મોડાસામાં દલિત યુવતી પર કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ મોડી કેમ નોંધાઈ?

યુવતી સાથે બળાત્કાર Image copyright Inpho
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના મોડાસામાં દલિત યુવતી પર કથિત સામૂહિક બળાત્કાર અને બાદમાં કથિત હત્યાના મામલે ચકચાર જામી છે.

મોડાસામાં રહેતાં એક દલિત યુવતી પહેલી જાન્યુઆરીએ ગુમ થયાં બાદ પાંચ જાન્યુઆરીએ તેમનો મૃતદેહ મળ્યો.

આ કેસની ફરિયાદ પોલીસે 7 જાન્યુઆરીએ નોંધી હતી. જોકે ત્યાં સુધી આખા રાજ્યમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળ્યો હતો.

બીબીસી ગુજરાતીએ જ્યારે આ ઘટનાનો ભોગ બનનાર યુવતીના પરિવાર સાથે વાત કરી તો જાણવા મળ્યું કે તેમનો આક્રોશ માત્ર પોલીસ ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓ વિુરુદ્ધ જ નથી, ખુદ પોલીસ વિરુદ્ધ પણ છે.

તેમના મુજબ આ ઘટનામાં પોલીસની નિષ્ક્રિયતા અને ત્યારબાદ ફરિયાદ નોંધવામાં લાગેલી વારને કારણે પીડિત પરિવાર પોલીસથી નારાજ છે.


સ્ટેશન ડાયરીમાં જાણવાજોગની નોંધ નથી

પીડિત પરિવારના એક સભ્યે બીબીસી ગુજરાતીને કહ્યું કે "દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને 3 જાન્યુઆરીએ પહોંચ્યા હતા અને ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર એન. કે. રબારી સાથે વાત કરીને જાણવાજોગ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો."

તેઓ કહે છે, "અમે લેખિતમાં ફરિયાદ નોંધાવવા ત્યાં પહોંચ્યા હતા, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરે અમને કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો હતો અને અમારી ફરિયાદ લીધી નહોતી."

પરિવારના સભ્ય વધુમાં કહે છે કે જો પોલીસે તે સમયે થોડી સતર્કતા રાખીને તપાસ કરી હોત તો કદાચ તેમની દીકરી હેમખેમ પાછી મળી ગઈ હોત.

બીબીસી ગુજરાતીએ જાણવાજોગ ફરિયાદ ન નોંધવા અને યોગ્ય તપાસ ન કરવાના આરોપો સંદર્ભે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. રબારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમનો સંપર્ક કરી શકાયો નહીં.

જ્યારે આ સંદર્ભે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. (પોલીસ સ્ટેશન ઑફિસર) સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી તો જાણવા મળ્યું કે ત્રીજી જાન્યુઆરીએ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં આ યુવતીના ગુમ થવા અંગેની કોઈ નોંધ નહોતી કરાઈ.

ઉલ્લેખનીય છે કે સ્ટેશન ડાયરીમાં નોંધ મહત્ત્વપૂર્ણ ગણાય છે.

નિવૃત્ત આઈપીએસ ચિત્તરંજન સિંઘે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "પોલીસ મૅન્યુઅલ પ્રમાણે દરેક પ્રવૃત્તિઓ, ફરિયાદની નોંધ, જાણવાજોગ અથવા તો ગુમ થવા વગેરે જેવી બાબતોની નોંધ પોલીસ સ્ટેશનની ડાયરીમાં હોવી જોઈએ."

ચિત્તરંજન સિંઘે બીબીસીને એ પણ કહ્યું કે હાલના સમયમાં જ્યારે મહિલાઓની સુરક્ષા પર આખા દેશમાં સભાનતા આવી રહી છે, તેવા સમયમાં કોઈ છોકરીના ગુમ થવાની ફરિયાદ હોય તો તરત તેને નોંધી તેના પર કામ કરવું જોઈએ.

આ વિશે અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયૂર પાટિલ સાથે વાત કરવાનો પ્રયાસ કરાયો પરંતુ તેઓનો સંપર્ક સાધી શકાયો નહીં.

એ બાદ ગાંધીનગર રેન્જ આઈ.જી. એમ.એ. ચાવડા સાથે વાત કરવામાં આવી તો તેમણે આ મામલે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું.

આ ઘટના વિશે વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઈશ્વર પરમાર તેમજ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે વાત કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.


પી.આઈ. એન. કે. રબારીની શું ભૂમિકા છે?

FIRમાં મૃતકના પરિવારજનોએ જે વિગતો નોંધાવી છે, તે પ્રમાણે 3 જાન્યુઆરીએ પરિવારજનોએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં નોંધાયું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. રબારીએ પરિવારજનો વિશ્વાસ અપાવ્યો હતો કે તેમને ખબર છે કે તેમની દીકરી ક્યાં છે.

પરિવારજનોના કહેવા મુજબ એન. કે. રબારીએ તેમને કહ્યું હતું કે તેમની દીકરીએ તેમના જ સમાજના એક છોકરા સાથે લગ્ન કરી લીધાં છે, અને તે જ્યાં છે ત્યાં સુરક્ષિત છે.

તેમણે પરિવારજનોને એ પણ કહ્યું હતું તે દીકરીની સલામતીની જવાબદારી તેમની છે.

જોકે, તેના બે દિવસ બાદ આ છોકરીનો મૃતદેહ મળ્યો હતો.

પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવેલા પરિવારજનોના આરોપ અંગે બીબીસી ગુજરાતીએ પી.આઈ. એન. કે. રબારી સાથે વાત કરવાના અનેક પ્રયાસ કર્યા હતા, પણ સંપર્ક થઈ શક્યો નહોતો.

મોડાસા પોલીસ સ્ટેશનમાં તેઓ હાજર ન હતા અને તેમના મોબાઇલ ફોન પર સતત ફોન કરવા છતાં તેમણે વળતો કોઈ જવાબ આપ્યો ન હતો.

આમ, આ કેસમાં એમની ભૂમિકા શું છે એ હજી સ્પષ્ટ થઈ શકતું નથી.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં ફરિયાદ મુજબ બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જિગર નામના શખ્સો આરોપી છે અને આ તમામ લોકો મોડાસાના રહેવાસી છે.

આ કેસની તપાસ જિલ્લાના એસ.ટી. આઈ.ટી. સેલના ડીવાય.એસ.પી. એસ. એસ. ગઢવી કરી રહ્યા છે.

ફરિયાદ નોંધવા મામલે પોલીસની કામગીરી પર ઊભા થયેલા સવાલોની તપાસ અંગે તેમણે કહ્યું કે તપાસ અર્થે જે કોઈ માણસની સંડોવણી લાગે તેમનો જવાબ લેવામાં આવશે.


ફરિયાદમાં વિલંબ કેમ થયો?

3 જાન્યુઆરીએ યુવતીના ગુમ થવા અંગેની પહેલી જાણવાજોગની વાત પછી બે દિવસે એટલે કે 5 જાન્યુઆરીએ યુવતીનો મૃતદેહ મળ્યો હતો.

જોકે એની ફરિયાદમાં વિલંબ થયો અને તે 7 જાન્યુઆરીએ નોંધાઈ હતી.

એક તરફ પીડિતાના પરિવારજનો આરોપ છે કે તેમની દીકરીનો મૃતદેહ મળી ગયો હતો તો પણ પોલીસે આરોપીઓની સામે અપહરણ, સામૂહિક બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધવામાં મોડું કર્યું.

દલિત કર્મશીલ અને વકીલ કેવલસિંહ રાઠોડ આ મામલે જણાવે છે, "પોલીસ સાથે સતત વાત કરવા છતાં પીડિતાના પરિવારજનો કહેવા પ્રમાણે ફરિયાદ નહોતી નોંધાઈ અને એટલે દલિત સમાજના લોકો મોડાસા ગ્રામીણ પોલીસ સ્ટેશનની સામે ધરણાં પર બેઠા હતા."

જોકે, પોલીસ ફરિયાદમાં વિલંબ માટે પરિવારજનોને જવાબદાર ગણે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગાંધીનગર રેન્જ આઈ.જી. એમ. એ. ચાવડાએ કહ્યું, "અમે પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે અમે પહેલાં એ.ડી. (ઍક્સિડેન્ટલ ડેથ) દાખલ કરીને ડૉકટર્સની પેનલ મારફતે પી.એમ. (પોસ્ટમૉર્ટમ) કરાવીને આગળ વધીએ, પરંતુ પરિવારજનો માનવા તૈયાર ન હતા અને તેને લીધે ફરિયાદ નોંધવામાં વિલંબ થયો."

સામાન્ય રીતે આ પ્રકારની ઘટના બને તો પોલીસે શું કરવું જોઈએ તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ નિવૃત્ત આઈપીએસ ઑફિસર રાહુલ શર્મા સાથે વાત કરી.

રાહુલ શર્માએ કહ્યું , "નિયમ પ્રમાણે આ પ્રકારની ઘટનામાં પોલીસે પ્રથમ તબક્કે એક અકસ્માતે મૃત્યુ (એ.ડી.)ની ફરિયાદ નોંધીને મૃતદેહનું પંચનામું કરી, પોસ્ટમૉર્ટમ કરાવવું જોઈએ અને તેના રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી કરવી જોઈએ."

"જો પી.એમ. રિપોર્ટમાં બળાત્કાર કે હત્યાનું તારણ આવે તો તે પ્રમાણેની કલમો એ.ડી.ની ફરિયાદમાં ઉમેરવામાં આવતી હોય છે."

જોકે, તેઓ માને છે કે મોડાસાની આ ઘટનામાં પરિવારજનોએ તરત જ પોસ્ટમૉર્ટમ કરાવવાની પરવાનગી આપીને પોલીસને તેમની કામગીરી કરવા દેવી જોઈતી હતી.

જ્યારે ચિત્તરંજન સિંઘને પૂછવામાં આવ્યું તો તેમણે પણ કહ્યું કે, પહેલાં એ.ડી. રજિસ્ટર કરવામાં આવે અને પછી પી.એમ. રિપોર્ટને આધારે અન્ય કલમો ઉમેરવામાં આવે છે.


શું છે આખો કેસ?

મોડાસામાં રહેતાં 19 વર્ષનાં એક દલિત યુવતી પહેલી જાન્યુઆરીથી લાપતા થયાં હતાં.

તેમના પરિવારજનોએ 2 જાન્યુઆરીથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની શરુઆત કરી હતી, પરંતુ તેમને યોગ્ય જવાબ મળ્યો ન હતો.

પરિવારજનોએ આ છોકરીને એક કારમાં અમુક શખ્સોએ અપહરણ કરી રહ્યા હોય, તે દર્શાવતો વીડિયો આપ્યા છતાં પણ પોલીસે યોગ્ય કામગીરી કરી ન હોવાનો આરોપ મુકાયો છે.

એ પછી 4 જાન્યુઆરીએ પરિવારજનોને પોલીસ સ્ટેશનની હદનો સવાલ દર્શાવી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનથી મોડાસા ગ્રામીણ પોલીસ સ્ટેશન પર મોકલાવામા આવ્યા હતા, પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી ન હતી.

5 જાન્યુઆરીએ લાપતા થયેલાં યુવતીનો મૃતદેહ પાસેના જ એક વેરાન રસ્તા પર એક જૂના વડ પર લટકતો જોવા મળ્યો હતો.

એ પછી દલિત સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. પરિવારજનો અને લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી 4 આરોપીઓ ઉપરાંત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સામે પણ ફરિયાદ નોંધવાની માગણી કરી હતી.

આખરે 7 જાન્યુઆરીએ ફરિયાદ નોંધવામાં આવી હતી.


શું કહે છે દલિત નેતાઓ?

આ ઘટનાને વખોડતા બનાસકાંઠા જિલ્લાના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પણ મોડાસાનાં પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી.

તેમજ ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ પણ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.

દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથે વાત કરતા આ ઘટનાને વખોડી હતી અને તેને રાજ્ય માટે કલંકરૂપ ગણાવી હતી.

તેમણે આરોપ લગાવ્યો હતો, "દલિત, આદિવાસી, લઘુમતી અને ગરીબ વર્ગના લોકોની સાથે થતા અત્યાચારોની વાત આવે છે, ત્યારે ગુજરાત સરકારની કામગીરી પ્રામાણિક હોતી નથી."

તેમણે એ પણ કહ્યું કે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે તેઓ તેમની સાથે રહીને સંઘર્ષ કરશે.

10 જાન્યુઆરી, શુક્રવારે આ કેસ સોશિયલ મીડિયામાં પણ ટૅન્ડ્ર થયો હતો.

દલિત આગેવાન અને વકીલ કેવલસિંહ રાઠોડે બીબીસી ગુજરાતીને કહ્યું, "રાષ્ટ્રપતિના એક વટહુકમ મુજબ જો એસ.સી. સમાજની કોઈ પણ ફરિયાદ હોય તો પોલીસે પ્રાથમિક તપાસ વગર ફરિયાદ નોંધવી પડે, પરંતુ આ કેસમાં આવું નથી થયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ