ચીનમાં Coronavirus : વુહાનમાં ભારતીય વિદ્યાર્થીઓની હાલત કેવી છે?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

ચીનના વુહાન સહિતના ખૂબે પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં ફેલાયેલા કોરોના વાઇરસને કારણે 40થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હોવાના અને 1,280થી વધુ લોકોને તેનો ચેપ લાગ્યો હોવાના સમાચારને સ્વાસ્થ્ય અધિકારીએ સમર્થન આપ્યું છે.

ચીનમાં લૂનર ન્યૂ યરની ઉજવણી શરૂ થઈ ગઈ છે, પણ આ વાઇરસને કારણે ઘણા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. વાઇરસના લપેટમાં આવેલા વુહાન શહેરમાં એક નવી હૉસ્પિટલ બનાવવામાં આવી રહી છે.

બીજી તરફ ભારતે ચીનને વિનંતી કરી છે કે ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત ફરવાની મંજૂરી આપવામાં આવે.

કોરોના વાઇરસ યુરોપ સુધી ફેલાયો હોવાના સમાચાર છે. ફ્રાંસમાં આ વાઇરસનો ચેપ ત્રણ લોકો લાગ્યો હોવાના સમાચારને સમર્થન મળ્યું છે.

ભારતમાં આ વાઇરસનો ચેપ કોઈને લાગ્યો હોવાના સમાચાર નથી.

ખૂબે પ્રાંતમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેને કારણે 10 શહેરમાં ઓછામાં બે કરોડ લોકોને અસર થઈ છે.

વુહાનમાં ઘણા ભારતીયો રહે છે. પ્રવાસ પર પ્રતિબંધને કારણે એ ભારતીયોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

બીબીસી સંવાદદાતા ગગન સબરવાલે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ સાથે ફોન તથા વીડિયો લિંક મારફત વાત કરી હતી. વુહાનમાં કેવી પરિસ્થિતિ છે એ વિશે વિદ્યાર્થીઓએ બીબીસીને જણાવ્યું હતું.


મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓમાં ગભરાટ

Image copyright Getty Images
ફોટો લાઈન કોરોના વાઇરસ ફેલાયો તેના પગલે વુહાનમાં એક નવી હૉસ્પિટલનું નિર્માણકાર્ય હાથ ધરાયું

ચોન્ગથેમ પેપે બિફોજીત નામના ભારતીય વિદ્યાર્થી વુહાનમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે. તેઓ વુહાન યુનિવર્સિટી ઑફ ટેકનૉલૉજીમાં મૅનેજમૅન્ટમાં માસ્ટર્સ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે પરિસ્થિતિ સ્થિર હતી, પણ છેલ્લા બે-ત્રણ દિવસમાં ઘણુંબધું બદલાઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી હોવાને કારણે પોતે ચિંતાતુર અને ગભરાયેલા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ચોન્ગથેમના જણાવ્યા મુજબ, તેમણે આજ સુધી આવી પરિસ્થિતિ જોઈ ન હતી અને તેમની યુનિવર્સિટીનું સ્થાનિક વહીવટીતંત્ર સારું છે.

બધાને ઉપચાર અને આરોગ્ય સંબંધી સલાહ વહીવટીતંત્ર આપી રહ્યું છે. યુનિવર્સિટીની પોતાની હૉસ્પિટલ અને ઍમ્બુલન્સ પણ છે.

ચોન્ગથામની યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓના શરીરનું ટેમ્પરેચર રોજ ચેક કરવામાં આવે છે અને તેમને માસ્ક મફતમાં આપવામાં આવી રહ્યાં છે.


દર કલાકે હાથ ઘોવા જરૂરી

Image copyright Getty Images

દર કલાકે પોતાના હાથ ધોવાની અને બહારનું ખાવાનું નહીં ખાવાની સલાહ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. પોતાના રૂમમાંથી બહાર નીકળતી વખતે તમામને માસ્ક પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

બજાર અને રસ્તાઓ સૂના પડ્યા છે. સબવે, મેટ્રો બંધ છે અને ટ્રેનો તથા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ પરિસ્થિતિ નવા ચીની વર્ષને કારણે છે કે પછી વાઇરસને કારણે એ વિદ્યાર્થીઓ સમજી શકતા નથી.

બધા વિદ્યાર્થીઓ પોતપોતાની રૂમમાં છે અને તેમની હિલચાલ દોસ્તોની બાજુમાં આવેલી રૂમો સુધી મર્યાદિત છે. વિદ્યાર્થીઓને જરૂરિયાતની બધી ચીજો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે બધા ઠીક છે, પણ થોડા ડરેલા છે.


મોટાભાગના મેડિકલના વિદ્યાર્થી

ફોટો લાઈન સૌરભ શર્મા વુહાનમાં પીએચડી કરી રહ્યા છે.

સૌરભ શર્મા નામના એક વિદ્યાર્થી 17 જાન્યુઆરીએ જ વુહાન પહોંચ્યા હતા. એ સમયે તેમને કોરોના વાઇરસ વિશે ખબર પડી હતી, પણ ત્યારે વાઇરસ ફેલાવાની શરૂઆત હતી.

વુહાનમાં મૅનેજમૅન્ટમાં પીએચ.ડી. કરી રહેલા સૌરભ શર્મા અઢી વર્ષથી ચીનમાં રહે છે.

તેમણે જણાવ્યું હતું કે વુહાનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે અને એ પૈકીના મોટાભાગના મેડિકલના વિદ્યાર્થી છે. તેઓ વુહાન યુનિવર્સિટી ઑફ ટેકનૉલૉજીમાં અભ્યાસ કરે છે.

સૌરભે માસ્ક પહેરેલા લોકોને જોયા છે અને તેમની યુનિવર્સિટીની તમામ વિદ્યાર્થીઓને રૂમોમાં જ રહેવાનો અને શક્ય હોય તો માસ્ક પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તેમના જણાવ્યા મુજબ, શરૂઆતના દિવસોમાં લોકો વાઇરસથી ગભરાયેલા જણાતા ન હતા.

સૌરભે એમ પણ જણાવ્યું હતું કે તેમની યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીને, તેઓ ક્યાં જાય છે અને ક્યારે પાછા આવશે તે હૉસ્ટેલના રિસેપ્શન કર્મચારીને જણાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

વાઇરસ વિશે જાણ થયા બાદ સૌરભની યુનિવર્સિટીની કૅન્ટીનમાં માંસાહારી ભોજન આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

વુહાનમાં તેમના દોસ્તોને પણ તેમની રૂમમાં જ રહેવાનું અને ખરેખર જરૂર પડે ત્યારે જ હૉસ્ટેલ કે ડોર્મેટરી છોડવાનું કહેવામાં આવ્યું છે.

ચીની નવું વર્ષ હોવાને કારણે વિદ્યાર્થીઓએ સંજોગવશ, દર વર્ષની માફક પોતાની રૂમમાં ભોજનસામગ્રીનો સ્ટોક એકઠો કરી લીધો હતો, કારણ કે નવા વર્ષના દિવસોમાં ચીનમાં બહાર ભોજન મળવું મુશ્કેલ હોય છે. તેમના દોસ્તો પણ એ ભોજનસામગ્રી પર નિર્ભર છે.


ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓના સંપર્કમાં

ફોટો લાઈન દેબેશ મિશ્રા છેલ્લાં ચાર વર્ષથી વુહાનમાં અભ્યાસ કરે છે

દેબેશ મિશ્રા છેલ્લાં ચાર વર્ષથી વુહાનમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, અત્યારે શહેર વેરાન થઈ ગયું છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. માસ્ક અને હાથમોજાં પહેરેલા લોકો જોવા મળી રહ્યા છે.

જૂજ દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે. ગત વર્ષની માફક આ વખતે ચીની નવવર્ષની ઉજવણીની રોનક જોવા નથી મળી રહી.

દેબેશ મિશ્રાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ઉદાસીભરી છે અને મોટાભાગના લોકો શહેરની બહાર ચાલ્યા ગયા છે.

દેબેશ મિશ્રાની માફક અનેક ભારતીય વિદ્યાર્થીઓ ડરેલા છે અને તેઓ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેઓ દર કલાકે પોતાનાં હાથ-મોં ધોઈ રહ્યા છે અને સેનિટાઇઝર્સનો ઉપયોગ નિયમિત રીતે કરી રહ્યા છે.

દેબેશ મિશ્રાની યુનિવર્સિટીએ પણ તેમને જાહેર સ્થળોએ જવાનું ટાળવા તથા માસ્ક પહેરવા જણાવ્યું છે.

ભારતમાં તેમના પરિવારજનો ચિંતાતુર છે અને દેબેશને એ ખબર નથી કે તેમને વુહાન છોડીને ભારત જવાની પરવાનગી ક્યારે આપવામાં આવશે.

લગભગ આખું વુહાન શહેર લોકડાઉનની સ્થિતિમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓને વુહાનમાંથી બહાર કઈ રીતે લાવી શકાય તેની વિચારણા ભારતીય દૂતાવાસ કરી રહ્યો છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ દિવસથી તેમનાં રૂમોમાં છે અને વૉટ્સઍપ તથા બીજાં ઑનલાઇન માધ્યમો મારફત સમાચારો મેળવી રહ્યા છે. તેઓ રિસર્ચનું કામ કરી રહ્યા હોવાથી બીજે ક્યાંય જઈ શકે તેમ નથી.

તેમણે ધારેલું કે તેઓ કાલે ભારત જઈ શકશે, પણ તેમની ફ્લાઈટ રદ થઈ ગઈ હતી. બાકીના અન્ય લોકોની માફક તેઓ પણ અનિશ્ચિતતાથી ભયભીત છે.


વિદ્યાર્થીઓ વખાણે છે ચીની વહીવટીતંત્રને

ફોટો લાઈન દીદેશ્વર મયૂમ વુહાન યુનિવર્સિટી ઓફ ટેક્નૉલૉજીમાં અભ્યાસ કરે છે.

મૂળ ચેન્નઈનાં મોનિકા સેતુરમન વુહાનમાં અભ્યાસ કરે છે. તેમણે જણાવ્યું હતું કે વુહાન 500 ભારતીય વિદ્યાર્થીઓનું ઘર છે અને 173 વિદ્યાર્થીઓ અહીં ફસાયેલા છે. તેઓ તેમનાં રૂમો અને છાત્રાવાસમાં પૂરાયેલા છે.

મોનિકાએ ઉમેર્યું હતું કે વાઇરસે એક પ્રકારનો વિનાશ વેર્યો છે અને ચીની નવા વર્ષના સમયે આવું થયું એ પીડાકારક છે.

જીવલેણ વાઇરસના સામના માટે લોકડાઉન સારી વાત છે. મોનિકાના જણાવ્યા અનુસાર, તેમની યુનિવર્સિટી તથા ચીન સરકારે લીધેલાં અગમચેતીનાં પગલાં સરાહનીય છે. મોનિકાને પણ માસ્ક, હાથમોજાં અને સેનિટાઈઝર્સ આપવામાં આવ્યાં છે.

મોનિકા પાસે બે સપ્તાહ ચાલે તેટલો ભોજનસામગ્રીનો સ્ટોક છે. પરિસ્થિતિ ઝડપથી થાળે પડી જશે એવી મોનિકાને આશા છે.

મોનિકાએ જણાવ્યું હતું કે 173 વિદ્યાર્થીઓ પોતપોતાનાં રૂમોમાં છે અને તેમના પરિવારજનો તથા ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે.

મોનિકા બધાનાં આભારી છે અને વુહાન માટે પ્રાર્થના કરવાની વિનતી તેમણે સૌને કરી હતી.

મૂળ મણિપુરના દીદેશ્વર મયૂમ વુહાન યુનિવર્સિટી ઓફ ટેક્નૉલૉજીમાં અભ્યાસ કરે છે.

તેમને પણ હૉસ્ટેલમાં જ રહેવાનું અને માસ્ક પહેરવાનું જણાવવામાં આવ્યું હતું.

દીદેશ્વર મયૂમે જણાવ્યું હતું કે તહેવારની મોસમમાં આ પ્રકારની ઉદાસી નિરાશાજનક છે.

આવું વાતાવરણ ક્યાં સુધી રહેશે એ તેમને ખબર નથી, પણ રૂમ અને છાત્રાવાસની બહાર નહીં નીકળવાથી રાહત થશે એવી તેમને આશા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો