આગ્રામાં ટ્રમ્પને યમુના વહેતી બતાવવા છોડાયું ગંગાનું પાણી - Top News

તાજમહલ

ઇમેજ સ્રોત, Getty Images

ધ વાયરના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રા પહેલાં ઉત્તરપ્રદેશ સિંચાઈ વિભાગે આગ્રામાં યમુનાને સ્વચ્છ અને સતત વહેતી દેખાડવા માટે ગંગનહેરમાંથી પાણી આપવાનો નિર્ણય કર્યો છે.

ઉત્તરપ્રદેશ સિંચાઈ વિભાગના સુપરિટેન્ડન્ટ ધર્મેન્દ્ર સિંહ ફોગટે કહ્યું, "અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ (ડોનાલ્ડ ટ્રમ્પ)ના આગ્રાની મુલાકાતને ધ્યાનમાં રાખીને યમુના નદીની પર્યાવરણીય સ્થિતિમાં સુધારો લાવવા માટે નહેર દ્વારા 500 ક્યૂસેક ગંગાજળ મથુરામાં છોડવામાં આવ્યું છે. આ પાણી શુક્રવારે બપોર સુધીમાં આગ્રા પહોંચી જશે."

ઉલ્લેખનીય છે કે આગ્રામાં યમુના નદીને કિનારે તાજમહેલ આવેલો છે અને સામાન્ય રીતે યમુના નદીમાં ખૂબ ઓછું અને ગંદુ પાણી વહેતું હોય છે અને પ્રદૂષણનો પ્રશ્ન ગંભીર છે.

ફોગટે કહ્યું, "વિભાગના પ્રયત્નો રહશે ગંગાજળનું આ પ્રમાણ યમુનામાં જળવાઈ રહે અને પાણી 24 ફેબ્રુઆરી સુધી નિરંતર વહેતું રહે."

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ પૂર્ણ કરીને આગ્રાની મુલાકાત લેવાના છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની મુલાકાત નહીં લે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ટ્રમ્પની મુલાકાત પહેલાં ગાંધીઆશ્રમમાં તપાસ કરાઈ હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના કાર્યક્રમ રદ્દ કરી નાખ્યો હોય તેમ કહેવાઈ રહ્યું છે.

ભારતના સરકારના વિદેશ સચિવે દિલ્હીમાં જાહેર કરેલી પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે, "અમદાવાદની મુલાકાતના બીજે દિવસે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ દિલ્હીમાં ગાંધીજીની સમાધિ રાજઘાટની મુલાકાત લેશે."

આ પ્રેસનોટમાં ગાંધીઆશ્રમની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે એવું દેખાઈ રહ્યું છે કે, ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાતનો પ્લાન પડતો મૂકે કારણ કે બીજે દિવસે તે લોકો રાજઘાટની મુલાકાત લેવાના છે.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગાલાએ પ્રેસ બ્રીફિંગમાં અમદાવાદની મુલાકાત અંગે વિસ્તારથી વાત કરતા જણાવ્યું, "અમદાવાદમાં રોડ શોમાં વિવિધ ડૅકોરેશન દ્વારા ગાંધીજીના જીવન વાતો સાથે શહેરનું નામ જોડાયેલું છે તેને પ્રદર્શિત કરવામાં આવશે. તેમની સ્ટેડિયમની મુલાકાત દરમિયાન હજારો સામાન્ય નાગરિકો હાજર રહેશે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની કળાઓનું પ્રદર્શન કરાશે."

સરકાર 'મંદી' શબ્દનો સ્વીકાર કરતી નથી : મનમોહન સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવી ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ અનુસાર પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને મોદી સરકારની ટીકા કરી છે.

મનમોહન સિંહે કહ્યું કે, "હાલની સરકાર 'મંદી' જેવા કોઈપણ શબ્દનો સ્વીકાર કરતી નથી. મને લાગે છે કે આ આપણા દેશ માટે સારી બાબત નથી."

તેમણે વધુમાં કહ્યું, "જો તમે તે સમસ્યાઓની ઓળખ નહીં કરો જેમનો સામનો તમે કરી રહ્યા છો તો તમને સુધારાત્મક પગલાં લેવા માટે વિશ્વાસપૂર્ણનું સમાધાન મળવાની સંભાવના નથી અને તે સાચો ભય છે."

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે આ વાત યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોંટેક સિહ અહલૂવાલિયાના પુસ્તક 'બૅકસ્ટેજ'ના વિમોચન દરમિયાન કહી હતી.

'કોઈ મરવા માટે આવી રહ્યુ છે તો જીવતું પરત કેવી રીતે શકે'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

યોગી આદિત્યનાથ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે તેમના રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ થઈ રહેલાં પ્રદર્શન દરમિયાન પોલીસની ગોળી વાગવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું.

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસીને લઈને થયેલા વિરોધપ્રદર્શનમાં ઉત્તર પ્રદેશ પોલીસની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે અને પોલીસ ગોળાબારમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં છે.

પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યવાહીની પ્રશંસા કરતા તેમણે કહ્યુ, "દેશને રામરાજ્યની જરૂરિયાત છે. સમાજવાદની નહીં અને રામરાજ્યનો અર્થ કોઈપણ ધાર્મિક શાસન વ્યવસ્થાથી નથી."

યોગીએ કહ્યું, "આ દેશમાં રામરાજ્ય જ જોઈશે. સમાજવાદ નહીં. કારણ કે તે અસ્વાભાવિક, અપ્રાકૃતિક અને અમાનવીય છે. સમાજવાદનો એ ચહેરો દેશની સામે આવી ચૂક્યો છે. જે સાર્વભૌમિક, સાર્વદેશિક, સર્વકાલિક અને કાળ પરિસ્થિતિઓથી પર શાશ્વત છે, તે રામરાજ્ય છે."

યોગીએ કહ્યું કે, રામભક્તો પર ગોળી ચલાવનારાઓને તેમને સવાલ પૂછવાનો કોઈ હક નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો