CAA મુદ્દે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ પીછેહઠ કરી? બહાર પાડ્યું નિવેદન

સત્યા નદેલા Image copyright EPA

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશમાં વિભાજિત મત પ્રવર્તી રહ્યો છે અને અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્યા નડેલાએ તેને દુખદ અને ખરાબ ગણાવ્યો છે.

કોઈ પણ બહુરાષ્ટ્રીય કંપનીએ નાગરિકતા સંશોધન કાયદાની ટીકા કરી હોય તેવું અગાઉ નથી બન્યું. આમ, નડેલા એક મોટી કંપનીના પ્રથમ એવા મોવડી છે જેમણે આ કાયદા સામે ટિપ્પણી કરી છે.

સત્યા નડેલાએ માઇક્રોસોફ્ટના એક કાર્યક્રમમાં બઝફિડના ઍડિટર ઇન ચીફ બેન સ્મિથને કહ્યું કે 'જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આ દુખદ અને ખરાબ છે.'

બાદમાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે 'દરેક દેશને તેની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને ઇમિગ્રેશન પોલિસી નક્કી કરવાનો અધિકાર છે.'

બેન સ્મિથે આને લઈને એક ટ્વીટ પણ કર્યું અને એ મુજબ સત્યા નડેલાએ એમ પણ કહ્યું કે, મને એ જોવાનું ગમશે કે કોઈ બાંગ્લાદેશી પ્રવાસી ભારત જઈને આગામી યુનિકોર્ન સ્થાપિત કરે કે ઇન્ફોસિસનો આગામી સીઈઓ બને.

માઇક્રોસોફ્ટનું નિવેદન

આ અંગે સોશિયલ મીડિયા ઉપર નડેલાના સમર્થનમાં અને વિરોધમાં ચર્ચા શરૂ થઈ હતી.

બેન સ્મિથે સત્યા નડેલાનું નિવેદન ટ્વીટ કર્યા પછી માઇક્રોસોફ્ટે નડેલા તરફથી પ્રમાણમાં નરમ વલણ નિવેદન રજૂ થયું.

જેમાં એમણે કહ્યું કે "કોઈ પણ દેશે પોતાની સીમારેખા અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રમાણે પ્રવાસી નીતિ બનાવવી જોઈએ. લોકશાહીમાં એ વાત છે જેનો નિર્ણય સરકાર અને નાગરિકો વચ્ચે સંવાદથી થવો જોઈએ.

"હું ભારતીય વારસા સાથે ઉછર્યો છું. બહુરંગી સંસ્કૃતિમાં મોટો થયો અને પછી અમેરિકામાં રહેવાનો અનુભવ થયો. ભારત માટે મારી આશા એટલી જ છે કે બહારથી આવેલી કોઈ વ્યક્તિ શાનદાર સ્ટાર્ટઅપ શરૂ કરી શકે કે બહુરાષ્ટ્રીય કંપનીનું નેતૃત્વ કરી શકે. તેનાથી ભારતીય સમાજ અને અર્થવ્યવસ્થાને ફાયદો થશે."

સત્યા નડેલા મૂળ હૈદરાબાદના છે.

એમણે પોતાના બહુસાંસ્કૃતિક મૂળિયાં વિશે બેન સ્મિથને કહ્યું, "હું હૈદરાબાદમાં મોટો થયો. ત્યાં મને જે સાંસ્કૃતિક વારસો મળ્યો છે એના પર મને ગર્વ છે. મને કાયમ એવો અનુભવ થયો છે કે બાળપણથી વસ્તુઓને સમજવા માટે એ શાનદાર શહેર છે. અમે ઈદ મનાવતા, ક્રિસમસ મનાવતા અને દિવાળી પણ. આ ત્રણે તહેવાર અમારા માટે મોટા હતા."


સોશિયલ મીડિયા પર ચર્ચા

નડેલાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ફેલાઈ રહ્યું છે.

જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ એમના નિવેદન પર ટ્વીટ કર્યું.

ગુહાએ લખ્યું કે "નડેલાએ જે કહ્યું છે તેનાથી ખુશી મળી. મારી ઇચ્છા હતી કે આપણી ભારતીય આઈટી કંપનીઓના મોવડીઓ આવું સાહસ અને બુદ્ધિમત્તા દેખાડે. તેઓ હજી પણ એવું કરી શકે છે.

ઉલ્લેખનીય છે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગત મહિને ગુહાની અટકાયત કરાઈ હતી.

અમેરિકન એન્ટરપ્રાઇસ ઇન્સ્ટિટ્યૂટ (એક નીતિ સંશોધન સંસ્થા) સાથે સંકળાયેલા ભારતીય મૂળના લેખક પત્રકાર સદાનંદ ઘુમે ટ્વીટ કરીને કહ્યું કે "સત્યા નડેલાએ આ મુદ્દા પર વાત કરી તેનાથી મને આશ્ચર્ય થયું છે, પરંતુ તેમણે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો એ વાતે મને અચરજ નથી, કેમ કે માઇક્રોસોફ્ટ જેવી સફળ કંપની દરેક વ્યક્તિને એક સમાન જોવાના સિદ્ધાંત પર જ બની છે.

એનડીટીવીના પ્રમોટર પ્રણય રૉયે પણ ટ્વીટ કર્યું કે, જ્યારે એક મહાન ભારતીય બોલે છે ત્યારે આપણે સહુએ સાવધાનીથી એમને સાંભળવા જોઈએ. સત્યા નડેલા પર આપણને સહુને ગર્વ છે. તેઓ સંવેદનાસભર ગ્લોબલ લીડર છે.

જોકે, ઇન્ફોસિસના પૂર્વ નિદેશક મોહન દાસ પઈએ સત્યા નડેલાના આ નિવેદનને મૂંઝવણભર્યું ગણાવ્યું છે.

એમણે કહ્યું કે, સત્યા નડેલાએ ટિપ્પણી કરતાં પહેલાં નાગરિકતા સંશોધન કાયદાને વાંચવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો