વિદેશી હુંડિયામણ રેકર્ડ સ્તરે પણ વોલેટાઇલ ડિપૉઝિટથી ચેતવું જરૂરી

  • ડૉ. જય નારાયણ વ્યાસ
  • બીબીસી ગુજરાતી માટે
નાણાં

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે ઇરાકના તત્કાલીન શાસક સદ્દામ હુસેનને પાઠ ભણાવવા તેના ઉપર હુમલો કર્યો હતો.

આ ખાડીયુદ્ધ (2 Aug 1990 - 28 Feb 1991) દરમિયાન વિશ્વસ્તરે ક્રૂડઑઈલની કિંમતો વધવા માંડી હતી. આ સમય દરમિયાન દેશમાં રાજકીય સ્થિતિ પણ ડામાડોળ હતી.

જનતાદળની સરકાર આવી જેમાં વડા પ્રધાનપદે વિશ્વનાથ પ્રતાપ સિંઘ (2 Dec 1989 થી 10 Nov 1990)હતા, પરંતુ આ સરકાર લાંબો સમય ટકી નહીં.

ત્યાર બાદ કૉંગ્રેસના ટેકાથી ચંદ્રશેખર સરકાર ( 10 Nov 1990 - 21 જૂન 1991) આવી, પરંતુ લાંબો સમય સુધી સત્તામાં રહી નહીં. આ સમય દેશ માટે ભારે અનિશ્ચિતતાનો હતો, જેથી આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ હતી.

બીજી બાજુ ખાડીયુદ્ધને પરિણામે ક્રૂડઑઈલના ભાવ ભડકે બળતા હતા અને ત્યારે દેશને વિદેશી મુદ્રાની ભારે ખેંચનો સામનો કરવો પડ્યો હતો.

જૂન-1991માં દેશનું વિદેશી મુદ્રા ભંડોળ 1124 મિલિયન ડૉલર જ રહી ગયું, જે માત્ર ત્રણ અઠવાડિયા સુધી આયાત સામે ચાલે તેટલું જ હતું.

આના પરિણામે ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય 18.5% ઘટી રૂપિયો 26 પ્રતિ ડૉલર પહોંચ્યો હતો.

આ સ્થિતિને લીધે ક્રૂડઑઈલના આયાત બિલને પહોંચી વળવા વિદેશી મુદ્રા ભંડોળ હતું નહીં.

જેને કારણે ભારતે રિઝર્વ બેંકમાંથી કુલ 67 ટન સોનું બૅંક ઑફ ઇંગ્લૅન્ડ અને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ પાસેથી ગિરવે મૂકી 1.8 અબજ ડૉલરની લોન લેવી પડી.

1991ના જૂનમાં કૉંગ્રેસે ચંદ્રશેખર સરકારને બહારથી આપેલો ટેકો પાછો ખેંચી લેતાં અંતે 21 જૂન 1991માં દેશમાં નરસિંહ્મારાવની સરકાર આવી, જેમાં નાણાપ્રધાન તરીકે મનમોહનસિંહે નવી આર્થિક નીતિઓ અમલમાં મૂકી દેશને નવી રાહ ચીંધી.

1991માં અમલી બનેલ ઉદારીકરણની નીતિને પગલે વિદેશી રોકાણોમાં છૂટ મળતાં રોકાણો વધ્યા.

જેમાં ઉદ્યોગો, બૅંક, કંપનીઓ અને આંતરમાળખાકીય ક્ષેત્ર જેવાં કે વીજળી, રસ્તાઓ, બંદરો જેવા ક્ષેત્રોમાં પણ વિદેશી રોકાણો વધ્યા. નાણાં સંસ્થાઓ, સ્ટૉક માર્કેટ તેમજ ટ્રૅડ ક્ષેત્રે ઉદારીકરણ નીતિ અમલી બની.

આર્થિક સુધારાને કારણે દેશનો આર્થિક વિકાસ દર વધતો રહ્યો. ઉદારીકરણના પ્રથમ દસ વર્ષમાં આ વૃદ્ધિદર સરેરાશ 5.8 ટકા હતો. (1991-2000).

જે 1980-1990ના સુધારાના આરંભના દાયકામાં સરેરાશ 5.6 ટકા હતો.

જ્યારે 2000થી 2007 ના ગાળામાં આ વિકાસ દર વધીને સરેરાશ 7.6 ટકા થયો અને 2007થી 2012 દરમિયાન સરેરાશ 7.9 ટકા રહેવા પામ્યો હતો અને ક્રમશ: એ આઠ ટકા જેટલો ઊંચો રહેવા લાગ્યો હતો.

નરસિંહ્મરાવ સરકારની નીતિ

રાવ સરકારે તથાકથિત સમાજવાદી આર્થિક નીતિઓને સ્થાને બજારવાદી નીતિઓને અમલમાં મૂકી.

1991માં સર્જાયેલી નાણાંકીય કટોકટીને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી તેના પરિપ્રેક્ષમાં વૈશ્વિક નાણાં સંસ્થાઓ એ પણ રાવ સરકારનાં આ પગલાંને આવકાર્યાં હતાં.

દેશના તત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિંહ્મારાવ અને નાણાંમંત્રી મનમોહનની સરકારે મોટા પાયે સુધારા કરતા વિદેશીમૂડી રોકાણ વધવા પામ્યું. 1991 પછી દેશમાં FDI અને FII તેમજ નિકાસ વધતાં વિદેશી મુદ્રાભંડોળ વધવા પામ્યું.

આમ ઉદારીકરણને પરિણામે કુલ વિદેશી મૂડી રોકાણ (જેમાં FDI, પૉર્ટફોલિયો ઇન્વેસ્ટમૅન્ટ અને વિશ્વના શેર બજારોમાં રોકાણ) જે 1991-92 દરમિયાન 132 મિલિયન ડૉલર હતું તે વધીને 1995-96 સુધીના માત્ર પાંચ જ વર્ષમાં વધીને 5.3 અબજ ડૉલર થવા પામ્યું હતું.

ત્યાર પછી આજ સુધી રાવ અને મનમોહન સિંહની જોડીએ નાખેલા મજબૂત પાયાને પરિણામે વિદેશી રોકાણ સતત વધતું જોવા મળ્યું.

વિદેશી હુંડિયામણ: અત્યારે-ત્યારે

ઇમેજ સ્રોત, Getty Images

આજે ભારત વિદેશી રોકાણ કે મુદ્રા ભંડોળના મામલે સધ્ધર છે તેનું શ્રેય નરસિંહ્મારાવ સરકારને આપી શકાય.

આ બધુ શક્ય બન્યું તેની પાછળ વડાપ્રધાન રાવની સરકારની રાજકીય ઇચ્છાશક્તિ અને કુનેહ કારણભૂત હતી.

આમ 1990માં દેશ પાસે વિદેશી હુંડિયામણ ફક્ત એક અબજ ડૉલર હતું, વિદેશી દેવું છ અબજ ડૉલરનું હતું અને NRIની થાપણો 10 અબજ ડૉલરની હતી આવી કપરી પરિસ્થિતિમાં દેશને બહાર લાવવાનું કામ રાવ સરકારે કર્યું.

17મી જાન્યુઆરી 2020 ના અંતે ભારતનું વિદેશી મુદ્રાભંડોળ 94.3 કરોડ ડૉલરથી વધીને 462.16 અબજ ડૉલરે પહોંચ્યું, જે તેની નવી વિક્રમી ઊંચી સપાટી છે.

ફોરેન કરન્સી એસેટ્સ(FCA) કે વિદેશી ચલણના ભંડોળમાં વધારો થવાને પરિણામે ભારતનું કુલ ફોરેક્સ રિઝર્વ સતત વધી રહ્યું છે.

RBI દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) 86.7 કરોડ ડૉલર વધીને 428.45 અબજ ડૉલરે પહોંચી ગયું છે. ફોરેન કરન્સી એસેટનું કુલ ફોરેક્સ રિઝર્વમાં મોટું યોગદાન છે.

ભારતનું સુવર્ણ ભંડોળ પણ 7 કરોડ ડૉલરથી વધીને 28.56 અબજ ડૉલર નોંધાયું છે.

અમેરિકા-ઈરાન પર આધાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

તત્કાલીન વડાપ્રધાન નરસિંહ્મારાવની સાથે તત્કાલીન નાણામંત્રી મનમોહનસિંહ

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધતાં સોનાના ભાવ વધતા કુલ રિઝર્વમાં પણ સતત વધારો થયો છે.

સ્પેશિયલ ડ્રૉઇંગ રાઇટ્સ (SDR) 1.45 અબજ ડૉલર થયું છે અને IMF પાસે રહેલી ભારતની રિઝર્વ પોઝિશન 3.70 અબજ ડૉલરે પહોંચી છે.

બીજી મહત્વની વાત છે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા દેશમાં જે નાણાં પ્રવાહ આવે છે તેમાં વર્લ્ડ બૅન્ક દ્વારા પ્રાપ્ત ડેટા અનુસાર 2018 માં દેશમાં NRI દ્વારા કુલ રેમિટન્સ 58 અબજ ડૉલર થયું, જેમાં સૌથી વધુ રેમિટન્સ ગલ્ફના દેશોમાં થી 34 અબજ ડૉલર આવ્યું છે.

1990-91 વિદેશી હુંડિયામણની સ્થિતિ અત્યંત ખરાબ બનીને ભારત પાસેના વિદેશી મુદ્રાભંડોળ માંડ ત્રણ અઠવાડિયાની આયાત પોષી શકે તેટલાં બચ્યાં હતાં.

આજે ભારતનું વિદેશી મુદ્રાભંડોળનું રિઝર્વ 462.16 અબજ ડૉલરની વિક્રમી સપાટીએ પહોચ્યું છે. સ્વાભાવિક રીતે જ આ આનંદ પમાડે તેવી બાબત છે.

પણ આ પરિસ્થિતિમાં ફૂલીને ફાળકો થઈ જતાં પહેલાં એ વાત સમજાવી જોઈએ કે આપણે 83 ટકા જેટલી ક્રૂડઑઈલની જરૂરિયાત આયાતથી સંતોષવી પડે છે, જેનું આયાત બિલ 110 અબજ ડૉલર) સરેરાશ ક્રૂડઑઇલની કિંમત 65 ડૉલર પ્રતિ બેરલ રહે તો થાય.)

ભવિષ્યમાં જો ઈરાન અમેરિકા વચ્ચે તંગદિલી વધે અને ક્રૂડ ઑઇલના ભાવ એકદમ ઊંચકાઈ જાય તો આ 110 અબજ ડૉલરનું આયાત બિલ 150 અબજ ડૉલર પણ પહોંચી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

બીજો મહત્વનો મુદ્દો વોલેટાઇલ ફોરેન ઍક્સચેન્જ ડિપોસિટ અને રોકાણો છે. બદલાતા વૈશ્વિક પ્રવાહોમાં જો એન.આર.આઈ.ને (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન) અન્ય કોઈ ઇન્સ્ટ્રુમૅન્ટમાં અથવા અમેરિકામાં જ વધારે વળતર મળે તો 11 અબજ ડૉલરની (માત્ર અમેરિકાની) ચપોચપ અહીંથી ઉપડી જાય.

આપણા બિનનિવાસી ભારતીય ભાઇઓની ભારત પ્રત્યેની લાગણી અને નિષ્ઠા બાબતમાં કોઈ શંકા નથી, પણ નાણાંકીય નિર્ણયો હમેશાં વળતર અને નફા નુકસાનની ગણતરી ઉપર લેવાતાં હોય છે.

અમેરિકામાં વ્યાજના દર પ્રમાણમાં ઘણા નીચા છે એટલે ત્યાંથી પૈસો અહીંયાં FCNR (વ્યાજના દર 2.47) કે NON Resident External ઍપાર્ટમૅન્ટ બંનેમાં ડિપૉઝિટ ડૉલર,પાઉન્ડ, યેન, યૂકામાર્ક યુરોમાં રાખી શકાય છે અને એના ઉપરનું વ્યાજ પણ જે તે ડેસિગ્નેટેડ કરન્સીમાં મળે છે.

આમ જ્યાં સુધી ભારતીય બૅંકોમાં મૂકેલી ડિપૉઝિટ અમેરિકા કે અન્ય દેશોમાં મળતા વ્યાજ કરતાં ઊંચું વ્યાજ આપે છે ત્યાં સુધી આ ડિપૉઝિટ આપણે ત્યાં રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images

જો આ પરિસ્થિતિ બદલાઈ તો એને ભારતમાંથી બહાર જતાં વાર નહીં લાગે.

આજ રીતે FII એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટમૅન્ટ દ્વારા આપણે ત્યાં શેર બજારમાં થતું રોકાણ પણ તરલ રોકાણ છે અને એ વોલેટાઇલ કરન્સી રિઝર્વમાં જ ગણવું જોઈએ.

ઉપરોક્ત ચર્ચા ને ધ્યાને લઈએ તો જાન્યુઆરી-2020માં ભારતનું વિદેશી મુદ્રામાં રિઝર્વ 462.16 અબજ ડૉલર પર પહોચ્યું, તે આનંદની બાબત છે પણ એ આનંદના અતિરેકમાં રચતાં પહેલાં ઉપર લખ્યા તે મુદ્દાની ગંભીરતા પણ સમજી લેવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો