દાનિશ કનેરિયા સિવાય પાકિસ્તાન માટે રમનાર અન્ય ગુજરાતી હિંદુ ક્રિકેટર કોણ હતા?

દાનિશ કનેરિયા Image copyright Getty Images

1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા તે સમયે જાવેદ મિયાંદાદના પિતા ગુજરાતમાં અમદાવાદની નજીકમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.

વિભાજન સમયે મિયાંદાદ પરિવાર પાકિસ્તાન જવાનો હતો અને એ વખતે હજી જાવેદનો જન્મ થયો ન હતો.

દલપત સોનાવરિયા અને પ્રભાશંકર કનેરિયાનો પરિવાર જાવેદના પિતા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો હતો.

જાવેદ મિયાંદાદના પિતાએ તેમને ખાતરી આપી હતી કે તમે અમારી સાથે પાકિસ્તાન આવો તમને કોઈ તકલીફ નહીં પડે.

એ રીતે દલપત સોનાવરિયા અને પ્રભાશંકર કનેરિયાનો પરિવાર મિયાંદાદના પરિવાર સાથે ભારતથી પાકિસ્તાન હિજરત કરી ગયા હતા.

બંને પરિવારને એટલો ઘરોબો હતો કે જાવેદ મિયાંદાદ પાકિસ્તાનનો ક્રિકેટર બન્યા ત્યાર બાદ તેમણે સોનાવરિયા અને કનેરિયા પરિવારના સંતાનોને પણ ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા જેમાંનો પ્રથમ એટલે અનિલ દલપત.


મિયાંદાદના પરિવારમાં ગુજરાતી બોલાતું

Image copyright Getty Images

જાવેદ મિયાંદાદના પરિવારમાં ગુજરાતી બોલાતું હતું અને આ અનિલ દલપત સાથે તેમને સારી મિત્રતા હતી.

1980ના દાયકાના પ્રારંભમાં મહાન વિકેટકીપર વસિમ બારીની નિવૃત્તિ બાદ અનિલ દલપતને પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું હતું.

1985ના માર્ચમાં ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી બૅન્સન એન્ડ હૅજિસ વન-ડે ટુર્નામેન્ટમાં દલપતે વિકેટકીપિંગ કર્યું હતું.

આ ઉપરાંત ઇંગ્લૅન્ડ સામેની કરાચી ટેસ્ટમાં અબ્દુલ કાદિરની ખતરનાક સ્પિનબૉલિંગ સામે પણ દલપતે વિકેટકીપિંગ કર્યું હતું.

અનિલ દલપતના નજીકના સગા એટલે કે દાનિશ પ્રભાશંકર કનેરિયાએ પણ ક્રિકેટમાં ઝંપલાવ્યું અને પાકિસ્તાન ક્રિકેટ ઇતિહાસના કેટલાક ટોચના સ્પિનરમાં તેમનું નામ આવી ગયું.


દાનિશ કનેરિયા પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં બીજા હિંદુ ક્રિકેટર

Image copyright Getty Images
ફોટો લાઈન 2005માં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર દાનિશ કનેરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દાનિશ કનેરિયા મૂળ ગુજરાતી અને હિંદુ પરંતુ અનિલ દલપત બાદ પાકિસ્તાની ટેસ્ટ ટીમમાં રમેલા માત્ર બીજા હિંદુ ક્રિકેટર છે.

કનેરિયા સામે મૅચ ફિક્સિંગના આક્ષેપો થયા અને તેમની ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો અને તેમની કારકિર્દી પૂરી થઈ ગઈ.

તાજેતરમાં તેમનું નામ ફરીથી ચગ્યું છે. તેમના ભૂતપૂર્વ સાથી શોએબ અખ્તરે એવો આક્ષેપ કર્યો હતો કે માત્ર હિંદુ હોવાને કારણે કનેરિયા સાથે તેના કોઈ સાથી ક્રિકેટર બોલવાનો વ્યવહાર પણ રાખતા ન હતા અને તેની સાથે જમવાનું પણ ટાળતા હતા.

ખુદ કનેરિયાએ પણ આ આક્ષેપને નકાર્યા નથી અને કબૂલ્યું કે તેને હિંદુ હોવાને કારણે ટાર્ગેટ બનાવવામાં આવતો હતો પરંતુ ક્યારેય ધર્મપરિવર્તન માટે દબાણ કરાયું નથી.

શોએબ અખ્તરે ગુરુવારે તેના દેશના હિંદુ ક્રિકેટર દાનિશ કનેરિયા ટીમમાં ભેદભાવનો સામનો કરતો હતો તેવું સનસનાટીપૂર્ણ નિવેદન આપ્યું એ પછી પહેલીવાર કનેરિયાએ પણ તે વાતનો એકરાર કર્યો હતો.

કનેરિયાએ કહ્યું હતું કે કેટલાક પાકિસ્તાની ખેલાડીઓ તો મારો ધર્મ જુદો હોવાથી મારી સાથે ખાવાનું પણ શેર કરતાં ન હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મૅચ ફિક્સિંગમાં દોષિત ઠરેલા કનેરિયા પર આજીવન પ્રતિબંધ મુકાયો છે.


મને હિંદુ હોવાનો અને પાકિસ્તાની હોવાનો ગર્વ છે.

Image copyright Getty Images

એક પાકિસ્તાની ચેનલને મુલાકાત આપતાં કનેરિયાએ કહ્યું હતું કે ખેલાડીઓ મારી પાછળ બોલતા હતા પણ મેં ક્યારેય આ વાતને મુદ્દો બનાવ્યો નહોતો.

હું તેમને અવગણતો હતો, કારણ કે મારે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું હતું અને પાકિસ્તાન માટે વિજય મેળવવો હતો.

મને હિંદુ હોવાનો અને પાકિસ્તાની હોવાનો ગર્વ છે.

પાકિસ્તાનનો ભૂતપૂર્વ બેટ્સમેન યુસુફ યોહાના પણ એક સમયે ખ્રિસ્તી ધર્મ પાળતો હતો અને પાછળથી તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો એ અંગે કનેરિયાએ કહ્યું હતું કે આ મામલે હું કશું જ કહેવા માગતો નથી.

યુસુફે જે કર્યું તે તેનો અંગત નિર્ણય હોઈ શકે, પરંતુ મને ક્યારેય મારો ધર્મ પરિવર્તન કરવાની જરૂર લાગી નથી કારણ કે હું તેમાં માનું છું અને ધર્મ પરિવર્તન કરવા માટે કોઈ મને દબાણ કરી શકે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો