મોદી સરકારના બજેટમાં લઘુમતીના લોકો માટે શું છે? - દૃષ્ટિકોણ

  • આત્મન શાહ
  • બીબીસી ગુજરાતી માટે
મુસ્લિમ મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

અંદાજપત્રમાં સરકાર જે તે નાણાકીય વર્ષમાં ક્યા-ક્યા ખર્ચ કરશે અને તે માટે ક્યાંથી આવક મેળવશે તે રજૂ કરે છે.

સરકાર જુદાં-જુદાં ક્ષેત્રે કેટલો ખર્ચ કરશે તે પહેલાં રજૂ કરવામાં આવે છે અને ત્યાર બાદ તે ખર્ચને પહોંચી વળવા માટે ક્યાંથી આવકનું સર્જન થશે તે રજૂ કરવામાં આવે છે.

વર્ષ 2020-21ના અંદાજપત્રમાં સરકારનો કુલ ખર્ચ રૂપિયા 30.42 લાખ કરોડ હતો, જેમાંથી સરકારે રૂપિયા 5,029 કરોડ લઘુમતી મંત્રાલય પાછળ ફાળવ્યા હતા.

એટલે કે સરકારે કુલ ખર્ચમાંથી લગભગ 0.16% લઘુમતી મંત્રાલય પાછળ ફાળવ્યા છે તેમ કહેવાય.

આ વર્ષે લઘુમતી મંત્રાલયને ગયા નાણાકીય વર્ષ કરતાં લગભગ રૂપિયા 329 કરોડ વધારે ફાળવવામાં આવ્યા છે.

કોણ છે લઘુમતી?

ઇમેજ સ્રોત, Getty Images

સમગ્ર વિશ્વનો ઇતિહાસ દર્શાવે છે કે જે તે દેશોમાં હંમેશાં લઘુમતીઓનું આર્થિક અને સામાજિક શોષણ થતું આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રે 18 ડિસેમ્બર 1992ના રોજ લઘુમતીઓના અધિકારોની જાહેરાત કરી અને તેમાં જણાવ્યું કે જે તે પ્રદેશમાં લઘુમતીઓની વંશીય, સાંસ્કૃતિક, જાતીય અને ભાષાકીય અસ્તિત્વના ઓળખની રક્ષા કરવાનું અને તેમને તેમની ઓળખ માટે પ્રોત્સાહન મળી રહે તેની જવાબદારી રાજ્યની છે.

એટલે કે રાજ્ય તમને તેમની ઓળખ જાળવી રાખવા માટે પ્રોત્સાહન આપશે. ભારતમાં મુસ્લિમ, જૈન, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ લઘુમતીમાં ગણાય છે.

2011ની વસતીગણતરી મુજબ, દેશની કુલ વસ્તીના 14.23% મુસ્લિમ, 2.30% ખ્રિસ્તી, 1.72% શીખ, 0.70% બૌદ્ધ અને 0.37% જૈન છે.

એટલે કે કુલ વસ્તીના લગભગ 19.25% લોકો લઘુમતીમાં છે એને તેની કુલ વસ્તી લગભગ 23 કરોડ જેટલી છે.

વ્યક્તિદીઠ રૂપિયા 218

લઘુમતી સમાજની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ અગત્યની છે.

તેમના માનવ-અધિકારોની જાળવણી તેમજ તેમના કલ્યાણની જવાબદરી પણ રાજ્યની છે.

2020-21ના અંદાજપત્રમાં જેટલું નાણું લઘુમતી મંત્રાલયને ફાળવવામાં આવ્યું છે, તેને જો લઘુમતીઓની વસ્તી વડે ભાગરવામાં આવે, તો માથાદીઠ ફાળવણી મળે અને તે રકમ આશરે રૂપિયા 218 જેટલી થાય છે.

દેશની કુલ વસ્તીમાં જેનો ફાળો લગભગ 19% જેટલો છે તેની પાછળ કુલ અંદાજપત્રના માત્ર 0.1 થી 0.3 %ની વચ્ચે નાણા સીધી રીતે ફાળવાય છે.

જોકે અહીં બીજાં મંત્રાલયો દ્વારા લઘુમતી પાછળ થતાં ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

જેમ કે શિક્ષણ વિભાગ લઘુમતી સમાજના શિક્ષણ પાછળ ખર્ચ કરે છે પરંતુ તેની ગણતરી અહીં કરવામાં આવી નથી. તેમ છતાં પણ આ ફાળવણી ઓછી છે તેમ ચોક્કસ કહી શકાય.

ભારતની કેન્દ્ર સરકારે 1992માં રાષ્ટ્રીય લઘુમતી આયોગની રચના કરી કે જેનો હેતુ લઘુમતીઓનો વિકાસ, કાયદા સમક્ષ સમાનતા મળી રહે તેમજ તેમના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસનો છે.

સચર કમિટી

દેશના મુસ્લિમોની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે માર્ચ 2005માં તે સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે પૂર્વ જસ્ટિસ રાજિન્દર સચરના અધ્યક્ષપદ હેઠળ એક કમિટીની રચના કરી હતી કે જે 'સચર કમિટી' તરીકે ઓળખાય છે.

તે કમિટીએ 2006માં પોતાનો અહેવાલ સરકારને આપ્યો હતો અને તેમાં કેટલીક ભલામણો કરી હતી.

જેમાં ભારતમાં વસતા મુસ્લિમોના અધિકારો, નિર્ણયીકરણની પ્રક્રિયામાં તેમની ભાગીદારી, તેમના માટેની જુદી ડેટા-બૅન્ક તૈયાર કરવી કે જેથી તેમની વસ્તી વિશે સહેલાઇથી જાણી શકાય, વહીવટમાં તેમની ભાગીદારી વગેરે જેવી અનેક ભલામણો કરવામા આવી હતી.

પરંતુ તે ભલામણો ઉપર કોઈ પણ સરકાર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી અને તે મુજબ નાણાકીય ફાળવણી પણ કરવામાં આવી નથી.

બીજા દેશના લઘુમતીની ચિંતા, પણ...

ભારતનું વૈવિધ્ય જ તેની ઓળખ છે, પરંતુ આ અંદાજપત્રમાં લઘુમતીઓ માટે કોઈ ચોક્કસ યોજના હેઠળ કે પછી તેમની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિ સુધરે તે માટેના કોઈ જ નક્કર પગલાં જોવા મળતાં નથી.

અહીં એ બાબત પણ મહત્ત્વની છે કે માત્ર વધુ ખર્ચ કરવામાં આવે તે પૂરતું નથી પરંતુ ખર્ચની સાથે-સાથે ગુણવત્તા મળે એ પણ જરૂરી છે.

આપણે બીજા દેશના લઘુમતીઓને ચિંતા કરીએ તે સારું જ છે, પરંતુ સાથે-સાથે દેશના લઘુમતીઓની સ્થિતિ પણ સમજીએ તેમજ તમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સુધરે તે માટે યોગ્ય નિર્ણયો લઈએ તે પણ એટલું જ આવશ્યક છે અને તે માટે સ્વાભાવિક રીતે જ વધુ નાણાકીય ફાળવણીની જરૂર છે.

(લેખક આત્મન શાહ અર્થશાસ્ત્રના લેક્ચરર છે.)

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો