આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેનું 'બંધારણ' વિશેનું નિવેદન શા માટે મહત્ત્વપૂર્ણ?

જનરલ મનોજ મુકુંદ નરવણે Image copyright Getty Images

"ભારતીય સેના ભારતના બંધારણના શપથ લે છે અને બંધારણીય મૂલ્યોને ધ્યાનમાં રાખીને કામ કરે છે."

"ન્યાય, સમાનતા અને ભ્રાતૃભાવના સિદ્ધાંત ભારતીય સેના માટે હંમેશાં માર્ગદર્શક બન્યા રહેશે."

આ શબ્દો છે ભારતના નવા સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેના. શનિવારે નવી દિલ્હી ખાતે એક પત્રકારપરિષદ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

સેનાધ્યક્ષ તરીકે તેમની આ પ્રથમ પત્રકારપરિષદ હતી, તેથી પત્રકાર અને વિશ્લેષક તેમની વાતોની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે.

થોડા દિવસ પહેલાં જ પૂર્વ સેનાધ્યક્ષ બિપિન રાવત નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરનાર લોકો વિરુદ્ધ નિવેદન આપીને મીડિયામાં છવાઈ ગયા હતા.

તેમણે કહ્યું હતું : "નેતાની ઓળખાણ તેમના નેતૃત્વથી જ થાય છે."

"જો તમે પ્રગતિના પંથે લઈ જશો તો બધા તમારી પાછળ-પાછળ આવવા લાગશે."

"નેતા એ જ હોય છે જે યોગ્ય દિશામાં લઈ જાય છે."

"નેતા એ નથી હોતા જે અનુચિત દિશામાં લઈ જાય છે."

"અમે જોઈ રહ્યા છીએ કે કૉલેજ અને યુનિવર્સિટીમાં જે વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે, તેમાં હિંસા અને આગચંપી થઈ રહી છે. આ કોઈ નેતૃત્વ નથી."

બિપિન રાવતના આ નિવેદને વિવાદ સર્જ્યો હતો. ટીકાકારોએ તેમના આ નિવેદનને 'રાજકીય' અને એક સૈન્ય અધિકારી માટે અયોગ્ય ગણાવ્યું હતું.

રાવતના આ નિવેદન બાદ 'સેનાના રાજકીયકરણ'ની પણ વાત થવા લાગી.

હવે આ ઘટનાના થોડા દિવસ બાદ જનરલ મનોજ મુકુંદ નરવણેએ પત્રકારપરિષદ પરથી વિશ્લેષકોને સંજોગો બદલાતા હોય તેવું દેખાઈ રહ્યું છે.

ભારતીય નૌકાદળમાં ફરજ બજાવી ચૂકેલા રક્ષા વિશેષજ્ઞ સી. ઉદય ભાસ્કર જનરલ નરવણેના આ નિવેદનને હકારાત્મક માને છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું :

"જનરલ નરવણેએ આમ તો કોઈ નવી વાત નથી કહી, પરંતુ આજકાલની પરિસ્થિતિને જોતાં તેમનું નિવેદન ખૂબ જ અગત્યનું બની જાય છે."

"સેનાધ્યક્ષ તરીકે જો તેમણે બંધારણીય મૂલ્યો અને માનવાધિકારોની વાત કરી હોય તો તે નિશ્ચિતપણે આશાસ્પદ સંકેત છે."

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો આપનાર કલમ-370નો ખાતમો, પછી નેશનલ સિટિઝન રજિસ્ટર (એનઆરસી) અને નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) જેવા મુદ્દાથઈ દેશના વિભિન્ન ભાગોમાં તણાવનો માહોલ છે.

ઉદય ભાસ્કર જણાવે છે કે આ તણાવના કારણે સામાન્ય જનતાનો બંધારણીય સંસ્થાઓ પરનો વિશ્વાસ ઘટતો જઈ રહ્યો હતો.

તેથી સેનાધ્યક્ષના મોઢેથી બંધારણની વાત સાંભળીને લોકોનો સેના પર વિશ્વાસ વધશે.

તેઓ કહે છે કે, "સેનાધ્યક્ષ દેશના નાગરિકોને એક સંદેશ જરૂર જશે કે ભારતીય સેના બંધારણ અને કાયદાની મર્યાદામાં રહીને પોતાનું કામ કરશે."

સેના માટે યુદ્ધક્ષેત્રમાં કે સંવેદનશીલ વિસ્તારોમાં માનવાધિકારનું ધ્યાન રાખવાની સાથે પોતાનું કામ કરવું કેટલું મુશ્કેલીભર્યું હોય છે?

આ પ્રશ્નનો જવાબ આપતાં ઉદય ભાસ્કર જણાવે છે કે, "યુદ્ધમાં કોઈ પણ સૈનિક માટે કોઈ પણ વસ્તુ સરળ હોતી નથી."

"સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ પણ પગલું ભરવું ખૂબ જ પડકારજનક હોય છે."


બંધારણીય મૂલ્યોનું મહત્ત્વ કેટલું?

Image copyright Getty Images

સૈનિકોને મળતી તાલીમમાં બંધારણીય મૂલ્યો અને માનવાધિકારો પર કેટલો ભાર મુકાય છે?

આ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, "સૈન્ય પ્રશિક્ષણમાં માનવાધિકારો અને બંધારણીય મૂલ્યોને ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાને લેવાય છે."

"જેમ-જેમ એક સૈનિકના રૅન્કમાં વધારો થાય છે, તેમ-તેમ તેની જવાબદારી પણ વધતી જાય છે."

"જૂનિયર રૅન્કમાં પ્રોફેશનલ ટ્રેનિંગ પર વધારે ભાર મૂકવામાં આવે છે, પરંતુ પદમાં વધારાની સાથે જ તાલીમનું ક્ષેત્રે વિસ્તૃત બનતું જાય છે."

ઉદય ભાસ્કર આ વિશે પોતાનો અંગત અનુભવ યાદ કરતાં જણાવે છે કે, "70ના દાયકાની વાત છે, ત્યારે હું જૂનિયર રૅન્ક પર હતો."

"મને યાદ છે કે અમારા સિનિયર અધિકારઓને વારંવાર સલાહ આપવામાં આવતી કે તેમણે ધર્મ અને રાજકારણથી દૂર રહીને નિષ્પક્ષપણે પોતાની ફરજ બજાવવી."

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં સિનિયર ફેલૉ અને રક્ષા બાબતોના જાણકાર સુશાંત સરીન પણ ઉદય ભાસ્કરની વાત સાથે સહમતિ ધરાવે છે.

બીબીસી સાથેની વાતચીમાં તેમણે કહ્યું કે, "સેનામાં માનવાધિકારો અને બંધારણીય મૂલ્યોને અત્યંત મહત્ત્વ આપવામાં આવે છે."

"સેનાના ટ્રેનિંગ મૉડ્યૂલમાં માનવાધિકાર અને કાયદાકીય મર્યાદાઓ વિશે ખૂબ જ ગંભીરતાપૂર્વક જણાવવામાં આવે છે."

"ભલે પછી એ તાલીમ મેળવનાર વ્યક્તિ નાના પદ પર રહેલો સૈનિક હોય કે પછી ઊંચો પદ ધરાવનાર ઑફિસર."

"બધાને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે તમામ કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવશે."

સુશાંત સરીન જણાવે છે કે સેનાને અમર્યાદિત સત્તા આપવી એ કોઈ પણ સરકારના હિતમાં ન હોઈ શકે.

તેમણે કહ્યું કે, "સરકારની જવાબદારી હિંસા અને અશાંતિ પર કાબૂ મેળવવાની તો છે જ, કાબૂ મેળવવાની રીત ન્યાયસંગત અને વિવેકપૂર્ણ હોય એ પણ જરૂરી છે."

સોસાયટી ફોર પૉલિસી સ્ટડીઝ (એસપીએસ)ના નિદેશક ઉદય ભાસ્કરનું માનવું છે કે ભારતીય સેનામાં માનવાધિકારોના ઉલ્લંઘનને અત્યંત ગંભીરતાપૂર્વક જોવામાં આવે છે.

તેઓ કાશ્મીરમાં મેજર ગોગોઈના બનાવની યાદ અપાવે છે.

એવા સમાચારો મળી રહ્યા હતા કે મેજર લીતુલ ગોગોઈ શ્રીનગરમાં એક સ્થાનિક યુવતી સાથે હોટલમાં ગયા હતા અને તેમનો ત્યાં કેટલાક લોકો સાથે ઝઘડો થઈ ગયો હતો.

મીડિયા દ્વારા આ મામલાની નોંધ લેવાયા બાદ સેનાની આંતરિક તપાસ બાદ મેજર ગોગોઈની કોર્ટમાર્શલ કરાઈ હતી.

આ બનાવ એ મેજર ગોગોઈ સાથે બન્યો હતો જેમને એક કાશ્મીરી યુવકને માનવકવચ તરીકે જીપ સાથે બાંધવાની ઘટના બાદ તત્કાલીન સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પ્રશસ્તિપત્ર આપ્યો હતો.

એ બનાવ વખતે તેમને મીડિયાના એક સમૂહ દ્વારા 'હીરો' તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.

'ધ જેહાદ ફેકટરી' અને 'પાકિસ્તાન ઇસ્લામિક રિવૉલ્યૂશન' ઇન મેકિંગ જેવાં પુસ્તકોના લેખક સુશાંત સરીન માને છે કે ભારતીય સેનામાં કડક અનુશાસન પ્રવર્તે છે, તેથી નિયમોના ઉલ્લંઘન બદલ મળતી સજા પણ ખૂબ જ કપરી હોય છે.

સરીન દોષી સૈનિકોને મળનાર સજાની જાણકારી સાર્વજનિક કરવાની વકીલાત કરે છે.

તેઓ જણાવે છે કે, "જો સામાન્ય લોકોને એ વાતની જાણ થશે કે ભૂલ કરનાર સૈનિકને પણ સજા થાય તો તેનો સેના પરનો વિશ્વાસ મજબૂત થશે."

"જોકે, સામાન્ય પણે સેના પોતાની આંતરિક કાર્યવાહીઓને સાર્વજનિક નથી કરતી, કારણ કે આ વાતની સૈનિકોના મનોબળ પર વિપરીત અસર પડે છે."


સેના સરકારોથી પ્રભાવિત થાય છે ખરી?

Image copyright Getty Images

સેના પર કેટલું રાજકીય દબાણની અસર કેટલી હદ સુધી થતી હોય છે? શું સેનાને જુદી-જુદી સરકારોની જુદી-જુદી વિચારધારા પ્રભાવિત કરે છે ખરી?

આ પ્રશ્નના જવાબમાં ઉદય ભાસ્કર જણાવે છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં સેના પર રાજકારણનો પ્રભાવ વધતો જોઈ શકાય છે. આ વાતના પુરાવા તરીકે તેઓ પૂર્વ સેનાધ્યક્ષ બિપિન રાવતના કેટલાંક નિવેદનો યાદ અપાવે છે.

  • બિપિન રાવતે જૂન, 2018માં કાશ્મીરમાં માનવાધિકારોનાં ઉલ્લંઘનના સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટની ટીકા કરતા કહ્યું હતું કે, :

"મને નથી લાગતું કે આપણે આ રિપોર્ટને ગંભીરતાથી લેવો જોઈએ. આ પૈકીના ઘણા રિપોર્ટ દુર્ભાવનાથી પ્રેરિત હોય છે. માનવાધિકારોની બાબતમાં ભારતીય સેનાનું રેકર્ડ ખૂબ જ સારું છે."

  • ફેબ્રુઆરી, 2018માં બિપિન રાવતે અસમમાં ગેરકાયદેસર મુસાફરોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તેમણે બદરુદ્દીન અજમલના પક્ષ એઆઈયુડીએફ માટે કહ્યું હતું :

"એઆઈયુડીએફ નામનો એક પક્ષ છે. નોંધનીય છે કે ભાજપની સરખામણીએ આ પક્ષે ઝડપથી પ્રગતિ સાધી છે. જો આપણે જનસંઘની વાત કરીએ તો જ્યારે તેમના માત્ર બે સાંસદ હતા અને આજે તેઓ જ્યાં છે, અસમમાં એઆઈયુડીએફની પ્રગતિ તેમના કરતાં વધુ છે."

  • બિપિન રાવતે કાશ્મીરી યુવકને માનવકવચ બનાવીને અને જીપ પર બાંધીને ફેરવનાર મેજર લીતુલ ગોગોઈનો બચાવ કર્યો હતો. આટલું જ નહીં તેમણે તો મેજર ગોગોઈને સન્માનિત પણ કર્યા હતા.

આ સિવાય ઉદય ભાસ્કર સેનાના કેટલાક સેવાનિવૃત્ત અધિકારીઓ દ્વારા સમાચાર ચેનલોમાં થનાર ચર્ચામા સામેલ થઈને લોકોની ભાવનાઓ ઉત્તેજિત કરવાની વાતને ચિંતાજક માને છે.

તેઓ જણાવે છે કે, "જ્યારે એક યુવાન સેનામાં ભરતી થાય છે ત્યારે તેને કહેવાય છે કે તેણે માત્ર ત્રણ બાબતોનું ધ્યાન રાખીને પોતાનું કામ કરવાનું છે."

"આ બાબતો છે : રાષ્ટ્ર અને રાષ્ટ્રધ્વજનું હિત, સેનાની પરંપરા અને પોતાની કંપની."

"મને નથી લાગતું કે સેનામાં આ ત્રણ બાબતો કરતાં વધારે કંઈ પણ મહત્ત્વપૂર્ણ હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ