દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલની ટક્કર ખુદ કેજરીવાલ સામે જ છે?

અરવિંદ કેજરીવાલ Image copyright PTI

દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં સૌથી મોટો સવાલ એ છે કે અરવિંદ કેજરીવાલનો પ્રતિસ્પર્ધી કોણ છે? આમ આદમી પાર્ટી (આપ) પણ ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ને આ જ સવાલ પૂછી રહી છે કે દિલ્હીમાં મુખ્ય મંત્રીપદનો તમારો દાવેદાર કોણ છે?

જોકે, ભાજપે આ બાબતે કશું કહ્યું નથી. દિલ્હીના રાજકારણ પર ચાર દાયકાથી નજર રાખતા રહેલા વરિષ્ઠ પત્રકાર તથા સમીક્ષક પંકજ વોહરા કહે છે, "આ ચૂંટણી મોદી વિરુદ્ધ કેજરીવાલની ટક્કર હોય, પણ નરેન્દ્ર મોદી કે અમિત શાહ દિલ્હીના મુખ્ય મંત્રી બની ન શકે એ બધા જાણે છે."

"ભાજપ કેજરીવાલ સામે મુખ્ય મંત્રીપદનો કોઈ ઉમેદવાર ઊભો નહીં કરે, ત્યાં સુધી કેજરીવાલ વિરુદ્ધ કોણ એ સવાલનો જવાબ નહીં મળે."

આ સંબંધે વરિષ્ઠ પત્રકાર સંજીવ શ્રીવાસ્તવ માને છે કે આ ચૂંટણી કેજરીવાલ વિરુદ્ધ કેજરીવાલની છે.

સંજીવ શ્રીવાસ્તવ કહે છે, "આ ચૂંટણી 2015ના કેજરીવાલ વિરુદ્ધ 2020ના કેજરીવાલ વચ્ચેની ટક્કર હશે, કારણ કે 2015ના કેજરીવાલ એક બળવાખોર, વિદ્રોહી નેતા હતા, રસ્તે બેઠેલા વિરોધ પ્રદર્શનકર્તા હતા."

"તેઓ મુખ્ય મંત્રી ઓછા અને આંદોલનકારી વધારે હતા. આજના કેજરીવાલ એક યથાસ્થિતિવાદી છે. તેઓ તેમણે કરેલાં કામને આધારે ચૂંટણી લડી રહ્યા છે. આજના કેજરીવાલ સમજદાર છે."

2015ની વિધાનસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અનેક ચૂંટણીસભાને સંબોધી હતી.

તેમ છતાં તેમના પક્ષને 70માંથી માત્ર ત્રણ બેઠકો મળી હતી. આ વખતે અત્યાર સુધીમાં તેમણે એક રેલીને સંબોધન કર્યું છે અને બીજી અનેક રેલીઓ યોજવાના છે.

તેને લીધે મતદારોમાં આ ચૂંટણી મોદી વિરુદ્ધ કેજરીવાલની ટક્કર હોવાનો સંદેશો જશે?

આપના ભૂતપૂર્વ નેતા આશુતોષ કહે છે, "જરા પણ નહીં. દિલ્હીના મતદારો જાણે છે કે નરેન્દ્ર મોદી દિલ્હીના મુખ્ય મંત્રી થઈ ન શકે. 2014ની ચૂંટણીમાં અમને લોકો કહેતા હતા કે સંસદની ચૂંટણીમાં તેઓ મોદીને મત આપશે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલને."


ભાજપની વ્યૂહરચના

અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે દિલ્હી વિધાનસભાની 2015ની ચૂંટણીમાં ભાજપને 32 ટકા મત મળ્યા હતા, જે 2013ની ચૂંટણીની સરખામણીએ માત્ર એક ટકા ઓછા હતા, પરંતુ 2013માં ભાજપને 31 બેઠકો મળી હતી, જ્યારે 2015માં માત્ર ત્રણ.

તેનો અર્થ એવો થાય કે મતદારોમાં વડા પ્રધાનની લોકપ્રિયતા ઘટી નથી?

સંજીવ શ્રીવાસ્તવ કહે છે, "તેઓ જોર કરે છે એટલે તેમના મતની ટકાવારી ઘટતી નથી, પણ તેઓ જિતાડી શકતા નથી, કારણ કે આ ચૂંટણીમાં જીત અપાવી શકે એવા ચહેરા પાર્ટી પાસે નથી. અત્યારે ભાજપના જે ચહેરા છે તે લોકોને આકર્ષી શકે તેવા નથી."

શ્રીવાસ્તવે એમ પણ જણાવ્યું હતું કે મતદાન રાષ્ટ્રીય ચૂંટણીમાં મતદાન કરે છે, ત્યારે વડા પ્રધાન મોદીનો ચહેરો તેમની નજર સામે હોય છે અને વડા પ્રધાન પોતે પણ આવું જ કહે છે.

સંજીવ શ્રીવાસ્તવ કહે છે, "જુઓ, 2019ની ચૂંટણીની અનેક સભામાં તેઓ ઉમેદવારોના નામ સુધ્ધાં બોલ્યા ન હતા. રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં મોદી ભલે કમે તેટલી મહેનત કરે, પણ મતદાતાઓએ મુખ્ય મંત્રી ચૂંટવાનો હોય છે. નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી તો છે નહીં."

ગયા વર્ષે સામાન્ય ચૂંટણીમાં અને એ પહેલાં 2014ની સામાન્ય ચૂંટણીમાં દિલ્હી તથા બીજાં રાજ્યોના મતદારોએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ઉમેદવારને ધ્યાનમાં લઈને નહીં, પણ મોદીના નામે મત આપી રહ્યા છે. આવું જ હોય તો વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો કરિશ્મા કેમ સફળ સાબિત થતો નથી?

Image copyright Getty Images

આશુતોષના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીયસ્તરે દિલ્હીના મતદારો મોદીને ચૂંટી કાઢે છે. તેમનો કરિશ્મા કામ કરે છે, પણ "દિલ્હી વિધાનસભાની ચૂંટણીની વાત આવે ત્યારે મતદાર સ્પષ્ટ હોય છે કે તે કેજરીવાલને મત આપશે."

આશુતોષ કહે છે, "તેનું કારણ એ છે કે કેન્દ્રમાં મોદીનો કોઈ વિકલ્પ નથી તેમ દિલ્હીમાં કેજરીવાલનો કોઈ વિકલ્પ નથી એવું મતદારોને લાગે છે. સચ્ચાઈ એ છે કે આગામી મહિને ચૂંટણી યોજાવાની છે."

"કેજરીવાલ વિરુદ્ધ મોદીની ટક્કરની વાત ભૂલી જાઓ. અસલી સવાલ એ છે કે કેજરીવાલ સામે કોણ? આ સવાલનો કોઈ જવાબ મળતો નથી."

આશુતોષ કહે છે, "કૉંગ્રેસ કે ભાજપ એ બન્ને પક્ષો પાસે કેજરીવાલના કદનો કોઈ નેતા દેખાતો નથી. આ ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો ખુદ અરવિંદ કેજરીવાલ છે અને તેમના જેવો કોઈ નેતા વિરોધ પક્ષ પાસે નથી."

ભાજપમાં એ વાતની ચિંતા છે કે મુખ્ય મંત્રીપદનો ઉમેદવાર કોણ છે? કયા નેતાને એ માટે ચૂંટણીઝુંબેશ પહેલાં રજૂ કરવા જોઈએ?

કેટલાંક નામ નજરે ચડે છે, જેમાં દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારી અને હર્ષવર્ધન, વિજય ગોયલ તથા મીનાક્ષી લેખીનો સમાવેશ થાય છે.

Image copyright Getty Images

જોકે, પંકજ વોહરા કહે છે, "આ પૈકીનું કોઈ કેજરીવાલને ટક્કર આપી શકે તેમ નથી. પક્ષની અંદર બળવાખોરી ચાલી રહી છે. ભાજપે બેઠકોનું વિતરણ ખોટી રીતે કર્યું છે, ખોટા લોકોને ઉમેદવાર બનાવ્યા છે."

તેમના જણાવ્યા મુજબ, "દિલ્હીમાં ભાજપની પંજાબી નેતાગીરી તેની તાકાત હતી, જે હવે રહી નથી."

પંકજ વોહરા કહે છે, "આજકાલ પૂર્વાંચલના લોકોની નેતાગીરી ચાલે છે. તેમની વચ્ચે સાઠમારી છે. પૂર્વાંચલના મત પર જરૂર કરતાં વધારે આધાર રાખવાનું વલણ ભાજપને નુકસાન પહોંચાડી રહ્યું છે."

ભાજપના આંતરિક ઘમસાણમાં એક નામ વારંવાર સામે આવી રહ્યું છે અને એ નામ છે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીનું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો નવો ચહેરો સ્મૃતિ ઈરાનીનો હોય તો પક્ષ સારો દેખાવ કરી શકે?

આશુતોષના જણાવ્યા મુજબ, સ્મૃતિ ઈરાનીનું કદ મોટું છે, તેમની ઇમેજ સારી છે અને તેમને હિંમતવાન મહિલા ગણવામાં આવે છે, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. તેમને મુખ્ય મંત્રીપદને ચહેરા તરીકે છ મહિના પહેલાં રજૂ કરવામાં આવ્યાં હોત, તો ભાજપને ફાયદો થયો હોત.

પંકજ વોહરા માને છે કે સ્મૃતિ ઈરાની પણ કેજરીવાલનો મુકાબલો કરી શકે તેમ નથી.

Image copyright Getty Images

પંકજ વોહરા કહે છે, "ભાજપને સ્મૃતિ ઈરાનીથી કોઈ ફાયદો થવાનો નથી. ગયા વખતે તેઓ કિરણ બેદીને લાવ્યાં હતાં. કોઈ ફરક પડ્યો ન હતો. ભાજપનો નેતા એવો હોવો જોઈએ જે દિલ્હીમાં વર્ષોથી કામ કરતો હોય અને દિલ્હીના લોકોને જાણતો હોય."

"હર્ષવર્ધન અને વિજય ગોયલ આવા નેતાઓ છે. તેઓ સંપૂર્ણપણે સ્થાનિક વ્યક્તિ છે, પણ હર્ષવર્ધન કેન્દ્રીય મંત્રી છે અને તેમના માટે દિલ્હીનું મુખ્ય મંત્રીપદ નાનો હોદ્દો છે. પક્ષના અંદરના લોકોના જણાવ્યા મુજબ, વિજય ગોયલને પક્ષની નેતાગીરી ગંભીરતાથી મહત્ત્વ આપતી નથી."

પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, નવી દિલ્હીમાંથી બે વખત ચૂંટાયેલાં સાંસદ મીનાક્ષી લેખીનું નામ પણ વિચારાયું હતું, પણ તેમને કેજરીવાલને ટક્કર આપી શકે તેવા ગણવામાં આવ્યાં નહોતાં.

કૉંગ્રેસની છાવણીમાં પણ કેજરીવાલને ટક્કર આપી શકે તેવો કોઈ નેતા ન હોય એવું લાગી રહ્યું છે. કદાચ એટલે જ પાર્ટી આ વખતે શીલા દીક્ષિતના નામે ચૂંટણી લડી રહી છે.

બન્ને પક્ષોમાંની નેતૃત્વની કટોકટીને ધ્યાનમાં લઈને નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ ચૂંટણી કેજરીવાલ વિરુદ્ધ મોદીની નહીં, પણ કેજરીવાલ વિરુદ્ધ 'કોઈ નહીં'ની છે.

જોકે, મતદારોના દિમાગમાં શું ચાલી રહ્યું છે એ કળી શકાતું નથી. નિષ્ણાતો એવું પણ કહે છે કે ચૂંટણીનું પરિણામ ચોંકાવનારું આવે તો તેનાથી પણ કોઈને આશ્ચર્ય થવું જોઈએ નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ