અર્થતંત્રને પુનઃ ધબકતું કરવા માટે ગ્રામ્ય અર્થતંત્ર આળસ મરડીને બેઠું થાય તે અત્યંત જરૂરી

ભારતીય નાણાં Image copyright Getty Images

આપણે 2020ના વરસ માટે મંદીમાંથી પસાર થઈ રહેલ અર્થવ્યવસ્થાથી ચિંતિત છીએ.

દેશના વડા પ્રધાને પોતે આ સમસ્યામાંથી કેમ બહાર નીકળી શકાય તે અંગેની ચર્ચાઓની બાગડોર પોતાના હાથમાં લઈને સીધેસીધું ઉદ્યોગપતિઓ તેમજ અર્થશાસ્ત્રીઓ સાથેની ચર્ચાનું સુકાન સંભાળ્યું છે.

ભારતની સરકાર અને વડા પ્રધાન આ મુદ્દે ચિંતિત છે અને પરિસ્થિતિ સુધારવા માટે સક્રિય બની રહ્યા છે તે શુભ સંકેતો છે.

આજે આપણી અર્થવ્યવસ્થા સામેના મોટા પડકારો બેરોજગારી અને તેમાં પણ ખાસ કરીને યુવા બેરોજગારી, નીચું વેતનદર, ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુઓમાં ભારે ફુગાવો, દુઃખી ખેડૂત અને માંદગીને બિછાને પટકાઈ પડેલી ગ્રામ્ય અર્થવ્યવસ્થા તેમજ આંતરિક બજારોમાં માંગનો અભાવ જેવી બાબતો છે.

હજુ ગઈ સાલ જ કેટલાક અર્થશાસ્ત્રીઓ અને વિષય નિષ્ણાતોએ મોટાભાગનાં કૃષિ ઉત્પાદનો ભારતીય બજારની માંગ કરતા વધારે પાકવાને કારણે હાલ પૂરતી કૃષિ ઉત્પાદનોની છત તથા એના કારણે કેટલાક અપવાદોને બાદ કરતાં એમની નીચે પડી રહેલ કીમતો ગણી શકાય.

આ લેખમાં બીજી એક બાબતનો ખાસ ઉલ્લેખ કરવો છે તે છે ફૂડ અને ફ્યૂઅલ.

એટલે કે ખાદ્ય પદાર્થો અને બળતણને બહાર કાઢી નાખીએ તો બાકી રહેતા કોર ઇન્ફ્લેશન એટલે કે ખાદ્ય પદાર્થો અને બળતણ સિવાયના ભાવવધારાનો દર નવેમ્બર 2019માં 4 ટકા હતો.

ખાધાખોરાકીની ચીજવસ્તુઓનો ફુગાવો સરેરાશ 8 ટકા અને શહેરી વિસ્તારોમાં 12.3 ટકાએ પહોંચ્યો જે 2014 પછી ઊંચામાં ઊંચો હતો.


વધતો ફુગાવો સ્થિર વેતનદર

Image copyright Getty Images

એક બાજુ ફુગાવો વધી રહ્યો હતો ત્યારે ગ્રામ્ય વેતનદરોમાં કોઈ વધારો જોવા મળ્યો નહોતો.

સપ્ટેમ્બર 2019માં જેમણે સામાન્ય ખેતમજૂરો કહેવાય તેનો ભારતભરમાં સરેરાશ વેતનદર પુરુષો માટે 286.59 રૂપિયા અને સ્ત્રીઓ માટે 223.85 રૂપિયા હતો.

આંતરરાજ્ય સરખામણી કરીએ તો ખેત અથવા ગ્રામ્ય મજૂરોના વેતનદરોમાં બહુ મોટી અસમાનતા જોવા મળે છે.

મજૂરીના દર ચૂકવવામાં કેરળ સૌથી ટોચ પર રહ્યું. કેરળમાં દૈનિક મજૂરીનો દર પુરુષ માટે રૂપિયા 702 જ્યારે મધ્યપ્રદેશમાં 197.23, ગુજરાતમાં 211.58 અને બિહારમાં 259.05 રૂપિયા રહેવા પામ્યો હતો.

આશ્ચર્યની વાત તો એ છે કે સપ્ટેમ્બર 2018ની સરખામણીમાં સપ્ટેમ્બર 2019માં ખેતમજૂર માટેનો મજૂરીદર પુરુષ માટે 4.9 ટકા જેટલો નીચો જવા પામ્યો હતો.

માત્ર મજૂરીની આવક પર નિર્ભર આ વર્ગ એકલો જ મુશ્કેલીમાં છે એવું નથી, સમગ્રતયા ગ્રામ્ય અર્થવ્યવસ્થા મંદીના વિષચક્રમાં ફસાઈ છે.

આને પરિણામે 2019-20ના નાણાકીય વરસના પ્રથમ 9 મહિનામાં દ્વિચક્રી વાહનોનું વેચાણ અગાઉના સમયગાળા કરતાં 16.18 ટકા નીચું જવા પામ્યું છે.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સંશોધકો સંતોષ મેહરોત્રા અને ઝઝાતી ફરીદાએ રજૂ કરેલા સંશોધન મુજબ કૃષિક્ષેત્રમાં 2011-12માં 23.19 કરોડની રોજગારી ઘટીને 2017-18માં 20.53 કરોડ જેટલી થઈ ગઈ હતી.

આ જ સમયગાળામાં યુવા રોજગારીનો આંક 6.07 કરોડથી 4.18 કરોડ થઇ જવા પામ્યો હતો.

2004-05 અને 2011-12 વચ્ચે નૉન-મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટર દ્વારા વરસે 40 લાખ નોકરીઓનું સર્જન થતું હતું તે 2012-13થી 2017-18ના ગાળા માટે વરસે સરેરાશ 6 લાખ નોકરીઓએ આવીને ઊભું છે.

સરકારના પ્રયત્નો યોગ્ય દિશામાં?

Image copyright Getty Images

એક જમાનામાં મોટા ભાગની નોકરીઓ એ વખતે તેજીમાં ચાલી રહેલા બાંધકામ ક્ષેત્રે ઉભી થવા પામી હતી.

આમ બીજા ક્ષેત્રોમાં સ્થળાંતર થવાને કારણે કૃષિ ઉપર નભતા મજૂરોની સંખ્યામાં ઘટાડો થવાની સાથે કૃષિ ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો થવાને કારણે કૃષિમજૂરીના દરમાં પણ ઘટાડો નોંધાયો.

2019ની સાલમાં ચોમાસું લાંબુ ચાલવાને કારણે તેમજ ક્યાંક-ક્યાંક અતિવૃષ્ટિને કારણે અનેક કૃષિ ઉત્પાદનના ભાવ સુધર્યા છે.

ગઈ સાલના સ્તર કરતા ચાલુ સાલે સોયાબીન, મકાઈ તેમજ કઠોળના ભાવ સારા એવા વધ્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સમર્થન નિધિ યોજના જે ખેડૂતોની આવકમાં સીધો વધારો કરી ટેકો આપવાના હેતુથી ઘડવામાં આવી છે તેમાં પણ ઘટાડાનો ઘસારો જોવા મળ્યો છે.

ડિસેમ્બર 2018 અને માર્ચ 2019 વચ્ચે 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે 4.74 કરોડ જેટલા નાના અને સીમાંત ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું.

આ સંખ્યા ઘટતી ઘટતી ઑક્ટોબર 1 થી જુલાઈ 31, 2019ના સમયગાળા માટે 3.08 કરોડ જેટલી થઈ જવા પામી હતી.

બે હેકટર કરતાં વધુ જમીન ધરાવનારને પણ આ પ્રધાનમંત્રી કિસાન સમર્થન નિધિ યોજનામાં સામેલ કરવા છતાં ઓગસ્ટ 1 થી નવેમ્બર 30, 2019 વચ્ચે આ સંખ્યા એકદમ ઘટીને 1.2 કરોડ થઈ ગઈ.

ભારત સરકારે પોતાના બજેટમાં આ માટે 75 હજાર કરોડ રૂપિયા પ્રધાનમંત્રી કિસાન સમર્થન નિધિ યોજના માટે 2019-20માં બજેટ માટે ફાળવવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમાંથી 36,000 કરોડ રૂપિયા જેટલી જ રકમ નવેમ્બરના અંત સુધીમાં ચૂકવવામાં આવી હતી.


વડા પ્રધાને સંભાળ્યું અર્થતંત્રનું સુકાન

Image copyright Getty Images

ખેડૂતના હાથમાં વધારે પૈસા આવે તો તેની સીધી અસર ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં કિસાન દ્વારા વધુ ખરચ કરવાને કારણે સુધારો આવે. ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં તો પ્રધાનમંત્રી કિસાન સમર્થન નિધિ યોજનાના 6000 રૂપિયા ખેડૂતોની આખા મહિનાની આવક જેટલા થાય.

એકબાજુ અનાજનો ઉત્પાદક અને જગતનો તાત ખેડૂત છે અને બીજી બાજુ કૃષિ ઉત્પાદનોના વપરાશકાર એવી જનતા છે.

એપ્રિલ 2020માં રવિ સિઝનનો પાક આવે ત્યાં સુધી ઉત્પાદક અને વપરાશકાર બંનેના હિતોને જાળવીને તલવાર પર ચાલવાનું કામ સરકારે કરવું પડશે.

આ કામ એટલું સરળ નહીં હોય. ભારતીય અર્થવ્યવસ્થાને ધબકતી કરવી હોય તો ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું થાય તે સિવાય બીજો કોઈ આરોઓવારો નથી.

સમાપનમાં માત્ર એટલું જ કહી શકાય કે ભારતીય અર્થવ્યવસ્થા મંદીના વિષચક્રમાં ફસાઈ છે તેમાં શંકા રાખવાનું કારણ નથી.

2019-20ના નાણાકીય વરસ માટેનો જીડીપી વૃદ્ધિદર 5 ટકા રહેશે.

2020-21ના વરસમાં પણ અર્થવ્યવસ્થામાં કોઈ મોટો સુધાર જોવા નહીં મળે એવો વિશ્વ બૅન્ક તેમજ અન્ય સંસ્થાઓ તેમજ નિષ્ઠવાન અર્થશાસ્ત્રીઓનો વરતારો છે.

ભારતીય અર્થતંત્રને પુન: ધબકતું કરવું હોય તો લગભગ 60 ટકા જેટલી વસતિ જેના ઉપર નિર્ભર છે તે કૃષિ સંલગ્ન ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને ગ્રામ્ય મજદૂરીમાં ધમધમાટ શરૂ થાય તે જરૂરી છે.

ભારતીય અર્થતંત્રમાં સુધારાની શરૂઆત ગ્રામ્ય અર્થતંત્રથી થાય, બજારમાં માંગ પુનર્જીવિત થાય, ખેડૂતને પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે અને કુલ મિલાકે એના હાથમાં રહેલી બચત ખરીદીના સ્વરૂપે બજારમાં પાછી રોકાય તો જ ભારતીય અર્થતંત્રમાં સુધારા તરફી સળવળાટ શરૂ થાય.

આવું ન થાય તો 2019-20નું વરસ મંદીની આલબેલ પોકારતું પૂરું થશે અને 2020-21ના વરસમાં પણ કંઈ જય વાળો દેખાશે નહીં.

આવી પરિસ્થિતિમાં નાણામંત્રીને બાજુએ મૂકીને વડા પ્રધાને જાતે જ સુકાન હાથમાં લીધું છે એ સારી નિશાની છે.

ભારતીય અર્થતંત્રને પુન: ધબકતું કરવામાં વડા પ્રધાન સફળ થાય એ હાલના તબક્કે દેશહિતની સૌથી મોટી વાત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો