'હું આ અનાથ છોકરીઓનું શું કરીશ? મારા દીકરા તેં મારી સાથે દગો કર્યો'

  • માજિદ જહાંગીર
  • કુપવાડાથી બીબીસી ગુજરાતી માટે
ગામના ચોકને બાસિતનું નામ આપવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન,

ગામના ચોકને બાસિતનું નામ આપવામાં આવ્યું છે

ભારત પ્રશાસિત કાશ્મીરના સરહદી કુપવાડા જિલ્લાનું કુનન પોશપોરા ગામ. રસ્તાની બન્ને બાજુ પર ગુલામ મોહીઉદ્દીન ખાન ઉર્ફે બાસિતની તસવીરોવાળાં બેનર લગાવવામાં આવ્યાં હતાં. તેના પર લખ્યું હતું - શહીદ બાસિત ચોક.

17 વર્ષના ગુલામ મોહીઉદ્દીન ખાનના કુનન પોશપોરા ગામમાંના એક માળના ઘરે તેના પરિવારજનોને સાંત્વના આપવા રવિવારે સંખ્યાબંધ લોકો આવ્યા હતા.

રાજસ્થાનમાં કેટલાક છોકરાઓએ બાસિતને કથિત રીતે માર માર્યો હતો. એ પછી બાસિતનું મોત થયું હતું.

બાસિતના મોતના સમાચાર તેમના પૈતૃક ગામમાં પહોંચ્યા પછી સ્થાનિક લોકો રોષે ભરાયેલા છે. તેઓ કાશ્મીરીઓની હત્યાનો આક્ષેપ નરેન્દ્ર મોદી સરકાર પર કરી રહ્યા છે.

બાસિતનાં માતા હફીઝા સતત રડી રહ્યાં હતાં અને જાતને સંભાળી શકતાં ન હતાં. તેઓ દર્દભર્યા અવાજમાં કહેતાં હતાં, "હું આ અનાથ છોકરીઓનું શું કરીશ? મારા દીકરા તેં મારી સાથે દગો કર્યો છે."

બાસિતના શોકસંતપ્ત પરિવારમાં તેમની ચાર નાની બહેનો, એક નાના ભાઈ અને તેમની માતાનો સમાવેશ થાય છે.

'દીકરાની રાહ જોતા હતા, તેની લાશની નહીં'

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન,

બાસિતનાં ભાઈબહેન

શ્રીનગરથી 107 કિલોમીટર દૂર આવેલા કુનન પોશપોરા ગામના બાસિતે શ્રીનગરમાં ભારતીય સૈન્યની ગૂડવિલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

બાસિતના પિતા ખુરશીદનું કુદરતી કારણસર 2012માં મૃત્યુ થયું હતું. ખુરશીદ ભારતીય સૈન્યની જેકેએલઆઈ રેજિમૅન્ટમાં કામ કરતા હતા.

ગામના રહેવાસી સાકિબ અહમદે કહ્યું હતું, "અમે અમારા ગામના ચોકનું નામ બદલી નાખ્યું છે. પહેલાં તેનું નામ ગમાનદાર ચોક હતું, પણ હવે એ બાસિત ચોક છે."

"નામ બદલવાથી અમને અમારા ગામના દીકરાની નિર્મમ હત્યા યાદ રહેશે અને એ રીતે અમને અમારા મૃત્યુ સુધી ન્યાય માટે સંઘર્ષ કરવાની પ્રેરણા મળતી રહેશે."

બાસિતનાં માતાએ આંસુભરી આંખે કહ્યું હતું, "હું મારા દીકરાની રાહ જોતી હતી, તેની લાશની નહીં. મારા દીકરાની લાશ ઘરે આવશે એવું મેં ધાર્યું ન હતું. બાસિત ઘરેથી નીકળ્યો ત્યારે તેણે કહ્યું હતું કે જલદી પાછો આવીશ, પણ હવે હું મારી આંખો પર ભરોસો કરી શકતી નથી."

"એ ત્રણ મહિના પહેલાં ઘરેથી ગયો હતો. મને ન્યાય જોઈએ છે. મારા દીકરાના હત્યારાઓને મને સોંપી દેવા જોઈએ."

બાસિતના પિતરાઈ ફિરદૌસ અહમ ડાર પણ તેમની સાથે કામ કરતા હતા અને બાસિતની માર મારીને હત્યા કરવામાં આવી ત્યારે ફિરદૌસ પણ રાજસ્થાનમાં જ હતા.

ફિરદૌસે કહ્યું હતું, "ઘટનાની દોઢ કલાક પહેલાં ખાને (બાસિતે) મને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો ફોન ચાર્જ કરવા મૂકી દઉં, જેથી એ ચેટ કરી શકે. મેં તેને કહેલું કે તમે આવી જાઓ."

"હું ફોન ચાર્જ કરવા લગાવી દઉં છું. થોડા સમય પછી ખાન ઘરે આવ્યો હતો. તેણે તેનું માથું બન્ને હાથથી પકડેલું હતું."

'બાસિતનું મોત-કાશ્મીરીઓ પ્રત્યેની નફરતનું પરિણામ'

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન,

બાસિતનાં માતા હફીઝા

ફિરદૌસે કહ્યું હતું, "તેને શું થયું હતું એની અમને ખબર નથી. તેણે કહેલું કે તેના માથામાં દુખાવો થાય છે. મેં તેને દવા આપી હતી. મેં વિચાર્યું હતું કે એ રિક્ષામાં આવ્યો છે. તેથી તેને માથામાં દુખાવો થતો હશે. પછી એ બહાર ગયો હતો."

"મારો એક દોસ્ત તાહિર તેની પાછળ ગયો હતો અને તેને પૂછ્યું હતું કે શું થયું છે? તાહિરે અંદર આવીને કહ્યું હતું કે ખાનને કંઈક થઈ ગયું છે. અમે ખાનને કહ્યું કે ચાલો, ડૉક્ટર પાસે જઈએ. પહેલાં તો તેણે ઇન્કાર કર્યો હતો, પણ પછી તૈયાર થઈ ગયો હતો."

"તેની આંખો સોજેલી લાગતી હતી. તે ઉલટી કરવા લાગ્યો હતો. અમે તરત જ ટૅક્સી બુક કરાવી હતી અને તેને હૉસ્પિટલે લઈ ગયા હતા."

ફિરદૌસના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં ડૉક્ટરોને સમજાતું ન હતું કે બાસિતને ખરેખર શું થયું છે.

ફિરદૌસે કહ્યું હતું, "ડૉક્ટરોએ એવું કહેલું કે બાસિતે કદાચ ડ્રગ્ઝનું સેવન કર્યું હશે. પછી કહેલું કે ફૂડ પોઇઝનિંગ થયું છે. ખાનની હાલત વણસતી શા માટે હતી એ ડૉક્ટરોને સમજાતું ન હતું."

"પછી અમે તેના કાકાના દીકરા સાહિલને ફોન કરીને ખાનની હાલતની માહિતી આપી હતી. સાહિલે મને જણાવ્યું હતું કે પાર્ટી દરમિયાન કેટલાક છોકરાઓએ ખાનને માર માર્યો હતો."

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન,

બાસિતના ઘરની બહાર જમા લોકો

એ ઘટનાના સોફિયાન નામના એક સાક્ષીએ સાહિલને બધી વાત કરી હતી.

ફિરદૌસે કહ્યું હતું, "મેં ડૉકટરોને આખી વાત કરી તો તેમણે કહ્યું કે ખાનના માથામાં આંતરિક ઈજા થઈ છે. એ પછી ખાનને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને બીજા દિવસે તેનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. ઈજાને કારણે રાતે નવ વાગ્યે ખાનનું મોત થયું હતું."

ફિરદૌસના જણાવ્યા મુજબ, "ભારતમાં કાશ્મીરીઓનો નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ખાનનું મોત પણ એ નફરતનું જ પરિણામ છે."

ફિરદૌસે કહ્યું હતું, "બંધારણની કલમ 370ને હઠાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતમાં કાશ્મીરીઓને કોઈ તકલીફ નહીં થાય, પણ હું એમને પૂછવા માગું છું કે ભારતમાં આ શું થઈ રહ્યું છે?"

"અમે ભારત જવા ઇચ્છીએ છીએ, પણ અમારા લોકો સાથે આ અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે?"

ફિરદૌસના કહેવા મુજબ, ખાનના મોત પછી તેઓ પણ ભયભીત છે.

એ રાતે શું થયું હતું?

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન,

સાકિબ અહમદ

બાસિતની લાશને ગયા શનિવારે તેના ગામમાં લાવવામાં આવી ત્યારે સ્થાનિક લોકોએ તેની હત્યા બાબતે જોરદાર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

બાસિત તેના કેટલાક કાશ્મીરી દોસ્તો સાથે રાજસ્થાનના જયપુરના હસનપુરા વિસ્તારમાં કેટરિંગનું કામ કરતા હતા.

ઘટનાસ્થળે ઉપસ્થિત એક અન્ય કાશ્મીરી સોફિયાને જયપુરથી બીબીસીને ફોન પર જણાવ્યું હતું કે બાસિતને કેટલાક છોકરાઓએ જોરદાર માર માર્યો હતો. એ કારણે તેનું મોત થયું હતું.

સોફિયાને કહ્યું હતું, "એ રાતે 12 વાગ્યે અમે કામ પૂરું કર્યું હતું અને કારની પાસે ગયા હતા. કારનો આગલો દરવાજો ખુલ્લો હતો અને ડ્રાઈવર પાછળની સીટમાં ઊંઘતો હતો. મુંબઈમાં રહેતો આદિત્ય નામનો એક છોકરો આગલી સીટ પર બેઠો હતો."

"ખાને કારનો પાછળનો દરવાજો ખખડાવ્યો અને ડ્રાઈવરને તે ખોલવા કહ્યું ત્યારે આદિત્ય બરાડ્યો હતો કે દરવાજો ખખડાવશો નહીં. તેને ખલેલ પહોંચે છે. ખાને આદિત્યને કહ્યું હતું કે તે પોતે પણ કારની અંદર બેસીને આરામ કરવા ઇચ્છે છે."

"એ સાંભળીને આદિત્યએ ખાનનો કૉલર પકડ્યો હતો. બીજા બે છોકરાઓ પણ ત્યાં આવ્યા હતા અને તેમણે ખાનના હાથ પકડી લીધા હતા."

સોફિયાને ઉમેર્યું હતું, "પાંચ લોકોએ ખાનને જકડી લીધો હતો અને આદિત્ય ખાનના માથા પર જોરથી ફટકા મારતો હતો. મેં ખાનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ મને અટકાવી દેવામાં આવ્યો હતો."

"તેઓ ખાનને મારી નજર સામે માર મારી રહ્યા હતા. ખાને મને બાદમાં કહ્યું હતું કે એ લોકોએ કોઈ ચીજ તેના માથા પર ફટકારી હતી."

સોફિયાને એમ પણ જણાવ્યું હતું કે પછી તેમના બૉસ આવ્યા હતા અને તેમણે ધમકીના સ્વરમાં કહ્યું હતું કે એફઆઈઆર પાછી નહીં ખેંચો તો તમને પણ તમારા દોસ્તની પાસે કૉમામાં મોકલી દેવાશે.

'અમે ફરી ત્યાં નહીં જઈએ'

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન,

ફિરદૌસ અહમ ડાર

સોફિયાને કહ્યું હતું, "મેં આ વાત પોલીસ રિપોર્ટમાં લખાવી ન હતી, કારણ કે મને ડર હતો. હું એકલો ઘટનાનો સાક્ષી હતો. જે લોકો ખાનને માર મારી રહ્યા હતા એ લોકો કહેતા હતા કે અહીંથી કાશ્મીરીઓને ખાનની માફક જ ઉખેડી ફેંકવામાં આવશે."

સોફિયાન માને છે કે ખાન કાશ્મીરી હતો એટલે તેને માર મારવામાં આવ્યો હતો.

ખાનના એક દોસ્ત તાહિર અહમદ પણ તેમની સાથે રાજસ્થાન ગયા હતા. ફિરદૌસ અને સોફિયાને જણાવેલી વિગત સાથે તેમણે સહમતી વ્યક્ત કરી હતી.

તાહિર અહમદે કહ્યું હતું, "અમારા પર ત્યાં શંકા રાખવામાં આવતી હતી. અમે ત્યાં ગયા ત્યારે સ્થાનિક લોકો અમને અલગ ગણતા હતા. તેઓ અમારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા હતા."

કેટરિંગના કામ માટે ખાનની સાથે રાજસ્થાન ગયેલા સાહિલે કહ્યું હતું, "કાશ્મીરીઓને ત્યાં બહુ હેરાન કરવામાં આવતા હતા. ખાન કાશ્મીરી હતો એટલે માર્યો ગયો હતો. અમે ફરી ત્યાં નહી જઈએ. અમે એકદમ ભયભીત છીએ."

કુનુન પોશપોરા ગામના નારાજ રહેવાસી હબીબ ઉલ્લાહે સવાલ કર્યો હતો કે કાશ્મીરીઓએ આ પ્રકારના અન્યાયનો સામનો શા માટે કરવો પડે છે?

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન,

બાસિકનો ફોટો

તેમણે કહ્યું હતું, "બીજા લોકો પણ ત્યાં રહે છે, પરંતુ કાશ્મીરીઓ સાથે જ ભેદભાવ કરવામાં આવે છે. હું મોદીને કહેવા માગું છું કે તમે ભારતમાં મુસલમાનો સાથે અન્યાય કર્યો છે, પણ અમે કાશ્મીરમાં તમને એવું કરવા નહીં દઈએ. કાશ્મીરમાં તમે અત્યાર સુધી અન્યાય કર્યો છે. અમે તેનો બદલો લઈશું."

હબીબ ઉલ્લાહે ઉમેર્યું હતું, "કાશ્મીરીઓએ શું ગુનો કર્યો છે? આ છોકરાઓ મજૂરી કરવા રાજસ્થાન ગયા હતા અને તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. એક સામાન્ય કાશ્મીરી, કાશ્મીરની બહાર જઈ શકતો નથી, કારણ કે એ કાશ્મીરી છે."

"કેટલા કાશ્મીરીઓની હત્યા કરવામાં આવશે? ખાનની લાશ ગામમાં પહોંચી ત્યારે શાંતિપૂર્ણ સરઘસ કાઢવામાં આવ્યું હતું, પણ સલામતીદળોએ એ સરઘસ પર ટિયરગેસનો ઉપયોગ કર્યો હતો."

જોકે, ભારતીય જનતા પાર્ટી આ બધા આરોપોનો ઇન્કાર કરે છે.

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન,

હબીબ ઉલ્લાહ

કાશ્મીરમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ભાજપના પ્રવક્તા અલતાફ ઠાકુરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "આ પ્રકારની ઘટનાઓ માટે ભાજપને જવાબદાર ઠરાવવી એ ખોટું છે."

"રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર છે અને ભાજપ પર આક્ષેપ કરતા લોકોએ કૉંગ્રેસી મુખ્ય મંત્રીને પૂછવું જોઈએ કે એ છોકરાની હત્યા થઈ શા માટે? મૃતક પ્રત્યે અમને સહાનુભૂતિ છે. મોદીજીનું સૂત્ર છેઃ સબકા સાથ સબકા વિકાસ."

જમ્મુ-કાશ્મીર પોલીસે સાતમી ફેબ્રુઆરીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ગુલામ મોહીઉદ્દીન ખાન ઉર્ફે બાસિતના મોત બાબતે જે વાતો ફેલાવવામાં આવી રહી છે એ સાચી નથી અને પોલીસ તેનું ખંડન કરે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, બાસિતનું મોત લિંચિંગને કારણે થયું નહોતું.

પોલીસના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે "બાસિત જયપુરમાં કેટરર તરીકે કામ કરતો હતો અને પોતાની સાથે કામ કરતા કેટલાક લોકો સાથે બાસિતને ઝઘડો થયો હતો. તેમાં બાસિત ઘવાયો હતો. બાસિતનું મોત બીજી એક વ્યક્તિ સાથેની લડાઈને કારણે થયું હતું અને આ મામલે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો