ડુંગળીના ભાવના કારણે ભારતમાં ફુગાવો પાંચ વર્ષના સૌથી ઊંચા દરે પહોંચ્યો?

ડુંગળી Image copyright Getty Images

દેશમાં બટેટા અને ડુંગળીના ભાવ ચર્ચાનો વિષય બન્યા છે તેની પાછળ કારણ છે આસમાને પહોંચેલા ભાવ.

તાજેતરના આંકડા દર્શાવે છે કે રિટેલ ફુગાવો ડિસેમ્બરમાં 7.35 ટકા સુધી પહોંચ્યો હતો. જુલાઈ 2014 પછી ફુગાવો સૌથી ઊંચા સ્તર પર પહોંચ્યો હતો.

જોકે નવેમ્બરમાં રિટેલ ફુગાવો 5.54 ટકા હતો અને એક મહિનાની અંદર ફુગાવામાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો.

આની પાછળ કારણ છે શાકભાજીના ભાવમાં જોવા મળેલો 60 ટકા જેટલો વધારો મુખ્યત્વે કારણભૂત મનાય છે.

કમોસમી વરસાદને કારણે બગડેલા પાકને લીધે ગયા વર્ષના અંતમાં દેશના કેટલાક ભાગોમાં ડુંગળીના ભાવમાં 300 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

બટેટાના ભાવમાં પણ 45 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. કઠોળ અને અનાજના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.


વ્યાજ દર

Image copyright Getty Images

આ કિંમતોની અસર વ્યાજ દર ઘટાડવા અંગે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના (આરબીઆઈ) નિર્ણય પર અસર પડી શકે છે.

આવતા મહિને મૉનિટરી પૉલિસી બેઠકમાં આરબીઆઈ આ અંગે ચર્ચા કરશે.

કિંમતોને કાબુમાં રાખવા માટે આરબીઆઈએ ફુગાવાને બે થી છ ટકા સુધી સીમિત કરવાનું ટાર્ગેટ રાખ્યું હતું, જોકે 2016માં મૉનિટરી પૉલિસી કમિટી બન્યા બાદ અત્યાર સુધી ફુગાવો આ પૂર્વનિર્ધારિત ટાર્ગેટની બહાર નહોતો પહોંચ્યો.

જો વ્યાજ દર ઘટાડવામાં ન આવે તો, ધિરાણ મોંઘુ રહેશે. જેના કારણે ધિરાણ લેનાર ગ્રાહકના હાથમાં નાણા ઘટશે. પરંતુ સુસ્ત અર્થતંત્રમાં તેજી લાવવા માટે સરકાર ચાહશે કે ગ્રાહકના હાથમાં ખર્ચ કરવા માટે નાણાં રહે.

નિષ્ણાતો કહે છે કે માર્ચ મહિનામાં સપ્લાઈ વધશે ત્યારે શાકભાજીના ભાવ ઓછા થાય તેવી શક્યતા છે.

જોકે અર્થશાસ્ત્રીઓને ચિંતા છે અર્થતંત્રની હાલતનો સંકેત આપતા કેટલાક પૅરામિટર મંદી તરફ ઇશારો કરી રહ્યા છે. ભારતમાં બેરોજગારી દર તથા ફુગાવા સાથે આર્થિક મંદીએ જે પરિસ્થિતિ સર્જી છે, તેને સ્ટૅગફ્લેશન કહી શકાય.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આર્થિક મંદીના સમયમાં આ એક વણજોઈતી પરિસ્થિતિ છે , જ્યારે અમુક લોકોનું કહેવું છે કે ભારતનો વિકાસ દર હજુ ચાર ટકાથી વધારે છે.

ખાદ્ય ફુગાવોમાં પણ ઉછાળો

Image copyright Getty Images

જોકે દ વીકના એક અહેવાલમાં ન્યૂઝ એજન્સી પીટીઆઈને ટાંકતા લખવામાં આવ્યું છે કે રિટેલ ફુગાવો છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે થયા બાદ હોલસેલ ફુગાવો પણ વધ્યો છે.

હોલસેલ ફુગાવામાં ડિસેમ્બર 2019માં 2.59 ટકા સુધી પહોંચ્યો હતો. નવેમ્બરમાં હોલસેલ ફુગાવો 0.58 ટકા જેટલો હતો.

આ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે ડુંગળીના ભાવમાં આવેલી તેજીને કારણે ફુગાવો પણ ઝડપથી વધ્યો છે. શાકભાજીના ભાવમાં વધારો નવેમ્બરમાં 45 ટકા હતો જે ડિસેમ્બરમાં વધીને 69 ટકા હતો.

આ અહેવાલમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મુજબ ખાદ્યસામગ્રીમાં નવેમ્બરમાં 11 ટકા હતો જે વધીને ડિસેમ્બરમાં 13.12 ટકા જેટલો થયો હતો. જ્યારે નૉન-ફૂડ આર્ટિકલ્સમાં ફુગાવો નવેમ્બરમાં 1.93 ટકા હતો જે ડિસેમ્બરમાં ચાર ઘણો વધીને 7.72 ટકા જેટલો થયો હતો.

બીજી તરફ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના રિસર્ચ રિપોર્ટ ઇકોરૅપ પ્રમાણે, શાકભાજીની કિંમત સતત વધવાને કારણે જાન્યુઆરી મહિનામાં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (સીપીઆઈ) ઉપર આધારિત મોંઘવારી આઠ ટકાથી ઉપર જઈ શકે છે.

આ રિપોર્ટમાં ચાલુ નાણાકીય વર્ષમાં નોકરીઓ પણ ઓછી સર્જાશે. ઇકોરૅપ પ્રમાણે આર્થિક સુસ્તીને કારણે દેશમાં રોજગાર પર પણ અસર પડી છે.

રિપોર્ટ કહે છે કે છેલ્લા નાણાકીય વર્ષ 2018-19ની સરખામણીએ વર્ષ 2019-20માં 16 લાખ નોકરી ઓછી થવાની શક્યતા ખરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા