નમસ્તે ટ્રમ્પ : અમદાવાદમાં ઝૂંપડપટ્ટીને છુપાવવા દીવાલની સાથે 'ટ્રમ્પની દીવાલ'ની ચર્ચા કેમ?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
દીવાલ

અમદાવાદની એક દીવાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. કારણ છે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત.

જોકે ટ્રમ્પની એક દીવાલ પણ વર્ષોથી ગતિરોધ અને ચર્ચાના કેન્દ્રમાં રહી છે.

અમદાવાદના અમુક વિસ્તારોમાં રસ્તાઓથી માંડીને રંગરોગાન અને સજાવટ કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયા સિવાય આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પર અમદાવાદમાં કેટલો ખર્ચ થશે, તેની ચર્ચા ચાલી રહી છે.

ગુજરાત સરકારના અધિકારીએ સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું કે અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાક રોકાશે અને લગભગ 85 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું, "અંદાજે 30 કરોડ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ રસ્તા પહોળા કરવામાં અને બાંધકામમાં ખર્ચ થયા છે અને ટ્રમ્પ જ્યાંથી નીકળવાના છે એ વિસ્તારની સજાવટમાં છ કરોડ રૂપિયા ખર્ચ થશે."

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી રહ્યા છે કે 'રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્લીઝ અમારા શહેરમાં પણ આવો ને.'

આ તૈયારીઓ તો માત્ર ટ્રમ્પને જે દેખાડવાનું છે તેની છે, પરંતુ જે નથી દેખાડવાનું તેની તૈયારીઓની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે.

ઝૂંપડપટ્ટીને છુપાવવા દીવાલ?

અમદાવાદમાં ઍરપોર્ટની બાજુમાં ઇન્દિરા બ્રિજ અને સરાણિયાવાસના વિસ્તારમાં ઝૂંપડપટ્ટી આવેલી છે અને ત્યાં એક દીવાલ ચણાઈ છે.

આ પહેલાં જાપાનના વડા પ્રધાન શિંજો આબે આવ્યા હતા, ત્યારે પણ આ જગ્યાને લીલા પરદા દ્વારા ઢાંકવામાં આવી હતી, આ વખતે સરકારે દીવાલ ચણી છે.

જોકે અમદાવાદના મેયર બિજલ પટેલનું કહેવું છે કે 'આ દીવાલ સુરક્ષા કારણોસર બનાવવામાં આવી છે અને શહેરની સુંદરતા અને સ્વચ્છતા અભિયાનનો પણ ભાગ છે.'

પરંતુ એવા આક્ષેપ લાગી રહ્યા છે કે ગરીબી છુપાવવા માટે આ દીવાલ બનાવવામાં આવી છે.

ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓના સવાલ છે કે 'જ્યારે કોઈ સરકારી મહેમાન અહીં આવે, ત્યારે ઝૂંપડપટ્ટીને કેમ સંતાડી દેવામાં આવે?'

એક સ્થાનિક મહિલાએ કહ્યું, "આ દીવાલ ન બનાવવી જોઈએ. જો નરેન્દ્ર મોદીને ઝૂંપડપટ્ટી પસંદ નથી, અમારી ગરીબી દેખાય છે, તો પાકા મકાન બનાવી આપે."

શહેરના કમિશનર વિજય નેહરાના કહેવા પ્રમાણે, બે મહિના પહેલાંથી જ દીવાલ બનાવવાનો નિર્ણય લેવાઈ ગયો હતો અને તેને ટ્રમ્પની મુલાકાત સાથે કોઈ સંબંધ નથી.

ઝૂંપડટપટ્ટી આગળ ન વધે તથા ફૂટપાથની જમીન ઉપર પેશકદમી ન થાય તે માટે આમ કરવામાં આવ્યું છે.

વર્ષોથી આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો કહે છે કે ચૂંટણી વખતે તો નેતા વોટ માગવા આવે છે, પરંતુ ત્યાર બાદ કોઈ પૂછવા નથી આવતું. લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં શૌચાલય, વીજળી અને પાણીની સુવિધા અપૂર્તિ છે.

ત્યારે કેટલાક રાજકીય નેતાઓએ મોદીના રાજ્યમાં વિકાસ પર પ્રશ્નો ઊભા કર્યા છે. વડા પ્રધાન બન્યા તે પહેલાં નરેન્દ્ર મોદી લગભગ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને વિકાસના 'ગુજરાત મૉડલ'ના નામે તેમણે ચૂંટણી લડી હતી.

મીડિયા અહેવાલો મુજબ શિવસેનાએ મોદીની ટીકા કરતા કહ્યું હતું કે 'આ મોદીની ગરીબી છુપાઓ યોજના છે.'

'દ ગ્રેટ વૉલ ઑફ ઇન્ડિયા ફૉર ટ્રમ્પ'

ઇમેજ સ્રોત, Getty Images

આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ અમદાવાદની દીવાલની ચર્ચા થઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય અખબાર 'ધ ઇન્ડિપેન્ટેન્ટે' લખ્યું છે કે '400 મિટર લાંબી અને સાત ફૂટ ઊંચી દીવાલ બનાવવામાં આવી રહી છે, જેનાથી અમેરિકાના નેતા ઝૂંપડપટ્ટી ન જોઈ શકે, આ જગ્યાએ 800 જેટલાં પરિવારો રહે છે.'

અખબારમાં લખવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને અમેરિકાની સરહદે એક દીવાલ બનાવવાનો વાયદો કર્યો હતો.

ત્યારે 'દ ગાર્ડિયન' એક અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 'ઉતાવળે ચણવામાં આવી રહેલી અમદાવાદની દીવાલની ટીકા એટલા માટે થઈ રહી છે, કારણ કે ગરીબ લોકોને છુપાવવા માટે આ કામ થઈ રહ્યું છે.'

સોશિયલ મીડિયા પર પેન્સિલાશન નામના ટ્વિટર હૅન્ડલ પર એક કાર્ટૂન શૅર કરવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે 'દ ગ્રેટ વૉલ ઑફ ઇન્ડિયા ફૉર ટ્રમ્પ.'

તો અદ્વૈદ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે 'અમદાવાદમાં મોટી દીવાલ બનાવવા કરતાં ટ્રમ્પના આંખે પાટો બાંધવું સસ્તું ન હોત?'

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ અન્ય એક દીવાલને લઈને બહુ આક્રામક વલણ ધરાવે છે.

ટ્રમ્પની દીવાલ

અમેરિકા અને મેક્સિકોની સરહદે એક દીવાલ બનાવવના વાયદા સાથે ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડી હતી.

તેઓ રાષ્ટ્રપતિ બન્યા પછી પણ મેક્સિકોની સરહદે દીવાલ બનાવવા અંગે અમેરિકામાં આક્રામક રાજકારણ જોવા મળ્યું હતું.

અમેરિકા અને મેક્સિકો વચ્ચે મેક્સિકોના અખાતથી લઈને પ્રશાંત મહાસાગર સુધીની 3100 કિલોમિટરથી લાંબી સરહદ આવેલી છે.

રિયો ગ્રાન્દે નામની નદી સરહદ પર 2000 કિલોમિટર કરતા લાંબા વિસ્તારમાં વહે છે.

ટ્રમ્પનો દાવો છે કે સરહદે દીવાલની સૌથી મોટી અસર એ થશે કે દરરોજ અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા હજારો ગેરકાયદેસર ઘૂસણખોરો પર અંકુશ લગાવી શકાશે.

1995 બાદ અમેરિકામાં પ્રવેશવાના પ્રયાસ દરમિયાન લગભગ 7000 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2000માં અહીંથી 16 લાખ લોકો અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ્યા હતા.

આ ગેરકાયદે ઘૂસણખોરીને અટકાવવા માટે ટ્રમ્પને સરહદ પર દીવાલ ઊભી કરવી જરૂરી લાગે છે.

એ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરે છે કે અમેરિકામાં આવતી 90 ટકા હૅરોઇન દક્ષિણની સરહદેથી (મોટાભાગે મેક્સિકોથી) આવે છે અને દીવાલથી તેને ડામવામાં મદદ મળશે.

પરંતુ ખરેખર પરિસ્થિતિ શું છે? અમેરિકાની ડિપાર્ટમેન્ટ એન્ફોર્સમૅન્ટ એજન્સી પ્રમાણે 2017માં એટલે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તેના એક વર્ષ પછી, અમેરિકામાં પકડાયેલી હૅરોઇનમાંથી 39 ટકા યુએસ-મેક્સિકો સરહદ પર પકડાઈ હતી. મોટાભાગની હૅરોઇન અમેરિકાના કાયદેસર બંદર પરથી પ્રવેશે છે એ પણ કાર, ટ્રક અને બીજા સામાનમાં સંતાડીને લાવવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રમ્પને દીવાલ ચણવા માટે 5.7 અબજ ડૉલરની જરૂર હતી.

અમેરિકામાં વિપક્ષી ડેમૉક્રેટિક પાર્ટીના ઘોર વિરોધને કારણે ફન્ડને મંજૂરી ન મળતા એક સમયે ટ્રમ્પ પ્રશાસને સરકારનું કામકાજ લગભગ 35 દિવસ સુધી ઠપ કર્યું હતું.

ડેમૉક્રેટ્સનું કહેવું છે કે સરહદ પર સંરક્ષણનું સમર્થન તો તેઓ કરે છે પરંતુ દીવાલ અસરકારક સાબિત નહીં થાય.

જોકે અમેરિકાની સુપ્રીમ કોર્ટે હાલમાં જ દીવાલ બનાવવા માટે ડિફૅન્સ બજેટમાંથી 3.6 અબજ ડૉલર આપવા પરથી સ્ટે હઠાવ્યો હતો અને સરહદે દીવાલનું કામ પણ શરૂ થયું હતું.

હવે ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે.

મેક્સિકોની સરહદે તો ટ્રમ્પની દીવાલનું કામ પુરૂં નથી થયું, પરંતુ તેમના સ્વાગતમાં અમદાવાદમાં એક દીવાલ તો ઊભી થઈ ચૂકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો