હાર્દિક પટેલને ભાજપ વારંવાર પરેશાન કરે છે - પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી Image copyright Getty Images

ગુજરાત કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપ હાર્દિક પટેલને વારંવાર પરેશાન કરે છે.

કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ હાર્દિક પટેલની ધરપકડ પર ટ્વીટ કરી છે.

એમણે ભાજપ પર હાર્દિક પટેલેને વારંવાર પરેશાન કરવાનો આરોપ મૂક્યો છે.

પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, યુવાનો માટે રોજગારી અને ખેડૂતોના અધિકારની લડાઈ લડનારા યુવા નેતા હાર્દિક પટેલને ભાજપ વારંવાર પરેશાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજ માટે અવાજ ઉઠાવ્યો, એમના માટે નોકરીઓ માગી, શિષ્યવૃત્તિ માગી. ખેડૂતો માટે આંદોલન કર્યું. ભાજપ આને 'દેશદ્રોહ' ગણાવે છે.

હાર્દિક પટેલની ધરપકડ પર વડગામના ધારાસભ્ય અને દલિત નેના જિગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કર્યુ છે.

જિગ્નેશ મેવાણીએ લખ્યું કે, મિત્ર હાર્દિક પટેલની ધરપકડ થઈ છે પણ હાર્દિક પટેલ ઝુકશે નહીં, તે વધારે મજબૂત થઈને બહાર આવશે. વિજય રૂપાણી ગમે તે કરી લો, તમારી સરકાર અમે પાડીને રહીશું.


હાર્દિક પટેલની ધરપકડ કેમ થઈ?

Image copyright Getty Images

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજદ્રોહના કેસમાં કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલની ધરપકડ કરી છે.

શનિવારે અમદાવાદની સ્થાનિક કોર્ટે પટેલ સામે રાજદ્રોહના કેસમાં બિન-જામીનપાત્ર વૉરંટ કાઢ્યું હતું.

વારંવાર વૉરંટ કાઢવા છતાં હાજર ન રહેવા બદલ આ વૉરંટ કાઢવામાં આવ્યું હતું.

સરકારી પક્ષે દલીલ આપી હતી કે હાર્દિક પટેલે ન્યાયપ્રક્રિયાને ઢીલી પાડવાનો તથા જામીનની શરતોનો ભંગ કર્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે કોર્ટમાં હાજર કર્યા બાદ હાર્દિક પટેલને 24 જાન્યુઆરી સુધી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

ડીસીપી (ગુનાશાખા) રાજદીપસિંહ ઝાલાએ હાર્દિક પટેલની ધરપકડની પુષ્ટિ કરી હતી.

'પાસ' સમયનો કેસ

પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે તા. 25 ઑગસ્ટ, 2015ના અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે રેલી યોજી હતી.

જે બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક ડઝન કરતાં વધુ પાટીદાર યુવાનોનાં મૃત્યુ થયાં હતાં તથા ઘણી સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચ્યું હતું.

હિંસાને પગલે હાર્દિક, દિનેશ બાંભણિયા તથા ચિરાગ પટેલની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો.

આંદોલન સમયે હાર્દિક પટેલે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાનો ઇન્કાર કર્યો હતો, જોકે બાદમાં તેઓ કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

પાસમાં તેમના અન્ય સાથીદાર નિખિલ સવાણી (કૉંગ્રેસ), વરુણ પટેલ (ભાજપ) તથા રેશમા પટેલ (પહેલાં ભાજપ બાદ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) એમ અલગ-અલગ પક્ષમાં જોડાઈ ગયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો