કોરોના વાઇરસ : ગુજરાતી યુવતી ફસાઈ છે તે જહાજ પર કેવી છે સ્થિતિ?

ક્રુઝ Image copyright Getty Images

જાપાનના યોકોહામાની પાસે રોકી દેવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેઝ ક્રુઝ શિપ પર લગભગ 3,700 પ્રવાસીઓ હાજર છે.

આ એ જ ક્રુઝ છે જ્યાં મુંબઈની ગુજરાતી યુવતી સોનાલી ઠક્કર કામ કરે છે અને તેઓ ત્યાં દસ કરતાં વધારે દિવસથી ફસાયેલાં છે.

આ જહાજમાં એક પ્રવાસી ડેવિડ અબેલ કહે છે, "હવે ભલે ધીમે-ધીમે પણ હતાશા વધવા લાગી છે."

બીજા પ્રવાસીઓની જેમ ડેવિડ અને તેમનાં પત્ની સેલી પણ રજાઓને માણવા માટે આ ખૂબસૂરત અને રોમાંચક દરિયાઈ સફર માટે ટિકિટ લઈને જોડાયાં હતાં. તેમની રજાઓ કોરોના વાઇરસની ઝપટે ચડી ગઈ છે.

દંપતીને અંદાજ જ નહોતો કે ચીનથી દૂર હોવા છતાં તેમના વૈભવી જહાજ સુધી આ રીતે વાઇરસ પહોંચી શકશે.

ક્રુઝ પર રહેલા લોકોમાંથી (બુધવાર 16 ફેબ્રુઆરી સુધીમાં) 355 લોકોને કોરોનો વાઇરસનો ચેપ લાગી ગયો છે. તેના કારણે ક્રુના સભ્યો અને બાકીના યાત્રીઓ ગભરાયેલા છે.

16 ફેબ્રુઆરીએ મળેલી માહિતી પ્રમાણે ક્રુઝ પર સવાર ભારતીયો પૈકી બેના રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા છે, આ અગાઉ ત્રણ ભારતીયોના રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા.

એટલે હવે આ જહાજ પર કુલ પાંચ ભારતીયો એવા છે જેઓ કોરોના વાઇરસથી સંક્રમિત છે.

ડેવિડ કહે છે કે જે લોકોને ચેપ લાગ્યો છે, તેમને ક્રુઝમાંથી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને બાકીના પ્રવાસીઓને ક્રુઝ પર જ રહેવા માટે જણાવાયું છે.

ડેવિડ કહે છે, "મોટી સંખ્યામાં પ્રવાસીઓ એક જ જગ્યાએ ભરાયેલા રહે તેના કારણે ઘણા લોકોને તાવ આવવા લાગ્યો છે."


બરબાદ થઈ ગઈ રજાઓ

ડેવિડે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "ચોક્કસપણે હું પણ પરેશાન છું, કેમ કે મને સાંભળવા મળ્યું કે બીજા લોકો ક્રુઝમાંથી નીચે ઊતરી ગયા છે, પણ તેમાં હું કે મારી પત્નીનો સમાવેશ થયો નથી."

બ્રિટનનું આ દંપતી ક્રુઝ પર ફરવા તો નીકળ્યું, પણ તેમને આ પર્યટન જિંદગીભર યાદ રહી જાય તેવું થયું. તેમને કલ્પના જ નહોતી કે પ્રવાસમાં આવું કંઈક થશે.

તેમણે બીબીસીને જણાવ્યું કે ચાર ફેબ્રુઆરીએ ક્રુઝ પર પ્રથમવાર ચેપ લાગ્યો હોવાનો ખ્યાલ આવ્યો હતો અને તે પછી સમગ્ર સ્થિતિ બદલાઈ ગઈ.

તેઓ કહે છે, "ક્રુઝ પર અમે આનંદ મનાવી રહ્યાં હતાં. સારી રીતે સમય પસાર થઈ રહ્યો હતો પણ અચાનક બધું બદલાઈ ગયું."

ડેવિડ કહે છે, "અમને આપવામાં આવતું ખાણું પણ બદલાઈ ગયું. એવું કહી શકાય કે અમે જે ક્રુઝ બુક કરાવી હતી તે કંઈ આવી હશે તેની કલ્પના હતી જ નહીં."

ક્રુઝ પર હાજર લોકો વિશે વાત કરતાં તેઓ કહે છે, "ભાગ્યે જ કોઈને હવે ડેક પર ટહેલવા માટેની મંજૂરી મળે છે. સૌને એવું કહેવાયું છે કે એક બીજાથી બે મીટર દૂર રહેવું."


પ્રવાસીઓની પરેશાનીઓ

Image copyright ડેવિડ અબેલ

ડેવિડ જણાવે છે કે જાપાની સમય પ્રમાણે સવારે છ વાગ્યાની આસપાસ ક્રુઝના કૅપ્ટને સૌને જાણ કરી હતી કે બધાએ પોતપોતાની કૅબિનમાં જ રહેવું પડશે.

"થોડી વાર પછી રૂમમાંથી નીકળવાની બિલકુલ મનાઈ કરી દેવામાં આવી. અમને બહાર નીકળવાની જ મનાઈ કરી દેવાઈ હતી."

ડેવિડના જણાવ્યા અનુસાર શરૂઆતમાં દસેક લોકો બીમાર પડ્યા હતા.

તેઓ કહે છે, "શરૂઆતમાં જે લોકો બીમાર પડ્યા, તેમને તટરક્ષકોએ જહાજમાંથી નીચે ઉતારી દીધા હતા અને તેમને સારવાર માટે મોકલી દેવાયા હતા. પરંતુ બાકીના પ્રવાસીઓની શી સ્થિતિ થશે તેની અમને ખબર નહોતી."

ડેવિડને આશા છે કે આગામી દિવસોમાં ફરીથી બધા પ્રવાસીઓની તપાસ કરવામાં આવશે, જેથી વાઇરસનો ચેપ લાગ્યો છે કે નહીં તેની જાણ થાય.

તેઓ કહે છે, "અમારી પાસે 15 બાય 30 ચોરસ મીટરની કૅબિનમાં બેસીને રાહ જોયા સિવાય કોઈ બીજો રસ્તો નથી."

આ જ ક્રુઝ પર પ્રવાસ કરી રહ્યા છે ગે કોર્ટર.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, "આ રીતે રહેવાનું જરાય ફાવે તેવું નથી અને વિચિત્ર છે."

તેઓ કહે છે, "અમારી સ્થિતિ કેદી જેવી થઈ ગઈ છે. અમે રૂમમાં ભરાઈ રહીએ છીએ. અમને માત્ર બાલ્કની સુધી જવાની છૂટ છે. અમુક રીતે જ અમારે કચરો ફેંકવાનો રહે છે. અમારે સતત માસ્ક પહેરીને રાખવો પડે છે."

"અત્યારે અમે અમારા રૂમમાં બેસીને જમવાનું આવે તેની રાહ જોઈ રહ્યા છીએ."

જોકે ગ્રે ક્રુઝના કર્મચારીઓ દ્વારા લેવાઈ રહેલી કાળજીથી ખુશ છે. આમ છતાં આ સ્થિતિથી તેઓ વિચલિત થયેલાં છે.

તેઓ કહે છે કે હું જાતને સંભાળવા માટે પૂરતી કોશિશ કરી રહી છું, પણ તે કામ હવે મુશ્કેલ બનવા લાગ્યું છે.


ક્રુની સ્થિતિ વધારે ખરાબ...

Image copyright vinay kumar

ક્રુઝને એક કોરાણે ઊભું કરી દેવાયું છે અને તેના કર્મચારીઓ સતત કામે લાગેલા છે.

ડેકની નીચે કર્મચારીઓનો એક મોટો સમૂહ છે, જે સતત પ્રવાસીઓની જરૂરિયાત પૂરી કરવા માટે કામ કરી રહ્યો છે. ક્રુઝની વ્યવસ્થા, ભોજન પકાવવું, વાસણો સાફ કરવા, કપડાં ધોવાં, સાફ-સફાઈ વગેરેનું કામ કરવા માટે એક હજાર જેટલા કામદારોની ટીમ છે.

જોકે તે લોકોને ચેપ લાગવાનું જોખમ વધારે છે. તેમના માટે અલગ-અલગ કૅબિન કે બાથરૂમ નથી અને સૌએ સુવિધાનો સાથે ઉપયોગ કરવો પડે છે.

પ્રિન્સેસ ક્રુઝના ઑનલાઇન પેજ પર માહિતી મૂકવામાં આવી છે કે તેમના જહાજમાં કામ કરવા માગતા કર્મચારીએ સાતેય દિવસ અને 10થી 13 કલાકની શિફ્ટમાં કામ કરવાનું હોય છે.

ક્રુ મેમ્બર વિનયકુમારે પણ ફેસબુક પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં તેઓ કહે છે, "અમે બહુ ડરેલા છીએ અને રોજેરોજ વાઇરસનું જોખમ વધી રહ્યું છે."

તેમનું કહેવું છે કે જેમને ચેપ ન લાગ્યો હોય તેવા લોકોને ક્રુઝમાંથી બહાર લઈ લેવા જોઈએ, જેથી તેમના માટે ચેપનું જોખમ ના રહે.

બીબીસીનું માનવું છે કે ચેપ લાગ્યો છે તેમાં ઓછામાં ઓછા 10થી 20 ક્રુ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે.


હનીમૂન પર આવેલાં પતિ-પત્ની પડ્યાં અલગ

Image copyright Getty Images
ફોટો લાઈન ક્રુઝ પર હાજર મુસાફર સાફ અને તાજી હવા માટે પોતાની અગાસીમાં ઊભા છે

સાત ફેબ્રુઆરી પછી ક્રુઝ પર વાઇરસનો ચેપ ઝડપથી ફેલાયો હતો.

ચેપ આટલી ઝડપથી કેમ ફેલાયો તેનું કોઈ કારણ સ્પષ્ટ નથી, પરંતુ જાપાનના આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે કેટલાકને પહેલાંથી જ ચેપ લાગેલો હતો અને તેની જાણકારી બાદમાં જ મળી.

વાઇરસનો ચેપ લાગે તેમાંથી બીમારી થતાં બે અઠવાડિયાં લાગે છે. તેના કારણે પ્રારંભમાં કેટલા લોકોને ચેપ લાગ્યો હતો, તેની ખબર પડતી નથી.

ડેવિડના જણાવ્યા અનુસાર સતત સ્થિતિ બદલાતી રહે છે.

ચેપ લાગ્યો તેમાં ડેવિડના એક મિત્રનો પણ સમાવેશ થાય છે. તે મિત્ર પોતાનાં પત્ની સાથે હનીમૂન માટે ક્રુઝ પર આવ્યા હતા પણ હવે તેમને પત્નીથી અલગ થઈ જવું પડ્યું છે. તેમને સારવાર માટે મોકલી દેવાયા, જ્યારે તેમનાં પત્ની ક્રુઝ પર જ રહી ગયાં.


સાવચેતીનાં પગલાં

Image copyright ડેવિડ અબેલ
ફોટો લાઈન ક્રુઝ પર પાણીને લઈને સાવધાની રાખવામાં આવે છે.

થોડા-થોડા સમયે ક્રુઝ પર મેડિકલ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

ડેવિડ કહે છે, "અમને ફેસ માસ્ક અને ગ્લવ્ઝ આપવામાં આવ્યા છે. બહાર જઈએ ત્યારે તે પહેરીને જ જઈએ છીએ. આ રીતે સાવચેતી રાખવમાં આવે છે."

ક્રુઝ પરના પ્રવાસીઓને જણાવાયું છે કે તમારા શરીરનું ટેમ્પરેચર માપતા રહેજો. બીબીસી સાથે વાતચીત કરતી વખતે પણ ડેવિડ પોતાના શરીરનું તાપમાન જ માપી રહ્યા હતા.

ડેવિડ તથા બીજા પ્રવાસીઓને જણાવાયું છે કે 19 ફેબ્રુઆરીએ ફરીથી એક વાર સૌની તપાસ કરવામાં આવશે.

ડેવિડના જણાવ્યા અનુસાર, "અમે બ્રિટન પાછા જવા માટેની ટિકિટો પણ બુક કરાવી લીધી હતી. તેને પણ રદ કરાવવી પડશે. ક્રુઝ પરથી નીચે ઊતરવાની ક્યારે મંજૂરી મળશે તેનો કોઈ અંદાજ નથી."


દુનિયાનાં બીજાં જહાજો પર અસર થઈ છે?

Image copyright Getty Images
ફોટો લાઈન દુનિયાના બીજા જહાજ

આ દરમિયાન 2000 પ્રવાસીઓ સાથેનું એક જહાજ કંબોડિયા પહોંચ્યું હતું. પાંચ દેશોએ તે જહાજથી ચેપ ફેલાવાના ભય હોવાથી પોતાને ત્યાં લાંગરવા દીધું નહોતું.

જાપાન, તાઇવાન, ગુઆમ, ફિલિપિન્સ અને થાઈલૅન્ડથી આ જહાજને પાછું મોકલી દેવાયું હતું.

વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખે કંબોડિયાના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

તે જ રીતે 10 ફેબ્રુઆરીએ હૉંગકૉંગમાં રહેલા એક ક્રુઝ શિપના પ્રવાસીઓની તપાસ કરવામાં આવી હતી. તેમના ટેસ્ટ નૅગેટિવ આવ્યા તે પછી ક્રુઝમાંથી બહાર જવાની મંજૂરી આપવામાં આવી હતી.

વર્લ્ડ ડ્રીમ શિપમાં લગભગ 3,600 પ્રવાસીઓ અને ક્રૂ-મેમ્બર્સ હતા. તેમણે અગાઉ પ્રવાસ કર્યો હતો, ત્યારે જ ચેપ લાગી ગયો હોય તેવા ભયથી તેમને અટકાવાય હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો