મોદી સામે તબીબો લાલઘૂમ, કહ્યું : આરોપ સાબિત કરો કે માફી માગો

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન Image copyright Getty Images

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને (IMA) વડા પ્રધાન મોદીના એક કથિત નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે.

તેમજ માગણી કરી છે કે કાં તો વડા પ્રધાન પોતાના આરોપો અંગેની સાબિતી આપે અથવા તો નિવેદન પાછું ખેંચી લઈ, પોતાના આ નિવેદન માટે માફી માગે.

IMAનો આરોપ છે કે વડા પ્રધાન મોદીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે :

"ટોચની ફાર્મા કંપનીઓએ ડૉક્ટરોને લાંચ તરીકે છોકરીઓ પૂરી પાડી હતી."

IMA દ્વારા એક પ્રેસ-રિલીઝ જારી કરીને માગ કરાઈ છે કે, "વડા પ્રધાન કાં તો આ આરોપ સાબિત કરી બતાવે અથવા માફી માગે."

નોંધનીય છે કે IMA દેશમાં ડૉક્ટરોનું એક શીર્ષ સંગઠન છે.

'છોકરીઓ પૂરી પડાઈ'

Image copyright IMA

IMAએ આ વિવાદ અંગે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે :

"મીડિયામાં આવેલા કેટલાક અહેવાલો પ્રમાણે, વડા પ્રધાન મોદીએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે કેટલીક ટોચની ફાર્મા કંપનીઓએ લાંચ પેટે ડૉક્ટરોને છોકરીઓ પૂરી પાડી હતી."

"જો વડા પ્રધાન ખરેખર આવું બોલ્યા હોય તો IMA તેમના આ નિવેદનને વખોડે છે."

નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં ટોચની ફાર્મા કંપનીઓ સાથે યોજાયેલી બેઠકમાં થયેલી વાતચીત દરમિયાન વડા પ્રધાને કથિત પણે ઍથિકલ માર્કેટિંગ પ્રૅક્ટિસ વિશે વાત કરી હોવાના અહેવાલ વહેતા થયા હતા.

બીજી બાજુ, ભારતની ફાર્મા સૅક્ટરની ટોચની સંસ્થા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સે (આઈ.પી.એ.) તબીબોને લાંચ આપવા મુદ્દે વડા પ્રધાન મોદીએ ચેતવણી આપી હોવાના અહેવાલને નકારી કાઢ્યા હતા.

આઈપીએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે એ બેઠકમાં ફાર્માક્ષેત્રમાં માર્કેટિંગ વિશે કોઈ વાત નહોતી થઈ.

એ બેઠકમાં સન ફાર્માના દિલીપ સંઘવી, પિરામલ જૂથના અજય પિરામલ, ડૉ. રેડ્ડીઝના સતીશ રેડ્ડી ઉપરાંત ફાર્મા સૅક્ટરના અનેક અગ્રણી હાજર રહ્યા હતા.

'ગુના અંગેની ફરિયાદ કેમ ન નોંધાવાઈ?'

Image copyright Getty Images

IMA એ સરકારને પ્રશ્ન પૂછતાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "શું સરકાર પાસે ડૉક્ટરોને છોકરીઓ પૂરી પાડતી કંપનીઓ વિશેની જાણકારી હતી ખરી?"

"જો આ વાતની જાણકારી તેમની પાસે પહેલાંથી હતી, તો તેમણે વડા પ્રધાન કાર્યાલયમાં બેઠક બોલાવવાના સ્થાને અપરાધી કંપનીઓ વિરુદ્ધ પગલાં કેમ ન લીધાં?"

IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. રાજન શર્મા અને સેક્રેટરી જનરલ ડૉ. આરવી અસોકનના હસ્તાક્ષરવાળી પ્રેસ-રિલીઝમાં PMO દ્વારા આવું કૃત્ય કરનાર ડૉક્ટરોનાં નામ જાહેર કરવાની પણ માગ કરાઈ હતી.

સાથે જ રાજ્યની મેડિકલ કાઉન્સિલોને આવા ડૉક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના પણ અપાઈ હતી.

નવેમ્બર માસમાં પુણેની એક સંસ્થા સપોર્ટ ફૉર એડવોકસી ઍન્ડ ટ્રેનિંગ ટુ હેલ્થ ઇનિશિએટિવ્સે પોતાના અભ્યાસમાં દાવો કર્યો હતો કે ડૉક્ટર ફાર્મા કંપનીઓ પાસેથી લાંચ સ્વરૂપે મોંઘી યાત્રા, ટૅબ્લેટ, ચાંદીની વસ્તુઓ, સોનાનાં ઘરેણાં અને પેટ્રોલ કાર્ડ પણ સ્વીકારતા હોય છે.

IMAએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે સરકાર વડા પ્રધાનના આ આરોપોને સિદ્ધ કરી બતાવશે.

સાથે જ તેમણે કહ્યું છે કે, "જો વડા પ્રધાન દ્વારા આ પ્રકારનું નિવેદન સત્યના આધારે ન અપાયું હોય, તો તેમણે તાત્કાલિક માફી માગવી જોઈએ."

IMA દ્વારા આ પ્રકારના નિવેદનોનો હેતુ લોકોનું ધ્યાન સ્વાસ્થ્ય અને મેડિકલ શિક્ષણ જેવા મુદ્દાઓ પરથી હઠાવવાનું છે.

IMAના મહાસચિવ ડૉ. આરવી અશોકને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "જો વડા પ્રધાનના આ આરોપો યોગ્ય હોય, તો આવા ડૉક્ટરો અને કંપનીઓ પર ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ."

"પરંતુ જો આ વાતમાં સત્ય-તથ્યની ઊણપ હોય તો તેમણે માફી માગવી જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો