Gold : ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં હજારો ટન સોનું મળવાની શક્યતા, ખોદકામ ક્યારે શરૂ થશે?

  • સમીરાત્મજ મિશ્ર
  • બીબીસી ગુજરાતી માટે
સોનભદ્ર

ઇમેજ સ્રોત, Prakash Chaturvedi

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં જમીનમાં હજારો ટન સોનું ધરબાયેલું હોવાની માહિતી મળી છે.

રાજ્યના ખનિજ વિભાગે આની પૃષ્ટિ કરી છે અને જલદી સોનું કાઢવા માટે ખોદકામ શરૂ કરવામાં આવશે તેમ કહેવાઈ રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે જિઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા યાને કે જીએસઆઈની ટીમ છેલ્લા 15 વર્ષથી સોનભદ્રમાં આ મુદ્દે કામ કરી રહી હતી.

આઠ વર્ષ અગાઉ ટીમે જમીનમાં સોનું હોવાની વાતની પૃષ્ટિ કરી હતી.

હવે ઉત્તર પ્રદેશ સરકારે આ જ્યાં સોનાની સંભાવના છે તે વિસ્તારને વેચવા માટે ઇ-હરાજીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ઇમેજ સ્રોત, Prakash Chaturvedi

સોનભદ્રના ખનન અધિકારી કેકે રાય કહે છે કે, ''જીએસઆઈની ટીમે લાંબા સમયથી અહીં કામ કરી રહી હતી. હવે હરાજીનો આદેશ આવી ગયો છે.''

''આ જ ક્રમમાં જિઓ ટેગિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ખૂબ જલદી હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.''

''જિલ્લામાં યુરેનિયમનો ભંડાર હોવાનું પણ અનુમાન છે જેના માટે કેન્દ્ર સરકારની કેટલીક ટીમો શોધખોળમાં લાગી છે અને જલદી તેઓ એમના અભિયાનમાં સફળ થશે.''

ખનન અધિકારીના મતે હરાજી અગાઉ ચિહ્નિત ખનિજ સ્થળોની જિઓ ટેગિંગ માટે સાત સભ્યોની ટીમ 22 ફ્રેબ્રઆરી સુધી ખનન નિદેશકને અહેવાલ રજૂ કરશે. આના પછી જ ઑનલાઇન જાહેરાત કરવાનો સરકાર આદેશ આપશે.

એમણે કહ્યું કે ''જાહેરાતને લીલી ઝંડી મળ્યા પછી જ ખનનની પરવાનગી અપાશે.''

કેટલું સોનું

ઇમેજ સ્રોત, Gyan Prakash Chaturvedi

ઇમેજ કૅપ્શન,

કે કે રાય

જીએસઆઈની વાત સાચી માનવામાં આવે તો સોનભદ્રની પહાડી પર આશરે 3,000 ટન સોનાનો ભંડાર અને હરદી બ્લૉકમાં 600 કિલો સોનાનો ભંડાર છે.

જેએસઆઈ મુજબ આ સ્થળો ઉપરાંત પુલવાર અને સલઇયાડીહ બ્લૉકમાં પણ લોહ અયસ્કના ભંડારની જાણ થઈ છે.

જોકે, આ લોહ અયસ્કમાં કેટલું સોનું મળશે એ અયસ્કની ગુણવત્તા ઉપર આધાર રાખે છે.

જાણકારો મુજબ જો અયસ્કની સારી ગુણવત્તાનું હોય તો એમાંથી નીકળનાર સોનાની માત્રા અયસ્કની કુલ માત્રાથી અડધી હોઈ શકે છે.

જેએસઆઈએ અહીંની જમીનમાં 90 ટન એંડોલુસાઇટ, 9 ટન પોટાશ, 10 લાખ ટન સિલેમિનાઇટના ભંડારની પણ ખોજ કરી છે અને જલદી આ ધાતુઓનું ખોદકામ પણ શરૂ કરવામાં આવશે.

ખાણ અને ખનિજ વિભાગે આની ઇ-હરાજી માટેની કાર્યવાહી શરૂ કરી છે અને જલ્દી સોનાના બ્લૉકોની પણ હરાજી કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, Gyan Prakash Chaturvedi

વર્ષ 2005માં જિઓલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની ટીમે અભ્યાસ કરીને સોનભદ્રમાં સોનું હોવા અંગે કહ્યું હતું અને તેની પૃષ્ટિ 2012માં કરવામાં આવી હતી. જોકે, એ પછી ખનનની દિશામાં કોઈ ઠોસ કાર્યવાહી ન થઈ.

વિપુલ પ્રમાણમાં ખનિજ પદાર્થોની સંભાવનાને પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હૅલિકૉપ્ટરથી સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ સર્વેક્ષણમાં વિદ્યુતચુંબકીય ઉપકરણ સ્પેક્ટ્રોમિટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધનનો કેટલોક ભાગ હૅલિકૉપ્ટરથી નીચે લટકેલો રહે છે અને તે જમીનની સપાટીથી આશરે 100 મિટર ઉપર ઉડીને સર્વેક્ષણ કરે છે.

ઇમેજ સ્રોત, Gyan Prakash Chaturvedi

સોનભદ્રના જિલ્લા અધિકારી એન. રામલિંગમ મુજબ ''જે પહાડીમાં સોનું મળ્યું છે તેનું ક્ષેત્રફળ આશરે 108 હૅકટર છે. સોન પહાડીઓમાં તમામ ખનિજ સંપદા હોવાને કારણે પાછલા 15 દિવસથી સતત આ વિસ્તારમાં હૅલિકૉપ્ટર સર્વેક્ષણ કરાઈ રહ્યું છે.''

સોનભદ્રના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટના કહેવા મુજબ ''સોનભદ્ર ઉપરાંત ભારત સરકાર મધ્ય પ્રદેશના સિંગરોલી જિલ્લામાં, ઉત્તર પ્રદેશના બલરામ અને ઝારખંડના ગઢવા જિલ્લાના અમુક ભૂભાગોમાં પણ આવું સર્વેક્ષણ થઈ રહ્યું છે.''

સ્થાનિક પત્રકાર જ્ઞાન પ્રકાશ ચતુર્વેદી કહે છે કે, ''સોનભદ્રના દુદ્ધી તાલુકા ક્ષેત્રમાં સોન પહાડીનો ઇતિહાસ સદીઓ જૂનો છે. અહીં ક્યારેક રાજા બરિયાર શાહનો કિલ્લો હતો.''

''કિલ્લાની બેઉ બાજુ શિવ પહાડી અને સોન પહાડી સ્થિત છે. માન્યતા છે કે રાજાના કિલ્લાથી લઈને બેઉ પહાડીઓ સુધી સોનું, ચાંદી અને અષ્ટ ધાતુનો ખજાનો છુપાયેલો છે.''

''આ જ સ્થળે એક ખેડૂતને આશરે 10 વર્ષ અગાઉ ખેતર ખેડવામાં બહુમૂલ્ય ધાતુઓનો ખજાનો મળ્યો હતો જેને તંત્રે પોતાના કબ્જામાં લઈ લીધો હતો.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો