ટ્રમ્પ મુલાકાત : 'દીવાલ ચણાવવાનાં નાણાંથી સરકાર અમારાં ઘરો બનાવી શકી હોત'

સરાણીયાવાસના નિવાસી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસીય પ્રવાસ માટે આવી રહ્યા છે અને આ દરમિયાન તેઓ અમદાવાદની મુલાકાત લેનાર છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે.

સ્થાનિક અખબારોના અહેવાલો અનુસાર 24 ફેબ્રુઆરીના રોજ યોજાનાર અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને પગલે અમદાવાદ ઍરપૉર્ટ જવાના રસ્તે ઇંદિરા બ્રિજ પાસે આવેલા સરાણિયાવાસની આગળ 600 મિટર લાંબી અને લગભગ 7 ફૂટ ઊંચી દીવાલ ચણાઈ રહી હોવાનું સામે આવતાં વિવાદ સર્જાયો છે.

અમદાવાદ ઍરપૉર્ટ અને મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારની સજાવટના ભાગરૂપે આ દીવાલ ચણાવાઈ આવી રહી છે.

કૉર્પોરેશનના એક અધિકારીએ નામ ન આપવાની શરતે અખબારને કહ્યું, "ઝૂંપડપટ્ટીના વિસ્તારને ઢાંકવા માટે 6-7 ફૂટ ઊંચી દીવાલ 600 મીટરના સ્ટ્રેચમાં બનાવવામાં આવે. આ ઉપરાંત આની સાથે 'પ્લાન્ટેશન ડ્રાઇવ' પણ યોજવામાં આવશે."

નોંધનીય છે કે સરાણિયાવાસમાં 800થી એક હજાર જેટલાં ઘરોમાં છથી સાત હજાર લોકો વસે છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા તૈજસ વૈદ્યે તાત્કાલિક દીવાલ ઊભી કરવાના આ નિર્ણય અંગે સરાણિયાવાસના નિવાસીઓ સાથે વાતચીત કરી, તેમના અભિપ્રાયો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

આ વાતચીતમાં સ્થાનિકોએ તેમનાં ઘરોની આગળ અચાનક દીવાલ ઊભી કરી દેવાના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે.

તેઓ પણ આ દીવાલ ગરીબી અને ગરીબોને ઢાંકવા માટે ખડી કરાઈ રહી હોવાનું માને છે.

સરાણિયાવાસના નિવાસી દિનેશ આ દીવાલ અંગે પોતાની વાત રજૂ કરતાં જણાવે છે કે, "પહેલાં વરસાદમાં અહીં પાણી ભરાતું, હવે દીવાલ બન્યા બાદ પાણી ભરાવાની સમસ્યા વધુ વકરશે."

દીવાલનો હેતુ ગરીબી છુપાવવાનો હોવાની વાત તરફ આંગળી ચીંધતા તેઓ જણાવે છે કે, "આ દીવાલ ગરીબોની સુખાકારી માટે ઊભી નથી કરાઈ રહી, તેનો એકમાત્ર હેતુ ગરીબાઈ છુપાવવાનો છે."

તેઓ સરકારના નિર્ણય અંગે રોષ વ્યક્ત કરતાં જણાવે છે કે, "જો સરકાર ઇચ્છતી હોય કે અમદાવાદ આવનાર દરેક વીઆઇપીની આંખમાં ઝૂંપડાંનું આ દૃશ્ય ન પડે તો ઝૂંપડાંના સ્થાને અમને બિલ્ડિંગો બનાવી આપો."

સ્થાનિકોનું કહેવું છે કે પહેલાં કોઈ પણ પ્રસંગે આવું કંઈ જ બન્યું નથી.

Image copyright BBC Sport

તેઓ જણાવે છે કે અગાઉ માત્ર રોડ પાસે ખુલ્લી જાળી હતી, જેની પર લીલા રંગનો પડદો ઢાંકી દેવામાં આવતો.

સ્થાનિકોએ બીબીસી સાથેની વાતચીતમાં દીવાલ ઊભી કરવાના નિર્ણય અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "આ વિસ્તારમાં લાઇટ અને ગટરની વ્યવસ્થા નથી."

"અમારું માનવું છે કે દીવાલ ઊભી કરતા પહેલાં સરકારે વિસ્તારની આ અસુવિધાઓ દૂર કરવાની દિશામાં વિચારવું જોઈએ. દીવાલના સ્થાને સરકારે પહેલાં વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને નિવારવા માટે RCC રોડ બનાવવો જોઈએ."

"દીવાલના કારણે સ્ટ્રીટ લાઇટના અભાવમાં રહેતા સરાણિયાવાસના ગરીબોના જીવનમાં વધુ અંધકાર છવાઈ જશે."

સરાણિયાવાસ રહેવાસીઓ સરકારના ઇરાદા અંગે શંકા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ સરકારના દીવાલ બનાવવાના આ નિર્ણયને ફિજૂલ ખર્ચી ગણાવી રહ્યા છે.

સરાણિયાવાસના એક રહેવાસીએ આ અંગે કહ્યું હતું કે, "અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત નિમિત્તે સરકાર આટલો બધો ખર્ચ કરી રહી છે. દીવાલ બનાવવા માટેની ઈંટો અને અન્ય સામગ્રીથી સરકાર અમારા ગરીબોનાં મકાન ખડાં કરી શકી હોત."

સરાણિયાવાસના રહેવાસીઓનો દાવો છે કે ટ્રમ્પની મુલાકાત માટે અમદાવાદ શહેરમાં બીજે ક્યાંય કોઈ પણ વસાહત આગળ કૉર્પોરેશન દ્વારા દીવાલ ઊભી કરાઈ નથી.

રહેવાસીઓનો દાવો છે અમદાવાદ અને ગુજરાતના પાટનગર ગાંધીનગરને જોડતા રસ્તા પર સરાણિયાવાસની વાસ્તવિક પરિસ્થિતિ આવનાર મોભાદાર મહેમાનો સામે છતી ન થઈ જાય માટે આ દીવાલ ઊભી કરાઈ રહી છે.

સરકારનું વલણ

વિસ્તારની મહિલાઓ પણ સરકારના આ નિર્ણયની ટીકા કરી રહી છે.

તેઓ તેમનાં રહેઠાણ આગળ ઊભી કરાઈ રહેલી દીવાલને સરકારના લાગણીશૂન્ય વલણનું પ્રતીક ગણાવી રહ્યા છે.

મહિલાઓ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવે છે કે, "જ્યારે પણ કોઈ વીઆઈપી શહેરની મુલાકાતે આવે છે ત્યારે અમારાં ઘરોની આગળ પડદા લગાવી દેવામાં આવે છે."

"જો ઝૂંપડાં અને ગરીબીનું આ દૃશ્ય સરકારને આટલું ખૂંચતું હોય તો અમારા વિકાસ માટે નક્કર પગલાં કેમ નથી લેવાતાં?"

"કેમ આવા કામચલાઉ પ્રયત્નો દ્વારા ગરીબાઈ છુપાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે?"

તેઓ પ્રજાના પ્રતિનિધિઓની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવતા કહે છે કે, "આ દીવાલ અમને એ વાતનો અહેસાસ કરાવે છે કે, અમે જેમને મત આપીને ચૂંટ્યા એ લોકો જ અમારાથી શરમાય છે."

"એક દિવસની મુલાકાત માટે સરકાર તાત્કાલિક નિર્ણય લઈ શકે છે તો અમારાં માટે પાકાં ઘરો બનાવવા માટે સરકાર તાત્કાલિક નિર્ણય નથી લેતી."

સરાણિયાવાસની મહિલાઓએ બીબીસી સાથેની વાતચીતમાં આગળ જણાવ્યું હતું કે, "સરકારનો આ નિર્ણયના કારણે અમારાં મનમાં એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, શું અમે આ દેશના નાગરિકો નથી."

"શું સરકારને મન અમે માત્ર કચરો જ છીએ, જેને સંતાડવાથી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે."

બીબીસી સાથેની વાતચીતમાં સરાણીયાવાસના રહેવાસીઓએ આગળ જણાવ્યું હતું કે, "અમને લાગે છે કે સરકારના સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસના સૂત્રમાં અમારી ગણતરી નથી થતી."

આ સિવાય સ્થાનિકોએ દીવાલના નિર્માણ માટે કૉર્પોરેશન દ્વારા પાણીની ચકલીઓ પણ તોડી નખાઈ હોવાની ફરિયાદ કરી છે.

તેમજ દીવાલના કારણે પોતાનાં ઘરોમાં આવતાં હવાઉજાસ રોકાઈ જશે, એવી પણ રાવ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો