ભુજ કૉલેજની ઘટના : જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે - વિજય રૂપાણી

કૉલેજની બહાર ઉભેલી મહિલા Image copyright Prashant Gupta

કચ્છના ભુજમાં સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓ માસિકધર્મમાં છે કે નહીં તે ચકાસવા માટે છોકરીઓનાં કપડાં ઉતરાવવાની ઘટના ઘટી હતી.

બુધવારે વિદ્યાર્થિનીઓએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમે માસિકધર્મમાં છીએ કે નહીં તે ચકાસવા માટે હૉસ્ટેલમાં અમારાં કપડાં ઉતરાવવામાં આવ્યાં હતાં."

વિદ્યાર્થિનીઓએ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે આ ઘટનાથી તેમને માનસિક આઘાત લાગ્યો છે.

રાજ્યના મહિલા આયોગ દ્વારા ઘટનાની તપાસ માટે બનાવાયેલી સમિતિનાં સભ્યોએ આજે કૉલેજની મુલાકાત લીધી હતી અને 60 જેટલી વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરી હતી.

રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ રવિવારે કૉલેજની મુલાકાત લેશે અને વિદ્યાર્થિનીઓની પણ મુલાકાત લેશે.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "વિદ્યાર્થિનીઓ સાથે જે પ્રકારની ઘટના ઘટી છે, એ અંગે સરકારે ગંભીરતા નોંધ લીધી છે. ગૃહવિભાગ અને શિક્ષણવિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે."

નેશનલ કમિશન ફૉર વીમન (NCW) દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવશે. NCW દ્વારા આ ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ સહજાનંદ કૉલેજની વિદ્યાર્થિનીઓની મુલાકાત લેશે.

ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચૅરમૅન લીલાબહેન અંકોલિયાએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું, "તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ શરૂ થઈ ગઈ છે."

તેમણે કહ્યું, "મહિલા આયોગ દ્વારા પોલીસને ફરિયાદ નોંધવા માટે કહેવામાં આવ્યું હતું અને ભુજ 'એ' ડિવિઝન પોલીસસ્ટેશન દ્વારા હૉસ્ટેલનાં રેક્ટર અને પ્રિન્સિપાલ સહીત ચાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે."

બીબીસી ગુજરાતીના સહયોગી અને સ્થાનિક પત્રકાર પ્રશાંત ગુપ્તાએ વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી હતી.


શું છે આખી ઘટના?

Image copyright PrASHANT GUPTA

વિદ્યાર્થિનીએ કહ્યું કે "આખા કૅમ્પસ વચ્ચે કૉલેજવાળાને બેસાડી અને એક-એક છોકરીને વૉશરૂમમાં લઈ જઈને પિરિયડ્સમાં છે કે નહીં તે ચેક કરાવ્યું હતું."

વિદ્યાર્થિનીએ એવું પણ કહ્યું કે "એ લોકોએ ટચ કર્યું નથી, પરંતુ શાબ્દિક રીતે ઘણું ટૉર્ચર કર્યું હતું. જેથી અમારે તપાસ કરાવવી પડી."

અહીંની વિદ્યાર્થિનીઓ માગ કરી રહી છે કે જવાબદારો સામે કાયદાકીય તપાસ કરવામાં આવે.

વિદ્યાર્થિનીઓના કહેવા મુજબ તેમણે ટ્રસ્ટી સમક્ષ કાયદાકીય કાર્યવાહીની માગણી કરી તો તેમણે જવાબદારો પાસે માફી મંગાવવામાં આવશે એમ કહ્યું છે.

વિદ્યાર્થિનીઓ માફી નહીં પણ કાયદાકીય કાર્યવાહી માટે અડગ રહ્યાં હતાં. તો તેમને એવું કહેવામાં આવ્યું કે 'તમારાંથી થાય એ કરી લો, અમે અમારી રીતે જ માફી મંગાવીશું.'

વિદ્યાર્થિનીઓ કૉલેજનાં પ્રિન્સિપાલ રીટાબહેન, કૉ-ઑર્ડિનેટર અનીતાબહેન અને સ્કૂલનાં પ્રિન્સિપાલ દક્ષાબહેન પર બ્લૅકમેલનો આરોપ મૂકે છે.

સંસ્થાની વિદ્યાર્થિનીઓએ કહ્યું કે અમારી પાસે લેખિતમાં લખાવ્યું છે કે 'અમે આ વાતને અહીં જ દબાવી દઈએ છીએ.'

વિદ્યાર્થિનીઓના પિતાએ કહ્યું, "છોકરીઓ માનસિક રીતે ગભરાઈ ગઈ છે. અમારો તો જીવ જ ઊકળી ગયો. આની સામે કાર્યવાહી થવી જોઈએ."


શું કહે છે યુનિવર્સિટીનાં કુલપતિ?

Image copyright PrASHANT GUPTA
ફોટો લાઈન ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનવર્સિટીનાં કુલપતિ દર્શનાબહેન ધોળકિયા

ભુજની ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનવર્સિટીનાં કુલપતિ દર્શનાબહેન ધોળકિયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે આ મુદ્દો કૉલેજનો નથી, હૉસ્ટેલનો છે.

તેમણે કહ્યું, "છાત્રાલય સંપ્રદાય સાથે સંકળાયેલું હોવાથી તેનો એવો નિયમ છે કે માસિકમાં હોય એવી બહેનોએ ભોજનમાં ભાગ લેવાનો હોતો નથી. પણ કેટલીક મહિલાઓએ એ નિયમનો ભંગ કર્યો અને ભાગ લીધો."

પિરિયડનું લોહી પોતાના ચહેરા પર લગાવતી યુવતી


'મહિલાઓએ તપાસ કરાવવા સામેથી જ કહ્યું હતું'

Image copyright Prashant Gupta

હૉસ્ટેલની વિદ્યાર્થીનીઓમાં એક જૂથ આ ઘટના અંગે બીજો પક્ષ પણ રજૂ કરે છે. તેઓ કહે છે કે છોકરીઓએ સામેથી તપાસવા અંગે કહ્યું હતું.

હૉસ્ટેલની એક વિદ્યાર્થિની કહે છે, "સંસ્થાનો નિયમ છે કે બધાએ માસિકધર્મમાં હોય ત્યારે પાળવાનું હોય. પરંતુ કોઈ છોકરીઓએ પાળ્યું નથી. બે મહિના સુધી પાળ્યું ન હતું, કોઈનું રજિસ્ટરમાં નામ ન હતું."

"નામ ન હોવાના કારણે મીસે કહ્યું કે તમે કોણ-કોણ ટાઈમમાં છો. ત્યારે બધાએ કહ્યું અમે કોઈ નથી. કૉન્ફીડન્સથી છોકરીઓએ સામેથી તપાસવા કહ્યું હતું. ત્યારે માસિકધર્મમાં કોઈ ન મળ્યું અને બીજે દિવસે તેમણે બહાર આવી કહ્યું કે આ ખોટું કર્યું કોઈ ફોર્સથી નહોતું થયું"

માસિક વખતે મહિલા માટે ઘરના દરવાજા બંધ કેમ?


સંપૂર્ણ તપાસ કરીને કાર્યવાહી કરીશું

Image copyright Prashant Gupta

શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણ પીંડોરિયા કહે છે, "આ સંસ્થા વર્ષોથી ચાલે છે. આ ખૂબ આઘાતની લાગણી પહોંચી છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને કાર્યવાહી થશે. ઘટનામાં સંપૂર્ણ દોષ હશે એને સંસ્થા નહીં સ્વીકારે"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો