RBI એ રેપો રેટ ઘટાડયો નહીં, છતાં કઈ રીતે આર્થિક વિકાસને લાભ થશે?

  • ડૉ. જય નારાયણ વ્યાસ
  • બીબીસી ગુજરાતી માટે
શશિકાંત દાસા

ઇમેજ સ્રોત, Getty Images

આરબીઆઈ મૉનિટરી પૉલિસી કમિટીએ કથળતી જતી આર્થિક સ્થિતિ, મોંઘવારીદર, બજેટ તેમજ કોરોના વાઇરસની અસર તળે અત્યારે 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી છે.

રિઝર્વ બૅન્કના ગવર્નર શશિકાંત દાસે રજૂ કરેલી મૉનેટરી પૉલિસીમાં આશા હતી કે કદાચ રેપો રેટ ઘટાડશે, પરંતુ તેમણે ફેરફાર ન કરી મધ્યમવર્ગને નાખુશ કર્યો છે.

પરંતુ સાથોસાથ જૂન 2020 પહેલાં ઘટાડવાના સંકેત આપ્યા.

અગાઉ રેપો રેટમાં સતત 5 વખત ઘટાડો કરતાં રેપો રેટમાં કુલ 135 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો.

અત્યારે રિઝર્વ બૅન્કનો રેપો રેટ 5.15 ટકા છે. આ સંદર્ભે હાલ કોઈ ફેરફાર ન કરવા આરબીઆઇની મોનિટરી પૉલિસી કમિટીના છ સભ્યોએ નિર્ણય લીધો છે.

પરંતુ પ્રથમ દ્રષ્ટિએ વિચારીએ તો જો રેપો રેટમાં ઘટાડો કર્યો હોત તો માગમાં વધારો થયો હોત અને અર્થતંત્રએ ફરી પાછો વેગ પકડ્યો હોત.

પરંતુ બીજી બાજુ રિઝર્વ બૅન્કે MSME અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને આપેલી રાહતથી પણ લાંબા ગાળે ફાયદો થશે તેથી અત્યારે રિઝર્વ બૅન્કની થોભો અને રાહ જુઓ એ પૉલિસીને ધ્યાનમાં લેતાં હજુ થોડી રાહ જોવી પડશે.

આર્થિક વિકાસ નબળો રહેવાનું અનુમાન

આરબીઆઈ મૉનિટરી પૉલિસી કમિટીએ પોતાના ઑબ્ઝર્વેશનમાં આર્થિક વિકાસ નબળો રહેશે અને આઉટપુટ ગૅપ પણ નકારાત્મક રહેશે તેવું અનુમાન કર્યું છે.

RBIએ અગામી નાણાકીય વર્ષ (2020-21)માં GDP ગ્રોથ 6 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. આરબીઆઈનું માનવું છે કે સરેરાશ ફુગાવાનો દર અનિશ્ચિત રહેશે.

આ દ્રષ્ટિએ આરબીઆઈ મૉનિટરી પૉલિસી કમિટી નજર રાખી રહી છે. કમિટીએ માન્યું કે ડુંગળીમાં 2019 દરમિયાન થયેલા ભાવવધારાના લીધે સરેરાશ ફુગાવામાં વધારો થયો હતો.

રિઝર્વ બૅન્કે કરેલા સુધારેલા અનુમાન મુજબ સીપીઆઈ ફુગાવાનો દર 2019-20ના ચોથા ક્વાર્ટર માટે 6.5 ટકા અને 2020-21ના પ્રથમ છમાસિક ગાળા માટે 5.4થી 5 ટકા સુધી સુધારેલ છે; અને 2020-21ના Q3 માટે 3.2 ટકા રહેશે જે સંતુલિત છે.

જ્યારે જીડીપી વિકાસ દર વર્ષ 2020-21 માટે 6 ટકા જેટલો રહેશે તેવું અનુમાન છે જે પહેલા છ માસિક ગાળામાં 5થી 6 ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં 6.2 ટકા રહેશે.

ક્રૂડની કિંમતોમાં વધઘટ અને દાળ તેમજ દૂધ અને શાકભાજીના ફુગાવાને કારણે ડિસેમ્બરમાં ફુગાવાનો દર વધીને 7.35 ટકા રહેવા પામ્યો હતો.

ડુંગળીનો નવો પાક આવવાથી ડુંગળીની કિંમતો ઘટશે

ઇમેજ સ્રોત, Getty Images

ચાલુ ત્રિમાસિક ગાળામાં બજારમાં ડુંગળીનો નવો પાક આવવાથી ડુંગળીની કિંમતો ઘટશે.

રીઝર્વ બૅન્કે મધ્યમ ગાળાની 4 ટકા લક્ષ્યાંક કરતાં 2 ટકા જેટલો પ્લસ માઇનસ રહેશે તેવો અંદાજ છે જે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સુસંગત કહી શકાય અને તે આર્થિક વૃદ્ધિ માટે ટેકારૂપ રહેશે.

આમ આરબીઆઈ વિકાસને વેગ આપવા માટે અનુકૂળ વલણ અપનાવશે અને સાથે સાથે ફુગાવાને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરશે.

RBI મૉનેટરી નીતિને લઈને આ વખતે અકોમોડોટિવ વલણ યથાવત રાખ્યું છે. તેનો અર્થ એ છે કે રેપો રેટમાં આગળ પણ ઘટાડો શકય છે.

તાજેતરમાં 'બ્લૂમબર્ગ'ના સર્વેના તમામ 37 અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી છે કે બેંચમાર્ક રિપરચેઝદર 5.15 ટકા રહેશે, જે 2010 પછીનો સૌથી નીચો સ્તર છે.

આરબીઆઈ મૉનિટરી પૉલિસી કમિટીના અનુમાન મુજબ અત્યારે રોકાણકારો આર્થિક વૃદ્ધિદરના સંકેતોની રાહ જોઈ રહ્યા છે જેથી કરીને દેશમાં રોકાણ કરી શકાય.

ઇમેજ સ્રોત, Getty Images

જોકે આઈએમએચ માર્કિટ સરવેના જણાવ્યા અનુસાર મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ ક્ષેત્રે જે હકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે તે જોતાં આર્થિક મંદી બૉટમ આઉટ એટલે કે તળિયું પકડી આગળ વધે તેવા સંકેત મળી રહ્યા છે.

બીજી બાજુ આરબીઆઈએ વ્યાજદરમાં ફેરફાર કરવાનું ટાળ્યા છતાં બેંકો મોટી ટર્મ લોન આપી શકે તે માટે લાંબા ગાળા માટેની ટર્મ લોનની જાહેરાત કરી છે.

જેથી તેનો પ્રત્યક્ષ ફાયદો રિયલ ઍસ્ટેટ, ઓટો મોબાઈલ અને મધ્યમ અને નાના એકમોને મળશે.

આમ રેપો રેટ ઘટાડયો નથી પરંતુ દેશનો આર્થિક વિકાસ વેગ પકડે એ દિશામાં સસ્તું ધિરાણ અને લાંબા ગાળા માટેની ટર્મ લૉનની મંજૂરી આપી છે.

આ સિવાય આરબીઆઈ ગવર્નરે રેપો રેટને MSMEની લૉન સાથે જોડવાની વાત કરી છે જે આવકાર્ય છે.

આમ રિઝર્વ બૅન્કની મૉનીટરી પૉલિસીમાં ભલે રેપો રેટમાં ઘટાડો ન કર્યો હોય પરંતુ અર્થતંત્રને વેગ મળે એવા ઘણાં પગલાં લેવાય છે જેથી અર્થતંત્રની બૉટમ લાઇન ઉપર આવેલી ગાડીને ફરી પાટા ઉપર ચઢાવી શકાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો