અર્નબ ગોસ્વામી સાથે કુણાલ કામરાએ તકરાર કેમ કરી?

કૃણાલ કામરા અને અર્નબ ગોસ્વામી Image copyright Getty Images
ફોટો લાઈન કુણાલ કામરા અને અર્નબ ગોસ્વામી

સ્ટેન્ડઅપ કૉમેડિયન કુણાલ કામરા પર ઇન્ડિગો ઍરલાઇન્સ બાદ હવે ઍર ઇન્ડિયાએ પણ બૅન મૂક્યો છે.

ઇન્ડિગો ઍરલાઇન્સ દ્વારા છ મહિનાના પ્રતિબંધની જાહેરાત કરાઈ હતી, જ્યારે ઍર ઇન્ડિયાએ આગામી નિર્ણયની જાહેરાત સુધી પ્રતિબંધ મૂક્યો છે.

ઇન્ડિગોએ ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે મુંબઈથી લખનૌ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં કુણાલ કામરાએ અન્ય પેસેન્જર સાથે અસ્વીકાર્ય વર્તન કર્યું હોવાથી તેમના પર છ મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.

આ ટ્વીટમાં ઉડ્ડયન મંત્રી હરદીપ સિંઘ પુરીને પણ ટૅગ કરવામાં આવ્યા હતા.

પુરીએ પણ ટ્વીટ કરીને કહ્યું, "વિમાનની અંદર ઉશ્કેરવાનું કે વિમાનની અંદર અશાંતિ ઊભી કરવી અસ્વીકાર્ય છે અને વિમાન મુસાફરો માટે ભયજનક છે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, પરંતુ હું બીજી ઍરલાઇન્સને પણ સંબંધિત વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની સલાહ આપું છું."

આ બાદ મંગળવારે રાત્રે 10.39 વાગ્યે ઍર ઇન્ડિયાએ તેમના ટ્વિટર હૅન્ડલથી ટ્વીટ કરતાં લખ્યું, "@IndiGo6Eમાં થયેલી ઘટનામાં વ્યક્તિની વર્તણૂક અસ્વીકાર્ય છે. આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી કુણાલ કામરા ઍર ઇન્ડિયામાં પ્રવાસ નહીં કરી શકે."

આ સમગ્ર ઘટનાક્રમ અંગે કુણાલ કામરાએ ટ્વીટ કરીને પોતાનું નિવેદન આપ્યું છે.

તેમણે ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા ટ્વીટમાં લખ્યું છે, "મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું છે કે ગુનો કર્યો છે."


ઘટનાક્રમ શું હતો?

રિપબ્લિક ટીવીના ઍડિટર પત્રકાર અર્નબ ગોસ્વામી મુંબઈ થી લખનઉ જઈ રહ્યા હતા, ત્યારે ફ્લાઇટમાં કુણાલ કામરાએ તેમના 'પત્રકારત્વ' અંગે એક મૉનોલૉગ તેમને સંભળાવ્યો હતો. જેને વીડિયો પણ તેમણે પોતાના ટ્વિટર પોસ્ટ કર્યો હતો.

ત્યારબાદ કુણાલ કામરાએ એક ટ્વીટ કરીને પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે હું લખનૌ જતી ફ્લાઇટમાં અર્નબ ગોસ્વામીને મળ્યો હતો. તેમણે પહેલાં તેઓ ફોન પર હોય તેઓ ડોળ કર્યો હતો. ત્યારબાદ મેં તેમને તેમના પત્રકારત્વ અંગે મૉનોલૉગ સંભળાવ્યો હતો. તેમણે કોઇપણ જવાબ આપવાની ના પાડી અને મને 'માનસિક રીતે અસ્થિર' કહ્યો.

"ત્યારબાદ ફ્લાઇટ ટેક-ઑફ થયા પછી ફરીથી હું તેમને મળ્યો, પરંતુ તેમણે કહ્યું તે કાંઈ જોઈ રહ્યા છે અને તેમણે વાત કરવાની ના કહી."

"રિપબ્લિક ટીવીના પત્રકારો જેવી રીતે લોકોની અંગત જગ્યાએ જઈને જે કરે છે તેમ મેં પણ કર્યું. મને તેનો અફસોસ નથી અને હું માફી માંગીશ નહીં."

તેમણે વધુમાં કહ્યું હતું કે મેં આ તમામ વસ્તુ રોહિત વેમુલાના માતા માટે કરી છે.

કુણાલ કામરાએ ટ્વીટ કરીને લખ્યું, "પ્રમાણિકપણે ઇન્ડિગોએ મારું સામાન્ય સસ્પેન્શન કર્યું છે. મોદીજી કદાચ ઍરઇન્ડિયાને કાયમ માટે સસ્પેન્ડ કરશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો