમા ભારતીએ કહ્યું કે તેઓ મેરઠના એસપી અખિલેશ નારાયણ સિંહ સાથે છે.

ત્યારે ભાજપના આઈટી પ્રભારી અમિત માલવીયે પણ આ વીડિયોનો બચાવ કર્યો છે.

તેમણે એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં એસપી સ્પષ્ટતા આપી રહ્યા છે.

આ વીડિયોમાં એસપી કહી રહ્યા છે કે 'અમુક પત્રકારો પોલીસને તેમની ડ્યૂટી કરવા માટે બદનામ કરી રહ્યા છે કારણકે રાજ્યમાં ભાજપનું શાસન છે.'

ત્યાર બાદ તેમણે લખ્યું કે "પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવા હોય તો પાકિસ્તાન જાઓ. એવું કહેવું બરાબર છે. તોફાન રોકવા માટે પોલીસ કાર્યવાહી કરશે જ, આરતી નહીં ઉતારે."

આ મુદ્દે વિવાદ થયા પછી રવિવારે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે જો આ સત્ય હોય તો પોલીસ સામે તત્કાળ પગલાં લેવાવા જોઈએ.

એમણે કહ્યું કે પોલીસ કે ટોળું કોઈને પણ હિંસા કરવાનો અધિકાર નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો