Donald Trumpની ભારત મુલાકાત : ટ્રમ્પે કહ્યું 'ભારત સાથે જોરદાર વેપારસંધિ થઈ શકે છે'

ટ્રમ્પની મુલાકાત અંગે પોસ્ટર Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની મુલાકાતે આવતા પહેલાં કહ્યું છે કે બંને દેશો વચ્ચે એક 'જોરદાર વેપારસંધિ' થઈ શકે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અમે ભારત જઈ રહ્યા છીએ અને અમે ત્યાં એક જબરદસ્ત વેપાર સમજૂતી કરી શકીએ છીએ."

તેઓ પોતાનાં પત્ની મિલેનિયા ટ્રમ્પ સાથે 24 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે પહોંચી રહ્યા છે.

જોકે ટ્રમ્પની મુલાકાત પહેલાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વેપાર સમજૂતી, પહેલાં એક ટ્રેડ પૅકેજ પર સમજૂતી થવા અંગે ચર્ચા છે.

ન્યૂઝ એજન્સી પી.ટી.આઈના અહેવાલ મુજબ, ટ્રમ્પે સંકેત આપ્યો છે કે જો અમેરિકાની તરફેણમાં સારી ડીલ ન મળે તો વેપારસંબંધો પર ચર્ચા થોડી ધીમી પડી શકે છે.

તેમણે કહ્યું, "એવું પણ બને કે વેપાર સમજૂતી ચૂંટણી પછી કરીશું. ત્યાં જઈને જોઈશું કે શું થાય છે."

અમેરિકામાં નવેમ્બર 2020 માં રાષ્ટ્રપતિની ચૂંટણી થવા જઈ રહી છે, જેમાં ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ પદની રેસમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.

"અમે અમેરિકાને પ્રાથમિકતા આપીએ છીએ એટલે અમે તેજ સમજૂતી કરીશું, જેમાં અમેરિકાનો લાભ થાય. કોઈને ગમે કે નહીં, પરંતુ અમે અમેરિકાને પ્રથમ રાખીશું."


ભારતને શું મળશે

Image copyright Kalpit S Bhachech

ડોનાલ્ડ ટ્રમ્પની ભારતયાત્રાની ખાસ તૈયારીઓ અમદાવાદમાં ચાલી રહી છે અને કેટલી સંખ્યામાં લોકો રોડશો અને મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટમાં ભાગ લેશે તેના પર વાદ-વિવાદ ચાલી રહ્યો છે.

ત્યારે ટ્રમ્પે તેમની ભારતયાત્રા અંગે ચર્ચા દરમિયાન કહી ચૂક્યા છે કે લાખોની સંખ્યામાં ભીડ તેમને આવકારશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો (અમદાવાદ) ઍરપૉર્ટથી સ્ટેડિયમની વચ્ચે 50-70 લાખ લોકોની હાજરીની વાત કહી છે.

કદાચ તેમના મનમાં હ્યુસ્ટનમાં યોજાયેલ 'હાઉડી, મોદી' રેલીનાં દૃશ્યો રમતાં હશે, જેમાં 50 હજારથી વધુ ભારતીય મૂળના અમેરિકન હાજર રહ્યા હતા. ત્યારે મોદીએ તેમના આગવા અંદાજમાં 'અબકી બાર ટ્રમ્પ સરકાર'નો નારો આપ્યો હતો.

જોકે, 'ન્યૂયૉર્ક ટાઇમ્સ' સહિત અનેક અખબારોએ આ કાર્યક્રમ સંદર્ભે અમેરિકાના રાષ્ટ્રપતિની ટીકા કરી હતી.

પરંતુ ટ્રમ્પ માટે અમેરિકામાં ભારતીયમૂળના 40 લાખ નાગરિકો મહત્ત્વપૂર્ણ છે. કારણ કે ત્યાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે.

ત્યારે ભારતને શું તેમની મુલાકાતથી શું મળશે તેમાં વેપાર સમજૂતી મહત્ત્વપૂર્ણ છે.

જોકે આ પહેલાં ભારત અને અમેરિકા વચ્ચેના વેપારી સંબધો અંગે ટ્રમ્પે વેપારને મોરચે ભારતના વર્તાવની ટીકા કરી હતી જોકે એની સાથે જ ટ્રમ્પે મોદીના વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરૂ છું."

એમણે મંગળવારે કહ્યું હતું કે "અમે ભારત સાથે મોટી વેપારી સમજૂતી કરી શકીએ છીએ પરંતુ વાસ્તવમાં હું પછીથી એક મોટા કરારનો પાયો નાખવાની દિશામાં કામ કરી રહ્યો છું."

ટ્રમ્પની યાત્રાથી ભારતને ત્રણ મોટા લાભ થઈ શકે છે.

આ અંગે 'ધ હિન્દુ'ના કૂટનીતિક બાબતોના સંપાદક સુહાસિની હૈદર કહે છે કે 'ટ્રમ્પની ગણતરી ત્યાં રહેલાં ભારતીય મૂળના મતદારોને પ્રભાવિત કરવાની હોઈ શકે છે.'


કાશ્મીર: ભારત, US અને પાકિસ્તાનનો ત્રિકોણ

Image copyright Getty Images

સુહાસિની હૈદર કહે છે કે 'વેપારસંધિઓ તોડનાર તથા કૂટનીતિક સંબંધ બગાડનાર' તરીકની પોતાની છબિ સુધારવાનો ટ્રમ્પ પ્રયાસ કરશે. આ સિવાય તેઓ કાશ્મીરનો મુદ્દો પણ છંછેડશે.

હૈદરના કહેવા પ્રમાણે, સમગ્ર યાત્રા દરમિયાન કાશ્મીર તેમનું 'વાઇલ્ડકાર્ડ' હશે.

તા. 24મી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વૉશિંગ્ટનથી સીધા અમદાવાદ આવશે.

તેમની ભારતયાત્રા પૂર્વે ચાર અમેરિકન સંસદસભ્યોએ વિદેશપ્રધાન માઇક પૉમ્પિયોને પત્ર લખીને 'કોઈપણ લોકતંત્રમાં સૌથી લાંબા ઇન્ટરનેટ પ્રતિબંધ' તથા લાંબા સમય સુધી નાગરિકોને ગોંધી રાખવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

પત્ર લખનાર સંસદસભ્યોમાં બે ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન પાર્ટીના તથા બે વિપક્ષ ડેમૉક્રેટિક પાર્ટીના છે.

અગાઉ ટ્રમ્પ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થ બનવાની ઓફર કરી હતી, પરંતુ ભારતે ઇન્કાર કરી દીધો હતો.

ભારતે પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનના બાલાકોટ પર હુમલો કર્યો, ત્યારબાદ પકડાયેલા ભારતીય વાયુદળના પાઇલટ અભિનંદન વર્થમાનને મુક્ત કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના અણસાર પણ ટ્રમ્પે તે સમયે આપ્યા હતા.

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પ ફરી એક વખત એ પ્રકારની વાત કરે એવી શક્યતા છે.

'મૅક અમેરિકા ગ્રેટ અગેઇન' ટ્રમ્પનો મહત્ત્વનો નારો રહ્યો છે. હાલમાં તેમની લોકપ્રિયતા 50 પૉઇન્ટની આજુબાજુ છે, ત્યારે કોઈ એક મોટો નિર્ણય તેમની લોકપ્રિયતાની ટકાવારીને વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.


સંરક્ષણ કરાર

Image copyright Getty Images

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ મુજબ દિલ્હીની મુલાકાત દરમિયાન ટ્રમ્પ રિલાયન્સ, ઍરટેલ, ટાટા ટેલિકોમ અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા કંપનીઓના પ્રતિનિધિઓને મળશે.

નિર્માણક્ષેત્રને વેગ આપવો તથા વધુ અને વધુ નોકરીઓ ઊભી કરવી એ ચૂંટણીવર્ષમાં ટ્રમ્પ સરકારની પ્રાથમિક્તા રહેશે.

પાંચ મહિનાની સુસ્તી બાદ જાન્યુઆરી મહિનામાં અમેરિકામાં નિર્માણક્ષેત્રે ઉત્સાહજનક સુધાર નોંધાયો છે, પરંતુ અર્થવ્યવસ્થામાં હજી ધાર્યા મુજબ ગતિ નથી આવી.

મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાએ અમેરિકામાં એક અબજ ડૉલરનું રોકાણ કરીને રોજગારની નવી તકો ઊભી કરવાની વાત કરી હતી.

તાતા જૂથની 13 કંપની અમેરિકામાં કાર્યરત છે, જેમાં 35 હજાર કર્મચારી કામ કરે છે.

વ્યાપાર સંસ્થા સી.આઈ.આઈ. (કન્ફૅડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ)ના અંદાજ પ્રમાણે, ભારતની 100 કંપનીઓએ અમેરિકામાં 18 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે, જેના કારણે અમેરિકામાં એક લાખ લોકોને રોજગાર મળે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)ના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પને મળનાર સૂચિત ઉદ્યોગપતિઓની યાદી ક્લિયરન્સ માટે અમેરિકાના રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઇટ હાઉસને મોકલવામાં આવી છે અને દિલ્હી સ્થિત અમેરિકાનું દૂતાવાસ તેનું સંકલન કરી રહ્યું છે.

ટ્રમ્પની યાત્રા દરમિયાન ભારતીય સ્ટિલ અને ઍલ્યુમિનિયમ ઉપર લાદવામાં આવેલ ટૅરિફ ઘટાડવા, ખેતી માટે કામમાં આવતી મશિનો તથા ઑટોક્ષેત્રે વધુ ઉદાર નીતિ અપનાવવાની માગ થઈ શકે છે.

આ સિવાય અમેરિકા દ્વારા પણ ટૅરિફ ઘટાડવાની માગ કરવામાં આવે તેવી શક્યતા છે.

ભારત અમેરિકા પાસેથી 2.6 અબજ ડૉલરના ખર્ચે 24 ફાઇટર હેલિકૉપ્ટર ખરીદે તેવી પણ શક્યતા છે.


ભારતીય-અમેરિકન વોટ

Image copyright Getty Images

ટ્રમ્પની આશાઓ તથા અનેક વિશ્લેષકોના દાવા છતાં ભારતીય મૂળના અમેરિકન કેટલા પ્રમાણમાં ટ્રમ્પની તરફેણમાં મતદાન કરશે તે અટકળનો વિષય છે.

એશિયન અમેરિકન લીગલ ડિફૅન્સ ઍન્ડ એજ્યુકેશન ફંડ નામની સંસ્થાના જણાવ્યા પ્રમાણે, મોટાભાગના ભારતીયો ડેમૉક્રેટ્સના વોટર તરીકે નોંધાયેલા છે અને વર્ષ 2016માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન વિખ્યાત પત્રિકા 'ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટિકલ વિકલી'ના રિપોર્ટ મુજબ 77 ટકાએ હિલેરી ક્લિન્ટનની તરફેણમાં વોટિંગ કર્યું હતું.

તાજેતરના વર્ષો દરમિયાન અમેરિકામાં રિપબ્લિકન હિંદુ કૉલિશન જેવી સંસ્થાઓનો વ્યાપ વધ્યો છે.

પ્રવાસી ભારતીયો માટે કામ કરતી સંસ્થા 'ઇન્ડિયાસ્પોરા'ના કાર્યકારી નિર્દેશક સંજીવ જોશીપુરાના કહેવા પ્રમાણે, "આ મુલાકાતથી ટ્રમ્પને રાજકીય રીતે કેટલો લાભ થશે, તે કહેવું મુશ્કેલ છે."

જોશીપુરાનું કહેવું છે કે બંને નેતા વચ્ચેની નિકટતાને મતદારો કઈ રીતે જુએ છે, તેના ઉપર સઘળો આધાર રહે છે.

એક વાત નિશ્ચિત છે કે મતદાન કરતી વખતે વોટરના મનમાં ક્યાંકને ક્યાંક તેમના વિશે ટ્રમ્પના નિવેદન, તેમના પગલાં, તથા અમેરિકાના વિઝાને મુશ્કેલ બનાવવા જેવા નિર્ણયો હશે.

ટ્રમ્પના નિર્ણયોને કારણે ભારત તથા અન્ય દેશોમાંથી અમેરિકા જતા પ્રોફેશન્લસને મોટી અસર થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો