TOP NEWS : સરદારપુરા રમખાણોના 17 ગુનેગારને સુપ્રીમે શરતી જામીન આપ્યા

સુપ્રીમ કોર્ટ Image copyright Getty Images

2002માં સરદારપુરામાં થયેલાં રમખાણોના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે 17 ગુનેગારના જામીન મંજૂર કર્યા છે.

અહેવાલો પ્રમાણે સરદારપુરાનાં રમખાણોમાં 33 મુસ્લિમોને જીવિત સળગાવાયા હતા.

ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે અને જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે.

ખંડપીઠે ગુનેગારોને બે જૂથોમાં વહેંચી દીધા. પહેલા જૂથને ઇન્દોરમાં અને બીજા જૂથને જબલપુરમાં પુનર્વસન કરવાનું કહેવામાં આવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને પડકારતાં ગુનેગારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.


કોરોના વાઇરસ : ગુજરાતમાં દસ પ્રવાસીઓને નિરીક્ષણ હેઠળ કેમ રખાયા?

Image copyright Getty Images

કોરોના વાઇરસના સંભવિત જોખમ વચ્ચે ગુજરાતના સ્વાસ્થ્યવિભાગે ચીનથી પરત ફરેલા દસ મુસાફરોને નિરીક્ષણ હેઠળ રાખ્યા છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર જૂનાગઢ, વડોદરા, અમદાવાદ, આણંદ, મહિસાગર, સુરત અને રાજકોટ જિલ્લાના આ મુસાફરોમાં વિદ્યાર્થીઓથી માંડીને વેપારીઓ સામેલ છે. સ્વાસ્થ્યવિભાગની ટીમે તેમનાં ઘરોની મુલાકાત લીધી છે અને પ્રાથમિક મેડિકલ તપાસ પણ હાથ ધરાઈ છે.

અખબાર એવું પણ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્યમાર્ગદર્શિકા અનુસાર આ દસ લોકોને 28 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.

જાહેર સ્વાસ્થ્યના ઍડિશનલ ડિરેક્ટર ડૉ. પ્રકાશ વાઘેલાએ અખબારને જણાવ્યું, "પ્રાથમિક તપાસ બાદ કશું પણ ચિંતાજનક મળ્યું નથી. વાઇરસની અસર થઈ હોય એવાં કોઈ પણ લક્ષણો આ પ્રવાસીઓમાં જણાયાં નથી."

"જિલ્લાઅધિકારીઓને તેમનાં આગમન અંગે ઍલર્ટ કરાયા હતા અને સ્વાસ્થ્યવિભાગ દ્વારા તેમનું નિરીક્ષણ કરવાની માર્ગદર્શિકાનું પાલન કરાઈ રહ્યું છે."

નોંધનીય છે કે આ નવા વાઇરસના કારણે ચીનમાં 125 લોકોનાં મૃત્યુ થયાં છે અને વિશ્વ સ્વાસ્થ્યસંગઠને આ ઘટનાને ચીન માટે કટોકટીની સ્થિતિ ગણાવી છે.


દિલ્હીમાં ગુજરાતના કૉંગ્રેસના નેતાઓનો 'ગુજરાત મૉડલ' વિરુદ્ધ પ્રચાર

Image copyright Getty Images

ગુજરાતના કૉંગ્રેસના નેતાઓ દિલ્હીમાં આગામી 8 ફેબ્રુઆરીએ યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના 'ગુજરાત મૉડલની હકીકત' છતી કરવા પ્રચાર કરી રહ્યા છે.

'ન્યૂઝ18'ના અહેવાલ અનુસાર ગુજરાતના કૉંગ્રેસના 30 નેતાઓ દિલ્હીમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે અને 'ભાજપના ગુજરાત મૉડલની હકીકત લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે.'

કૉંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલ સાથેની બેઠક બાદ સંબંધિત નેતાઓને દિલ્હીની વિધાનસભાની ચોક્કસ બેઠકો ફાળવવામાં છે.

દિલ્હીમાં રહેતા ગુજરાતીઓના વિસ્તારોની મુલાકાત લઈ તેમને કૉંગ્રેસ માટે મતદાન કરવા મનાવવાની કામગીરી આ નેતાઓને સોંપવામાં આવી છે.

નોંધનીય છે કે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પક્ષ વચ્ચે મુખ્ય મુકાબલો છે.

આ ન્યૂઝ વેબસાઇટને કૉંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે કૉંગ્રેસ દિલ્હીમાં 'માઇક્રો કૅમ્પેઇનિંગ' પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.


CAA પર યુરોપિયન સંઘની સંસદમાં આજે ચર્ચા

Image copyright Getty Images

યુરોપિયન સંઘની સંસદમાં આજે ભારતના નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પર ચર્ચા થશે અને ગુરુવારે આ મામલે મતદાન યોજાશે.

સંઘની સંસદના કુલ 751 સભ્યોમાંથી લગભગ 626 સભ્યોએ નાગરિકતા સંશોધન કાયદો અને જમ્મુ અને કાશ્મીરના મામલે વિચાર કરવા માટે છ પ્રસ્તાવ રજૂ કર્યા હતા.

ભારતે આ પ્રસ્તાવો પર આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતે યુરોપિયન સંઘને કહ્યું હતું, "આ અમારી આંતરિક બાબત છે."

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આ પ્રસ્તાવોની નિંદા કરી છે. તેમણે કહ્યું, "ઇન્ટર પાર્લમેન્ટરી યુનિયનના સભ્ય હોવાને લીધે કાયદો ઘડવાની પ્રજાસત્તાક પ્રક્રિયાનું સન્માન કરવું જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો