BBC Indian Sportswoman of the year 2019: પસંદ કરો તમારા ફેવરિટ મહિલા ખેલાડી

ISWOTY

બીબીસી આ વર્ષે પહેલી વખત 'બીબીસી ઇંડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ દ યર' ઍવૉર્ડનું આયોજન કરી રહ્યું છે. જેની માટે નૉમિનેટ કરાયેલાં મહિલા ખેલાડીઓનાં નામો પણ જાહેર કરી દેવાયાં છે.

તમારાં મનપંસદ સ્પૉર્ટ્સવુમનને જિતાડવા માટે બીબીસી ગુજરાતી પર જઈને વોટ કરો.

બીબીસીની ભારતીય ભાષાઓનાં વડા રૂપા ઝાએ કહ્યું, "BBC Sportswoman of the year દ્વારા BBC સ્પૉર્ટ્સક્ષેત્રે ભારતીય મહિલાઓની સિદ્ધિઓ વિશે ચર્ચા શરૂ કરવા ચાહે છે."

"ભારતીય મહિલાઓ ઇતિહાસ રચી રહી છે છતાં હજી આપણે તેમની માટે આકર્ષણ ઊભું કરી શક્યાં નથી. મહિલાઓની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે."

"આ ઍવૉર્ડ બધાં પ્રકારનાં મહિલા ખેલાડીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એટલે જ પૅરાઍથ્લીટ માનસી જોશીને પણ આમાં સામેલ કરવામાં આવ્યાં છે."

હેડ ઑફ બિઝનેસ ડેવલપમૅન્ટ એશિયા ઍન્ડ પૅસિફિક રીજન ઇંદુશેખર સિંહા કહે છે કે યુવા મહલા ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવામાં પત્રકારોની ભૂમિકા ચાવીરૂપ છે.

તેમનું કહેવું છે, "આ કાર્યક્રમ પ્રેક્ષકો-વાંચકો સાથેના અમારા જોડાણની ઓળખ છે. એ માટે જ બીબીસી દ્વારા બીબીસી ઇંડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરની શરૂઆત કરાઈ છે."

કાર્યક્રમમાં હાજર કુસ્તી પહેલવાન સોનમ મલિકે હાલમાં જ રિયો ઑલિમ્પિક્સમાં કાંસ્ય પદકવિજેતા સાક્ષી મલિકને હરાવ્યાં હતાં.

આ મામલે તેમણે કહ્યું કે સાક્ષીને હરાવવા અંગે વિચાર્યું નહોતું પણ મારી પૂરતી તૈયારી હતી.

તેમણે કહ્યું, "દેશ માટે રમવાની અને જીતવાની હંમેશાંથી મારી ઇચ્છા રહી છે."

તારીખ 24 ફેબ્રુઆરી 2020ના રોજ રાત્રે 11.30 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

વિજેતાના નામની જાહેરાત 8 માર્ચ, 2020ના રોજ દિલ્હીમાં યોજાનારા એક સમારોહમાં કરવામાં આવશે.

આ પસંદગી અને મતદાન અંગેના બધા જ નિયમો, શરતો તથા માહિતીની પ્રાઇવસી અંગેની વિગતો વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વિજેતાના નામોની જાહેરાત બીબીસી ગુજરાતી સહિત બીબીસીની ભારતીય ભાષાઓની સાઇટ્સ તથા બીબીસી સ્પૉર્ટ્સ વેબસાઇટ પર પણ કરવામાં આવશે.

જાહેર જનતાના સૌથી વધુ મત મેળવનારાં મહિલા બનશે બીબીસી 2019નાં શ્રેષ્ઠ ભારતીય મહિલા ખેલાડી.

આ સમારોહમાં બીબીસી દ્વારા એક ખ્યાતનામ ભારતીય મહિલા ખેલાડીને લાઇફટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડ પણ આપવામાં આવશે.

ભારતના અગ્રણી સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ્સ, નિષ્ણાતો અને લેખકોની બનેલી જ્યુરી (પસંદગી સમિતિ)એ પાંચ સ્પર્ધકોનાં નામ નક્કી કર્યાં છે.

સૌથી વધુ જ્યુરી તરફથી આવેલા પાંચ ખેલાડીઓનાં નામો જાહેર જનતાની પસંદગી માટે મૂકવામાં આવ્યાં છે.


પાંચ મહિલા ખેલાડી પ્રમાણે છેઃ

1 - દુતી ચંદ

ઉંમર: 23, ખેલ: ઍથ્લેટિક્સ

દુતી ચંદ 100 મીટરની મહિલાઓની દોડના વર્તમાન ભારતીય ચૅમ્પિયન છે. 2016ના સમર ઑલિમ્પિક્સમાં મહિલા 100 મીટર દોડ માટે ક્વૉલિફાઈ થયાં એ સાથે દુતી ચંદ આ સ્પર્ધામાં ક્વૉલિફાઈ થનારાં ત્રીજાં ભારતીય મહિલા દોડવીર બન્યાં.

દુતી ચંદ 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં મહિલાઓને 100 મીટરમાં રજતપદક જીત્યાં, આ એક સ્પર્ધામાં 1998 પછી જીતેલું પહેલું પદક હતું

પોતાની કૅરિયરમાં અનેક વિવાદોને માત આપીને આગળ વધેલાં દુતી ચંદ ભારતનાં સૌથી આશાસ્પદ મહિલા ઍથ્લીટ્સ પૈકી એક છે.


2 - માનસી જોશી

ઉંમર: 30, ખેલ: પૅરા-બૅડમિન્ટન

માનસી જોશીને સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલી 2019 પૅરા-બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક મળ્યો હતો. મહિલા પૅરા-બૅડમિન્ટનમાં માનસી અત્યારે વિશ્વમાં ટોચની રૅન્ક ધરાવે છે.

2018માં જકાર્તામાં યોજાયેલી એશિયન પૅરા-ગેમ્સમાં તેમને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો.

2011 માર્ગ અકસ્માતમાં તેમણે ડાબો પગ ગુમાવ્યો હતો. આમ છતાં તેઓ હિંમત ન હાર્યાં અને વિશ્વનાં શ્રેષ્ઠ બૅડમિન્ટન ખેલાડીઓમાંનાં એક બનવા માટે જહેમત કરતાં રહ્યાં.


3 - મેરી કોમ

ઉંમર: 36, ખેલ: બૉક્સિંગ (ફ્લાયવૅઇટ કૅટેગરી)

મેરી કોમ તરીકે વધારે જાણીતાં માંગ્તે ચુંગનેઇજિંગ એક માત્ર એવાં (પુરુષ અને સ્ત્રી બંનેમાં) બૉક્સર છે, જેઓ આઠ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ્સ જીત્યાં છે.

મેરી કોમે પોતાની પ્રથમ સાતેસાત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ચંદ્રકો મેળવ્યાં હતાં. તેઓ એકમાત્ર એવાં મહિલા બૉક્સર છે, જેઓ વિક્રમી છ વખત વર્લ્ડ ઍમેચ્યૉર બૉક્સિંગ ચૅમ્પિયન બન્યાં છે.

મેરી એકમાત્ર ભારતીય મહિલા બૉક્સર છે, જેમણે ઑલિમ્પિકમાં મેડલ મળ્યો હોય.

મેરી કોમની રાજ્યસભામાં વિશેષ નિમણૂક કરવામાં આવી છે અને વર્લ્ડ ઑલિમ્પિક્સ ઍસોસિયેશન તરફથી તેમના નામની આગળ 'OLY' વિશેષણ લગાવી સન્માન કરાયું છે.


4 - પી. વી. સિંધુ

ઉંમર: 24, ખેલ: બૅડમિન્ટન

ગયા વર્ષે સ્વિટ્ઝર્લૅન્ડમાં યોજાયેલી બૅડમિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પુસર્લા વેંકટ (પી. વી.) સિંધુએ ભારતીય ખેલાડી તરીકે પ્રથમવાર સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.

અત્યાર સુધીમાં સિંધુએ પાંચ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ્સ મેળવ્યાં છે. સિંગલ્સ બૅડમિન્ટનમાં ઑલિમ્પિક સિલ્વર મેડલ મેળવનારાં તેઓ પ્રથમ ભારતીય ખેલાડી છે.

સપ્ટેમ્બર 2012માં માત્ર 17 વર્ષની ઉંમરે સિંધુને BWF World રેન્કિંગમાં ટોપ 20મા સ્થાન મળ્યું હતું. છેલ્લાં ચાર વર્ષથી તેમણે સતત ટોપ 10માં સ્થાન જાળવી રાખ્યું છે.

ભારતીય ચાહકો સિંધુ પાસેથી ટોકિયો ઑલિમ્પિક્સમાં મેડલની આશા રાખીને બેઠા છે.


5 - વિનેશ ફોગટ

ઉંમર: 25, ખેલ: ફ્રિસ્ટાઇલ કુસ્તી

આંતરરાષ્ટ્રીય સ્તરે બૉક્સર તરીકે જાણીતા પરિવારમાંથી આવતાં વિનેશ ફોગટ જકાર્તા એશિયન ગેમ્સ 2018માં સુવર્ણ ચંદ્રક મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા બૉક્સર બન્યાં હતાં.

વિનેશને કૉમનવૅલ્થ ગેમ્સમાં પણ બે સુવર્ણ ચંદ્રક મળ્યાં છે. 2019માં તેઓ પ્રથમવાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક જીત્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો