જામિયાની લાઇબ્રેરીમાં લાઠી વરસાવતી પોલીસના વીડિયોનું સત્ય

જામિયાની લાઇબ્રેરીના દૃશ્યો Image copyright jcc
ફોટો લાઈન 15 ડિસેમ્બરના રોજ લાઇબ્રેરીમાં પોલીસ હિંસાનાં દૃશ્યો

15 ડિસેમ્બરના રોજ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધપ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસની હિંસાનો એક નવો વીડિયો સામે આવ્યો છે.

29 સેકંડના આ સીસીટીવી ફૂટેજમાં પોલીસે એક લાઇબ્રેરીમાં બેઠેલા લોકો પર લાઠીઓ વરસાવી રહી છે અને લોકો ખુરશીઓની નીચે છુપાઈ રહ્યા છે તથા કેટલાક પોલીસ સામે હાથ જોડતા નજર આવી રહ્યા છે.

જામિયાના વિદ્યાર્થી સંગઠન જામિયા કૉર્ડિનેશન કમિટીએ 16 ફેબ્રુઆરીની મોડી રાત્રે 1 વાગીને 37 મિનિટે આ વીડિયો ટ્વીટ કર્યો હતો. જોત જોતામાં વાઇરલ થઈ ગયો હતો.

પરંતુ આ વીડિયો આવ્યો ક્યાંથી? બે મહિના બાદ તેને કેમ શૅર કરવામાં આવી રહ્યો છે. આવા જ સવાલોની તપાસ કરી બીબીસીએ.

અમે જામિયા કૉર્ડિનેશન કમિટીના મુખ્ય સભ્ય સફોરા સાથે વાત કરી. તેમણે કહ્યું, "આ વીડિયો અમે ગઈ રાત્રે(16 ફેબ્રુઆરી)ના રોજ મળ્યો હતો."

"આ અમારે ત્યાં એમએ-એમફિલની લાઇબ્રેરી છે, તેના પ્રથમ માળનો આ વીડિયો છે. કૉલેજ પ્રશાસને સીસીટીવી ફૂટેજની કૉપી પોલીસને આપી હતી પરંતુ એ સમયે અમે માંગ્યો તો અમને કોર્ટનો હવાલો આપીને ના પાડી દીધી."

"કૉલેજ પ્રશાસને કહ્યું છે કે આ મહત્ત્વના પૂરાવા કોર્ટમાં રજૂ કરીશું. પરંતુ બે મહિના બાદ પણ પોલીસની બર્બરતા પર કોઈ કાર્યવાહી થઈ નથી. આ મામલાને ભુલાવી દેવાયો છે."

આ વીડિયો ક્યાંથી મળ્યો? તેના જવાબમાં સફોરા કહે છે, "અમારી યુનિવર્સિટીની લોકલ વેબસાઇટ ચાલે છે, મહફિલે-એ-જામિયા. કાલે મોડી રાત્રે અમને ત્યાંથી વીડિયો મળ્યો."

જે બાદ બીબીસીએ મહફિલે-એ-જામિયા મિલિયા ઇસ્લામિયાના સભ્ય મોહમ્મદ હારિફ સાથે વાત કરી. હારિફ બીએસસી ફિઝિક્સ ઑનર્સના વિદ્યાર્થી છે.

તેમણે કહ્યું, "આ વીડિયો 15 ફેબ્રુઆરીની મોડી રાત્રે તેમને વૉટ્સઍપ ગ્રૂપ 'Student of Bihar ' પરથી મળ્યો હતો. પરંતુ જેવા જ વીડિયો મોકલનારા શખ્સ સાથે લોકોએ વીડિયો સાથે જોડાયેલા સવાલો કરવાનું શરૂ કર્યું તો ડરના કારણે તેણે વીડિયો ડિલીટ કરી દીધો અને ગ્રૂપ પણ છોડી દીધું."

"મેં જ્યારે તેની સાથે વાત કરી તો તે ખૂબ જ ડરેલો હતો કારણ કે તેને ડર હતો કે તે ફસાઈ ના જાય."


વીડિયો પર થઈ રહેલા સવાલો

Image copyright BBC/kirtidube

29 સેકેન્ડના આ વીડિયોને બે વીડિયો ક્લિપ જોડીને બનાવવામાં આવ્યો છે. જે વાસ્તવિક વીડિયો હતો તેની સ્પીડ 10 ફ્રેમ પ્રતિ સેકેન્ડ હતી પરંતુ હારિફે જણાવ્યું કે તેમણે આ વીડિયોની સ્પીડ 20 ફ્રેમ પ્રતિ સેકન્ડ કરી છે કારણ કે તેનાથી પોલીસની કાર્યવાહીને સાફ દર્શાવી શકાય.

જોકે, આ વીડિયોની પ્રામાણિકતા પર સવાલોના જવાબ હજી મળવાના બાકી છે. બીબીસીએ જામિયા જનસંપર્ક અધિકારી અહમદ અઝીમ સાથે વાત કરી.

તેમણે કહ્યું, "આ વીડિયો સાચો છે, પરંતુ જામિયાના ઑફિશિયલ હૅન્ડલ પરથી તેને ટ્વીટ કરવામાં આવ્યો નથી. મારી સમજ મુજબ આ એ કાર્યવાહીનો વીડિયો જ છે પરંતુ હાલ હું તેના પર વધારે કંઈ કહેવા માગતો નથી. "

શું આ વીડિયો પ્રશાસને પોલીસને સોંપ્યો હતો એના જવાબમાં તેમણે કહ્યું, "હું અત્યારે તેના પર કંઈ નહીં કહું. સમય આપો અમને."


હાલ વીડિયો કેમ સામે આવ્યો?

દિલ્હી પોલીસની ભૂમિકા એન્ટિ-સીએએ વિરોધ પ્રદર્શનોને લઈને છેલ્લા ઘણા સમયથી શંકાના ઘેરામાં છે. સાથે જ આ વીડિયોનું કેન્દ્ર પણ તે જ છે.

જેથી બીબીસીએ આ વીડિયો પર પોલીસનો મત જાણવા માટે તેના જનસંપર્ક અધિકારી, એમ. એસ. રંધાવા સાથે વાત કરી.

તેમણે કહ્યું, "અમે આ વીડિયો જોયો. કંઈ પણ કહેતા પહેલાં તપાસ કરીશું. પહેલાં અમને જોવા દો."

આ વીડિયો હાલ સામે આવવાનો અર્થ શું છે? જેના પર સફોરા કહે છે, "કોઈ અમારી સાથે નથી. બે મહિના થઈ ગયા અમને નથી લાગતું કે પોલીસ પર કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી હોય."

"અમે ઇચ્છીએ છીએ કે હવે દુનિયા જાણે કે અમારી સાથે શું થયું હતું. ન્યાય વ્યવસ્થા પર અમને ભરોસો છે, કદાચ અમારા પરના આ અત્યાચાર જોઈને કોઈ પગલાં લેવામાં આવે."

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (ક્રાઇમ) પ્રવીર રંજને કહ્યું છે કે તેમણે આ વીડિયોનું સંજ્ઞાન લીધું છે અને તેની તપાસ કરવામાં આવશે.

બીબીસીએ પોતાની તપાસમાં જાણ્યું કે યુનિવર્સિટી આ વીડિયોને સાચો માની રહી છે. સાથે જ પોલીસે આ વીડિયોની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા નથી. એટલે એવું માની શકાય કે આ વીડિયો 15 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાની આસપાસનો જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો