ઔવેસીની રેલીમાં યુવતીએ લગાવ્યો 'પાકિસ્તાન ઝિંદાબાદ'નો નારો - Top News

ઔવેસીનો ફોટો

ઇમેજ સ્રોત, ANI

નવભારત ટાઇમ્સના રિપોર્ટ અનુસાર બેંગલુરુમાં AIMIMના અધ્યક્ષ અસસુદ્દીન ઔવેસીની CAA વિરોધી રેલીમાં એક યુવતીએ સ્ટેજ પરથી 'પાકિસ્તાન જિંદાબાદ'નો નારો લગાવતા હંગામો સર્જાયો હતો.

આ ઘટનામાં ઔવેસીએ યુવતીને નારા લગાવતી રોકી હતી અને બાદમાં પોલીસ યુવતીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ યુવતી વિરુદ્ધ IPSની કલમ 124એ(રાજદ્રોહ) લગાવામાં આવી અને પૂછતાછ બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

ઔવેસીએ આ ઘટના વિશે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આ CAA વિરોધી પ્રદર્શન છે. દુશ્મન દેશના નારા લગાવવાનું કોઈ રીતે સમર્થન કરવામાં નહીં આવે. અમે આ બનાવની નિંદા કરીએ છીએ. આ મેડમ સાથે અમારો કોઈ સંબંધ નથી. ભારત દેશ ઝિંદાબાદ હતો અને ઝિંદાબાદ જ રહેશે.'

ઉલ્લેખનીય છે કે આ યુવતી માઇક પર બોલી રહી હતી કે, 'હિંદુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન ઝિંદાબાદની વચ્ચે ફરક છે...' પરંતુ આટલું બોલ્યા બાદ યુવતી પોતાની વાત પૂર્ણ કરે તે પહેલાં જ આયોજકોએ તેમની પાસથે માઇક ખેંચી લીધું હતું.

રાજસ્થાનમાં બે દલિત યુવકો સાથે મારપીટ કરી ગુપ્તાંગમાં પેટ્રોલ નાખ્યું

ઇમેજ સ્રોત, SM VIRAL GRAB

રાજસ્થાનના નાગૌર જિલ્લાનાં કરણૂ ગામમાં બે દલિત યુવકોને માત્ર શંકાના આધારે ઢોર માર મારી તેમનાં ગુપ્તાંગોમાં પેટ્રોલ નાખ્યું અને સમગ્ર બનાવનો વીડિયો બનાવાયો હતો.

ચાર દિવસ જૂની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને ગુરુવારે આ ઘટનાના વિરોધમાં દલિત સમાજના લોકોએ નાગૌરમાં મોટું પ્રદર્શન કર્યું હતું.

પોલીસ અનુસાર આ કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પીડિત વિસારામ અને તેમના પિતરાઇભાઈ પન્ના રામની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે.

બંને પીડિત યુવકો નાયક સમાજના છે. નાયક સમાજના પ્રદેશ ઉપાધ્યક્ષ રાકેશ નાયકે મીડિયાને જણાવ્યુ હતું કે, 'આવું વર્તન તો પ્રાણીઓ સાથે પણ નથી કરાતું. અમારા લોકો ધરણાં પર બેઠાં છે અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડાઈ ચાલું રાખીશું.'

પીડિત વિસારામે પોલીસને જણાવ્યું હતું કે, 'તેઓ 16 ફેબ્રુઆરીના રોજ પોતાના પિતરાઇભાઈ સાથે સર્વિસ-સેન્ટર ગયા હતા. ત્યાં થોડીવાર બાદ ભીંવ સિંહ અને તેમના સાથીઓએ આવીને અમારા પર પૈસાની ચોરીનો આરોપ લગાવ્યો અને મારપીટ કરી.'

લંડન : મસ્જિદમાં ચાકૂથી હુમલો, એકની ધરપકડ

ઇમેજ સ્રોત, @MURSHHABIB

સૅન્ટ્રલ લંડનની એક મસ્જિદમાં ચાકૂથી થયેલાં હુમલામાં 70 વર્ષીય એક વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે એક સંદિગ્ધ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.

હુમલો રીજેંટ પાર્ક પાસે લંડન સૅન્ટ્રલ મસ્જિદમાં ગુરુવારે ભારતીય સમયાનુસાર રાત્રે 8:40 વાગ્યે કરાયો હતો.

ઘાયલ વૃદ્ધની સ્થિતિ હવે ઠીક જણાવાઈ રહી છે અને આ કેસની તપાસ થઈ રહી છે. પોલીસે આ ઘટના વિશે ટ્વીટ કરી જણાવ્યું હતું કે તપાસકર્તા આને કોઈ આતંકી ઘટના માનતા નથી.

આ બનાવ બાદ મસ્જિદમાં લોકોએ પોલીસ આવી ત્યાં સુધી આ હુમલાખોરને પકડી રાખ્યો હતો.

મસ્જિદની અંદરની તસવીરોને જોતા ખ્યાલ આવે છે કે પોલીસ અધિકારીઓએ એક લાલ રંગની હૂડી(ટોપીવાળી ટી-શર્ટ) અને જિન્સ પહેરેલી એક વ્યક્તિને પકડી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો