TOP NEWS: 'NPR માટે કોઈ દસ્તાવેજ માગવામાં નહીં આવે'- ગૃહમંત્રાલય

અમિત શાહ Image copyright Getty Images

ગૃહમંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) માટે કોઈ પણ પ્રકારના કાગળ કે દસ્તાવેજ માગવામાં નહીં આવે.

મંત્રાલયે કહ્યું કે આ માટે કોઈ પણ પ્રકારની બાયૉમેટિક જાણકારી આપવાની પણ જરૂર નથી.

મંત્રાલયના અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે એનપીઆર મામલે અલગઅલગ પુછાનારા સવાલોના ફૉર્મને જલદી અંતિમ રૂપ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એનપીઆરની પ્રક્રિયાને લઈને પશ્ચિમ બંગાળ જેવા રાજ્ય અને વિપક્ષે અનેક પ્રકારની ચિંતા પ્રગટ કરી છે.

કેન્દ્ર સરકાર ભારતમાં નાગરિકતા માટે બાયૉમેટ્રિક અને વંશાવળીનો ડેટા તૈયાર કરવા માગે છે અને આ માટે અંતિમ યાદી જાહેર કરવા માટે સપ્ટેમ્બર 2020નો સમય નક્કી કરાયો છે.

આ પ્રક્રિયા કોઈ પણ રીતે વસતિગણતરી (Census) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) સાથે સંબંધિત નથી.

એનઆરસીની માફક એનપીઆર નાગરિકોની ગણતરી નથી. કોઈ વ્યક્તિ દેશના કોઈ ભાગમાં છ મહિનાથી રહેતી હશે તો એ પણ આમાં સામેલ કરી લેવાશે.

એનપીઆરનું લક્ષ્ય દેશના પ્રત્યેક નાગરિકની ઓળખનો ડેટા તૈયાર કરવાનું છે.


રશિયાની સરકારનું રાજીનામું

Image copyright EPA

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના દેશમાં વ્યાપક બંધારણીય સુધારાના પ્રસ્તાવ બાદ વડા પ્રધાન દમિત્રિ મેદવેદેવ અને તેમની આખી કૅબિનેટે રાજીનામું આપી દીધું છે.

દમિત્રિએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિનના આ પ્રસ્તાવથી સત્તાસંતુલનમાં ઘણા મહત્ત્વના ફેરફારો આવશે.

તેઓએ કહ્યું, "આ બદલાવ લાગુ થશે ત્યારે ન માત્ર બંધારણની બધી કલમો બદલાઈ જશે, પરંતુ સત્તાસંતુલન અને શક્તિ પણ બદલાઈ જશે."

"એક્ઝિક્યુટિવની તાકત, વિધાનમંડળની તાકત, ન્યાયપાલિકાની તાકત બધામાં બદલાવ આવશે. આથી વર્તમાન સરકારે રાજીનામું આપ્યું છે."

રાષ્ટ્રપતિ પુતિને બંધાણમાં ફેરફાર માટેનો જે પ્રસ્તાવ રજૂ કર્યો છે, તે માટે દેશભરમાં મતદાન કરાવાશે. આનાથી સત્તાની શક્તિ રાષ્ટ્રપતિને બદલે સંસદ પાસે વધારે રહશે.

પુતિનના વડા પ્રધાનનું પદ છોડી રહેલા દિમિત્રિ મેદવેદેવે રાષ્ટ્રીય સુરક્ષાપરિષદના ડેપ્યુટી ચૅરમૅન બનવાનું નક્કી કર્યું છે.


છત્તીસગઢની સરકારે એનઆઈએ કાયદાને પડકાર્યો

Image copyright CG KHABAR

છત્તીસગઢની સરકારે યુપીએના સમયના એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન ઍક્ટ) કાયદાને પડકાર્યો છે.'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ અનુસાર સિનિયર વકીલ વિવેક કે. તન્કા અને વકીલ સુમીર સોઢીના માધ્યમથી કરવામાં આવેલી અરજીમાં કહેવાયુ છે, એનઆઈએ વર્તમાન સમયમાં પોલીસના માધ્યમથી તપાસ કરવાની રાજ્યની શક્તિને છીનવી લે છે.

કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા સંશોધન કાયદાને બંધારણની જે જોગાવાઈ અંર્તગર પડકાર્યો, એ જ જોગવાઈના આધારે છત્તીસગઢ સરકારે આ કાયદાને પડકાર્યો છે.

આ કાયદો બન્યો ત્યારે કેન્દ્રમાં કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી.


દેવિંન્દર સિંહ ડીએસપી પદેથી સસ્પેન્ડ

Image copyright PTI

ભારત પ્રશાસિત કાશ્મીરમાં ચરમપંથીઓની મદદ કરવાના આરોપમાં પકડાયેલા પોલીસ અધિકારી દેવિન્દર સિંહને સસ્પેન્ડ કરાયા છે.

હવે તેમને બરખાસ્ત કરવાની તૈયારી ચાલી રહી છે.

જમ્મુ-કાશ્મીરના જીડીપી (પોલીસ મહાનિદેશક) દિલબાગ સિંહે કહ્યું કે પૂછપરછમાં જે જાણવા મળ્યું છે એને હાલમાં જાહેર કરી શકાય તેમ નથી.

તેમણે કહ્યું, "અમે તેમને (ડીએસપી દેવિન્દર સિંહ)ને સસ્પેન્ડ કરી દીધા છે. અમે સરકારને ભલામણ કરવાના છીએ કે તેમને બરખાસ્ત કરવામાં આવે."

આ સિવાય એવી પણ ચર્ચા છે કે તેમને મળેલા મેડલ પણ પરત લેવામાં આવશે.


ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ : આયાથી બ્રૉન્ઝ મેડલ સુધી

Image copyright YOUTHGAMES.KHELOINDIA.GOV.IN

આસામનાં જીનુ ગોગોઈએ ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે.

માત્ર ત્રણ મહિનાની તાલીમ બાદ તેમણે આ સિદ્ધિ મેળવી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બરમાં આસામનાં જીન ગોગોઈ બિમા બોરાહ સાથે જતાં, જ્યાં તેઓ રોજ સાંજે રમતાં હતાં. તેઓ બિમા બોરાહને ત્યાં આયા તરીકે નોકરી કરતાં હતાં અને તેમની 10 મહિનાની બાળકીનું ધ્યાન રાખતાં હતાં.

તેઓ કહે છે, હું રોજ તેમની રમત જોતી હતી. એક વાર મેં તેમને પૂછ્યું કે શું તમે મને રમત શીખવશો.

તેમની વિનંતીના ત્રણ મહિના પછી જીનુએ કરિના પટવારી સાથે અન્ડર-21 ગર્લ્સ જોડીમાં લૉન બૉલમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો.

જીનુનાં માતા મામોની શિવસાગરમાં ચાના બગીચામાં કામ કરે છે, જેનું સંચાલન તેમના પતિ દ્વારા કરવામાં આવે છે.

બોરાહ જણાવે છે કે મારે પુત્રી થયાં પછી મેં તેમને આયાની નોકરી આપી હતી. તેઓ મને ઘરનાં કામકાજમાં પણ મદદ કરતાં હતાં.


પુરુષોની આંતરાષ્ટ્રીય મૅચમાં મહિલા અમ્પાયર

જૅક્લીન વિલિયમ્સ મેન્સ આંતરારાષ્ટ્રીયમાં પહેલા થર્ડ-અમ્પાયર તરીકે કામ કરશે.

43 વર્ષીય જૅક્લીન વિલિયમ્સ બુધવારે શરૂ થયેલી રહેલી ત્રણ મૅચની સિરીઝમાં અમ્પાયર રહેશે.

હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે જૅક્લીન વિલિયમ્સ વેસ્ટ ઇન્ડીઝનાં પહેલાં એવા મહિલા હશે કે પુરુષોની આંતરારાષ્ટ્રીય મૅચ ક્રિકેટમાં થર્ડ-અમ્પાયરની ભૂમિકા ભજવશે.

તેઓ આયર્લૅન્ડ સામે શરૂ થનારી સિરીઝમાં અમ્પાયરિંગ કરશે.

જૅક્લીને જણાવ્યું હતું કે પુરુષોની આંતરરાષ્ટ્રીય મૅચમાં ટીવી અમ્પાયર હોવું મારા માટે એક સન્માનની વાત છે અને હું મારી ભૂમિકાને લઈને ખૂબ ઉત્સાહિત છું.

તેમણે આઈસીસી અને વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટનો આભાર માનતા કહ્યું કે મેં પહેલાં પણ પુરુષોની મૅચમાં થર્ડ-અમ્પાયર તરીકે કામ કર્યું છે, પણ આંતરરાષ્ટ્રીય મૅચમાં પહેલી વાર થર્ડ-અમ્પાયર તરીકે કામ કરીશ અને આ વેસ્ટ ઇન્ડીઝની વિશેષતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો