સુરતમાં માનવતસ્કરી : કેટલાંક બાળકો કબાટમાંથી તો કેટલાંક સાડીના ઢગલા નીચેથી મળ્યાં

સુરતના પુણા વિસ્તારમાંથી બાળમજૂરી માટે લાવવામાં આવેલા 138 જેટલાં બાળકોને મુક્ત કરાવવામાં આવ્યાં છે. રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યે રાજસ્થાન પોલીસ, ગુજરાત પોલીસ અને બાળઆયોગે મળીને દરોડા પાડ્યા હતા, જેમાં આ બાળકોને મુક્ત કરાવાયાં હતાં.

આ બાળકોને કથિત રીતે રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારમાંથી અહીં લાવવામાં આવ્યાં હતાં.

સુરત પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ બી. એમ. વસાવાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "'બચપન બચાવો આંદોલન' નામની બિનસરકારી સંસ્થાએ સર્વે કર્યો હતો અને અમને જાણ કરવામાં આવી હતી કે સુરતના અમુક વિસ્તારોમાં બાળમજૂરીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે."

વસાવા ઉમેરે છે, "બચપન બચાવો આંદોલન સંસ્થાએ આ બાબતે શનિવારે સુરત પોલીસને જાણ કરી હતી અને રાજસ્થાન પોલીસ પણ આમાં સામેલ હતી."

"તેમની માહિતીના આધારે રવિવારે સવારે પાંચ વાગ્યે દરોડા પાડવાની યોજના બનાવવામાં આવી હતી."

વસાવાના જણાવ્યા અનુસાર "કુલ 138 બાળકોને મુક્ત કરાવાયાં હતાં. તેમની ઉંમર 10-18 વર્ષની વચ્ચે છે. આ બાળકો-કિશોરો સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયાં હતાં."

આ બાબતે 'બચપન બચાવો આંદોલન'ના પ્રમુખ અને નોબલ પુરસ્કારના વિજેતા કૈલાશ સત્યાર્થીએ ટ્વીટ કરીને કહ્યું:

'બચપન બચાવો આંદોલન, રાજસ્થાન અને ગુજરાત પોલીસે SCPCRની મદદથી એક સામૂહિક અભિયાન અંતર્ગત સુરતમાંથી એવાં 137 બાળકો બચાવ્યાં છે, જેમને માનવતસ્કરી દ્વારા લાવવામાં આવ્યાં હતાં.

'આ ગુપ્ત અભિયાન રવિવારે સવારે પાંચ વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું.'

સુરત પોલીસના અધિકારી પી. એલ. ચૌધરીએ કહ્યું કે 'સુરત પોલીસે માત્ર મદદ પૂરી પાડી હતી. મુળ રૂપે આ રાજસ્થાન પોલીસનું ઑપરેશન હતું.'

તેમનું કહેવું છે કે "ગુજરાત બાળઆયોગની ટીમ આ પ્રકારની માહિતી આપે, જેના આધારે પોલીસ માનવતસ્કરી દ્વારા લાવવામાં આવેલા બાળમજૂરોને મુક્ત કરાવવાની કામગીરી કરતી હોય છે."

"પરંતુ હાલના કેસમાં બધી માહિતી રાજસ્થાન પોલીસ અને બિનસરકારી સંસ્થા પાસે હતી."


બાળકોને ક્યાં રાખવામાં આવ્યાં હતાં?

ફોટો લાઈન બાળકોને સાડીના ઢગલાની નીચે સુવું પડતું હતું.

સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનનું કહેવું છે કે જ્યાંથી આ બાળકોને મુક્ત કરાવાયાં તે રહેણાંક વિસ્તાર છે.

બી. એમ. વસાવા આ અંગે વાત કરતાં જણાવે છે, "બાળકો સુરતના સીતાનગર સોસાયટી વિભાગ એક, બે અને ત્રણમાં ચાલતાં ગૃહઉદ્યોગમાં કામ કરતાં હતાં."

સુરત પોલીસે આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.

વસાવા જણાવે છે, "128 બાળકો રાજસ્થાનનાં છે, પ્રાથમિક રૂપે બાકીનાં બાળકો ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહાર જેવાં રાજ્યોનાં હોવાનું અનુમાન છે."

રાજસ્થાન બાળઆયોગના ડૉ. સભ્ય શૈલેન્દ્ર પંડ્યાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "રાજસ્થાનના માનવતસ્કરીવિરોધી યુનિટની ટીમ, ઉદયપુરના પોલીસ અધિકારી અને 15 જવાનો, પુણા પોલીસચોકીના 50 જેટલા જવાનો ઉપરાંત ગુજરાતમાં માનવતસ્કરીના મામલા જોતી સીઆઈડીની ટીમ પણ આ અભિયાનમાં જોતરાઈ હતી."

બચપન બચાવો આંદોલન સાથે સંકળાયેલા ધનંજય જણાવે છે, "આશરે બે મહિના પહેલાં અમને જાણ થઈ હતી કે સુરતના ઉદ્યોગોમાં કેટલાંય બાળકો કામ કરી રહ્યાં છે."

પંડ્યા કહે છે, "આ બાળકો અહીંના સ્થાનિક ઉદ્યોગોમાં કામ કરતાં હતાં. અમુક બાળકો દુકાનોમાં કામ કરતાં હતાં. જ્યારે કેટલાંક બાળકો ઘરકામ કરતાં હતાં. આ બધા પર નજર રાખવામાં આવી રહી હતી."

તેમણે ઉમેર્યું, "આ બધાને સૂચિબદ્ધ કરવામાં આવ્યાં. માહિતીની પુષ્ટિ કારાયા બાદ રાજસ્થાન બાળઆયોગનાં વડાં સંગીતાસિંહ બેનિવાલે રાજસ્થાન અને ગુજરાત પોલીસ સાથે મળીને આ બાળકોને મુક્ત કરાવવાની યોજના બનાવી હતી."


સાડીના ઢગલા નીચે બાળકો સૂતાં હતાં

ફોટો લાઈન સુરતમાંથી મુક્ત કરાવવામાં આવેલાં બાળકો

સુરતના પુણા વિસ્તારમાંથી મુક્ત કરાવવામાં આવેલાં બાળકો પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહેતાં હતાં.

શૈલેન્દ્ર પંડ્યા મુજબ કેટલાંક બાળકો સાડીના ઢગલાની નીચે તો કેટલાંક કબાટમાંથી મળી આવ્યાં હતાં.

બચપન બચાવો આંદોલન સાથે સંકળાયેલા ધનંજયે જણાવે છે, "સરકારી નીતિઓનો લાભ બાળકોને નથી મળી રહ્યો. 14 વર્ષથી વધુ ઉંમરના કિશોરોને પણ લઘુતમ પગાર આપવામાં આવતો નથી."

"ઉદ્યોગપતિઓ બાળકોને એવા માટે લાવે છે કે તેમની પાસે લાંબા સમય સુધી કામ કરાવી શકાય અને તેઓ ઓવરટાઈમ પણ ન માગે."

રાજસ્થાન બાળઆયોગના સભ્ય ડૉ. શૈલેન્દ્ર પંડ્યાએ સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનને કહ્યું કે અનાથ, ગુમ થયેલાં અથવા ભોળવીને બાળ મજૂરીમાં જોતરી દેવાયેલાં બાળકોને મુખ્ય ધારામાં જોડવા માટે બાલસ્વરાજ નામનું અભિયાન ચલવાઈ રહ્યું છે.

"શુક્રવારે અમને સૂચના મળી હતી કે સુરતના આ વિસ્તારમાં બાળકો છે. અમે ઉદયપુર પોલીસ, જિલ્લાતંત્ર અને માનવતસ્કરીવિરોધી યુનિટના 20 જેટલા લોકોની ટીમ બનાવી હતી. જેમણે સુરત પોલીસ સાથે કામગીરી હાથ ધરી હતી."

આ પહેલાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે 24 ડિસેમ્બરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઉદયપુર, ડૂંગરપુર અને બાંસવાડા જિલ્લામાંથી બાળકોને ગુજરાતમાં અકુશળ શ્રમિકના રૂપમાં કામ કરવા માટે લઈ જવાં પર કાર્યવાહી કરવા અને બાળમજૂરીની સમસ્યાના કાયમી સમાધાન માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.

પંડ્યાએ ઉમેર્યું, "સસ્તી મજૂરીને કારણે આવાં બાળકોની માગ હોય છે."

તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ રાજસ્થાનના સીમાડાના વિસ્તારોનાં ગામોમાં આદિવાસી બહુમતીમાં છે.

આ વિસ્તારોમાં લોકો પાસે જમીન બહુ ઓછી છે અને રોજીરોટી માટે પરિવારોના તમામ સભ્યોને મજૂરી કરવી પડતી હોય છે.

ગુજરાતમાં ઉદ્યોગો છે અને તેમાં સસ્તા શ્રમની માગ રહે છે. દલાલો બાળકોને ભ્રમિત કરીને ત્યાંથી અહીં પહોંચાડતા હોય છે.

તેઓ ઉમેરે છે, "કમાણીના નામે ભોળવીને લાવવામાં આવેલાં બાળકો બહુ કપરી પરિસ્થિતિમાં રહેતાં હોય છે. આ દરોડા દરમિયાન એક નાનકડી ઓરડીમાં મેં આશરે 12 વર્ષના એક છોકરાને પ્રેશરકૂકરમાં રસોઈ બનાવતા જોયો હતો."

બાળકોનું ભવિષ્ય શું?

ફોટો લાઈન સુરતમાંથી પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહેતાં બાળકો

સુરત પોલીસના જણાવ્યા અનુસાર આ બાળકોને રાજસ્થાન બાળઆયોગને સોંપવામાં આવશે.

ડૉ શૈલેન્દ્ર પંડ્યાએ કહ્યું, "અમે પ્રયાસ કરીશું કે આ બાળકોને કામ પર રાખનાર લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે."

તેમણે કહ્યું, "કાયદા હેઠળ દરેક જિલ્લાના વડા મથક પર આ શ્રેણીનાં બાળકો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તેઓ 18 વર્ષનાં થાય ત્યાં સુધી તેમનાં રહેવા, ખાવા-પીવા અને શિક્ષણની જવાબદારી સરકાર ઉપાડે છે."


માનવતસ્કરીમાં ગુજરાત

આ પહેલાં પણ સુરતમાંથી બાળકોને મુક્ત કરાવવાના મામલા સામે આવ્યા હતા.

મીડિયા અહેવાલ મુજબ ગુજરાતના સુરત જિલ્લામાંથી નવેમ્બર 2019માં 25 આદિવાસી સગીરોને બંધક મજૂરીમાંથી મુક્ત કરાવાયા હતા.

એ વખતે પોલીસે એવી બે વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમણે ગરીબ આદિવાસી પરિવારોને મહિને ચારથી પાંચ હજાર આપવાના બદલામાં બાળકોને મજૂરીએ મોકલવા માટે ભોળવી લીધા હતા. ઇન્ડિયા સ્પેન્ડના એક અહેવાલ મુજબ વર્ષ 2016માં ગુજરાતમાં બાળતસ્કરીના 485 મામલા સામે આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ