યુનિવર્સિટીના અભ્યાસક્રમમાંથી જેમનું પુસ્તક કાઢી નખાયું એ કલાપી કોણ હતા?

કલાપી

છવ્વીસમું વર્ષ ઝડપથી આવતું હતું. પ્રેમ અને નીતિનાં ખેંચાણમાં સદૈવ ખેંચાતું હૃદય પ્રેમમાં સર્વ નીતિનો સમાવેશ થઈ જાય છે એવો એક જ બહુ સાચો અનુભવ બે વર્ષ માત્ર સ્થિરતાથી કરી શક્યું! શોભના સાથેનું કલાપીનું લગ્ન માત્ર બે જ વર્ષ રહ્યું. અને 'અનન્ત યુગનો તરનાર યોગી' છવ્વીસ વર્ષ છતાંમાં તો માત્ર 'યાદી' બની ગયો!

છવ્વીસ વર્ષ લંબાઈ છત્રીસ કે છેંતાલીસ થયાં હોય તો? મળી છે તેના કરતાં કેટલી વધારે, કેટલી ભવ્ય, કેટલી વધારે કલામય કવિતા ગુજરાતી સાહિત્ય પામ્યું હોત!

દુઃખમય કલ્પનાને બાજુએ મૂકીએ. છે એટલી પણ કલાપીસર્જી સમૃદ્ધિ ક્યાં ઓછી યશસ્વી છે?

સંભવ છે કે વર્ષો, યુગો વીત્યે કલાપીની કવિતા વંચાતી ઓછી પણ થાય. એ પણ એક વિકાસક્રમ છે. એણે ગુજરાતઅર્પ્યું સંસ્કાર-ધન વધારીને ગુજરાત આગળ વધી રહે તો એણે અર્પેલાં સંસ્કારતત્ત્વો ગણાવવાની જરૂર ન પણ રહે; અને એવી પણ સ્થિતિ આવે કે કેકારવ માત્ર અભ્યાસીઓનો ઇતિહાસગ્રંથ જ બની જાય. ત્હોય શું? કલાપીએ આપણે માટે આશ્વાસન પણ મૂક્યું છે:

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની.

રમણલાલ વસંતલાલ દેસાઈએ ઉપર્યુક્ત વાત 'કલાપીનો કેકારવ'ની પ્રસ્તાવનામાં લખી છે.

સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષામાં બી.એ.ના અભ્યાસક્રમમાંથી કવિ કલાપીનું 'આપની યાદી' (સંપાદિત પુસ્તક) કાઢવાનો નિર્ણય લીધો છે.

ત્યારબાદ ફરી કવિ કલાપીની ચર્ચા થવા લાગી છે. યુનિવર્સિટીના સત્તાધીશો કહે છે કે અમે સર્વસંમતિથી નિર્ણય લીધો છે, તો કેટલાક તેનો વિરોધ પણ કરે છે.


કલાપી, આપની યાદી અને વીર નર્મદ યુનિવર્સિટીનો વિવાદ

Image copyright vnsgu.ac.in
ફોટો લાઈન વીર નર્મદ યુનિવર્સિટી

સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીએ બોર્ડ ઑફ સ્ટડીની મળેલી બેઠકમાં કલાપીની કવિતાના પુસ્તકને કાઢી નાખવાનો નિર્ણય લીધો છે.

બોર્ડ ઑફ સ્ટડીની મળેલી મિટિંગમાં અભ્યાસક્રમ અંગે ચર્ચા થઈ હતી અને દરમિયાન બે પુસ્તકને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે.

બીએના અભ્યાસક્રમમાં કલાપીના પુસ્તક 'આપની યાદી'ની જગ્યાએ ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક 'યુગવંદના' અને એમ.એ.ના અભ્યાસક્રમમાં ભીષ્મ સાહનીના પુસ્તક 'તમસ'ની જગ્યાએ તારાશંકર બંદોપાધ્યાયનું પુસ્તક 'આરોગ્ય નિકેતન'ને રાખવાનો નિર્ણય કરાયો છે.

બોર્ડ ઑફ સ્ટડીનાં ચૅરમૅન ઋજુતાબહેન ગાંધી કહે છે કે બોર્ડમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓએ કહ્યું, "બોર્ડની મિંટિગ મળી હતી અને બધાં પુસ્તક અંગે ચર્ચા થઈ હતી. માત્ર 'આપની યાદી' અને 'તમસ' અંગે જ ચર્ચા થઈ નહોતી. તો આટલો બધો વિવાદ શેનો છે."

"બોર્ડે વિદ્યાર્થીઓનાં હિતમાં સાંસ્કૃતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જ્ઞાનસંગમે પણ કહ્યું હતું કે બોર્ડ હા પણ પાડી શકે અને ના પણ પાડી શકે. અમને પુસ્તક બદલવા માટે કોઈ દબાણ પણ નથી કર્યું, બધાનાં મંતવ્યો લીધાં છે."

તેઓ વધુમાં કહે છે, "વિદ્યાર્થીઓનાં જીવનમૂલ્યોને ધ્યાનમાં રાખીને પુસ્તક મુકાતું હોય તો એમાં ખોટું શું છે. કલાપીના પુસ્તકની જગ્યાએ પ્રથમ હરિશ્ચંદ ભટ્ટનું પુસ્તક રાખવામાં આવ્યું હતું, પણ એ વિદ્યાર્થીઓને અઘરું પડે એમ ધારીને પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું 'યુગવંદના' પુસ્તક સામેલ કરવામાં આવ્યું છે.

Image copyright KALPIT BHACHECH
ફોટો લાઈન અમદાવાદના કલાપીનગરમાં આવેલી કવિ કલાપીની પ્રતિમા

તો વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષા શરીફા વીજળીવાળા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "તમસ જેવી કૃતિ યુજીટી નેટના અભ્યાસક્રમમાં મુકાતી હોય, એનબીટી (નેશનલ બુક ટ્રસ્ટ) દ્વારા છપાતી હોય અને નારાયણ દેસાઈ જેવા ગાંધીના ખોળામાં મોટા થયેલા માણસ એને અનુવાદિત કરતા હોય તો આપણને ભણાવવામાં શું વાંધો આવે?"

સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભરત ઠાકોર પણ કહે છે કે બોર્ડના સભ્યોની સંમતિથી નિર્ણય લેવાયો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ભરત ઠાકોર કહે છે, "હું વ્યક્તિગત રીતે કલાપીનો ચાહક છું, અમને કલાપી કે અન્યનો કોઈ વિરોધ નથી, પણ અગાઉ કલાપીનાં કાવ્યો ક્યાંક ને ક્યાંક રીતે અભ્યાસક્રમમાં આવેલાં હોય છે. એટલે સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો."

"હું એ મિંટિગમાં હાજર હતો. સર્વાનુમતે નક્કી થયું હતું કે કલાપીના 'આપની યાદી' પુસ્તકની જગ્યાએ ઝવેરચંદ મેઘાણીનું 'યુગવંદના' અને ભીષ્મ સાહનીના 'તમસ'ની જગ્યાએ તારાશંકર બંદોપાધ્યાયનું 'આરોગ્ય નિકેતન'ને રાખવાનું નક્કી કરાયું હતું."

'આપની યાદી' પુસ્તકનું અમદાવાદમાં રહેતા કવિ-લેખક-સંશોધક હરિકૃષ્ણ પાઠકે સંપાદન કર્યું છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં હરિકૃષ્ણ પાઠકે કહ્યું કે "એ પુસ્તકમાં મેં કલાપીની માત્ર પ્રેમની નહીં પણ વૈધિધ્યસભર કવિતાઓનું સંપાદન કર્યું છે. તેમાં ગઝલ, ખંડકાવ્ય, છાંદસ-અછાંદસ કાવ્યોનો સમાવેશ કર્યો છે."

"કોઈ ભણાવે કે ન ભણાવે પણ કલાપી તો વંચાતા રહેવાના છે. કલાપી તો આજે પણ ફરી ફરીને પ્રગટ થતા રહે છે."


કોણ હતા રાજવી કવિ કલાપી?

Image copyright KALPIT BHACHECH
ફોટો લાઈન અમદાવાદના કલાપીનગરમાં આવેલી કવિ કલાપીની પ્રતિમા

કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'નો જન્મ સૌરાષ્ટ્રના લાઠીમાં 1874માં થયો હતો અને મૃત્યુ 1900માં થયું હતું.

ગુજરાતના ઇતિહાસમાં વિશિષ્ટ ભાગ ભજવી ગયેલા ગોહેલ રાજપૂતવંશમાં જન્મેલા કલાપીએ માત્ર 26 વર્ષની વયે જીવન સંકેલી લીધું હતું.

નાનપણમાં જ કલાપીએ માતાપિતા ગુમાવ્યાં હતાં. તેઓએ આઠ વર્ષની વયે રાજકોટની રાજકુમાર કૉલેજમાં વિદ્યાર્થીજીવન શરૂ કર્યું હતું.

પિતા અને વડીલ ભાઈનું અવસાન થતાં કલાપીએ રાજગાદી મેળવી હતી.

કલાપીના શાસનકાળમાં ગુજરાત-કાઠિયાવાડમાં ભયંકર 'છપ્પનિયા'ને નામે ઓળખાતો દુકાળ પડ્યો હતો.

કલાપીના કેકારવમાં લખાયું છે કે એ વખતના કલાપીના ઉદગાર એક સાચા રાજકર્તા તરીકેના ઉદગાર છે-

"એક પણ માણસ આ રાજ્યમાં ભૂખથી ન મરે તો પ્રભુનો મોટો ઉપકાર."

રમણલાલ વસંતલાલ દેસાઈ લખે છે, 'કલાપીએ માત્ર કવિતા લખી નથી, એ કવિતા જીવ્યો છે! એણે ટૂંકા જીવનની ક્ષણે ક્ષણમાંથી રસ પીધો છે! પરંતુ માત્ર રસ પીનારા તો સ્વાર્થી કહેવાય! કલાપીએ તો રસ લુંટાવ્યો છે! કલાપી તો રાજા હતો, નહીં? એનું નામ સુરસિંહ, ખરું? સુરસિંહ એ જ 'સુરતાની વાડી'નો આપણો ચિરંજીવી કલાપી! એણે એક બાદશાહની ઉદારતાથી રસલ્હાણ કરી છે!'


કવિ કલાપીનું વ્યક્તિત્વ

ફોટો લાઈન કલાપીનો કેકારવ પુસ્તકનું મુખપૃષ્ઠ

કવિ કલાપીએ કૌટુંબિક, રાજકીય અને સામાજિક-મિત્રોની ફરજોની વચ્ચે પણ અખંડ સાહિત્યની ઉપાસના કરી હતી.

તેમણે કવિતા, સંવાદ, પ્રવાસવર્ણન, પત્રલેખન સહિતનાં સ્વરૂપોમાં લેખની ચલાવી હતી.

તેમણે તેમના સમકાલીન લેખકો, કવિઓ, મિત્રો સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો.

'કલાપી' પુસ્તકના લેખક નવલરામ જગન્નાથ ત્રિવેદી કલાપીના વ્યક્તિત્વ અંગે લખે છેઃ

હતું તેનું હૈયું કુસુમ સરખું કોમળ અને,

હતો તેમાં દૈવી પ્રણયરસ મીઠો ટપકતો.

"હૃદય આવું કોમળ હોવા છતાં કલાપી જાતે, અત્યારના કોઈ શહેરી યુવક જેવા, કોમળ ન હતા. તે કદાવર અને બલવાન કાયાવાળા ક્ષત્રિય હતા, અને ગીરના સિંહની ભેટ લેવા માટે છેક તુલસીશ્યામ જતાં એક વખત જંગલમાં સંગાથ છોડી દઈને, એકલા નીકળી પડ્યા હતા. 'પેપર ચેઝ'ની રમતમાં 24 માઈલ દોડીને 20 મિનિટ અગાઉથી મોકલેલા જમાદાર અને બે સવારને પકડ્યા હતા."

"દોડવાની કસરત તેઓ નિયમિત કરતા, અને તેમના નાના ભાઈ વિજયસિંહજીને પણ આ કસરત કરવાની સલાહ એક પત્રમાં આપી છે."

"ઘોડેસવારીનો તેમનો ઘણો શોખ હતો અને 24 માઈલ દોડ્યા પછી 30 માઈલની ઘોડેસવારી કરવામાં તેમને આનંદ આવતો."

નવલરામ આગળ લખે છે, "માત્ર છવ્વીસ વર્ષની વયમાં કલાપી ભરપૂર જીવન જીવી ગયાં, છતાં તેમનું હૃદય તો હંમેશાં વૈરાગ્ય તરફ જ ખેંચાયા કરતું હતું. 18 વર્ષની યુવાન વયે આ રાજવી કવિનું પ્રથમ કાવ્ય 'વૈરાગ્ય હાલ' વિશે હતું અને છેલ્લું કાવ્ય હતું આપની યાદી."


જ્યારે રાજપાટ છોડવાનો વિચાર આવ્યો

Image copyright KALPIT BHACHECH
ફોટો લાઈન અમદાવાદના કલાપીનગરમાં આવેલી કવિ કલાપીની પ્રતિમા

કવિ કલાપીને નાની ઉંમરમાં પણ રાજગાદી છોડીને વિદ્વાનો, સાધુઓની સંગતમાં જવાની ખેવના હતી.

'કલાપી એક અધ્યયન' પુસ્તકમાં ઇન્દ્રવદન કાશીનાથ દવે લખે છે, "ચૌદ વર્ષની ઉંમરથી સુરસિંહજી સંસારી રીતરસમોથી દાઝી ઊઠ્યા છે. અને ત્યારથી તેમને જંગલમાં જઈ કુદરતના ખોળે જીવન વિતાવવાના વિચારો આવે છે."

"કૉલેજ છોડતાં, મુંબઈમાં રહીને મામાના દીકરા રાણા સરદારસિંહની સાથે ભણવાના, મૅટ્રિક-બી.એ. થવાના અને તેટલા સમય દરમિયાન રાજ અને રૈયતની સંભાળ એજન્સીને ભળાવવાના તેમના વિચારનું મૂળ પણ વિરક્તિ ભાવમાં જ છે."

"હિંદુસ્તાનની મુસાફરીએ નીકળતાં એમના હિતેચ્છુ વડીલ અને સંબંધી લીંબડીના ઠાકોર જસવંતસિંહજી અને તેમનાં માનીતાં રાણીને મળવા રોકાયેલા, ત્યાં પણ એમણે આ પીઢ સજ્જનો આગળ પોતાના આવા મનોરથ દિલ ખોલીને જણાવ્યા છે."

'મ્હને ગાદી સત્તા ભોગ વૈભવ આકર્ષતાં નથી. મ્હારે ભણવું છે, જોવું જાણવું અનુભવવું છે, વિદ્વાનો અને સાધુઓના સત્સંગની પ્યાસ ઘણી છે, કવિઓની સુંદર અને ભગતોની ભવ્ય બલવાળી બાનીના જેવો આનંદ મને બીજે ક્યાંય પડતો નથી.'

"અને ત્યારેય જસવંતસિંહજીના સમજાવ્યાથી જ તેમણે એ મુરબ્બીના પ્રૌઢ અનુભવને નમીને સ્વીકાર્યું છે કે "ભલે, આપ કહો છો તેમ હજુ બાળક છું. રાજ કરવું આવી પ્યાસને પ્રતિકૂળ નયે હોય, આપને પ્રતિકૂળ નથી પડ્યું, અનુકૂળ જ નીવડ્યું છે, એ આપનો અનુભવ સાચો. તો મ્હારા હવાઈ ખ્યાલોને જતાં કરીશ."


કલાપી અને કવિતા

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,

આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની !

ખુદા પાસે દુવા ત્હારી રડીને માગતું'તું દિલ,

ખંજર ખોંકતાં તેને કહે તુજ હાથ શું આવ્યું?

ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,

ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી.

રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ,

નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી.

સાકી, જે શરાબ મને દીધો દિલદારને દીધો નહીં,

સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારનેય ચડ્યો નહીં!


'જ્યાં સુધી પ્રેમ છે, ત્યાં સુધી કલાપી અમર છે'

કલાપીએ શાળાના અભ્યાસ અંગ્રેજી ચાર-પાંચ ચોપડી જેટલો જ કર્યો હતો, પણ તેમની સાચી કેળવણીની શરૂઆત કૉલેજ છોડ્યા પછી જ થઈ હતી, અને તેમને અભ્યાસ મરણપર્યંત ચાલુ રહ્યો હતો.

તેમણે શરૂઆતમાં દરરોજ એક કલાક અંગ્રેજી, એક કલાક કાયદો અને ત્રણ કલાક ગુજરાતી- એમ પાંચ કલાક અભ્યાસ કરવાનો નિયમ રાખ્યો હતો.

તેઓએ સંસ્કૃત અને ઉર્દૂનો અભ્યાસ પણ શરૂ કર્યો હતો. વાંચન અને વિદ્વતા માટે તેઓ સાક્ષરોની મૈત્રી સેવતા અને પુસ્તકોનો સંગ્રહ કરતા હતા.

સૌંદર્યો વેડફી દેતાં નાના સુંદરતા મળે,

સૌંદર્યો પામતાં પ્હેલાં, સુંદર બનવું પડે.

નવલરામ લખે છે, "સાહિત્યવાટિકામાં અનેક દેવો અને દેરીઓ છેલ્લાં ચાલીસ વર્ષમાં દેખાયાં છે અને અદૃશ્ય થયાં છે; પરંતુ સુરતાની વાડીના આ મીઠા મોરલાને એવો કાંઈ જ ભય નથી. કારણ તેમનું સાચું મંદિર જમાના-જમાનાના ગુજરાતી યુવકયુવતીઓનું હૃદય છે. જ્યાં સુધી યુવાનો છે અને પ્રેમ છે, ત્યાં સુધી 'સ્નેહસાગરમાં પ્રપાત પામેલો સુરસિંહ' અમર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો