નમસ્તે ટ્રમ્પ : શું ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ હેઠળ કંઈ છુપાવાઈ રહ્યું છે?

  • ભાર્ગવ પરીખ
  • બીબીસી ગુજરાતી માટે
મેયર બિજલ પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મેયર બિજલ પટેલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત કાર્યક્રમને સંબોધિત કરવાના છે અને તે કાર્યક્રમના આયોજક તરીકે નવું જ નામ સામે આવ્યું છે.

અમદાવાદના મેયર બિજલ પટેલની કચેરીના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે તેઓ 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ'ના અધ્યક્ષ છે.

જોકે, કોણે પટેલની નિમણૂક કરી? આ સમિતિની કચેરી ક્યાં છે? સમિતિમાં અન્ય સભ્ય કોણ-કોણ છે? સમિતિ પાસેથી નાણાં ક્યાંથી આવ્યાં? વગેરે જેવા અનેક સવાલ હજુ પણ અનુત્તર છે.

'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમની ભવ્યતાની સાથે તેની પાછળના જંગી ખર્ચની ચર્ચા વચ્ચે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે (તા. 20મી ફેબ્રુઆરી) દિલ્હીમાં પત્રકારપરિષદમાં કહ્યું કે અમદાવાદમાં યોજાઈ રહેલી 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટનું આયોજન 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' કરી રહી છે.

અત્યાર સુધીની માહિતી મુજબ, અમેરિકાના પ્રમુખ અમદાવાદમાં ત્રણ કલાક માટે રોકાવાના છે અને સમાચાર સંસ્થા રૉઇટર્સના અહેવાલ મુજબ આ કાર્યક્રમના આયોજનમાં 85 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

હિસાબ ન આપવો પડે એટલે?

કાર્યક્રમના ખર્ચ બાબતે થયેલી ટીકાને સરકાર નકારી ચૂકી છે અને આ તમામ ખર્ચ લાંબાગાળાની સુવિધાઓ માટે થઈ રહ્યો તર્ક આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાત સરકારે આપેલી કોઈ પણ માહિતીમાં કે પ્રચારસાહિત્યમાં આવી આયોજક સમિતિનું નામ સામે નહોતું આવ્યું. પ્રચાર માટે લાગેલા અનેક મોટા હોર્ડિંગ્સમાં આયોજક તરીકે કોઈ સરકારી કે બિનસરકારી સંસ્થાનું નામ નથી.

શુક્રવાર પહેલાં આ કાર્યક્રમ મુદ્દે થયેલી એક પણ પત્રકારપરિષદમાં ગુજરાત સરકાર દ્વારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના અભિવાદન માટે 'ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ' રચવામાં આવી હોવાની કોઈ વાત કરાઈ ન હતી.

આમ સૌપ્રથમ વાર વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા 'ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન સમિતિ' આયોજક છે એવું કેમ કહેવામાં આવ્યું હતું.

ગુજરાતમાં ટ્રમ્પના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કેટલાક રાજકીય નેતાઓ અને પૂર્વ સનદી અધિકારી માને છે કે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનો ખર્ચ અને વિગતો વિધાનસભા કે સંસદમાં ન મૂકવી પડે અને માહિતી અધિકારના કાયદા હેઠળ જવાબ ન આપવો પડે તે માટે 'ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ'નું ગઠન કરવામાં આવ્યું છે.

પહેલાં મૂક પછી સહમતિ?

કાર્યક્રમની માહિતી માટે બનાવવામાં આવેલી વેબસાઇટ namastepresidenttrump.in પર રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઇન્ફૉર્મેટિક્સ લિમિટેડનો કૉપીરાઇટધારક તરીકે ઉલ્લેખ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જેને મુખ્ય આયોજક ગણાવી છે તે 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ' વિશે કોઈ નોંધ કે ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો.

અત્યાર સુધીની પત્રકારપરિષદોમાં સમિતિના કોઈ સભ્યોનો ઉલ્લેખ થયો હોય કે તેમની હાજરી હોય એવું પણ બન્યું નથી.

અગાઉ બી.બી.સી. ગુજરાતીએ જ્યારે મુખ્ય પ્રધાન કાર્યાલયને 'આ કાર્યક્રમ સરકાર કરી રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન?' એ સવાલ કર્યો તો મુખ્ય પ્રધાન કાર્યાલયે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

બીજી બાજુ, ગુજરાત સરકારનું સમગ્ર તંત્ર આ કાર્યક્રમ પાછળ લાગેલું છે અને શુક્રવારે બપોરે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યક્રમની તૈયારીઓની જાતસમીક્ષા કરી છે.

'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ'

અચાનક 'ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ' આયોજક તરીકે કેમ ચર્ચામાં આવી તે અંગે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શંકરસિંહ વાઘેલા માને છે આ સમિતિની વાત આખી હમ્બગ છે અને નરેન્દ્ર મોદીનું ક્રિએશન છે.

વાઘેલાએ કહ્યું કે 'આવી કોઈ સમિતિ છે જ નહીં. હું ગુજરાતનો મુખ્ય પ્રધાન અને કેન્દ્રમાં પ્રધાન રહી ચૂક્યો છું, પણ આવી રીતે કોઈ સમિતિ હોવાનું મારા ધ્યાનમાં નથી. આ નરેન્દ્ર મોદીએ ઊભું કરેલું ક્રિએશન છે. જો આવી કોઈ સમિતિ હોય તો એના હોદ્દેદારોના નામ જાહેર કરવા જોઈએ. આવી કોઈ સમિતિ હોતી નથી, આ હમ્બગ ચાલી રહ્યું છે.'

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, સંસદ, રાજ્યસભા કે વિધાનસભામાં આ કાર્યક્રમમાં સરકારે કેટલો ખર્ચ કર્યો એવો સવાલ ઊભો અને ટ્રમ્પના આવવાથી શું ફાયદો થયો એવો સવાલ ઊભો કરે તો જવાબ શું આપવો? એટલે પોતાની જાતને બચાવવા માટે નરેન્દ્ર મોદી આવી સમિતિઓ ઊભી કરે છે.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ટ્રમ્પે સીધું કહ્યું છે કે ભારત સાથે વેપારી સંબંધો માટે જતો નથી, ત્યારે ટ્રમ્પની મુલાકાત નો ખર્ચ અને તેનો હેતુ છુપાવવા માટે આ પ્રયાસ થઈ રહ્યો છે. આ કાર્યક્રમ પહેલાં અને પછી પણ પૂછાનાર સવાલોમાંથી બચી શકાય એટલે સમિતિના નામનો ઉપયોગ થઈ રહ્યો છે.

શંકરસિંહનો એવો પણ દાવો છે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એની ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ખબર નથી.

સરકારી જાહેરાત મુજબ, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપૉર્ટની 2800 બસ, ચાર હજાર ફોર વ્હિલર તથા પાંચ હજાર ટુ-વ્હિલર દ્વારા મહેમાનો સ્ટેડિયમ ખાતે પહોંચશે.

ત્યારે એસ.ટી. બસનો ખર્ચ કોણ ચૂકવશે, તે પણ એક સવાલ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ટ્રમ્પ તેમના સત્તાવાર વિમાન 'ઍરફૉર્સ વન'માં ભારત પહોંચશે

વાઘેલા કહ્યું કે, ગુજરાત સરકારની વાત કરીએ તો વિજય રૂપાણીને પોતાને જ ખબર નથી કે શું ચાલી રહ્યું છે. એમને આદેશ મળે એટલે ગાંધીનગરથી સ્ટેડિયમ દોડવાનું હોય છે.

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાએ બીબીસીને કહ્યું કે, આ સમિતિની રચના કોણે કરી? આ સમિતિને સંસદ કે વિધાનસભાએ સરકારી પૈસાનો ખર્ચ કરવાનો અધિકાર આપ્યો છે?

મહેતાએ એમ પણ કહ્યું કે જો આ સમિતિ ખાનગી હોય તો કાર્યક્રમનો ખર્ચ પણ એણે જ ભોગવવો જોઈએ.

સમિતિને સરકારી પૈસા વાપરવાનો અધિકાર?

સુરેશ મહેતાનું કહેવું છે કે આવી કોઈ સમિતિ ભૂતકાળમાં આવી રીતે બની નથી અને જો વિદેશ મંત્રાલય કહે છે, એમ આયોજન સરકાર નથી તો એનો ખર્ચ કરવાનો અધિકાર કોણે આપ્યો. સરકારના વિભાગ ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીના પૈસા ન વાપરી શકાય.

સુરેશ મહેતા માને છે કે મુલાકાત સરકારી હોય તો સરકારી પૈસા વાપરી શકાય, પરંતુ એમણે જ જાહેર કર્યું કે મુલાકાત સરકારી નથી એ જોતાં સરકારના પૈસા વાપરી લોકોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમ દેખાય છે.

વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ બી.બી.સી. 'ગુજરાતીને કહ્યું કે ટ્રમ્પ ખુદ કહે છે કે હું પોતે ઉત્સાહિત છું કે મને આવકારવા મોદી લાખો લોકોને ભેગા કરી રહ્યા છે. આ એ જ બતાવે છે કે ટ્રમ્પને મોદીએ અંગત રીતે બોલાવ્યા છે. જો નાગરિક અભિવાદન સમિતિ જેવું કંઈ પણ હોય તો કોઈક તો બહાર આવીને કહે કે અમે ટ્રમ્પને આમંત્રિત કર્યાં છે.'

એમણે એમ પણ કહ્યું કે નાગરિક અભિવાદન સમિતિ બની હોય તો એ સમિતિ લોકોને આમંત્રિત કરવા જાય, એમાં દરેક રાજકીય પક્ષના લોકો હોય, રાજ્યના પ્રબુદ્ધ નાગરિકો હોય પણ એવું કશું નથી. તો પછી તો કેવી રીતે આ સમિતિ બની હોય?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સ્વાગતના હોર્ડિંગ્સ ઉપર કોઈનું નામ નહીં

પૂર્વ સનદી અધિકારી વજુ ભાઈ પરસાણાએ આ અંગે બીબીસી ગુજરાતીને કહ્યું કે, આ નાગરિક અભિવાદન સમિતિના નામે આખો કાર્યક્રમ આખોય કાર્યક્રમ સરકારી નથી અને તે નાગરિકો માટે કરીએ છીએ, લોકોના ભલા માટે કરીયે છીએ એવું બતાવવાનો આ પ્રયાસ હોઈ શકે છે.

એમણે એમ પણ કહ્યું કે આ સમિતિનો મૂળભૂત હેતુ શું છે એ કોઈ જાહેર કરવામાં નથી આવી રહ્યું અને આટલી મોટી ઇવેન્ટ છતાં સમિતિના સભ્યોનાં નામની પણ જાહેરાત નથી થઈ તે દર્શાવે છે કે સમિતિ પ્રબુદ્ધ નાગરિકોની બનેલી નથી પણ સરકારને ખુશ કરવા માટ બનેલી છે.

જોકે, આ ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ બાબતે ભાજપના નેતા ડૉ. શ્રદ્ધા રાજપૂતે બીબીસીને કહ્યું કે સરકાર નાગરિકોથી ચાલે છે, તો આવી 'નાગરિક સમિતિ' બને અને તે પૈસા વાપરે એમાં કંઈ ખોટું નથી.

એમનો દાવો છે કે ભારતના 125 કરોડ લોકો ટ્રમ્પને આવકારવા થનગની રહ્યા છે અને એમના કાર્યક્રમમાં આટલો ખર્ચ થાય તો એ 'મામૂલી ખર્ચો' છે.

એમણે એમ પણ કહ્યું કે કૉંગ્રેસ ની જેમ અમે ભ્રષ્ટાચાર કરી પૈસા દેશની બહાર નથી લઈ જતા, દેશના પૈસા દેશમાં જ વપરાય રહ્યા છે અને એમાં ખોટું કંઈ નથી.

ડૉ. રાજપૂતનું કહેવું છે કે દુનિયાની મહાસત્તાના પ્રમુખ આપણે ત્યાં આવે છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એમને આવકારવા માટે થતાં ખર્ચ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો