અમદાવાદ : મોદી-ટ્રમ્પનું ચિત્ર ધરાવતી દિવાલ પર પેશાબ કરતી વ્યક્તિની તસવીરનું સત્ય - ફૅક્ટ ચેક

દીવાલ Image copyright Social Media/Viral

અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં કરોડોના ખર્ચે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

એ પહેલાં સોશિયલ મીડિયા પર આ દીવાલની એક તસવીર પણ લોકો શૅર કરી રહ્યા છે, જેમાં આ દીવાલ ઉપર એક વ્યક્તિ પેશાબ કરતો દેખાય રહી છે.

કેટલાક લોકો આ તસવીર પોસ્ટ કરીને એ વાતની ટીકા કરી રહ્યા છે કે કરોડોનો ખર્ચ કરીને સરકાર તૈયારીઓ કરાવી રહી છે અને આ વ્યક્તિ દીવાલ ખરાબ કરી રહી છે.

તો કેટલાક લોકો આ તસવીરમાં પેશાબ કરતી વ્યક્તિને ટાંકીને કહી રહ્યા છે કે 'આ ભારતની અસલ તસવીર છે.'

તો કેટલાક લોકો આ દીવાલને એ દીવાલ સમજી રહ્યા છે જે સરણીયાવાસની ઝૂંપડપટ્ટીની સામે બનાવવામાં આવી છે.

અમદાવાદના અમુક વિસ્તારોમાં રસ્તાઓ પર રંગરોગાન અને સજાવટ કરવામાં આવી રહી છે.

એક દીવાલ તો અમદાવાદના ઍરપોર્ટ નજીક આવેલા સરણિયાવાસ વિસ્તાર પાસે બનવવામાં આવી છે અને બીજી દીવાલ એ છે જેના પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ચિત્ર બનાવવામાં આવ્યાં છે.

જેમકે, સિટિઝન બિલાલ અહેમદ શબ્બુ નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે કે "અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની મુલાકાત ઉપર 85 કરોડ રૂપિયા મોદી સરકાર ખર્ચ કરી રહી છે. ગરીબી છુપાવવા માટે દીવાલ બનાવી છે, ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને ઝૂંપડા ખાલી કરવા માટે નોટિસ આપી છે, તે દીવાલ પર યુવક આ શું કરી રહ્યો છે, હું આની આકરી ટીકા કરું છું. "

કેટલાક લોકો દીવાલની આ તસવીર પોસ્ટ કરતાં 'ગુજરાત મૉડેલ' પર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે, તો કેટલાક રમૂજ કરી રહ્યા છે.

જેમ કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા અરવિંદ યાદવે પણ આ તસવીર શૅર કરી છે. 'મોતીપુર કૉંગ્રસ' નામના ફેસબુક યૂઝરે પણ આ ટ્વીટનો સ્ક્રીનશૉટ શૅર કર્યો છે.

આ તસવીરની તપાસ કરતા બીબીસને જાણવા મળ્યું કે આ તસવીર સત્ય નથી.


ફૅક્ટ ચૅક-1

સોશિયલ મીડિયા પર જે તસવીર એમ કહીને શૅર કરવામાં આવી રહી છે કે 'અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની મુલાકાત ઉપર 85 કરોડ મોદી સરકાર ખર્ચ કરી રહી છે. ગરીબી છુપાવવા માટે દીવાલ બનાવી છે, ઝૂંપડપટ્ટીમાં રહેનાર 45 પરિવારોને ઝૂંપડા ખાલી કરવાના નોટિસ ફટકારવામાં આવી છે, તે દીવાલ પર યુવક પેશાબ કરી રહ્યો છે.'

બીબીસીને જાણવા મળ્યું કે આ બંને દીવાલ અલગ છે.

ઝૂંપડપટ્ટની આગળ જે દીવાલ અમદાવાદ પ્રશાસને બનાવી છે તે અમદાવાદના ઍરપોર્ટ પાસે ઇન્દિરા બ્રિજ નજીક આવેલા સરણિયાવાસ પાસે બનાવવામાં આવી છે. તેની પાછળ ઝૂંપડપટ્ટીઓ છે એ વાત સાચી છે.

Image copyright BBC/Social Media

પરંતુ મોદી અને ટ્રમ્પના ચિત્ર ધરાવતી લીલો રંગ ધરાવતી દીવાલ અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી છે.

બંને દીવાલ અલગ છે. એટલે એ દાવો ખોટો છે કે 'ગરીબી છુપાવવા માટે દીવાલ બનાવી છે, તેના પર આ વ્યક્તિ પેશાબ કરી રહી છે.'


ફૅક્ટ ચૅક-2

Image copyright Social Media Post

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે પેશાબ કરતી વ્યક્તિ સાથેની તસવીર ફોટોશૉપ કરવામાં આવી છે.

એક જૂની તસવીર વાપરીને અમદાવાદની દીવાલની તસવીર સાથે ફોટોશૉપ કરીને તેને શૅર કરવામાં આવી રહી છે.

ખરેખર, ગૂગલ ઇમેજ સર્ચમાં જાણવા મળ્યું કે અમદાવાદની એક દીવાલની આ તસવીર ન્યૂઝ એજન્સી એસોશિએટેડ પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી.

આ લેખમાં આ તસવીર માટે ફોટો જર્નાલિસ્ટ અજિત સોલંકીને ક્રેડિટ આપવામાં આવી છે. સાથે લખવામાં આવ્યું છે કે અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં દીવાલ પર ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે.

જ્યાં સુધી પેશાબ કરતી વ્યક્તિનો સવાલ છે તો એ તસવીર જૂની છે.

Image copyright Facebook Post

ગૂગલ ઇમેજ સર્ચ દ્વાર જાણી શકાય છે કે આ તસવીર અનેક વખત ઑનલાઇન પ્રાકિશત થઈ છે.

પરંતુ તેને પ્રકાશિત કરવાની સૌથી જૂની તારીખ 13 જાન્યુઆરી 2012 છે, ત્યારે યુટ્યૂબ પર ન્યૂઝ ઑફ દિલ્હી નામના ચૅનલ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં આ વ્યક્તિ દેખાય છે.

આમાં દીવાલ પાસે એક વ્યક્તિ પેશાબ કરતી નજરે પડે છે અને પાછળથી અવાજ કહેવામાં આવે છે કે દિલ્હીના રજૌરી ગાર્ડન મેટ્રો સ્ટેશન પાસે લોકો કેવી રીતે પેશાબ કરે છે.

જોકે ત્યાર બાદ જાન્યુઆરી 2017માં ફેકિંગ ન્યૂઝ નામની વેબસાઇટ પર એક લેખમાં આ તસવીર પ્રકાશિત થઈ હતી.

સ્કૂપવ્હુપ વેબસાઇટ પર પ્રકાશિત એક લેખમાં પણ આ તસવીર વાપરવામાં આવી હતી.

ફૅક્ટ ચેકમાં જાણવા મળ્યું કે જૂની તસવીર સાથે ફોટોશૉપ કરીને ખોટી તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો