કોણ હતાં ગંગૂબાઈ કાઠિયાવાડી, જેના ઉપર સંજય લીલા ભણસાલીએ ફિલ્મ બનાવી?

આલિયા ભટ્ટ Image copyright Twitter

બુધવારે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નાં બે પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરાયાં હતાં.

પોસ્ટરમાં આલિયા નૉન-ગ્લૅમરસ અંદાજમાં દેખાઈ રહ્યાં છે.

આલિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ મારફતે ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયવાડી'નું પોસ્ટર શૅર કરવાની સાથે વાઇરલ થઈ ગયું હતું.

પરંતુ વાસ્તવિક જીવન પર આધારિત આ ફિલ્મનાં નાયિકા 'ગંગૂબાઈ'ની મૂળ કહાણી બહુ થોડા લોકો જ જાણતા હશે.

ગુજરાતના કાઠિયાવાડમાં જન્મેલાં એક મહિલા 'ગંગૂબાઈ'માંથી કેવી રીતે મુંબઈમાં માફિયાના એક ચર્ચિત નામ બની ગયાં, તે એક રસપ્રદ વાત છે.


કોણ હતાં ગંગૂબાઈ?

મુંબઈના ખ્યાતનામ લેખક અને પૂર્વ ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર એસ. હુસેન ઝૈદી દ્વારા લિખિત પુસ્તક 'માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ' અનુસાર ગંગૂબાઈને તેમના પ્રેમી રમણિક મુંબઈના કમાઠીપુરા વિસ્તારના વેશ્યાલયમાં વેચી દેવામાં આવ્યાં હતાં.

ધ ક્વિન્ટ હિન્દી ડૉટ કોમના અહેવાલ અનુસાર ગંગૂબાઈના પ્રેમી રમણિકે તેમને 500 રૂ. માં વેચી દીધાં હતાં.

ત્યાર બાદ પોતાના પરિવારની લાજ રાખવાના હેતુથી તેઓ ક્યારેય પાછાં 'કાઠિયાવાડ' ન જઈ શક્યાં.

તેમજ વેશ્યાલયના જીવનને જ અપનાવી લેવાનું નક્કી કર્યું.

પુસ્તકમાં ઉલ્લેખ કરાયેલા એક પ્રસંગ અનુસાર એક વખત ગંગૂબાઈ મુંબઈના કુખ્યાત ડૉન કરિમ લાલા પાસે તેમના માણસની ફરિયાદ લઈને ગયાં હતાં.

ગંગૂબાઈનો આરોપ હતો કે કરિમ લાલાની ગૅંગના એક સભ્ય શૌકત ખાને બે વખત ગંગૂબાઈ સાથે સંબંધ બાંધ્યા, પણ પૈસા ચૂકવ્યા ન હતા.

ગંગૂબાઈના નીડર અંદાજથી કરિમ લાલા ઘણા પ્રભાવિત થઈ ગયા હતા.

પુસ્તક પ્રમાણે આ પ્રસંગ દરમિયાન કરિમ લાલાના ઘરેથી નીકળતા પહેલાં ગંગૂબાઈએ કરિમ લાલાને રાખડી પણ બાંધી હતી.

આ ઘટના બાદ કહેવાય છે કે તેમને કરિમ લાલાનું સંરક્ષણ પ્રાપ્ત થયું અને ધીરે-ધીરે તેઓ કમાઠીપુરાનાં અનેક વેશ્યાલયોનાં માલકણ બની ગયાં.

દેવી તરીકે પુજાય છે ગંગૂબાઈ

Image copyright Getty Images

ધ હિન્દુ બિઝનેસ લાઇન ડૉટ કોમના અહેવાલ અનુસાર કમને કરવા પડતા વેશ્યા તરીકેના વ્યવસાય અને યુવાનીમાં પડેલી મુશ્કેલીઓને કારણે ગંગૂબાઈના મનમાં બળજબરીથી આ વ્યવસાયમાં ધકેલાયેલી મહિલાઓ પ્રત્યે હંમેશાં સહાનુભૂતિ રહી.

અહેવાલ અનુસાર કમાઠીપુરામાં ગંગૂબાઈની દેવી તરીકે પૂજવામાં આવતાં.

રિપબ્લિક વર્લ્ડ ડૉટ કોમના અહેવાલ અનુસાર 60ના દાયકામાં ગંગૂબાઈની ગણતરી એ સમયના મોટા વેશ્યાલયના માલિકોમાં થતી.

એ સમયનાં અંડરવર્લ્ડનાં કેટલાંક જાણીતાં નામો તેમના ગ્રાહકો હતા.

એ સમયે તેમને અંડરવર્લ્ડ ડૉનના ગાર્ડિયન માનવામાં આવતાં હતાં.

તેઓ મુસીબતના સમયમાં અંડરવર્લ્ડના લોકોને માર્ગદર્શન અને સહારો આપવા માટે જાણીતાં હતાં.

ખૂબ ઓછા સમયમાં તેઓ 'મૅડમ ઑફ કમાઠીપુરા'ના નામથી જાણીતાં બની ગયાં હતાં.

કહેવાય છે કે તેઓ વેશ્યાવૃતિ કરતી મહિલાઓના પ્રતિનિધિ તરીકે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પણ મળ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા