મોરારિબાપુ હવે કયો નવો ગોળો છોડશે એ મુદ્દે ભક્તો અને આશ્રિતોમાં ઉચાટ ફેલાય છે - દૃષ્ટિકોણ

મોરારિબાપુ Image copyright Getty Images

સરદાર વલ્લભભાઈ પટેલ દુનિયાની આઠમી અજાયબી સમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી બની ગયા બાદ હવે તેમનું મસ્તક ગ્રાઉન્ડ લેવલથી 182 મિટર ઊંચું રહે છે. આટલી ઊંચાઈ પરથી દુનિયા અલગ દેખાય અને દૃષ્ટિકોણ પણ બદલાય.

સ્વાભાવિકપણે ત્યાં પવનનો વેગ વધુ હોય એટલે સરદારને આજકાલ વિચારવાયુ રહ્યા કરે છે.

દેશના કઈ કેટલાય અકળ કોયડાઓ ઉકેલનાર સરદારને આજે મનમાં ઘણી વાતે મૂંઝવણ રહ્યા કરે છે.

માંડ 200 રૂપરડીનું બૅન્ક બૅલેન્સ મૂકી જનાર સરદારને પોતાની બ્રાન્ડ વેલ્યૂ 3000 કરોડની પ્રતિમાની કેવી રીતે થઈ ગઈ ને પાસે જ રહેતા આદિવાસીઓ એમની સામે અકળાઈને કેમ જુએ છે એવો વિચારવાયુ પણ રહેતો જ હશે.

1950માં દુનિયા છોડી ગયેલા સરદારને 2020નાં મોદી-શાહનો પરિચય ક્યાંથી હોય?

એટલે જ મોરારિબાપુએ દેશના વર્તમાન ગૃહમંત્રી અમિત શાહની સરખામણી સરદાર પટેલ સાથે કરી નાખી ત્યારે ફરી એક વાર સરદારના મનમાં વિચારવાયુ ઘુમરાયો.

'કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન'

Image copyright Getty Images

વર્ષો અગાઉ પહેલાં અડવાણી સાથે સરખામણી થઈ ત્યારે પણ સરદાર મુંઝાઈ ગયા હતા પણ પછી ટેવ પડી ગઈ.

પછી વળી 'છોટે સરદાર'ની વાતો થઈ અને એમનું નામ નરેન્દ્ર મોદી સાથે જોડાયું ત્યારે પણ મૂંઝવણ થઈ. હશે, એનીય ટેવ પડી પણ ત્યાં વળી અમિત શાહનું નવું નામ આવ્યું અને સરદાર ફરી મૂંઝાયા.

મનમાં કઈ કેટલાયે પ્રશ્નો ઊઠ્યા પણ આ 182 મિટરની અભૂતપૂર્વ ઊંચાઈનો એક ગેરફાયદો એ કે ત્યાં પૂછવું પણ કોને?

લોકો તો છાતીની વ્યૂઇંગ ગૅલરી સુધી જ આવી શકે. એનાથી ઉપર સરદારના મન સુધી જવાની તો કોઈ વ્યવસ્થા નથી કે ન તો કોઈને જરૂર. અરે સરદારને પોતાને લોકોના મન સુધી જવું હોય તો એનીય સગવડ ક્યાં રહી છે?

ગુજરાતમાં કથાની પરંપરા જૂની છે. અખો ભગત કહી ગયા કે 'કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.'

પણ હવે એ અફસોસ કરવો રહ્યો કે અખાએ કથા સાંભળનારની જેમ કથા કહેનાર વિશે બે શબ્દો કેમ ન લખ્યા.

કથા કહીકહીને કથાકારની જીભને થતાં વિચારવાયુની કોઈ વાત અખાએ લખી હોય એમ ધ્યાને ચડતું નથી, પરંતુ એનાં વાસ્તવિક પ્રમાણો તો મળી જ રહે છે.

અમિત શાહની સરદાર સાથે સરખામણી

Image copyright Getty Images

વીરપુરમાં જલારામ બાપાના સદાવ્રતને 200 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે મોરારિબાપુની રામકથા હતી.

કથામાં આ વખતે મોરારિબાપુએ રામ અને જલારામ ઉપરાંત અમિત શાહને પણ યાદ કર્યા.

એમણે કહ્યું કે "હિંમતપૂર્વક અને સાહસપૂર્વક બંધારણીય નિર્ણયો લેતા આપણા ગુજરાતના થોડીક સરસ સરદારની યાદી આપે એવા અત્યારે કેન્દ્ર સરકારના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ..." (તાળીઓનો ગડગડાટ).

અમિત શાહને સરદાર પટેલ સાથે સરખાવાની સાથે સાથે મોરારિબાપુએ વિરોધીઓને પણ દેશહિત ખાતર વિરોધ બંધ કરી દેવાની વણમાગી સલાહ આપી દીધી.

જોકે, મોરારિબાપુએ નિવેદનમાં બંધારણીય શબ્દ વાપર્યો એ વાતે સરદાર સાહેબનો 182 મિટર ઊંચે બિરાજતો આતમા રાજી ચોક્કસ થયો હશે.

એક સમયે રામકથાનો પર્યાય બની ગયેલા મોરારિબાપુ આજકાલ કથા સિવાયની વાતો માટે ચર્ચામાં રહે છે.

મોરારિબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયનો વિવાદ

Image copyright Getty Images

થોડા સમય પહેલા એમણે કથા દરમિયાન જ કહી નાખ્યું કે "લાડુડી ખાધે નીલકંઠ ના બનાય." એની સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાય અને બાપુના ભક્તો વચ્ચે શબ્દયુદ્ધ ખેલાઈ ગયું.

બેઉ તરફેના ભક્તો અને આશ્રિતોએ પણ તલવારો તાણી અને અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું.

આ પત્યું ન પત્યું ત્યાં મોરારિબાપુએ દુઃખી હૃદયે એમના 'અસ્મિતા પર્વ' જેવા સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઍવૉર્ડો બંધ કરી દેવાની જાહેરાત કરી નાખી.

એમના આશ્રિતો અને ભક્તો એ આઘાતની કળ વળે એ પહેલાં તો એમણે પુસ્તક વિમોચનો અને ઉદ્ઘાટનોમાં નહીં જવાનું એલાન કર્યું.

જોકે, એવું એલાન કર્યા પછી પણ એ મોટું મન રાખીને કેટલેક ઠેકાણે ગયા પણ ખરા અને એથી વધારે લોકોને લઈ પણ ગયા.

પણ આ એલાનોનો સિલસિલો એવો ચાલ્યો છે કે બાપુની કથાની જાહેરાત થાય એટલે એમના ભક્તો અને આશ્રિતોમાં ગભરામણ થાય છે કે બાપુ હવે નવો કયો ગોળો છોડશે?

છેક 182 મિટર ઊંચે બેસણા કરાવી દીધા હોવા છતાં આ વખતે બાપુની હડફેટે સરદાર ચઢી ગયા. આપણને સરખામણી વગર ચાલતું નથી. એમાં ક્યારેક પ્રમાણભાન જળવાતું નથી.

એક સમયે લોકો સમજ્યા વિના સરદારને જર્મનીના બિસ્માર્ક સાથે સરખાવતા હતા. ઇતિહાસ અને ભૂગોળની થોડી ઘણી પણ સમજ હોય એ આવી સરખામણી ના કરે.

વારા પછી વારો

Image copyright Getty Images

એક સમયે ગુજરાતના મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલને એમના સમર્થકો 'છોટે સરદાર' કહેતા.

એ જ ચીમનભાઈ પટેલ માટે નવનિર્માણ આંદોલન સમયે લોકો જે શબ્દ વાપરતા એ અહી લખી શકાય એમ નથી.

બાદમાં લાલકૃષ્ણ અડવાણી માટે સરદારની જેમ લોહપુરુષ અને સરદાર વિશેષણ પણ વપરાવા લાગ્યું. આજે લાલકૃષ્ણ અડવાણીની શું સ્થિતિ છે?

સરદાર 182 મિટર પર છે અને અડવાણી આખું વર્ષના કુલ 182 કલાક માટે પણ મીડિયામાં દેખાતા નથી.

ભાજપનાં એકથી વધુ નેતાઓ - આનંદીબહેન પટેલ, શિવરાજસિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ વગેરે આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના સરદાર પટેલ અને મહાત્મા ગાંધી સાથે પણ કરી ચૂક્યાં છે.

અડવાણી અને મોદી બાદ હવે આ ક્રમમાં અમિત શાહનો વારો છે. કાલે કોક ચોથાનો વારો આવશે.

રાજકારણીઓ માટે આવી સરખામણી કરવાનાં કારણો હોય છે. પરંતુ રામ કથાકાર મોરારિબાપુ આવું શું કામ કરતા હશે?

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો