CAA-NRC : બંધના એલાનની ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયું છે.

ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મૌલાના સજ્જાદ નોમાની દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે.

આ બંધને ગુજરાતમાં સંબંધિત સંગઠનો ઉપરાંત માલધારી સમાજે પણ સમર્થન આપ્યું છે અને રાજ્યમાં બંધની મિશ્ર અસર વર્તાઈ રહી હોવાનું મીડિયાના અહેવાલો આધારે જાણવા મળી રહ્યું છે.

'બિઝનેસ ટુડે'ના જણાવ્યા અનુસાર ગુજરાતના સુરત તથા ઝારખંડ અને આંધ્રપ્રદેશમાંથી બંધની જાહેરાત કરાઈ હતી.

સુરત સ્થિત 'વર્સૅટાઇલ માઇનોરિટીઝ ફૉરમ' નામના બિનસરકારી સંગઠને આ બંધને ટેકો આપ્યો છે.

આ ઉપરાંત બહુજન ક્રાંતિ મોરચા, નેશનલ ઍસોસિએશન ઑફ સ્ટ્રીટ વૅન્ડર્સ ઑફ ઇન્ડિયા સુરત ચૅપ્ટર તેમજ ટેક્સ્ટાઇલ માર્કેટ વર્કર્સ યુનિયને પણ બંધને સમર્થન આપ્યું છે.


ગુજરાતમાં બંધની અસર

Image copyright Aman

વર્સૅટાઇલ માઇનોરિટીઝ ફૉરમના અધ્યક્ષ ઇસ્તિયાક પઠાણે જણાવ્યું છે, "મૌલાના નોમાની દ્વારા અપાયેલા બંધને અમે ટેકો જાહેર કર્યો છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં તમામ દુકાનો અને શાળોઓ બંધ રાખવામાં આવશે."

"ઑટોરિક્ષાના ડ્રાઇવરો પણ આ બંધમાં જોડાશે. વેપારી સંગઠનો અને કાપડબજારનો સંપર્ક કરીને આ મામલે સમર્થન મગાયું છે. મોટા ભાગના કામદારો બંધ દરમિયાન કામથી દૂર રહેશે."

મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે કે સુરત અને ભરૂચ જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

જ્યારે મધ્ય ગુજરાતના ગોધરામાં પણ બંધની અસર જોવા મળી હતી, દક્ષિણ ગોધરાનાં બજારો બંધ રહ્યાં હતાં.

સુરતના ભાગતળાવ, ચોકબજાર, ભાગળમાં દુકાનો બંધ રખાઈ છે અને કેટલાય વિસ્તારોમાં બંધનાં પોસ્ટરો લગાવાયાં છે. ભરૂચ જિલ્લામાં બંધની આંશિક અસર વર્તાઈ હોવાનું પણ અહેવાલો જણાવે છે.

બંધ દરમિયાન સુરતના લિંબાયત વિસ્તારમાં પથ્થરમારાની ઘટના ઘટી હતી, જેમાં એક પોલીસકર્મીને સામાન્ય ઈજા પહોંચી હતી.

સુરતના સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીનના જણાવ્યા અનુસાર બનાવને પગલે શહેરના ડિસીપી તેમજ જૉઇન્ટ પોલીસ કમિશનરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ વણસે એ પહેલાં જ નિયંત્રણ મેળવી લેવાયું હતું.

દક્ષિણ ગુજરાત ઉપરાંત મોડાસામાં પણ બંધની અસર જોવા મળી છે. અહીં પણ બજારો અને દુકાનો દ્વાર બંધ પાળવામાં આવ્યો છે.


મુંબઈમાં બંધની અસર

ભારત બંધના એલાનને પગલે મુંબઈની લોકલ ટ્રેનસેવાની સૅન્ટ્રલ લાઇન પ્રભાવિત થઈ હતી. બહુજન ક્રાંતિ મોરચાના અસંખ્ય કાર્યકરો વહેલી સવારે કાંજુરમાર્ગ રેલવે સ્ટેશનના પાટા પર બેસી ગયા હતા.

વહેલી સવારે બંધના સમર્થનમાં રેલ રોકવાનો પ્રયાસ કરાયો હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને અસર થઈ હતી.

પ્રદર્શનકારીઓએ સંબંધિત કાયદાના વિરુદ્ધનાં પોસ્ટરો સાથે ટ્રેન રોકવા પ્રયાસો કર્યા હતા. કાંજુરમાર્ગ ઉપરાંત બાંદરા સ્ટેશન તરફ જતી ટ્રેનો પણ પ્રભાવિત થઈ હતી.

જોકે, થોડા સમય બાદ રેલસેવા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી.

સૅન્ટ્રલ રેલવેના પબ્લિક રિલેશન ઑફિસર શિવાજી સુતારે ટ્વીટ કરીને જણાવ્યું, "8:16એ ટ્રેનો ફરીથી ચાલુ કરી દેવાઈ હતી અને હવે ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે."

નોંધનીય છે કે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીએએ મામલે કહ્યું હતું કે ઐતિહાસિક ભૂલોને સુધારવા અને પડોશી દેશોમાં રહેતા લઘુમતી સમુદાયને અપાયેલું વચન પૂર્ણ કરવા માટે આ કાયદો ઘડાયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો