સુરત : રઘુવીર માર્કેટમાં 13 દિવસમાં બીજી વખત આગ, બ્રિગેડ-કૉલ જાહેર

સુરતમાં આગ Image copyright Kushal Pandya

સુરતમાં રઘુવીર માર્કેટમાં 13 દિવસમાં બીજી વખત આગ ફાટી નીકળી છે. વહેલી સવારે ફાટી નીકળેલી આગની ઝપેટમાં કેટલીય દુકાનો આવી ગઈ છે. આગની ભીષણતા જોતાં 'બ્રિગેડ-કૉલ' જાહેર કરવામાં આવ્યો છે.

અહીંના પૂણા-કુંભારિયા માર્ગ પર આવેલી 'રઘુવીર શૈલ્યમ' ઇમારતમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી.

આગને બુજાવવા માટે 40થી વધુ ફાયર-એંજિન કામે લાગ્યાં છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી મુદ્દે સીલિંગનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.બ્રિગેડ-કૉલ જાહેર

સુરત ફાયર-બ્રિગેડના મુખ્ય અધિકારી બસંત પરીકે સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનને જણાવ્યું :

"જે સ્થળે આગ લાગી ત્યાં ત્રણ-ચાર ગાર્ડ હતા. જોકે, આગની ઘટનાને પગલે તેઓ ઇમારતમાંથી બહાર નીકળી ગયા હતા. હાલમાં તમામ ફાયરફાઇટરો ઘટના સ્થળે છે અને આગને ઓલવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ ઘટનામાં જાનનું નુકસાન ન થયું હોવાના પ્રાથમિક અહેવાલ છે."

ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર, "પ્રાથમિક તારણ અનુસાર ઇલેક્ટ્રિક શોક-સર્કિટ થવાને કારણે આગ ફાટી નીકળી હતી. માર્કેટની 50થી 60 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. હાલમાં ફાયર-બ્રિગેડના 50થી 55 જેટલા લાયબંબો અને શહેરના તમામ ફાયરફાઇટરો આગ ઓલવવાની કામગીરીમાં જોતારેયા છે. ફાયરવિભાગ દ્વારા આ મામલે બ્રિગેડ-કૉલ જાહેર કરાયો હતો."

ભયાનક આગની સ્થિતિમાં 'બ્રિગેડ-કૉલ' જાહેર કરવામાં આવે છે. જેમાં શહેરના તમામ ફાયર એંજિન ઉપરાંત આજુબાજુની નગરપાલિકા, ખાનગી એકમો, સરકારી (કે અર્ધસરકારી એકમો)એ તેમની સુરક્ષા માટે તહેનાત કરેલા ફાયર એંજિનની મદદ લેવામાં આવે છે.

પલસાણા અને સચીનની જી.આઈ.ડી.સી. (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન), ઉપરાંત બારડોલી નગરપાલિકાના ફાયરએંજિનને ઘટનાસ્થળે દોડાવવામાં આવ્યા છે.


13 દિવસમાં બીજી આગ

Image copyright kushal pandya

ઉલ્લેખનીય છે કે આ પહેલાં આઠમી જાન્યુઆરીએ પણ રઘુવીર માર્કેટમાં આગ લાગી હતી. તે સમયે સાતમા માળે આગ લાગી હતી, જે ઉપરના માળો સુધી ફેલાઈ હતી.

તે સમયે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અગ્નિશમન દળના 12 ફાયર એંજિન કામે લગાડવામાં આવ્યાં હતાં.

તા. 24મી મેના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેમાં 20થી વધુ વિદ્યાર્થીના મૃત્યુ થયાં હતાં.

ત્યારબાદ નાગરિકોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની કાર્યવાહી સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

કૉર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનારા ટ્યૂશન ક્લાસ, દુકાનો અને ઔદ્યોગિક એકમોને સીલિંગની કામગીરી હાથ ધરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા