અમદાવાદમાં નિત્યાનંદનો સર્વાજ્ઞપીઠમ આશ્રમ તોડી પાડવામાં આવ્યો

નિત્યાનંદનો આશ્રમ

અમાદવાદમાં સ્વામી નિત્યાનંદના 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમને તોડી પાડવામાં આવ્યો છે. આ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાની, બાળમજૂરી કરાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આશ્રમના તંત્ર દ્વારા બાળકોના વાલીને ધમકી આપવાની ફરિયાદ પણ નોંધાઈ હતી. એ કેસમાં આશ્રમનાં બે સંચાલિકાની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદમાં ડીપીએસ ઈસ્ટ સ્કૂલની જમીન પર બનાવાયેલા આ આશ્રમને તોડી પાડવા મામલે તંત્રે જણાવ્યું છે કે કૅલોરેક્સ ગ્રૂપની જમીન પર આશ્રમના નિર્માણ માટે પરવાનગી નહોતી લેવામાં આવી. જેને પગલે અમદાવાદ અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટીએ શનિવારે સવારે ગેરકાયદેસર બાંધકામને તોડવાનું શરૂ કર્યું હતું.

આ પહેલાં ડીપીએસ ઈસ્ટ સ્કૂલની જમીન પર નિત્યાનંદના આશ્રમમાં બળજબરીથી યુવતીઓને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાયા બાદ જમીનને લઈને ગેરરીતિ સામે આવી હતી.

અમદાવાદ અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટીના ચૅરમૅન એ. બી. ગોરે કહ્યું, "આશ્રમ માટે પરવાનગી નહોતી લેવામાં આવી જેથી આશ્રમને તોડી પાડવામાં આવ્યો છે અને અત્યારે આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે."

વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખના જણાવ્યા અનુસાર ડીપીએસ ઈસ્ટ સ્કૂલે 20 હજાર વાર જમીનનો કબજો લીધો હતો, તેમાંથી 40 ટકા જમીન (8000 વાર) જમીન ઉપર સર્વાજ્ઞપીઠમ આશ્રમ ઊભો કરાયો હતો.

સંબંધિત વિવાદ સામે આવ્યા બાદ ડીપીએસ ઈસ્ટ સ્કૂલની જમીન લીઝ પર કઈ રીતે અપાઈ એ મામલે તંત્ર હરકતમાં આવ્યું હતું. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે શાળા દ્વારા કેટલીય કાયદાકીય મંજૂરીઓ કથિત પણે નહોતી લેવાઈ.

ગોંધી રખાયેલી બાળકીઓને પરત મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ ત્યારે નિત્યાનંદને આશ્રમ બનાવવા માટે ભાડે આપવામાં આવેલી જમીન પરત લેવાની વાત શાળાના તંત્રે કરી હતી.

ભાર્ગવ પરીખ મુજબ આ પહેલાં વાલી અને ડીપીએસની મૅનેજમૅન્ટ વચ્ચે ગત અઠવાડિયે બેઠક થઈ, જેમાં ચર્ચા થઈ કે ડીપીએસ ઈસ્ટના વિદ્યાર્થીને બોપલ ડીપીએસમાં શિફ્ટ કરવા.

આ પહેલાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ડીપીએસના વડા સાથે લાંબી બેઠક કરી હતી, ત્યાર બાદ ડીપીએસ ઈસ્ટના વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એટલે સરકાર તેમની જવાબદારી સ્વીકારી હતી.

વિવાદ શો છે?

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

સ્વયંભૂ બાબા નિત્યાનંદ સામે બે છોકરીઓને ગુજરાતમાં આવેલી તેમની સંસ્થામાં અપહરણ કરીને બંધક બનાવવા મામલે ગુનો નોંધાયો હતો.

જોકે, સ્વામી નિત્યાનંદે અમદાવાદના છેવાડે ખોલેલા 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમમાં બાળકોને ગોંધી રખાયાં હોવાનાં અને યુવતી લાપતા હોવાના વિવાદમાં પોલીસે આશ્રમના સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્ત્વપ્રિયાની ધરપકડ કરી હતી.

છોકરીઓનાં માતાપિતાએ આ મામલે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને કોર્ટમાં 'હેબિયસ કૉર્પસ'ની અરજી કરવામાં આવી હતી.

માતાપિતાનું કહેવું હતું કે 2013માં બેંગલુરુમાં સ્વામી નિત્યાનંદ દ્વારા ચલાવવામાં આવતી એક શૈક્ષણિક સંસ્થામાં તેમની ચાર પુત્રીઓને અભ્યાસ માટે મોકલી હતી. જેમની ઉંમર 7થી 15 વર્ષની વચ્ચે હતી.

આ દરમિયાન અમદાવાદ પૂર્વમાં આવેલી કૅલોરેક્સ ગ્રુપની 'દિલ્હી પબ્લિક સ્કૂલ'ના આચાર્ય વિરુદ્ધ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ તેમના પર પોલીસને જાણ કર્યા વિના પાંચ વર્ષ માટે નિત્યાનંદને જમીન આપવાનો આક્ષેપ હતો.

નિત્યાનંદ કોણ છે?

ઇમેજ સ્રોત, YOUTUBE

ઇમેજ કૅપ્શન,

સ્વામી નિત્યાનંદ

મૂળરૂપે તામિલનાડુમાં જન્મેલા નિત્યાનંદ ખુદ ઈશ્વર હોવાનો દાવો કરે છે.

તેમની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર યૂ-ટ્યૂબ પર તેમનાં ભાષણોને 18 મિલિયનથી વધુ વ્યૂઝ મળેલા છે. વળી દાવો તો એ પણ છે કે યૂ-ટ્યૂબ પર સૌથી વધુ વ્યૂઝ મેળવવામાં તેઓ મોખરે છે.

નિત્યાનંદનો જન્મ 1 જાન્યુઆરી 1978ના રોજ થયો હતો. નિત્યાનંદના પિતાનું નામ અરુણાચલમ અને માતાનું નામ લોકનાયકી હોવાનું ચર્ચાય છે.

નિત્યાનંદનું બાળપણનું નામ રાજશેખરન હતું. નિત્યાનંદને તેમના દાદા તરફથી પૂજા-પાઠ અને ધાર્મિક રૂચિ મળ્યાં હતાં અને તેઓ જ તેમના પ્રથમ ગુરુ હતા

ત્યાનંદે વર્ષ 1992માં તેમનું સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યાર બાદ વર્ષ 1995માં મિકૅનિકલ એંજિનિયરીંગનો અભ્યાસ કર્યો.

ત્યાર બાદ 12 વર્ષની ઉંમરમાં તેમણે રામકૃષ્ણ મઠમાં શિક્ષણ લેવાનું શરૂ કર્યું.

તેમના પ્રથમ આશ્રમ નિત્યાનંદ ધ્યાનપીઠમની સ્થાપના 1 જાન્યુઆરી 2003માં બેંગલુરુ પાસે બિદાદીમાં થઈ.

વળી અમદાવાદ સ્થિત તેમનો આ આશ્રમ પણ બેંગલુરુના આશ્રમની જ એક શાખા છે, જ્યાંથી યુવતીઓના ગાયબ થવા મામલે કેસ દાખલ કરાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો