CAA-NRC : આસામમાં ડિટેન્શન સેન્ટરો કેવી રીતે બન્યાં?

ડિટેન્શન સેન્ટરમાંથી 4 વર્ષ પછી મુક્ત કરાયેલ વ્યક્તિ હબીબ ઉર રહેમાન Image copyright Getty Images
ફોટો લાઈન ડિટેન્શન સેન્ટરમાંથી 4 વર્ષ પછી મુક્ત કરાયેલ વ્યક્તિ હબીબ ઉર રહેમાન

ગુવાહાટી હાઈકોર્ટના જસ્ટિસ બિપ્લવ કુમાર શર્માની બેન્ચે જુલાઈ 2008માં એક ચુકાદો સંભળાવતાં કહ્યું હતું, "હંમેશાં લોકો વિદેશી જાહેર થયા પછી ગાયબ થઈ જાય છે એટલાં માટે તેમને પકડીને રાખવા માટે રાજ્ય સરકાર ડિટેન્શન સેન્ટરની વ્યવસ્થા કરે જેથી તેમનો દેશનિકાલ કરી શકાય."

એ સમયે વિદેશી જાહેર થયેલાં લોકો માટે ડિટેન્શન સેન્ટર જેવી કોઈ અલગ વ્યવસ્થા ન હતી.

અદાલતના ચુકાદા પછી આસામ સરકારે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરીને 17 જૂન, 2009માં રાજ્યમાં ડિટેન્શન સેન્ટર બનાવવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું.

એ પ્રકારે પહેલું અસ્થાયી ડિટેન્શન સેન્ટર ગ્વાલપાડા જેલમાં બનાવવામાં આવ્યું અને પછી અન્ય ત્રણ ડિટેન્શન સેન્ટર ખોલવામાં આવ્યા.

ગુવાહાટી હાઈકોર્ટમાં વિદેશી નાગરિકોના અડધાથી વધારે કેસ લડી રહેલાં વરિષ્ઠ વકીલ હાફિઝ રશીદ અહમદ ચૌધરીએ આસામમાં ડિટેન્શન સેન્ટર વિશે બીબીસી સાથે વાત કરતાં આ જાણકારીઓ આપી.

Image copyright DILIP SHARMA/ BBC
ફોટો લાઈન વરિષ્ઠ વકીલ હાફિઝ રશીદ અહમદ ચૌધરી

તેમણે કહ્યું, "પહેલાં વિદેશી નાગરિકોને સામાન્ય ગુનેગારોની સાથે જ જેલમાં રાખવામાં આવતાં હતાં જે માનવીય સ્તરે યોગ્ય ન હતું."

"વિદેશી જાહેર કરવામાં આવેલી મહિલા પોતાનાં નાનાં બાળકોની સાથે જેલમાં સામાન્ય ગુનેગારોની સાથે કેદ હતી. માનવાધિકાર માટે કામ કરનાર લોકોએ આ મામલે ઘણો વિરોધ કર્યો."

"તે પછી 2011થી જેલમાં જ વિદેશી જાહેર કરવામાં આવેલાં લોકો માટે અલગથી સેલની વ્યવસ્થા કરવામાં આવી. તેને ડિટેન્શન સેન્ટર અથવા ધરપકડ સેન્ટર કહેવામાં આવ્યું."

એ દરમિયાન જસ્ટિસ બિપ્લવ કુમાર શર્માએ 50થી વધારે બાંગ્લાદેશી નાગરિકોના દેશનિકાલનો આદેશ આપ્યો હતો, આ લોકોએ ભારતની નાગરિકતા છેતરપિંડીથી મેળવી હતી અને ત્યાં સુધી કે તેઓ આસામના મતદાર બની ગયાં હતાં.

2008માં બીબીસી સંવાદદાતા રહેલા સુબીર ભૌમિકે એ ઘટનાને રિપોર્ટ કરી હતી.


ડિટેન્શન સેન્ટરના અસ્તિત્વ પર ચર્ચા

Image copyright DILIP SHARMA/BBC
ફોટો લાઈન ચંદ્રધર દાસને સિલ્ચર જેલમાં રાખવામાં આવ્યા હતા.

આસામના ગ્વાલપાડા જિલ્લાના માટિયા ગામની 20 વીઘા જમીન પર નિર્માણ થઈ રહેલાં એક ડિટેન્શન સેન્ટરના સત્યને લઈને ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રાજકીય ચર્ચા ચાલી રહી છે.

બેઉ પક્ષના નેતાઓ એકબીજાને જૂઠાં કે સાચા સાબિત કરવાને લઈને પોત-પોતાની વાત મૂકી રહ્યા છે.

અઠવાડિયા અગાઉ દિલ્હીના રામલીલા મેદાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં કોઈ ડિટેન્શન સેન્ટર નથી એવો દાવો કર્યો હતો, ત્યાંથી આ ચર્ચાની શરૂઆત થઈ હતી.

વડા પ્રધાને દેશમાં ડિટેન્શન સેન્ટર હોવાની વાતને જ્યારે આસામમાં સ્થિત ડિટેન્શન સેન્ટરનું સત્ય વડા પ્રધાન મોદીના દાવાથી બિલકુલ અલગ છે.

આસામમાં હાલ છ ડિટેન્શન સેન્ટર છે જે અલગ-અલગ કેન્દ્રિય જેલમાં અસ્થાયી રીતે ચાલી રહ્યા છે.

આ ડિટેન્શન સેન્ટર અથવા અટકાયત કેન્દ્ર એ લોકો માટે ખોલવામાં આવ્યા છે જેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અમાન્ય નાગરિક જાહેર કરવામાં આવ્યાં.

ગ્વાલપાડ, કોકરાઝાડ, તેજપુર, ઝોરહાટ, દિબ્રુગઢ અને સિલચર જેલની અંદર બનાવવામાં આવેલાં ડિટેન્શન સેન્ટરમાં વિદેશી જાહેર કરવામાં આવેલાં 1033 લોકો રહી રહ્યા છે. આ આંકડાં આ વર્ષે 25 જૂન સુધીનાં છે અને આ જાણકારી ભારત સરકારે આપી છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જીકે રેડ્ડીએ સંસદમાં આ વર્ષે જુલાઈમાં કૉંગ્રેસના સંસદ સભ્ય શશી થરૂર દ્વારા પૂછેલા સવાલના જવાબમાં આ જાણકારી આપી હતી.


Image copyright DILIP SHARMA/BBC
ફોટો લાઈન સિલચર જેલ જ્યાં ડિટેન્શન સેન્ટર છે.

વરિષ્ઠ વકીલ હાફિઝ રાશિદ અહમદ ચૌધરી કહે છે, "હાલ ડિટેન્શન સેન્ટરમાં બે પ્રકારના વિદેશીઓને રાખવામાં આવી રહ્યા છે. એક, જે વિદેશી નાગરિક છે જે યોગ્ય કાગળ જેવાં કે પાસપોર્ટ અને વિઝા લઈને ભારત આવ્યા હતાં પરંતુ તેમની સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ તે પરત ન ફર્યા. આવાં 35 ઓળખ કરાયેલાં વિદેશી નાગરિકો છે, જેમણે સ્વીકાર કર્યો છે કે તે બીજા દેશમાંથી આવ્યા છે."

"બીજા એવા પ્રકારના લોકો છે, જેમનું નાગરિકત્વ શંકાસ્પદ છે અને તેમને વિદેશી ટ્રિબ્યૂનલે ગેરકાયદે નાગરિક જાહેર કર્યા છે. આ તમામને ડિટેન્શન કેમ્પમાં રાખવામાં આવે છે."

"જોકે, વિદેશી ટ્રિબ્યૂનલે જાહેર કરેલા કોઈપણ ગેરકાયદે નાગરિકે અદાલત સમક્ષ એ નથી સ્વીકાર્યું કે તે બહારથી અહીં આવ્યા છે. આમાં હિંદુ અને મુસ્લિમની સંખ્યા લગભગ સરખી છે."


અઘોષિત આજીવન કારાવાસ

Image copyright DILIP SHARMA/BBC
ફોટો લાઈન ગ્વાલપાડામાં આવેલી વિદેશી ટ્રિબ્યૂનલ

જેલોને અસ્થાયી ડિટેન્શન સેન્ટરમાં સ્થાપિત કરવાથી ત્યાંના કેદીઓ પર શું અસર પડી? આ સવાલનો જવાબ આપતાં વકીલ રાશિદ અહમદ ચૌધરી કહે છે કે આનાથી વિદેશી જાહેર થયેલાં નાગરિકોને માત્ર એક અલગ સેલમાં રહેવાની સુવિધા આપવામાં આવી, બાકી કોઈ ફરક નથી પડ્યો.

તેઓ કહે છે, "જઘન્ય ગુનો કરીને આવેલાં કેદીઓને જેલ મૅન્યુઅલ પ્રમાણે ઘણી સુવિધાઓ મળે છે. સજા મેળવેલાં કેદીઓને પૅરોલ પર જેલમાંથી બહાર જવાની છૂટ મળે છે પરંતુ તેવી છૂટ વિદેશી જાહેર થયેલાં નાગરિકોને મળતી નથી."

"વિદેશી જાહેર થયેલાં નાગરિકોના નોટિફિકેશનમાં એટલે સુધી લખવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી તેમને પરત તેમનાં દેશમાં મોકલવામાં નહીં આવે, ત્યાં સુધી તેમને ડિટેન્શન સેન્ટરમાં જ રાખવામાં આવશે."

"જોકે આ સંપૂર્ણ મુદ્દો બાંગ્લાદેશના ઘૂસણખોરો સાથે જોડાયેલો છે અને બાંગ્લાદેશ આ લોકોને પરત લેવા તૈયાર નથી. એવામાં આ એક આજીવન કેદ જેવી સજા બની જાય છે."

2019ની શરૂઆતમાં ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળ સુપ્રીમ કોર્ટની એકલપીઠે ચુકાદો સંભળાવ્યો કે દેશમાં રહેનારાં વિદેશીએ જો ત્રણ વર્ષ અટકાયતમાં ડિટેન્શન સેન્ટરમાં વિતાવ્યા હોય તો તેમને જામીન પર મુક્ત કરવામાં આવી શકે છે

જોકે, આ જામીનમાં શરત એ છે કે, તે જામીન માગનાર વ્યક્તિએ એક સુરક્ષિત ડેટાબેઝ માટે બાયૉમેટ્રિક જાણકારી આપવી પડશે અને તેની સાથે ગૅરંટી તરીકે બે ભારતીય નાગરિકો પાસેથી 1 લાખ રૂપિયાના સુરક્ષા બૉન્ડ આપવા પડશે.


કૉંગ્રેસની સરકારમાં બન્યાં હતાં ડિટેન્શન સેન્ટર

Image copyright DILIP SHARMA/BBC

વર્ષ 2009માં જ્યારે હાઈકોર્ટના ચુકાદાના આધારે ડિટેન્શન સેન્ટર બનાવવામાં આવ્યા, તે સમયે આસામમાં મુખ્યમંત્રી તરુણ ગોગોઈના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસની સરકાર હતી.

ઘૂસણખોરીના મુદ્દા પર 2009માં આસામમાં કૉંગ્રેસ સરકારના રાજસ્વ મંત્રી રહેલાં ભૂમિધર બર્મને આસામ વિધાનસભાને સૂચન કરતા કહ્યું હતું કે "આવા અપ્રવાસીઓ, જેમની ઓળખ અથવા રાષ્ટ્રિયતા સ્થાપિત નથી કરી શકાઈ, તેમનાં માટે રાજ્ય સરકાર માનકછાર અને મહીસાશનમાં બે ડિટેન્શન કેમ્પ બનાવશે."

બીજેપી નેતા સંબિત પાત્રાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં એક પણ ડિટેન્શન સેન્ટર નહીં હોવાના નિવેદનનો બચાવ કરતાં શુક્રવારે એક એક નિવેદન આપ્યું.

સંબિત પાત્રાએ કહ્યું હતું કે, "13 ડિસેમ્બર, 2011ના રોજ કેન્દ્ર સરકારના એક અખબારી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 3 ડિટેન્શન કેમ્પ આસામમાં ખોલવામાં આવ્યા છે. વર્ષ 2011માં કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી."

સંબિત પાત્રાએ એમ પણ કહ્યું કે, "ઑક્ટોબર 2012માં આસામ સરકાર દ્વારા વિદેશીઓના મુદ્દે શ્વેત પત્ર જાહેર કરવામાં આવ્યો અને કહ્યું હતું કે કેન્દ્રએ અમને ડિટેન્શન સેન્ટર બનાવવાનો આદેશ આપ્યો છે."

Image copyright Getty Images
ફોટો લાઈન બની રહેલું ડિટેન્શન સેન્ટર

ભાજપના પ્રવક્તાની આ જ વાતનો જવાબ આપતા આસામના પૂર્વ મુખ્ય મંત્રી તરુણ ગોગોઈએ બીબીસીને કહ્યું, "2008માં ગુવાહાટી હાઈકોર્ટના જજ બિપ્લબ કુમાર શર્માએ ડિટેન્શન સેન્ટરને સ્થાપિત કરવા માટે અમને આદેશ આપ્યો હતો."

"પરંતુ અમે આસામમાં 2011માં ડિટેન્શન સેન્ટર બનાવ્યાં. ડિટેન્શન સેન્ટર સ્થાપિત કરવાનો આ આખો વિચાર અટલ બિહારી વાજપેયીની સરકારના સમયનો હતો."

પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગોગોઈએ દાવો કર્યો, "જ્યારે 1998માં અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા, તે સમયે ડિટેન્શન સેન્ટર બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપવામાં આવ્યો હતો."

" કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર જાહેર કર્યો, જેમાં સૂચન કરવામાં આવ્યું હતું કે દેશનિકાલની રાહ જોઈ રહેલાં વિદેશી નાગરિકોની અવર-જવરને પ્રતિબંધિત કરવા માટે આ પ્રકારના ડિટેન્શન સેન્ટર ખોલવા જોઈએ."

તેમણે કહ્યું, "વર્ષ 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આસામમાં એક સ્થાયી અને મોટા ડિટેન્શન સેન્ટરના નિર્માણ માટે 46 કરોડ રૂપિયાની મંજૂરી આપી. એ જ પૈસાથી ગ્વાલપાડાના મટિયામાં ડિટેન્શન સેન્ટર બની રહ્યું છે. વડા પ્રધાનને દેશના લોકોની સાથે ખોટું ન બોલવું જોઈએ."

ગોગોઈ કહે છે, "હવે ભાજપના લોકો કહી રહ્યા છે કે આ ડિટેન્શન સેન્ટર કૉંગ્રેસના સમયમાં બનાવવામાં આવ્યા તો પછી 2018માં 46 કરોડ રૂપિયાની મોદી સરકારે મંજૂરી કેમ આપી."

"આસામમાં જો છ ડિટેન્શન કૅમ્પ ચાલી રહ્યા છે અને જો પીએમ મોદી દેશમાં ડિટેન્શન કેમ્પ નહીં હોવાની વાત કહી રહ્યા છે તો ભાજપની સરકાર તેને સતત ચાલું કેમ રાખે છે? વડા પ્રધાન સતત લોકોની સામે જૂઠ બોલી રહ્યા છે. આસામમાં જ નહીં પરંતુ કર્ણાટક જેવા ભાજપ શાસિત રાજ્યમાં ડિટેન્શન સેન્ટર છે."


શું ડિટેન્શન સેન્ટર જરૂરી છે?

Image copyright DILIP SHARMA/BBC
ફોટો લાઈન આસામની સિલ્વર જેલમાંથી એક બાંગ્લાદેશી નાગરિકને પોતાના દેશમાં પરત મોકલવામાં આવ્યો.

આસામમાં રહેલાં ડિટેન્શન સેન્ટર પર છેડાયેલી રાજકીય ચર્ચા પર વરિષ્ઠ પત્રકાર વૈકુંઠનાથ ગોસ્વામી કહે છે, "ભારત સરકારની સાથે 1985માં થયેલી આસામ સમજૂતીની શરતો મુજબ 24 માર્ચ 1971 પછી આસામમાં પ્રવેશ કરનાર ગેરકાયદે નાગરિકોની ઓળખ કરીને તેમને નિકાલ કરવાની વાત નક્કી કરવામાં આવી હતી."

"સમજૂતી એ હતી કે ગેરકાયદે નાગરિક હિંદુ હોય કે મુસ્લિમ તેમનો નિકાલ કરવો પરંતુ ભાજપ સત્તામાં આવ્યું પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. નાગરિકતા સંશોધન કાયદા દ્વારા એનઆરસીથી બહાર થયેલાં અથવા ફૉરેનર્સ ટ્રિબ્યૂનલે વિદેશી જાહેર કરેલાં એ તમામ હિંદુઓને ભારતની નાગરિકતા મળી જશે."

"એક તરફ વડા પ્રધાન મોદી દેશમાં ડિટેન્શન સેન્ટર નહીં હોવાની વાત સાર્વજનિક રીતે કહે છે, જ્યારે પ્રદેશની ભાજપ સરકાર આસામમાં ચાલી રહેલાં 100 ફૉરેનર્સ ટ્રિબ્યૂનલની સંખ્યાને 1000 સુધી વધારવાની ઘોષણા કરી ચૂકી છે."

"જો વધારે ગેરકાયદે નાગરિક મળે છે તો તેમને અટકાયત કેન્દ્રમાં જ રાખવા પડશે."

"આસામમાં 24 માર્ચ 1971 પછી આવેલાં ઘણાં ગેરકાયદે નાગરિકોની ઓળખ તો થઈ પરંતુ ભારત સરકારની મજબૂરી એ છે કે તેમને બાંગ્લાદેશ પરત મોકલી શકાય તેમ નથી. એનું કારણ એ છે કે હાલ સુધી બાંગ્લાદેશની સાથે ભારતની એવી કોઈ સમજૂતી નથી થઈ. આવી સ્થિતિમાં આ ગેરકાયદે નાગરિકોને ક્યાં રાખવામાં આવે? એવાં પણ અનેક કિસ્સા છે કે વિદેશી ટ્રિબ્યૂનલે જે લોકોને વિદેશી નાગરિક જાહેર કર્યા, તે ગાયબ થઈ ગયા."

"આ પ્રકારના સંકટને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે રાજ્ય સરકારને ડિટેન્શન સેન્ટર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો."

ગુવાહાટી હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ કમલ નયન ચૌધરી ડિટેન્શન વ્યવસ્થાને ખોટી નથી માનતા પરંતુ તે આ ધરપકડ કેન્દ્રોમાં બંધક બનાવાયેલાં લોકોની પ્રાથમિક સુવિધાઓની વાત કરે છે.

તેઓ કહે છે, "કાયદાકીય પ્રક્રિયા દ્વારા જે લોકોને વિદેશી જાહેર કરવામાં આવ્યા છે, તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવા જ પડશે કારણ કે એવાં લોકોને મુક્ત રાખવા દેશની આંતરિક સુરક્ષા માટે યોગ્ય નહીં હોય. ડિટેન્શન સેન્ટર કાયદેસર છે પરંતુ ત્યાં કેદ લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળે તો તે માનવઅધિકારનું ઉલ્લંઘન છે. વિદેશી હોવાનો એ અર્થ નથી કે તે પોતાના જીવન અને સ્વતંત્રતાનો હકદાર નથી."

કમલ નયન ચૌધરી કહે છે, "આસામમાં સરકાર ગમે તે પાર્ટીની હોય, તમામે આ વિષયો પર કામ કરવાની જગ્યાએ તેને રાજકીય મુદ્દો બનાવ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ