માસિકધર્મ વિશે ભુજ કૉલેજનું સંચાલન કરતી સંસ્થા શું માને છે?

શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલય Image copyright PRASHANT GUPTA

ભુજ ખાતે સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થિનીઓને માસિકધર્મની તપાસ કરવા માટે કપડાં ઉતારવા પર મજબૂર કરવાની બાબતે વિવાદ સર્જાયો છે.

વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તેમને 11 ફેબ્રુઆરીના રોજ હૉસ્ટેલમાં તેમના માસિકધર્મની તપાસ માટે તેમને કપડાં ઉતારવા મજબૂર કરવામાં આવી જ્યારબાદ તેમણે આઘાતનો સામનો કરવો પડ્યો.

વિદ્યાર્થિનીઓની માગ છે કે આ ઘટનાની તપાસ થાય અને જવાબદારો વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે.

સમગ્ર ઘટના સામે આવતા હૉસ્ટેલે પણ પોતાની દલીલ રજૂ કરી છે અને કહ્યું છે કે વિદ્યાર્થિનીઓના માસિકધર્મમાં હોવાની નોંધણી રજિસ્ટરમાં થાય છે.

આ ઘટના પ્રકાશમાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે અને સવાલ ઊભો થયો છે કે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા સંચાલિત આ સંસ્થામાં આવા નિયમો શા માટે છે?


સંસ્થાના દસ્તાવેજમાં 'માસિકધર્મ' વિશેના નિયમો

Image copyright www.swaminarayan.faith

શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ દ્વારા પ્રકાશિત દસ્તાવેજમાં માસિકધર્મને સ્ત્રીના જીવનનું 'એક કુદરતી ચક્ર' ગણાવવામાં આવ્યું છે.

આ દસ્તાવેજમાં કરાયેલાં સૂચનોને શિક્ષાપત્રીના શ્લોકો મારફતે ઉચિત ઠરાવવાનો પ્રયાસ કરાયો છે.

દસ્તાવેજમાં ટાંકવામાં આવેલા શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક 174માં માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓએ પાળવાના પાયાના નિયમો વિશે જણાવવામાં આવ્યું છે.

આ શ્લોક પ્રમાણે, "માસિકધર્મના ત્રણ દિવસ સુધી કોઈ પણ સ્ત્રીએ કોઈ પણ વ્યક્તિ કે કપડાં વગેરેને સ્પર્શ કરવો નહીં. જોકે, માસિકધર્મના ચોથા દિવસથી સ્નાન બાદ તેમણે આ નિયમનું પાલન ન કરવું."

આ દસ્તાવેજમાં આગળ સૂચના છે કે સ્વામિનારાયણ ધર્મ પાળનાર આચાર્યની પત્નીઓ સહિત તમામ સ્ત્રીઓએ ક્યારેય માસિકધર્મ અંગેની વાત છુપાવી જોઈએ નહીં.

તેમજ માસિકધર્મના ત્રણ દિવસ સુધી રજસ્વલા સ્ત્રીઓને ભોજન રાંધવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આ સિવાય માસિકધર્મમાં હોય તેવી અન્ય સ્ત્રીને પણ અડકવાની મનાઈ ફરમાવવામાં આવી છે.


ચોથા દિવસે 'શુદ્ધિ સ્નાન'

Image copyright Getty Images

માસિકધર્મના ચોથા દિવસે દરેક સ્ત્રીએ 'શુદ્ધિ સ્નાન' બાદ જ પોતાના નિત્યક્રમો શરૂ કરવા, એવી સૂચના પણ સંસ્થાના દસ્તાવેજમાં જોવા મળે છે.

ચોથા દિવસે સ્નાન સાથે માથાના વાળ ધોવાનું પણ ફરજિયાતપણે સૂચવવામાં આવ્યું છે.

જોકે, તે છતાં માસિકધર્મના ચોથા દિવસે જો સ્ત્રી ભોજન બનાવે, તો તે ભોજન ભગવાનને ધરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

પોતાનાં લગ્નપ્રસંગે, ધાર્મિક તહેવાર નિમિત્તે કે તોફાનો જેવી કટોકટીવાળી પરિસ્થિતિઓ દરમિયાન સ્ત્રીઓને આ નિયમોથી મુક્તિ અપાયેલી છે.

પરંતુ જો માસિકધર્મ દરમિયાન સ્ત્રીથી કોઈ ભૂલ થાય તો તેની માટે પણ ખાસ સૂચન છે.

જો સ્ત્રી માસિકધર્મ દરમિયાન ભૂલથી કોઈને અડકી જાય તો આ 'પાપ' ધોવા માટે તેણે ભાદરવા માસમાં આવતી ઋષિ પંચમીના દિવસે વ્રત રાખવું પડશે.


માસિકધર્મને લગતી આધુનિક માન્યતા વિશે વિચારો

Image copyright Getty Images

સંસ્થાના દસ્તાવેજમાં માસિકધર્મ અંગેની આધુનિક માન્યતાઓ વિશે પણ વાત કરવામાં આવી છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે, આધુનિક સમયમાં પણ સ્ત્રીઓ પરની આ પાબંદીનાં તાર્કીક કારણો મળી આવે છે.

દસ્તાવેજમાં માસિકધર્મની તમામ શારીરિક પ્રક્રિયાને 'અશુદ્ધ' ગણાવાઈ છે.

સ્ત્રીઓ પર જાતજાતના પ્રતિબંધો લગાવવાથી ભોજન, વ્યક્તિ અને અન્ય ઘરવપરાશની ચીજવસ્તુઓની શુદ્ધતા જાળવી શકાય છે, તેવો તર્ક રજૂ કરાયો છે.

આ દસ્તાવેજમાં મહિલાઓના પક્ષે વિચાર કરતા લખાયું છે કે આખા મહિના દરમિયાન સ્ત્રી પોતાનાં ઘર અને પરિવારનું ધ્યાન રાખવા માટે ખૂબ જ મહેનત કરતી હોય છે.

જે કારણે માસિકધર્મમાં તેમનું શરીર ખૂબ જ થાક અનુભવવા લાગે છે. તેથી સ્ત્રીઓને આ દરમિયાન સંપૂર્ણ આરામ આપવાના હેતુથી પણ તેમને તમામ પ્રકારનાં કામોથી દૂર રાખવા જણાવાયું છે.

swaminarayan.faith વેબસાઇટ પર 'રજસ્ત્રાવ અને ધર્મ' લેખમાં માસિકધર્મ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

આ લેખમાં માસિકધર્મના દિવસોને સ્ત્રીઓ માટે અસામાન્ય મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિ અને શરીરના રસાયણિક ફેરફારોના દિવસો ગણાવવામાં આવ્યા છે.

આ લેખમાં જણાવાયું છે રક્તસ્ત્રાવનો વિચાર મૃત્યુ અને અશક્તિના ભયને જન્મ આપે છે.

તેમજ લેખમાં માસિકસ્ત્રાવ દરમિયાન નીકળતા લોહીની દુર્ગંધને ઘૃણાસ્પદ ગણાવાઈ છે. તેમજ આ કારણને આગળ ધરી સ્ત્રીઓને એકાંતમાં રાખવાના વિચારને સમર્થન આપવામાં આવ્યું છે.

માસિકસ્ત્રાવ દરમિયાન નીકળતા લોહીમાં સૂક્ષ્મ જીવાણુઓની હાજરી હોવાના કારણે રજસ્વલા સ્ત્રીના હાથે રંધાયેલું ભોજન અસ્વીકાર્ય ગણવાનું સૂચન આ લેખમાં જોવા મળે છે.

આ લેખ પ્રમાણે માસિક દરમિયાન એક સ્ત્રી વધુ ભાવનાત્મક અને અકળ બની જતી હોય છે. આ દરમિયાન સ્ત્રી માનસિક ચિંતાનો અનુભવ કરવા લાગે છે.


અન્ય માન્યતાઓ

Image copyright Getty Images

swaminarayan.faith વેબસાઇટના આ લેખમાં અન્ય માસિકસ્ત્રાવ સાથે જોડાયેલી બીજી માન્યતાઓ અંગે પણ વાત કરાઈ છે.

આ લેખ અનુસાર વર્ષો પહેલાં પોતાના પરિવારની સારસંભાળ રાખવી અને બાળકોને જન્મ આપી તેમનો ઉછેર કરવો એ સ્ત્રીની ફરજ મનાતી.

લેખમાં આગળ જણાવ્યું છે કે માસિકસ્ત્રાવ દરમિયાન સ્ત્રીની દશા અત્યંત દયજનક હોય છે. તેમજ આ સમય દરમિયાન તેમનું વલણ ખૂબ જ વિનાશક હોય છે.

લેખમાં આ સમય દરમિયાન સ્ત્રીઓ પ્રત્યે સંવેદના ઉપજાવવાના હેતુથી લખાયું છે કે, "ઘણી વાર લોકો માસિકધર્મ દરમિયાન પણ સ્ત્રીઓને કામ કરવાની ફરજ પાડતા હોય છે. જે બિલકુલ વાજબી નથી."

"માસિકધર્મ દરમિયાન સ્ત્રી એક દર્દી હોય છે, તેથી તેના પ્રત્યે દયા દાખવવી જોઈએ."

આ મામલે સંસ્થાનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા છતાં સંપર્ક થઈ શક્યો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો