સાંઈબાબા ખરેખર શિરડીમાં જન્મ્યા હતા કે પછી પાથરીમાં?

સાંઈબાબા Image copyright Getty Images

'સબકા માલિક એક' એવો ઉપદેશ આપનારા શિરડીના સાંઈ બાબાની સમાધિ સ્થળના મામલે ઊભો થયેલો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી.

મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના પાથરી ગામને શિરડીના સાંઈબાબાનું જન્મસ્થળ જાહેર કરી દેવાયું છે.

એટલું જ નહીં, મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાથરીના વિકાસ માટે 100 કરોડ ફાળવવાની જાહેરાત પણ કરી દીધી છે.

શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની સંયુક્ત સરકારના આ નિર્ણયથી શિરડીના લોકો નારાજ થયા છે. વિરોધમાં શિરડીબંધનું એલાન આપવામાં આવ્યું હતું.

તેની સામે પાથરીના લોકોએ પણ બંધ પાળ્યો હતો.

પાથરીના લોકોનું કહેવું છે કે સાંઈબાબાનો જન્મ અહીં જ થયો હતો. તેની સાબિતી માટેના 29 પુરાવા હોવાનો સ્થાનિકોનો દાવો છે.

તેની સામે શિરડીના લોકોનું કહેવું છે કે તેમાંથી એકેય નક્કર પુરાવો હોય તો અમારી સામે લાવો.

બીજી બાજુ, પરભણીની બઠક ઉપરથી શિવસેનાના સંસદસભ્ય સંજય જાધવ સ્થાનિકોના પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને મળશે.

આ પહેલાં વિવાદના ઉકેલ માટે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બેઠક બોલાવી હતી.કેવી રીતે શરૂ થયો વિવાદ

Image copyright SAIBABA JANMASTHAL MANDIR TRUST PATHRI
ફોટો લાઈન વર્ષ 2016માં જ્યારે રામનાથ કોવિંદ બિહારના રાજ્યપાલ હતા, તે સમયે તેમણે પાથરીનો પ્રવાસ કર્યો હતો.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના નાંદેડ તરફ જતો માર્ગમાં માનવત રોડ નામનું રેલવે સ્ટેશન આવે છે.

આ સ્ટેશન પર ઘણાં વર્ષોથી એક બોર્ડ મારેલું છે. તેના પર લખેલું છે કે શિરડીના સાંઈબાબાના જન્મસ્થળ પાથરી જવા માટે અહીં ઊતરવું.

તેના માટેનું કોઈ પ્રમાણ નથી, પણ સ્થાનિકો આવું જ માને છે.

સાંઈબાબા જન્મસ્થળ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અતુલ ચૌધરી કહે છે, "સાંઈબાબાનો જન્મ પાથરીમાં 1838માં થયો હતો. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી બાલાસાહેબ ખેરના પુત્ર વિશ્વાસ ખેરે 30 વર્ષ સંશોધન કર્યા પછી જણાવ્યું હતું કે પાથરી જ સાંઈબાબાની જન્મભૂમિ છે."

"પાથરી નજીકના સેલૂ ગામમાં સાંઈબાબાના ગુરુ કેશવરાજ મહારાજ એટલે કે બાબાસાહેબ મહારાજનું મંદિર છે. અમે માનીએ છીએ કે કેશવરાજ મહારાજ જ સાંઈબાબાના ગુરુ હતા."

અતુલ ચૌધરી કહે છે, "ગોવિંદ દાભોલકરના પુસ્તકમાં અને 1974માં સાંઈ સંસ્થાને છાપેલી સાંઈચરિત્રની આઠમી આવૃત્તિમાં જણાવાયું હતું કે સાંઈબાબાનો જન્મ પાથરીમાં થયો હતો."

"સાંઈબાબાએ પોતાના એક શિષ્ય મ્હાલસાપતીને કહ્યું હતું કે તેમનાં માતા-પિતાએ તેમને એક ફકીરની ઝોળીમાં નાખી દીધો હતો."

"સાંઈબાબાનું મૂળ નામ હરિભાઉ ભુસારી હતું. તેમના મોટા ભાઈ પણ ફકીર હતા. સાંઈબાબા પર તેમનો પ્રભાવ દેખાઈ આવે છે. પાથરી ગામમાં મુસ્લિમ લોકોને ઘણી બધી વસતી છે."

"ઘણા મોટા ફકીર આ ગામમાંથી થયા છે, પણ તેમની કથાઓ બહુ જાણીતી થઈ નથી. તેથી પાથરીનું નામ બહુ જાણીતું થયું નહોતું. સાંઈબાબા પર આ ફકીરોનો પ્રભાવ હતો અને તેમનો પહેરવેશ પણ મુસ્લિમ ફકીર જેવો જ હતો."

અતુલ ચૌધરીનું એમ પણ કહેવું છે કે સંત દાસગુણની આત્મકથામાં પણ સાંઈબાબાના જન્મસ્થળ તરીકે પાથરીનો ઉલ્લેખ છે.


આઠમી આવૃત્તિ ક્યાં છે

Image copyright ANI

પાથરી ગામના લોકો સાંઈચરિત્રની આઠમી આવૃત્તિના આધારે પાથરી ગામને સાંઈબાબાનું જન્મસ્થળ ગણાવે છે, પણ શિરડી સંસ્થાનના સુરેશ હવારેનું કહેવું છે કે આવી આઠમી કોઈ આવૃત્તિ છે જ નહીં.

હવારે કહે છે, "પાથરીના લોકો જે પુસ્તકનો દાવો કરે છે, તે આવૃત્તિ વિશ્વાસ ખેરના વખતની છે. અમારી પાસે 36 આવૃત્તિઓ છે. તેમાંથી કોઈમાં પાથરી જન્મસ્થળ હોવાનું જણાવાયેલું નથી. દાભોલકરે લખેલું પુસ્તક પણ અમારી પાસે છે, તેમાંય ક્યાંય આવી વાત લખેલી નથી."

"સાંઈબાબા શ્રદ્ધાનો વિષય છે અને અમે માનીએ છીએ કે લોકોની આસ્થા તેની સાથે જોડાયેલી છે. સાંઈબાબાના જન્મસ્થળનો દાવો તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં પણ થયો હતો. અમે સાંઈબાબાના ભક્તોની લાગણી સમજીએ છીએ. અમે એટલું જ કહીએ છીએ કે આવા દાવાના કોઈ પુરાવા મળતા નથી."


સાંઈબાબાની આત્મકથા

Image copyright BBC / GULSHANKUMAR WANKAR

શું આત્મકથાઓના આધારે સાંઈબાબાનું જન્મસ્થળ નક્કી થઈ શકે ખરું?

સાંઈબાબાના જીવન વિશે સંશોધન કરનારા અને 'લોકમુદ્રા' નામના માસિકના તંત્રી રાજા કાલંદકર કહે છે, "સાંઈબાબાની આત્મકથાઓ મોટા ભાગે ભક્તોએ જ લખી છે."

"ઇતિહાસકાર કોઈ ઘટના વિશે લખે ત્યારે તેના પુરાવા આપતા હોય છે. આત્મકથા લખનારા જે તે સમયની કથા લખે છે. તેમનો ઉદ્દેશ ખોટો નથી હોતો. તેમાં પુરાવાની વાતને એટલું મહત્ત્વ આપવામાં આવતું નથી."

"તે વખતે અહમદનગર જિલ્લામાં દીનબંધુ નામનું સામયિક નીકળતું હતું. સત્યશોધક સમાજના એક કાર્યકર મુકુંદરાવ પાટિલ તેના તંત્રી હતા."

"તેમણે પણ માત્ર એક જ વાર સાંઈબાબાનો ઉલ્લેખ કર્યો છે."

"મહારાષ્ટ્રનું પ્રસિદ્ધ કેસરી પણ તે વખતે પ્રકાશિત થતું હતું, તેમાં પણ સાંઈબાબા વિશે ભાગ્યે જ ક્યારેય લખાયું છે. ગામના લોકો કહે છે કે તિલક અને બીજા ઘણા નેતા સાંઈબાબાનાં દર્શને આવતા હતા, પણ તેના કોઈ લેખિત પુરાવા મળતા નથી."

"સાંઈબાબાએ એક વાર મૅજિસ્ટ્રેટ સામે સાક્ષી આપી હતી. તે વખતે પણ તેમણે પોતાના જન્મસ્થળ વિશે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. માત્ર પોતાનું નામ સાંઈબાબા છે એટલું જ જણાવ્યું હતું."


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પાથરી મુલાકાત

Image copyright SAIBABA JANMASTHAL MANDIR TRUST PATHRI

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2016માં બિહારના રાજ્યપાલ હતા, ત્યારે તેમણે પાથરી ગામની મુલાકાત લીધી હતી.

સાંઈસ્મૃતિ શતાબ્દી વર્ષના અવસરે ભાષણમાં તેમણે પાથરીને સાંઈબાબાનું જન્મસ્થળ હોવાનું જણાવ્યું હતું અને તેના વિકાસની જરૂરિયાતની વાત કરી હતી.

કોવિંદની એ વાતથી તે વખતે પણ ઘણા નારાજ થયા હતા.

ભાજપના નેતા રાધાકૃષ્ણ વિખે પાટિલે તે વખતે કોવિંદનો બચાવ કરતાં કહ્યું હતું કે કદાચ કોઈએ તેમને ખોટી માહિતી આપી હશે.


શું છે વિકલ્પ?

Image copyright Getty Images

આ વિવાદમાં બંને પક્ષો તરફથી રજૂઆતો થઈ રહી છે.

પાથરીના અતુલ ચૌધરીના જણાવ્યા અનુસાર તેમની પાસે સાંઈબાબાના જન્મસ્થળ અંગેના 29 પુરાવા છે.

તેઓ કહે છે, "અમે સરકારને પુરાવા સોંપવા તૈયાર છીએ. સરકાર તે પુરાવાની ચકાસણી કરવા માગે તો તેની સામે અમને વાંધો નથી."

બીજી બાજુ શિરડીના સુરેશ હવારેનું કહેવું છે કે સરકારે ખોટી રીતે પાથરીને જન્મસ્થળ ગણાવ્યું છે. "આ શ્રદ્ધાનો વિષય છે અને સરકારે સંશોધન અને પુરાવાના આધારે જ નિર્ણય લેવો જોઈએ."


100 કરોડના ભંડોળનું શું થશે?

Image copyright SAI.ORG.IN

પાથરીના વિકાસ માટે સરકારે 100 કરોડના ભંડોળની જાહેરાત કરી છે.

વિધાનસભ્ય અને પાથરી જન્મસ્થાન ઍક્શન કમિટીના અધ્યક્ષ બાબાજાની દુર્રાની કહે છે, "એવી અફવા ફેલાવામાં આવી રહી છે કે નાણાં માત્ર મંદિર બનાવવા માટે વપરાશે."

"સરકારે 100 કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી છે તે વાત સાચી, પણ તેની શરૂઆત ફડણવીસ સરકાર વખતે જ થઈ હતી. તેમાંથી અડધોઅડધ નાણાં લોકોના પુનઃવસવાટ માટે કરવામાં આવશે. અહીં આવનારા યાત્રાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવા માટે નાણાંની જરૂર પડશે. 10 કરોડ રૂપિયા માત્ર ભક્ત નિવાસ બનાવવા જોઈશે. મંદિર સુધીના રસ્તા માટે લોકોના ઘર ખાલી કરાવવા પડશે, તેમના પુનર્વાસ માટે નાણાં વાપરવામાં આવશે."

પાથરી માટે થઈ રહેલી ફાળવણીથી શિરડીના લોકો નારાજ છે અને તેની સામે શિરડી બંધનું એલાન કરાયું હતું.

આ વિશે સુરેશ હવારે કહે છે કે સરકાર પાથરીના વિકાસ માટે ભલે બમણાં નાણાં આપે, પણ જન્મસ્થાન વિશેનો વિવાદ છે તે ઉકેલે. ભંડોળ ફાળવવાની બાબતમાં શિરડી સંસ્થાન કે ગામના લોકોને કોઈ વાંધો નથી. સરકારે પાકા પુરાવા આપીને વિવાદ ઉકેલવો જોઈએ.


શું સાંઈબાબાને હિંદુત્વના ઝંડા સાથે જોડવામાં આવી રહ્યા છે?

Image copyright Getty Images

સાંઈબાબાનો જન્મ હિંદુ પરિવારમાં થયો હતો એમ કહીને ઘણા લોકો તેમને હિંદુદેવતા તરીકે રજૂ કરવા માગે છે એવી શંકા ઘણા વ્યક્ત કરી રહ્યા છે.

કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણે પણ કહ્યું કે 'જન્મસ્થાનના વિવાદના કારણે મંદિરમાં જનારા ભક્તોને તકલીફ થવી જોઈએ નહીં.'

છગન ભુજબળનું કહેવું છે કે 'સાંઈબાબા બધાના છે, તેઓ બધે હાજર છે અને તેમના માટે કોઈ વિવાદ થવો જોઈએ નહીં.'

પાથરીના અતુલ ચૌધરીના જણાવ્યા અનુસાર, 'સાંઈબાબાનો ઉપદેશ એ જ છે કે 'સબકા માલિક એક' છે. સાંઈબાબાના દરબારમાં બધી જ જ્ઞાતિ અને ધર્મના લોકો આવે છે અને ક્યારેય સાંઈને વહેંચી શકાય નહીં.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો